Placeholder canvas

પતિના અવસાન બાદ, “ભાવે તો જ પૈસા આપજો” ના સૂત્ર સાથે સુરતી નારીએ શરૂ કર્યું ભોજનાલય

પતિના અવસાન બાદ, “ભાવે તો જ પૈસા આપજો” ના સૂત્ર સાથે સુરતી નારીએ શરૂ કર્યું ભોજનાલય

અત્યાર સુધી માત્ર ગૃહિણી તરીકે જીવન જીવતાં સુરતનાં નીલમબેનના પતિનું અકાળે અવસાન થતાં ડિપ્રેશનમાં સરી પડ્યાં, ત્યારબાદ બે બાળકોની જવાબદારી ઉપાડવા શરૂ કર્યું ભોજનાલય. હીરા ઉદ્યોગના કામદારોને બંને સમય જમાડે છે ઘર જેવું ગરમાગરમ ભોજન

સવારે પાંચ વાગે ઉઠવું, બે બાળકોને તૈયાર કરી તેમના માટે નાસ્તો બનાવવો અને પછી પોતાના ભોજનાલય માટે જવું. દરરોજ માટેનું તાજુ શાક પણ રસ્તામાંથી જ લઈ જવું. પહોંચીને ભોજનાલયની સફાઈ કરી શાકભાજી ધોઈને તેને સમારવાં. એકલાહાથે જ ગ્રાહકો માટે દાળ-ભાત-શાક બનાવવાં અને રોટલી તો ગરમાગરમ ઉતારીને જમાડવી. રસોઈથી લઈને સફાઈ સુધીનાં બધાં જ કામ જાતે જ કરે છે આ ગુજરાતી નારી. એટલું જ નહીં રાત્રે ગ્રાહકી પૂરી કર્યા બાદ જેટલા પણ વાગે ઘરે જાય એટલા વાગે બીજા દિવસ માટે ઘઉંનો લોટ પણ ઘરની ઘંટીમાં  જ દળવાનો, જેથી જમવા આવતા લોકોને પોતાના ઘરે જ જમતા હોય તેવો અનુભવ થાય. નીલમબેનના આટલા બીઝી શિડ્યૂલ વચ્ચે અમને બપોરના સમયે થોડી વાત કરવાની તક મળી, જેમાં તેમના સંઘર્ષ અને દુ:ખદ ભૂતકાળની વાતો પણ જાણવા મળી અને તેમાંથી જ ઊભરી આવેલ તેમની આજની સફળ છબી જોવા મળી.

આજે અમે સુરતમાં રહેતા નીલમબેન પાઠકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના પતિના અવસાન બાદ હિમ્મત હાર્યા વગર બીજા કોઈ પર આધાર રાખવા કરતા સ્વનિર્ભર થવા, પગભર થવા માટે એક ભોજનાલયની શરૂઆત કરી છે કે જે દ્વારા તેઓ બપોર અને રાત્રે બંને સમયે લોકોને માત્ર 60 રૂપિયામાં શુદ્ધ ગુજરાતી ભોજન પ્રેમથી ખવડાવે છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા નીલમબેન પાઠકે પોતાની જિંદગીના કપરા કાળમાં કંઈ રીતે હિમ્મત અને જુસ્સો સાચવીને આજે નાના પાયે આ ધંધાની શરૂઆત કરી તેના વિશે વિગતવાર જણાવ્યું છે જે આપણે આગળ વાંચીશું.

Bhojanalay In Surat

2021 ના ફેબ્રુઆરી મહિનામાં ઘર પર પહાડ તૂટી પડ્યો
નીલમબેનને જયારે તેમણે આ જે સાહસ કેમ શરુ કર્યું તે વિશે પૂછ્યું તો તેમણે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે આ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અચાનક જ તેમના પતિનું અવસાન થયું. હજી તો તેમના બંને સંતાનો પણ નાના હતા. એક દીકરી ફક્ત ચૌદ વર્ષની હતી અને દીકરો અઢાર. બંને સંતાનોને ભણાવવાની જવાબદારી, ઘરની જીવન જરૂરિયાત માટે પૈસા વગેરેની બધું જ તેમના પતિની કમાણી દ્વારા સંતોષતું હતું અને તેઓ તો ફક્ત ગૃહિણી તરીકે જ ઘરની વિવિધ જવાબદારીઓનું વહન કરતા હતા. પણ આમ અચાનક પતિના અવસાન પછી ઘર પર પહાડ તૂટી પડ્યો. અને તેના કારણે જ તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા. હવે આગળ શું કરવું તે બાબતે તેમને કંઈ જ સુજતુ નહોતું.

નાનપણથી જ પિતાએ આપેલી સમજ અને દીકરાના પ્રોત્સાહને કરી મદદ
તેઓ આગળ કહે છે કે પતિના અવસાન બાદ ત્રણ મહિના સુધી તેઓ ભયંકર ડિપ્રેશનમાં રહ્યા. પરંતુ નાનપણથી જ પિતાજીએ આપેલી શિખામણના કારણે નિરાશાના આ સમય દરમિયાન પણ તેમણે ક્યારેય પરિવારના કોઈ બીજા વ્યક્તિઓ પર આધારિત થવાનું ન વિચાર્યું. થોડા સમય પછી આમ જ એક દિવસ નીલમબેનને તેમના પુત્રએ અચાનક એક સુઝાવ આપ્યો કે,”મમ્મી તું રસોઈ ખુબ સારી બનાવે છે અને અમને સૌને તારા હાથની રસોઈ ખુબ જ ભાવે છે તો પછી આપણે એક ભોજનાલયની શરુઆત કરીએ તો.” આ પાછળ તેમના દીકરાનો કમાણી કરતા પણ બીજો મુખ્ય આશય એ જ હતો કે નીલમબેન કોઈકને કોઈક પ્રવૃત્તિમાં ક્રિયાશીલ રહે અને નકારાત્મક વિચારો તથા ડીપ્રેશનમાંથી બહાર આવે. નીલમબેનને પોતાના દીકરા દ્વારા મળેલ આ સુઝાવ પસંદ આવ્યો અને લગ્ન બાદ પોતે ફક્ત ગૃહિણી તરીકે જ ઘણા વર્ષોથી કાર્યરત હતા તેમણે પોતાની મેળે પગભર થવા માટે ડગ માંડ્યા.

Surat Restaurant

શરુ કર્યું વૈષ્ણવી ભોજનાલય
નીલમબેન જણાવે છે કે, ભોજનાલય બનાવવાના નિર્ણય પછી અમે સૌથી પહેલા તો જ્યાં સસ્તા દરે ભાડે કોઈ જગ્યા મળી રહે અને સાથે સાથે ઘરાકી પણ સારી એવી બંધાય તેવો વિસ્તાર પસંદ કરવાનું વિચાર્યું. થોડા સમયની શોધખોળ બાદ અમે અમારું ભોજનાલય સુરતના ડાયમંડ વિસ્તારમાં જેરામમોરાની વાડી, કતારગામ ખાતે જુલાઈ મહિનામાં શરુ કર્યું. આ ભોજનાલય શરુ કરવા માટે 30000 રૂપિયા ડિપોઝીટ અને માસિક ભાડા પેટે અમુક રૂપિયા નક્કી કરી શરૂઆતમાં કરિયાણા માટે 6000 રૂપિયા ખર્ચી આરંભ કરવામાં આવ્યો. બંને સમય ભોજન માટેના શરૂઆતમાં 80 રૂપિયા રાખવામાં આવ્યા પણ હાલના સંજોગો અને માહોલ જોતા તેને ઘટાડી 60 રૂપિયા કર્યા જેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઇ શકે.

કોઈ પણ નોકર કે લોકોની મદદ વગર એકલા હાથે જ સાંભળે છે ભોજનાલય
નીલમબેન આગળ જણાવે છે કે તેઓ ભોજનાલયની શરૂઆતથી અત્યાર સુધી કોઈ નોકર કે બીજા કોઈ લોકોની મદદ લીધા વગર રસોઈથી લઈને વાસણ ધોવા સુધીના કામકાજ એકલા હાથે જ સાંભળે છે. તેમના ભોજનાલયમાં બપોરે દાળ-ભાત, રોટલી, શાક ફિક્સ હોય છે જયારે છાસ તેમજ પાપડ માટે અલગથી પૈસા લેવામાં આવે છે. અને રાત્રી દરમિયાન પણ આ પ્રમાણે જ મેનુની ગોઠવણી છે.

તેમની દૈનિક દિનચર્યા વિશે જયારે અમે પૂછ્યું તેઓ જણાવે છે કે તે સવારે વહેલા પાંચ વાગે ઉઠી બાળકો માટે નાસ્તો બનાવી તેમને અભ્યાસ માટે રવાના કરે છે અને ત્યારબાદ તેઓ ભોજનાલય માટેની તૈયારી શરુ કરે છે. તેમનું ભોજનાલય રાત્રીના 9 થી 9:30 સુધી ખુલ્લું હોય છે અને લોકોના જમીને ગયા બાદ તેની સાફ સફાઇને કારણે તેઓ દરરોજ રાત્રે 10:30 આસપાસ ઘરે જાય છે. આ કારણે તેઓ રાત્રે પોતાના બાળકોને જમવા માટે ભોજનાલયથી જ પાર્સલ મોકલાવે છે.

Surat Restaurant

સંતાનોના પિતાના અવસાન પછી નીલમબેને ઘરમાં ક્યારેય તેમના સંતાનોને પિતાની ખોટ ન વર્તાવી જોઈએ તે ભાવના સાથે જિંદગીમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. આજે તેમનો પુત્ર કોલેજના પ્રથમ વર્ષમાં છે જયારે દીકરી પણ સારી એવી સ્કૂલમાં ભણી રહી છે. નીલમબેન કહે છે કે,”હવે ધીમે ધીમે લોકો મારી રસોઈને પસંદ કરવા લાગ્યા છે અને આવવા લાગ્યા છે. અત્યારે હું એટલું બધું તો નથી કમાઈ રહી કે મારા ઘરની બધી જ જવાબદારી તેમાંથી સચવાઈ જાય પરંતુ તો પણ એક સારી આશા સાથે અમે આગળ જતા બધું જ સારું થઇ જાય તે માટે હું સતત, દરરોજ મારી જાતને આ ભોજનાલયને હજી પણ સારી એવી સ્થિતિમાં લઇ જવા પ્રયત્ન કરી રહી છું.

છેલ્લે તેઓ ફક્ત એટલું જ કહે છે કે આ કોરોના કાળમાં મારા જેવી ઘણી સ્ત્રીઓ આર્થિક, સામાજિક અને બીજી કોઈ પણ રીતે તકલીફોનો સામનો કરી રહી છે. તો તેમને બસ એટલી જ વિંનંતી છે કે ખાલી હાથે બેઠા રહ્યા કરતા નાના પાયે આત્મનિર્ભર થવા માટે આજીવિકા રળવા માટે તેની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર કોઈક ને કોઈક પ્રવૃત્તિમાં જોતરાઈ જઈ પોતાની મેળે આગળ વધવું જ હિતાવહ છે ના કે કોઈ બીજા લોકોના ભરોસે બેસી રહેવું.

ધ બેટર ઇન્ડિયા પરિવાર નીલમબેન તેમજ તેમના જેવા જ વિચારો તથા સંઘર્ષ ધરાવતી ગુજરાત અને ભારતની તમામ બહેનોને હૃદય પૂર્વક વંદન કરે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પ્રવેશતાં જ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે અમદાવાદનું આ ફાર્મહાઉસ, પર્યાવરણનું રાખ્યું છે સંપૂર્ણ ધ્યાન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X