Powered by

Home હટકે વ્યવસાય એડવોકેટે કાર પર સોલર પેનલ લગાવી શરૂ કરી હરતી-ફરતી ઑફિસ, પત્ની કમાય છે દર મહિને 15 હજાર

એડવોકેટે કાર પર સોલર પેનલ લગાવી શરૂ કરી હરતી-ફરતી ઑફિસ, પત્ની કમાય છે દર મહિને 15 હજાર

એક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી દુકાન શરૂ કરી હતી

By Vivek
New Update
Solar power

Solar power

એક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી ઑફિસ શરૂ કરી હતી

કોરોના મહામારીને લીધે વિશ્વના ઘણાં દેશને મેડિકલ ઇમરજન્સી ઉપરાંત આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે. જેમાં ઘણાં બિઝનેસ ઠપ થઈ ગયાં હતાં. દેશમાં પણ કોરોના મહામારીને લીધે ઘણાં લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ અણધારી આવેલી આફતને લીધે દેશમાં લાગૂ કરાયેલાં પહેલાં લોકડાઉનમાં સરકારી ઓફિસ સહિત કોર્ટ પણ થોડાક સમય સુધી બંધ રહી હતી. જેને લીધે સરકારી કર્મચારી અને વકીલો પણ આર્થિક મુશ્કેલીમાં સંકળાઈ ગયાં હતાં. પણ, રાજકોટમાં રહેતાં એડવોકેટ આનંદભાઈને આવેલાં એક સાર્થક વિચારે તેમની આર્થિક મુશ્કેલી દૂર કરી દીધી હતી. આનંદભાઈએ તેમની કાર પર સોલર પેનલ લગાવી હરતી-ફરતી ઝેરોક્ષની દુકાન શરૂ કરી અને તેમાંથી તેમને દર મહિને 15 હજાર રૂપિયાની કમાણી થાય છે. જોકે, હવે સ્થિતિ પહેલાંની જેમ નોર્મલ થતાં આનંદભાઈના પત્ની અવનીબેન તેમના પતિ દ્વારા શરૂ કરાયલી હરતી-ફરતી ઑફિસ ચલાવે છે.

રાજકોટમાં ક્રાઇમ અને સિવીલ એડવોકેટની પ્રેક્ટિસ કરતાં આનંદભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કેવી રીતે કાર પર સોલર પેનલ લગાવી હરતી-ફરતી ઓફિસ શરૂ કરવાનો વિચાર આવ્યો તે અંગે જણાવ્યું હતું.

Mobile Xerox Van

કેવી રીતે સોલર પેનલ લગાવીને હરતી-ફરતી ઑફિસ શરૂ કરવાનો વિચાર આવ્યો
એડવોકેટ આનંદભાઈએ વાત કરતાં જણાવ્યું કે, '' હું છેલ્લાં દશ વર્ષથી ક્રાઇમ અને સિવીલ એડવોકેટની પ્રેક્ટિસ કરું છું. કોરોનાને લીધે પહેલાં લૉકડાઉનમાં કોર્ટ પણ થોડાક સમય સુધી બંધ થઈ ગઈ હતી, પણ રેવન્યૂનું કામ ચાલું હતું. આ સમય દરમિયાન મારે ઘરનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હતી. મારી પાસે પર્સનલ ઓફિસ નહોતી. મારે બહારની કોર્ટમાં જવાનું થતું હતું. જ્યાં લાઇટના પ્રોબ્લેમ ખૂબ જ હોય છે. ત્યારે મારે ડ્રાફ્ટિંગ કે, ઝેરોક્ષ કરાવવામાં ઘણી તકલીફ થતી હતી. આ પછી મને વિચાર આવ્યો કે, આપણી ખુદની ઓફિસ શરૂ કરી બિઝનેસ શરૂ કરીએ જે મને અને ધંધાકિય રીતે પણ ઉપયોગી થાય. આ પછી નક્કી કર્યું કે, કાર પર સોલર લગાવીને હરતી-ફરતી ઓફિસ શરૂ કરીએ.''

Rajkot

કાર પર સોલર લગાડવાનો ખરચો કેટલો થયો?
આ અંગે વાત કરતાં આનંદભાઈએ જણાવ્યું કે, ''મેં શરૂ કરેલી હરતી-ફરતી ઑફિસમાં ફર્સ્ટ ટાઇમનું જ ઇન્વેસ્ટમેન્ટ હતું. આ માટે મેં સોલરની પ્લેટ અલગથી લીધી હતી. આ પછી આખી તેની સિસ્ટમ લગાડવામાં દોઢ લાખ રૂપિનો ખરચો થયો હતો. જોકે, મારા ફાધરની કારમાં જ મેં સોલર સિસ્ટમ લગાવી હતી. મારા ફાધર પોરબંદર છે ત્યાંથી મેં તેમની કાર મંગાવી લીધી હતી. આજે આ બિઝનેસ શરૂ કર્યાને એક વર્ષ થઈ ગયું છે.''

કયા વિસ્તારમાં ઑફિસ ચલાવો છો?
આનંદભાઈ જણાવ્યું કે, ''મેં પહેલાં કોર્ટની બહાર બિઝનેસ શરૂ કર્યો હતો, પણ ત્યાં અમને વધુ રિસ્પોન્સ મળ્યો નહીં. જેથી અમે અત્યારે જૂની કલેક્ટરની ઓફિસ છે તેની બહાર હોઇએ છીએ. જે હોસ્પિટલ ચોકની બાજુમાં ફેમિલી કોલોનીની પાછળ આવેલી છે. અમે ઝેરોક્ષ, પ્રન્ટિંગ, ડ્રાફ્ટિંગ અને પાસપોર્ટ સાઇઝના ફોટો કાઢીએ છીએ.''

Gujarati News

દર મહિને કેટલી કમાણી થાય છે?
હરતી-ફરતી ઑફિસથી થતી આવકની વાત કરતાં આનંદભાઈ જણાવ્યું કે, ''આ બિઝનેસમાંથી દર મહિને ખરચા સહિત 15 હજાર રૂપિયાની કમાણી થાય છે. બીજી લહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ હોવાને લીધે થોડીક તકલીફ પડી હતી પણ, હવે સ્થિતિ નોર્મલ થતાં ફરી પહેલાંની જેમ આવક શરૂ થઈ ગઈ છે.''

આનંદભાઈએ અંતમાં વાત કરતાં જણાવ્યું કે, '' હવે કોર્ટ ફરી ઓપન થઈ ગઈ છે. આ દરમિયાન મેં મારી પત્નીને વાત કરી કે, તમે મારી જગ્યાએ આ કામ સંભાળો તો આપણાં કેન્સેપ્ટ જાળવી શકાય. આ પછી મારી વાઇફને લેપટોપમાં કામ કરતાં, ઝેરોક્ષ કરતાં પણ મેં શીખવાડી દીધું છે. આ બિઝનેસ માટે હું સવારે સાડા દશથી બે વાગ્યા સુધી જ હોવ છું, પણ મારી પત્ની આખો દિવસ આ સંભાળે છે. આ દરમિયાન મારી સવા ત્રણ વર્ષની દીકરી તીર્થા પણ સાથે આવે છે.''

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:બે સુરતીઓએ બનાવ્યું 1 લાખ લિટર પાણી સાફ કરતું પ્યૂરિફાયર, એક ટીંપુ પાણી પણ નથી જતું ‘વેસ્ટ’

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.