એક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSC

ખેત મજૂરી કરતાં પરિવારના આ યુવકે પહેલી ટ્રાયલે જ પાસ કરી GPSCની પરીક્ષા, વાંચો ક્લાસ 1 અધિકારી મુસ્તાક બાદીની સંઘર્ષ ગાથા

એક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSC

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને થોડાં દિવસ પહેલાં તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમને કરિયરની શરૂઆતના દિવસમાં સૌથી પહેલું ખરીદેલા સ્કૂટરનો ફોટો શેર કર્યો હતો. મોહમ્મદ અઝરુદ્દીને અત્યાર સુધી તે સ્કૂટરને સારી રીતે સાચવીને રાખ્યું છે. જોકે, આ વાત એક સેલિબ્રિટીની છે. હવે વાત કરીએ એક સામાન્ય માણસમાંથી ઉચ્ચ અધિકારી બનનાર ગુજરાતના વર્ગ -૧ના અધિકારી મુસ્તાક બાદીની. જેમણે અથાગ મહેનત પછી સફળતા મેળવી છે અને સફળ થયાં પછી તેમના પહેલાં પગારમાંથી લીધેલ વસ્તુ તેમણે આજે પણ તેમને સાચવીને રાખી છે.

મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામના વતની મુસ્તાક બાદીએ ધ બેટર ઇન્ડિયા સાથે તેમની સંઘર્ષથી સફળતા સુધીના સ્મરણો વાગોળ્યા હતાં. મુસ્તાક બાદીએ આ દરમિયાન જણાવ્યું કે, “હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી છું. મેં ટોળ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે. આ પછી બાજુના ગામમાં નવ કિલોમીટરનું સાઈકલથી અપડાઉન કરી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મેં કૉલેજનો અભ્યાસ મોરબીથી કર્યો અને માસ્ટર ડિગ્રી રાજકોટની પીડીએમ કોલેજથી કરી હતી. જ્યારે GPSCની તૈયારી કરતો હતો. ત્યારે મારા માતા અને મોટાભાઈ ખેતમજૂરી કરી મને સપોર્ટ કરતાં હતાં.”

UPSC અને GPSCની તૈયારી ક્યારે શરૂ કરી?
UPSC અને GPSCની તૈયારીની વાત કરતાં મુસ્તાક બાદીએ જણાવ્યું કે, ‘‘ મારે કુટુંબને આર્થિક મદદ કરવાની હોવાથી જલ્દી નોકરીની જરૂર હતી. તે સમયે જલ્દી નોકરી મેળવવા માટે પી.ટી.સી.નો કોર્ષ સૌથી સારો ગણાતો. પરંતુ, એસ.એસ.સી.માં ઓછા માર્ક્સ આવવાથી પી.ટી.સી.માં એડમિશન ન મળ્યું. બીજો વિકલ્પ આઈ.ટી.આઈ. હોવાથી તેમાં વાયરમેનના બે વર્ષના કોર્ષમાં એડમિશન લીધું. જેનાથી ઉજ્જવળ ભવિષ્ય ન જણાતા તે કોર્ષ એક વર્ષ બાદ અધૂરો મૂકીને કોમર્સમાં એડમિશન લીધું.”

IAS
Mustak With Mother

“એ દરમિયાન એચ.એસ.સી. બાદ પી.ટી.સી. માં એડમિશન મળશે એવો નિયમ બદલાયો અને શિક્ષક બનવાની તમન્ના ફરીથી જાગી ઉઠી! પરંતુ, પી.ટી.સી.માં એડમિશન માટે ફક્ત દોઢ ટકા માર્ક્સ ઓછા પડ્યા. આ પછી બી.કોમ.માં એડમિશન લીધું. ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે કોલેજમાં મયંક દંગી સરે ક્લાસમાં એકવાર કહ્યું હતું કે, ગ્રેજ્યુએશન પુરુ થયાં પછી તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકો છો. આ રીતે અત્યારથી તમે થોડું-થોડું વાંચવાનું શરૂ કરો. ત્યાર પછી હું મારા ગામથી મોરબી બસમાં અપડાઉન કરતો હતો. આ દરમિયાન બસ સ્ટેશનના બૂક સ્ટોલમાં કોમ્પિટિવ એક્ઝામનું મેગેઝિન જોઈ ગયો હતો. ત્યારથી કોમ્પિટિટીવ એક્ઝામની શરૂઆત કરી દીધી હતી.”

કેવી રીતે GPSC ફર્સ્ટ ટ્રાયલમાં પાસ કરી?
GPSCની પરીક્ષા પાસ કરવા અંગે મુસ્તાક બાદીએ વાત કરતાં કહ્યું કે, “મેં કોલેજ દરમિયાન મેગેઝીન વાંચવાની તૈયારી શરૂ કરી દીધી હતી અને એમ.કોમ. પૂરું કર્યા બાદ એક વર્ષ સઘન મહેનત કરી. એ દરમિયાન 2005માં GPSCની પરિક્ષા આપી હતી. જેનું રિઝલ્ટ વર્ષ 2006માં આવ્યું હતું. જે પરિક્ષા એક ટ્રાયલે પાસ કરી લીધી હતી.”

મુસ્તાક બાદીએ પરિક્ષાની તૈયારી કરતી વખતે ઘણી મુશ્કેલી વેઠી હતી. આ અંગે તેમણે વાત કરતાં કહ્યું કે, “મારા ગામમાં કોઈ ખાસ પ્રકારની સુવિધા ન હતી. મારા ઘરે ટીવી પણ ન હતું. કરન્ટ અફેર્સથી અપડેટ રહેવા પડોશીના ઘરે સમાચાર જોવા જવું પડતું હતું. તેમજ અખબાર વાંચવા દુકાને જવું પડતું હતું. અને રેડિયો પર આવતાં સમચારથી કરન્ટ અફેર્સની માહિતી મળી રહેતી હતી. આ ઉપરાંત લવાજમ ભરતો હોવાથી મેગેઝિન પોસ્ટમાં ઘરે આવી જતું હતું. અત્યારે જે રિસોર્સિસ છે જેવા કે, ઇન્ટરનેટ, યુટ્યૂબ એવું ત્યારે કંઈ જ ન હતું. ફેમિલીમાંથી મને ગાઈડ કરનારું પણ કોઈ ન હતું.”

કોલેજ કરવાની સાથે ગામના છોકરાઓને ટ્યુશન કરાવી ખર્ચો કાઢ્યો
આ અંગે પણ વાત કરતાં તેમણે જણાવ્યું કે, “કોલેજમાં હતો ત્યારે મેં ત્રણેય વર્ષ દરમિયાન બૂક ખરીદી જ ન હતી. કારણ કે, બુક ખરીદવા રૂપિયા ન હતાં. બીજા સ્ટૂડન્ટ્સની બૂક્સ લઈ ઘરે લાવું અને તેની નોટ્સ બનાવી તેમને પાછી આપી દેતો હતો. આ પછી તે નોટ્સ વાંચીને તૈયારી કરતો હતો. સાથે-સાથે હું મારા ગામમાં ટ્યૂશન ક્લાસ પણ કરાવતો હતો. જેમાં એક વિદ્યાર્થી દીઠ માત્ર પચાસ રૂપિયા ફી રાખી હતી. કેમ કે, ગામમાં કોઈ આર્થિક રીતે સદ્ધર ન હતા. આ રીતે મારો ખુદનો ખર્ચ કાઢ્યો અને મારો ગોલ અચીવ કર્યો.”

“આ ઉપરાંત મેં મારી લાઇફમાં પ્રથમ વખત ટી.વાય. બી.કોમ.માં ટ્યુશન રાખ્યું હતું. વર્ષ ૨૦૦૦ એ ‘મિલેનિયમ યર’ હતું ત્યારે દુષ્કાળ હતો. ત્યારે સરકાર દ્વારા ચાલતા રાહતકાર્યમાં મેં મારા ગામમાં ચોકડી ખોદી હતી. હું 18 છોકરાઓને ટ્યુશન કરાવતો તેમાંથી 900 રૂપિયા કમાતો હતો. તે સમયે સરકારનો પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ચાલતો હતો. તેમાં હું પ્રેરક તરીકે જોડાયો હતો. ત્યારે 750 રૂપિયા માનદ વેતન આપતાં હતાં. આ દરમિયાન શૈલેષ સગપરિયા સાહેબનો સંપર્ક થયો હતો. ત્યારે મેં ઓલરેડી GPSCની પ્રિલિમ પાસ કરી લીધી હતી. પરીક્ષા આગળના તબક્કાઓ માટે સગપરીયા સાહેબનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું હતું.”

