પિતાના અવસાન બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા દિવ્યેશભાઈ રોજની 150 પતરાળી બનાવે છે. પ્લાસ્ટિકની પ્લેટ્સ આવ્યા બાદ એક તરફ પતરાળી ભૂલાઈ રહી છે, પરંતુ પર્યાવરણના બચાવ અને આપણા નાના કારીગરોને રોજગારી મળે એ માટે તેનો ઉપયોગ ફરીથી કરવો ખૂબજ જરૂરી છે.
લગ્ન કે મરણપ્રસંગનો જમણવાર હોય કે નાની-મોટી પાર્ટી હોય, પહેલાંના સમયમાં પતરાળીનો ઉપયોગ થતો હતો, પરંતુ આજે આ પતરાળીનું સ્થાન પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ પ્લેટોએ લઈ લીધું છે. જેમાં ઘણાં નુકસાન છે. તેમાંનું એક છે પ્લાસ્ટિકના કારણે પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ. તો બીજી તરફ પતરાળીની સરખામણીમાં આ પ્લેટો મોંઘી પડે છે, તેથી તેનું સીધુ નુકસાન ગ્રાહકના ખિસ્સાને પડે છે. અને બીજી તરફ પતરાળીની પ્રથા લગભગ મૃતપ્રાય થવાથી ઘણા નાના-નાના કારીગરોની રોજી-રોટી પણ છીનવાય છે. તો બીજી તરફ પતરાળીનું ચલણ વધે તો, ઘણા આદિવાસી પરિવારોને આનાથી રોજી મળી શકે છે. આ પતરાળીઓ પ્લાસ્ટિકની સરખામણીમાં બહુ સસ્તી હોય છે અને સૌથી મહત્વની વાત, તેનાથી પ્રદૂષણ નથી ફેલાતું. ઉપયોગ બાદ આ પતરાળીને ડમ્પયાર્ડ કે ઉકરડામાં નાખવામાં આવે તો તે ખાતરમાં ફેરવાઈ જાય છે, જેનો ઉપયોગ ઑર્ગેનિક ખેતી માટે થઈ શકે છે.
આજે અમે વાત કરી રહ્યા છીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામના એક એવા યુવાનની, જે લાખો લોકો માટે પ્રેરણા બની શકે છે. આ વિસ્તાર સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે. વહેવલમાં જ મહુવા તાલુકાનું સૌથી મોટું જંગલ આવેલ છે, જ્યાં ખાખરા એટલે કે પલાશનાં અસંખ્ય ઝાડ છે. જેથી અહીંના લોકો વર્ષોથી પલાશના પાનમાંથી પતરાળી બનાવવાનું કામ કરે છે. અહીંના નાના છોકરાને પણ પતરાળી બનાવતાં તો આવડતી જ હોય, પરંતુ પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગ બાદ ધીરે-ધીરે આ લોકોનું કામ પણ ઘટતું ગયું. પરંતુ આજે પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યેશભાઈ રોજની 100 – 150 પતરાળી બનાવી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે. આજે પણ મહુવા તાલુકાનાં વહેવલ, ઉમરા, વલવાડા, ભોરીયા, સાંબા, ધામખડી, માછીસાદડા, મહુવરીયા, બુટવાડા, પુના સહિતનાં ગામોમાં શુભ-અશુભ પ્રસંગોમાં પતરાળીનું ચલણ છે.
દિવ્યેશભાઈ દિવ્યાંગ છે અને તેઓ બિલકુલ ચાલી શકતા નથી. પોતાની દૈનિક ક્રિયાઓ માટે પણ તેઓ પરિવાર પર નિર્ભર છે. દિવ્યેશભાઈનાં માતા-પિતા છૂટક મજૂરીકામ કરતા હતા, પરંતુ થોડા સમય પહેલાં જ તેમના પિતાનું અવસાન થતાં પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો. આ સમયે દિવ્યેશભાઈએ વિચાર્યું કે તેમને બાળપણથી પતરાળી બનાવતાં તો આવડે જ છે, તો તેઓ પતરાળી બનાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે છે.
