Readers only offer: Get additional Rs 200 off on 'The Better Home' powerful natural cleaners. Shop Now
X

અમરેલીના કૃષિ વૈજ્ઞાનિક પાસેથી શીખો, નાની જગ્યામાં કેવી રીતે બનાવવું લો બજેટ ગાર્ડન

શહેરમાં નાનકડું ઘર હોય, પૂરતો તડકો આવતો ન હોય તો પણ નાનકડી બાલકનીમાં બનાવી શકો છો સુંદર લો બજેટ ગાર્ડન, જાણો કેવી રીતે.

અમરેલીના કૃષિ વૈજ્ઞાનિક પાસેથી શીખો, નાની જગ્યામાં કેવી રીતે બનાવવું લો બજેટ ગાર્ડન

ગાર્ડનિંગનો શોખ તો ઘણા લોકોને હોય છે અને તેઓ ગાર્ડનિંગ કરવા પણ ઈચ્છતા હોય છે, પરંતુ જગ્યાની અછતે તેઓ કરી નથી શકતા. આજકાલ મોટાં શહેરોની સાથે-સાથે નાનાં શહેરોમાં પણ આ સમસ્યા વધી ગઈ છે.

શહેરમાં અપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકોને એકાદી બાલકની માંડ મળતી હોય છે, એટલે એ લોકો એમજ કહેતા હોય છે કે, છોડ વાવવા ક્યાં? પરંતુ આમ વિચારવું પણ ખોટું છે. ગાર્ડનિંગ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો તમે ખરેખર છોડ વાવવા ઈચ્છતા હોવ તો, નાનકડી જગ્યામાં પણ ગાર્ડન બનાવી શકો છે. આ માટે જરૂર છે યોગ્ય કુંડાં, છોડ અને સ્ટેન્ડની પસંદગીની.

ઘણા એવા પણ છોડ હોય છે, જે તડકો ઓછો આવતો હોય તો પણ બહુ સારી રીતે ઊગી શકે છે. આ સિવાય આજકાલ બજારમાં એવા પણ ઘણા છોડ મળે છે, જે કૃત્રિમ લાઈટમાં બહુ સારી રીતે વિકસી શકે છે. આ આની સાધન-સામગ્રી પાછળ થોડો ખર્ચ ચોક્કસથી થઈ શકે છે, પરંતુ નાનકડી જગ્યામાં પણ તમે સુંદર ગાર્ડન બનાવી શકો છો.

Garden in Small Place

આ બાબતે અમરેલી જિલ્લા કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. નિલેશભાઈ જોશી સાથે વાત કરતાં તેમણે કેટલીક મહત્વનાં સુચનો આપ્યાં, જે રીતે તેમણે તેમના પોતાના ઘરમાં પણ નાનકડું અને ખૂબજ સુંદર ગાર્ડન બનાવ્યું છે. નાનકડી જગ્યામાં પણ નિલેશભાઈએ લગભગ 40-50 કુંડાંમાં અલગ-અલગ ફૂલછોડ વાવ્યા છે. જેમાં રેઈન લીલી, ગુલાબ,  સેવન્તી, રજનીગંધા, મેરી કામિની, ચાંદની, અળવી, એડિનિયમ, જૂઈ, મેરીગોલ્ડ સહીત અનેક છોડ છે, જેના કારણે ઘરમાં હરિયાળીનો અનુભવ તો થાય જ છે, સાથે-સાથે ઘરનું સૌદર્ય પણ ખીલી ઊઠે છે. સવારે ઊઠતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય છે.

આ પણ વાંચો:5 ઓછા પ્રકાશવાળા છોડ જે ઘરના ગમે તે ખૂણામાં રાખી શકાય છે, જ્યાં સહેજ પણ તડકો ન આવતો હોય

Garden in Small Place

નાની જગ્યામાં વધુમાં વધુ છોડ વાવવાની કેટલીક સરળ ટિપ્સ:

 • કુંડાં રાખવા માટે સ્ટેન્ડનો ઉપયોગ કરવો, જેથી વધારે કુંડાં સમાઈ શકે.
 • હેંગિંગ પોટ્સમાં તમે સંખ્યાબંધ છોડ વાવી શકો છો. તેમાં છોડને સૂર્યનો સીધો તડકો પણ મળશે.
 • રેલિંગ પ્લાન્ટર્સના ઉપયોગથી પણ ઘણા છોડ વાવી શકાય.
 • બાલકનીમાં વજન વધી ન જાય એ માટે વજનદાર કુંડાંની જગ્યાએ ઓછા વજનવાળાં કુંડાંનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય ઘરમાં પડેલ જૂના ડબ્બાઓનો ઉપયોગ પણ કરી શકાય છે.
Budget Small Garden Ideas
 • જો તમે કોઈ નાના છોડ વાવવા ઈચ્છતા હોવ તો, તેને ગ્રો બેગ્સમાં પણ વાવી શકો છો.
 • વર્ટિકલ ગાર્ડનિંગ માટે દિવાલ પર સ્ટેન્ડ પણ લગાવી શકો છો અથવા અભરાઇ બનાવી શકો છો. જેમાં ઘણા બધા છોડ વાવી શકાય છે.
 • સમયાંતરે છોડની કટિંગ કરતા રહેવું જોઈએ, જેથી તમારું નાનકડું કાર્ડન સ્વચ્છ અને સુંદર દેખાય.
 • હોમ ગાર્ડનનું શરૂઆત હોમ કમ્પોસ્ટથી કરવી જોઈએ. જેનાથી ઘરમાંથી નીકળતા લીલા કચરામાંથી ખાતર મળી રહે. ઉપરાંત યોગ્ય પોટિંગ મિક્સનો ઉપયોગ કરવો.
 • જો ઘરે હોમ ક્મ્પોસ્ટિંગ શક્ય ન હોય તો, છાણિયા ખાતરનો કે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવો જોઈએ.
 • બાલકનીમાં વજન ન વધે એ માટી માટી ઓછી અને કોકોપીટ અને ખાતર વધુ, એ પ્રકારનું પોટિંગ મિક્સ બનાવવું જોઈએ.
 • જો નાની બાલકનીમાં જ ઘણા છોડ વાવ્યા હોય તો, તડકો આવે એ પ્રમાણે કુંડાંની જગ્યા બદલતા રહેવું જોઈએ, જેથી છોડનો વિકાસ સારો થાય.

આ પણ વાંચો: શું ચોમાસામાં મચ્છરનાં ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં વાવો આ ‘મચ્છર ભગાડતા છોડ’

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)