લૉકડાઉનમાં પતિની નોકરી છૂટતાં ધાબામાં ઓર્નામેન્ટલ છોડ વાવી દર મહિને 30,000 કમાય છે આ ગૃહિણી

કેરળના એર્નાકુલમમાં રહેતી એક ગૃહિણી સુમી શ્યામરાજ પોતાના ઘરના ધાબામાં ઓર્નામેન્ટલ છોડ ઉગાડે છે અને તે મહિનાના 30 હજાર કરતાં વધારે કમાય છે.

Sumi

Sumi

જ્યારે પણ વાત ખેતીની થાય છે ત્યારે મોટાભાગના લોકોને લાગે છે કે, આનાથી ફાયદો ત્યારે જ થાય છે, જ્યારે જમીન વધારે હોય. મોટાભાગના લોકોનું મંતવ્ય એ જ હોય છે કે, ઓછી જમીનમાં ખેતી કરીને કે પછી ગાર્ડનિંગ કરીને નફો ન કરી શકાય. પરંતુ આ વિચારસરણી એકદમ ખોટી છે, કારણકે આજ-કાલ ઘણા લોકો ધાબામાં, આંગણમાં કે બાલ્કનીમાં ગાર્ડનિંગ કરે છે. તેઓ શાકભાજી અને ફળો ઉગાડવાની સાથે-સાથે તેમાંથી સારી એવી કમાણી પણ કરે છે.

આજે ધ બેટર ઈન્ડિયા તમને એક આવી જ વ્યક્તિ વિશે જણાવી રહ્યું છે. કેરળના એર્નાકુલમમાં રહેતી એક ગૃહિણી સુમી શ્યામરાજ તેના ઘરના ધાબામાં ઓર્નામેન્ટલ છોડ ઉગાડે અને તેનાથી દર મહિને 30 હજાર કરતાં પણ વધુની કમાણી કરે છે.

સુમીએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, "લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં, મારો ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સનો બિઝનેસ કરવાનો કોઇ ઇરાદો નહોંતો. પરંતુ જે દુકાનમાં મારા પતિ કામ કરતા હતા એ દુકાન બંધ થઈ ગઈ એટલે મને છોડ વેચવાનો વિચાર આવ્યો."

Gardening Business

સુમી પાસે થાઈલેન્ડથી મંગાવેલ ઓર્નામેન્ટલ છોડની દુર્લભ જાતો છે. આ જ ઓર્નામેન્ટલ છોડમાં એક એપિસિયાએ સુમીને કમર્શિયલ રીતે આગળ વધવાનો રસ્તો બતાવ્યો.

32 વર્ષની સુમી કહે છે, "મને આજે પણ એ દિવસ યાદ છે, જ્યારે મેં મારા ફેસબુક પેજ પર - સુમીઝ ગાર્ડનમાં એપિસિયા છોડની તસવીર શેર કરી હતી. ભારતના અલગ-અલગ વિસ્તારના લોકોએ આ છોડ વિશે પૂછવાનું શરૂ કરી દીધું અને મેં પોસ્ટ શેર કરી તેના એક અઠવાડિયામાં તો ઘણા લોકોએ મને આ છોડ માટે ઓર્ડર પણ આપ્યો."

તે કહે છે કે, તેને હજી પણ વિશ્વાસ નથી થતો કે, તે ઓર્નામેન્ટલ છોડથી મહિનાના 30 હજાર રૂપિયા કમાઈ લે છે.

તેમના ગાર્ડનમાં 30 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના છોડ છે, જેમાં એપિસિયાના સૌથી વધારે ઓર્ડર મળે છે. તેની પાસે આ છોડની 80 જાત છે. એપિસિયા સિવાય, લોકો બેગોનિયા, ફિલોન્ડેડ્રોન અને પેપેરોમિયાના ઓર્ડર આપે છે.