તેમના આ નિર્ણયમાં તેમને પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો. અને બીજી તરફ જોવા જઈએ તો સહયોગ તો મળે જ ને, કારણકે આજે એકતરફ બધી રીતે હુષ્ટ-પુષ્ટ લોકો પણ કામચોરી કરવાના રસ્તા શોધતા હોય છે ત્યાં દિવ્યાંગભાઈ એક ડગલું પણ ચાલી શકતા નથી છતાં આ રીતે પરિવારને આર્થિક રીતે મદદ કરવા આગળ આવે તો, આ વાત તો પરિવાર માટે પણ ગર્વની બાબત ગણાય.
રોજ સવારે વહેલા દિવ્યેશભાઈનાં માતા ગીતાબેન જંગલમાં જાય છે અને ત્યાંથી ખાખરાનાં પાન તોડી લાવે છે અને પછી જ બીજાં ઘરકામ કરે અને મજૂરીએ જાય. ત્યારબાદ આખા દિવસ દરમિયાન આ પાનમાંથી દિવ્યેશભાઈ પતરાળી બનાવે છે. આ પતરાળીને અહીંના આદિવાસી લોકો સ્થાનિક બોલીમાં ‘બાજ’ કહે છે. એક તરફ આપણે પ્લાસ્ટિકની પ્લેટ ખરીદીએ તો એક પ્લેટના ઓછામાં ઓછા 5 રૂપિયા આપવા પડે છે ત્યાં આ 100 પતરાળીની કિંમત માત્ર 150 રૂપિયા છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, આ ગામ ખૂબજ અંતરિયાળ છે, એટલે આ પતરાળી વેચવી ક્યાં એ અહીંના લોકોની સૌથી મોટી સમસ્યા છે.
ગામના જ એક અગ્રણી કલ્પેશભાઈ પટેલ અને શિક્ષક યોગેશભાઈ પટેલ દિવ્યેશભાઈને આ મહુવા-ઉનાઈ સહિતના આસપાસના વિસ્તારમાં પહોંચાડવામાં અને વેચવામાં મદદ કરે છે. સાથે-સાથે તેઓ લોકોને જાગૄત પણ કરે છે. આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં યોગેશભાઈએ કહ્યું, “એક શિક્ષક હોવાના કારણે આસપાસના ઘણા લોકો મને ઓળખે છે. જેથી હું તે લોકોને સમજાવું છું કે, આ ઈકો ફ્રેન્ડલી પતરાળી જમણવારમાં વાપરવાથી ભોજનનો સ્વાદ અનેરો લાગે છે, પર્યાવરણને જરા પણ નુકસાન થતું નથી અને સૌથી મહત્વનું ઘણા નાના કારીગરોને રોજગારી મળી રહે છે. એટલે હવે ધીરે-ધીરે લોકોમાં આ બાબતે જાગૄતિ આવી રહી છે અને તેઓ તેમના ઘરે પ્રસંગમાં પતરાળીનો ઉપયોગ કરતા થયા છે, જેના કારણે દિવેશભાઈને મહિનામાં 4 હજાર આસપાસ આવક મળી રહે છે. આમ તો આ આવક આજના સમય પ્રમાણે બહુ ઓછી ગણાય, પરંતુ આ એક શરૂઆત છે. જો ધીરે-ધીરે લોકોમાં જાગૃતિ આવે તો દિવ્યેશભાઈ અને તેમના જેવા ઘણા પરિવારોને રોજગારી મળી રહે અને પર્યાવરણને પણ ઘણુ નુકસાન થતું અટકે.”
ધ બેટર ઈન્ડિયા દિવ્યેશભાઈના જુસ્સાને બિરદાવે છે અને સાથે-સાથે મૃતપ્રાય થતી આપણી આ કળાઓને જીવંત રાખવા અને લોકોને રોજગારી પૂરી પાડવા તેમજ પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરતા કલ્પેશભાઈ અને યોગેશભાઈને પણ વંદન કરે છે. જો તમને આ લેખ ગમ્યો અને તમે પણ આ પતરાળી ખરીદવા ઈચ્છતા હોવ તો યોગેશભાઈને +91 99256 32101 નંબર પર વૉટ્સએપ કરી શકો છો. (વિનંતિ: આ નંબરનો ઉપયોગ માત્ર વૉટ્સએપ મેસેજ માટે જ કરવો.)
આ પણ વાંચો: ભોજનમાં પતરાવળીનો ઉપયોગ વધારવા માટે રંગ લાવી ડોક્ટરની મહેનત, 500+ પરિવાર જોડાયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167