GPSC
Mustak’s First Phone

GPSC નું ઇન્ટરવ્યૂ કેવું રહ્યું?
GPSCમાં આપેલાં ઇન્ટરવ્યૂ વિશે પણ મુસ્તાક બાદીએ મોકળા મને જણાવ્યું કે, “GPSCનો ઇન્ટરવ્યૂ આપ્યા પહેલાં મેં લિબર્ટી કરિયર એકેડમી, અમદાવાદ ખાતે મૉક ઇન્ટરવ્યૂ આપ્યા હતાં. આ પછી એક્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ ખૂબ જ ટફ હતું. જેમાં ઘણાં પ્રશ્નોના જવાબ મને આવડ્યા પણ ન હતાં. જેની પ્રામાણિકતાથી ના પાડી દીધી હતી. કારણ કે, અમને ગાઇડન્સમાં કહેવામાં આવ્યું હતું કે, તમને જે પ્રશ્નોના જવાબ આવડે એ જ જવાબ આપવાં. મેં જવાબ આવડતો નથી એવું કહેલું હોવાથી હું મેન્ટલી થોડું સ્ટ્રેસ ફીલ કરતો હતો.” આ પછી વરિયા સાહેબે મને એક પ્રશ્ન પૂછ્યો કે, “માની લો કે, તમે સિલેક્ટ થઈ ગયા છો. તમે ઑફિસર છો અને તમારી નીચેનો કર્મચારી રૂપિયાની ઉચાપાત કરે છે. જેની તમને જાણ થાય છે. તો તમે શું કરો ?” આ સવાલ પરથી મેં વિચાર્યું કે હું ખરેખર અધિકારી છું અને તેના જવાબમાં મેં કહ્યું કે, “સૌ પ્રથમ તો હું મારી કચેરીનું કામ નાણાકીય નિયમો મુજબ જ થાય તે જોઉં પરંતુ તેમ છતાં જો કોઈ ઉચાપત કરે તો તેની સામે નિયમોનુસાર જ કાર્યવાહી કરું.” આ સાંભળી વરિયા સાહેબે સામો સવાલ કર્યો કે “એ કર્મચારી તમને એવું કહે કે હું પરિવારમાં કમાવનારો એક જ છું તમે મને સસ્પેન્ડ કરશો તો હું આપઘાત કરી લઈશ. તો તમે શું કરશો?” જેના જવાબમાં મેં કહ્યું કે, “હું તો નિયમો મુજબ જ તેની સામે કાર્યવાહી કરું.” આ સવાલનો જવાબ આપ્યા પછી મારામાં વધારે કોન્ફિડન્સ આવી ગયો. પછી આખું ઇન્ટરવ્યૂ સારું ગયું. જે 22 થી 24 મિનિટ ચાલ્યું હતું.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ટિપ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ગ – ૧ના અધિકારી મુસ્તાક બાદીએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. જે વિદ્યાર્થીઓને ઘણું ઉપયોગી થઈ શકે છે. મુસ્તાક બાદીના જણાવ્યા મુજબ, “અત્યારની પરીક્ષા પદ્ધતિ છે તે એવી છે કે વિદ્યાર્થીને કેટલું યાદ રહે છે તે ચકાસવાની છે. કોમ્પિટિટીવ એક્ઝામમાં નોલેજ ચકાસવામાં આવે છે, યાદશક્તિ નહીં. સૌથી પહેલાં તો જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરે છે તેમણે પાંચમા ધોરણથી દશમા ધોરણની ટેક્સ્ટ બૂક અને અન્ય જરૂરી રેફરન્સ બુક વાંચવાથી શરૂઆત કરવી જોઈએ. વાંચવાનો ગોલ એવો રાખશે કે તેઓ GPSC કે UPSC કે અન્ય કોઈ પરીક્ષા પાસ કરવા માટે વાંચે છે તો તેઓ કદાચ સફળ નહીં થાય અને ગોલ એવો રાખશે કે તેઓ નોલેજ મેળવવા માટે વાંચે છે અને તેઓએ આ લાઇફટાઇમ યાદ રાખવાનું છે તો ચોક્કસ સફળ થશે. તેમજ રીવીઝન ખૂબ જ જરૂરી છે.”

GPSC

“મેં ખુદ આ રીતે જ તૈયારી કરી હતી. રીવીઝન માટેની 24X7 ફોર્મ્યુલા મને ખૂબ ઉપયોગી રહેલ હતી. જે ફોર્મ્યુલા મુજબ જે કંઈ વાંચવામાં આવે તેનું પ્રથમ વખત 24 કલાક બાદ ‘એટ એ ગ્લાન્સ’ રીવીઝન અને બીજી વખત 7 દિવસ બાદ રીવીઝન કરવાનું રહે છે. કરંટ અફેર્સ પર ખાસ ધ્યાન આપવું તેમજ બિનઉપયોગી ન વાંચવું. ઘણા બધા પુસ્તકો એકઠા કરવાથી તેમાંથી બધું વાંચી શકાતું નથી. એના બદલે થોડા અને સારા પુસ્તકો ઘણી બધી વખત વાંચવા વધું ઉપયોગી થશે. કોઈ પરીક્ષામાં નાપાસ થવાથી જીંદગીમાં નાપાસ નથી થતા એ યાદ રાખવું. પરમાત્મા જે કરે એ આપણા માટે સારું જ હોય છે. મને દોઢ ટકા માર્ક્સ વધુ મળ્યા હોત તો મારું ભવિષ્ય કંઇક અલગ હોત”

આ ઉપરાંત મુસ્તાક બાદીએ તેમના પોસ્ટિંગ અંગે પણ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, “વર્ષ 2007માં પહેલાં ક્લાસ – 2 અઘિકારી તરીકે મારું ફર્સ્ટ પોસ્ટિંગ જામનગરમાં થયું હતું. પછી વર્ષ 2013માં જામનગરમાં જ ટ્રાન્સફર થઈ. 2014માં અરવલ્લી – મોડાસામાં ક્લાસ – 1 અધિકારી તરીકે પ્રમોશન મળ્યું. આ પછી 2016માં ફરી જામનગર જિલ્લા પંચાયતમાં ટ્રાન્સફર થઈ અને ઑક્ટોબર 2018 થી જિલ્લા તિજોરી અધિકારી તરીકે ભૂજ-કચ્છમાં છું.”

ફર્સ્ટ સેલેરીનો ઉપયોગ કેવી રીતે કર્યો
પ્રસ્તાવનામાં જણાવેલ રહસ્યનો જવાબ આપીએ તો મુસ્તાક બાદીએ જણાવ્યું કે, “જ્યારે જામનગર પોસ્ટિંગ મળ્યું ત્યાર પહેલાં ચાર મહિના ગાંધીનગરમાં ટ્રેનિંગમાં લીધી હતી. ટ્રેનિંગ જ્યારથી જોઈન કરો ત્યારથી જ રેગ્યુલર પગાર ચાલુ થઈ જાય છે. મેં 12 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કર્યું હતું. તેથી અડધો પગાર મળ્યો હતો. ત્યારે મારી પાસે મોબાઇલ ન હતો. એટલે પહેલા પગારમાંથી મેં નોકિયાનો 2626 મોબાઇલ ખરીદ્યો હતો. જે મેં આજ સુધી સાચવી રાખ્યો છે. આ ઉપરાંત મેં મારા ગામના ગરીબ બાળકોને જમાડવાનું નક્કી કર્યું હતું અને પછી મેં મારા ગામે જઈને બધા બાળકોને જમાડ્યા હતાં.”

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ખેતી કરી, ઊંટ-લારી પણ ચલાવી, અમદાવાદમાં ફરજ નિભાવતા IPS ઓફિસરે બદલી નાખ્યો ઈતિહાસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)