આ વર્ષે માર્ચમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યા બાદ, સુમી કહે છે કે, તેને પોતાના પર ગર્વ છે. તેણે પોતાનો પતિ શ્યામરાજને પણ સહકાર માટે આભાર માન્યો. તેમણે કહ્યું, "ત્રણ મહિના માટે મારા પતિ પાસે નોકરી નહોંતી, પરંતુ તેમણે બધી જ રીતે મારી મદદ કરી. અમારા બે વર્ષના બાળકની દેખભાળથી લઈને ટેરેસ ગાર્ડનના કામમાં મદદ સુધી, બધામાં મારી સાથે રહ્યા."

તે વધુમાં કહે છે, વર્ષો પહેલાં તેમના ઘરે ગાય, બકરીઓ અને મરઘીઓ હતી, પરંતુ તેમને સફળતા ન મળી. પૂર અને અન્ય પરિસ્થિતિઓના કારણે તેમને પોતાનું પશુધન વેચવું પડ્યું.

સુમીને ફેસબુકના માધ્યમથી ઓર્ડર મળે છે. એક વાર ઓર્ડર મળી ગયા બાદ તે છોડને પેક કરી ગ્રાહકને મોકલે છે.

સુમી જણાવે છે, "છોડને મોકલતાં પહેલાં એક નાના કપમાં પોષિત કરવામાં આવે છે અને હું એક દિવસમાં લગભગ 10 નવા છોડ ઉગાડું છું. હું મારા ગ્રાહકોને ફંગલ સ્પ્રે ખરીદવાની સલાહ પણ આપું છું."

woman empowerment

તે ઓર્નામેન્ટલ છોડના ગ્રાહકોને સલાહ આપે છે કે, છોડને શરૂઆતમાં ઓછામાં ઓછા એક કલાક સુધી ખુલ્લામાં રાખે, જેથી તે સામાન્ય તાપમાનમાં ટેવાઇ જાય. ત્યારબાદ તેને ઉગાડી શકાય છે અને તેને નિયમિત પાણી આપતા રહેવું.

તેમણે કહ્યું, "દરેક વ્યક્તિના જીવનનું કોઇને કોઇ સપનું હોય છે. મારે છોડ બાબતે કઈંક કરવું હતું. હવે હું એ જ કરું છું, જે મને સૌથી વધારે ગમે છે. હું બધી જ ગૃહિણીઓને કહેવા ઇચ્છું છું કે, પોતાની જાતને કે પોતાની પ્રતિભાને ઉતરતી ન સમજે."

તે તેના ટેરેસ ગાર્ડનને વધુ આગળ વધારવા ઇચ્છે છે અને વધારે પ્રકારની બેગોનિયા, લેમન વાઇન અને ક્રીપર ઉગાડવા ઇચ્છે છે.

લૉકડાઉન પહેલાં પણ સુમી તેના નાનકડા ગાર્ડનમાં ઉગાડેલ શાકભાજીમાંથી થોડી-ઘણી કમાણી કરતી હતી. તે જણાવે છે કે, તેમના એક પડોશીએ ગાર્ડનિંગ પ્રત્યેનો તેનો રસ જોઇ, પોતાની જમીન ખેતી કરવા આપી હતી. માત્ર 30 સેન્ટ જમીન પર તે ટામેટાં, કોબીજ, ગાજર, ભીંડા સહિત ઘણાં શાકભાજી ઉગાડે છે. શાકભાજી તૈયાર થઈ જાય એટલે તે તેના વૉટ્સએપ ગૃપમાં શેર કરે છે અને પછી તેને ઓર્ડર મળે છે.

સુમીને એડથલા કૃષિ ભવન તરફથી કૃષકશ્રી પુરસ્કાર પણ મળ્યો છે અને તે અન્ય ગૃહિણીઓને પણ ઘરે ઓર્નામેન્ટલ છોડ ઉગાડવાની પ્રેરણા આપે છે.

સુમી શ્યામરાજ પાસેથી ઓર્ડર કરવા માટે તમે તેમનું ફેસબુક ગૃપ - Sumi’s Garden જોઈ શકો છો.

મૂળ લેખ: સંજના સંતોષ

આ પણ વાંચો: પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe