/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-1.jpg)
Organic Farming In Gujarat
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ખેડૂતની કે જે જૈવિક ખેતી તો કરે જ છે પણ સાથે સાથે તેમાંથી થતા વિવિધ પાકોનું પ્રોસેસિંગ કરીને પોતાની રીતે જ વેચીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ફાગસ ગામના ખેડૂત એવા શ્રી જયદિપસિંહ જાડેજાએ ખેતીના ક્ષેત્રમાં એક નવો ચીલો ચાતર્યો છે. જયદિપસિંહે પોતે 10 પાસ કર્યા પછી આઈટીઆઈ કરેલ છે અને ત્યારબાદ 2001 માં તેઓ ખેતી સાથે જોડાયા પણ ટૂંક જ સમયમાં તે છોડીને ત્રણ વર્ષ માટે એક પાક માટેની રાસાયણિક દવા વેચતી કંપનીમાં માર્કેટિંગ એજન્ટ તરીકે પણ કામ કર્યું. જીવ હંમેશાં પહેલાથી જ ખેતી તરફ ઝૂકેલો રહેતો હોવાથી તેમણે આ નોકરી છોડી ફરી પાછા ખેતી કરવાનું શરુ કર્યું. આજે જયદિપસિંહ ખેતીમાં નવીનીકરણ દ્વારા સફળતા મેળવવા ઘણા ખેડૂતો માટે એક અભ્યાસનો વિષય બન્યા છે તેમ કહેવામાં કોઈ નાનપ નથી. તો ચાલો તેમની આ સફર વિશે આપણે આગળ લેખમાં સવિસ્તાર જાણીએ.
/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-2-1024x580.jpg)
રાસાયણિક ખેતીથી જૈવિક ખેતી તરફ પ્રયાણ
જયદીપ સિંહ જણાવે છે કે," શરૂઆતમાં હું પણ પરંપરાગત રીતે ચાલી આવતી રાસાયણિક ખેતી જ કરતો હતો પણ આજથી સાત વર્ષ પહેલા જ મેં ખેતીમાં કંઈક નવીન કરવા માટે વિચાર્યું અને તે માટે ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર ફરી જેઓ અળસિયા આધારિત જૈવિક ખેતી કરતા હતા તેમની પાસેથી વિવિધ જાણકારી મેળવી ઘરે આવી મેં પણ અળસિયા આધારિત ખેતી અમલમાં મૂકી જે લગભગ ત્રણ વર્ષ સુધી મેં કરી. પરંતુ તેમાં મને એટલો ઝાઝો ફરક ના પડ્યો કેમકે અળસિયાને સાચવવા અને તેમાંથી ખાતર બનાવવા માટેની મજૂરી મને પોસાય તેમ ન લાગી. તે પછી મેં વિધિવત રીતે 25 વીઘામાં ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરી જે અત્યારે પણ કાર્યરત છે.
જૈવિક ખેતીની શરૂઆતમાં પડતી મુશ્કેલીઓ અને નિવારણ
તેઓ જણાવે છે કે જૈવિક ખેતીની શરૂઆત જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એટલી બધી મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. પરંતુ હા, શરૂઆતના એકાદ વર્ષ દરમિયાન તમારું ઉત્પાદન થોડું નબળું રહે છે અને રોગ તથા જીવાતનું પ્રમાણ પણ વધારે રહે છે જેને તમે આંશિક રીતે જ રોકવામાં સફળ થાઓ છો તેથી ઘણા ખેડૂતો શરૂઆતથી જ નાસીપાસ થઇ જાય છે જે યોગ્ય નથી. પણ ધીમે ધીમે આગળ જતા જૈવિક ખેતીના કારણે જમીન તથા પાક મજબૂત થતા રોગ કે જીવાતનો એટલો ઉપદ્રવ હોવા છતાં પણ એટલું બધું પણ નુકસાન નથી થતું.
/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-3-1024x580.jpg)
બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની ક્યારેય કોઈ દિવસ તમારી પાસે જે જમીન છે તેમાં એકસાથે બધી જ જમીનમાં જૈવિક ખેતીની શરૂઆત ના કરીને થોડા વિસ્તારથી જ તેની શરૂઆત કરવાની જેથી આર્થિક રીતે કોઈ મોટો ફટકો ના પડે અને આવક જળવાઈ રહે. તેમજ જયારે જૈવિક ખેતી ઉત્પાદન આપતી થાય ત્યારે બીજી જમીનોને પણ જૈવિક રીતે ઢાળવાની શરૂઆત કરવાની અને આમ આગળ બધી જ જમીનમાં જૈવિક ખેતી શરુ કરવાની. જેમ કે, મારી પાસે 65 વીઘા મારી પોતાની તથા 20 વીઘા ઉધેડ લીધેલી જમીન છે પણ તેમાંથી અત્યારે હૂં ફક્ત 25 વીઘામાં જ જૈવિક ખેતી કરી રહ્યો છું અને ધીરે ધીરે જૈવિક ખેતીના વિસ્તારને વધારી રહ્યો છું જે આગામી સમયમાં સંપૂર્ણ વિસ્તારમાં લાગુ પડી જશે. 25 વીઘા સિવાયની જમીનમાં હું ભારે રાસાયણિક ખતરો કે દાવાઓનને ઉપયોગને ધીરે ધીરે ઘટાડી વોટર સોલ્યૂબલ ખાતર અને બીજા એવા ઓછા નુકસાન કરતા રાસાયણિક રીતોને આવરી ખેતી કરી રહ્યો છું. પરંતુ આગળ જતા આ આખી જમીનમાં જૈવિક ખેતી જ થશે.
/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-4-1024x580.jpg)
જીવામૃત અને એરંડી ખોળનો ઉપયોગ
આગળ વાત કરતા તેઓ જણાવે છે કે જૈવિક ખેતીની શરૂઆતમાં સૌ પ્રથમ તેઓ જમીનને સંપૂર્ણ પણે પ્લાસ્ટિક અથવા વાનસ્પતિક કચરાથી ઢાંકી દે છે જેને એક રીતે મુલચિંગ કહેવામાં આવે છે જેના દ્વારા જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે. ત્યારબાદ તે પુરી સીઝન દરમિયાન સૌથી વધારે ફક્ત જીવામૃત પર આધાર રાખે છે એને રોજ તાજું 200 લિટર જીવામૃત બનાવી તેને થોડા દિવસ પડ્યું રાખી, ટપક સિંચાઈ મારફતે પિયત દરમિયાન નિયમિત આપતા રહે છે ત્યારબાદ જો જરૂર જણાય તો જ તેઓ પાકને એરંડી ખોળને પૂરક ખાતર તરીકે આપે છે આ સિવાય જમીન તથા પાકના પોષણ માટે તેઓ બીજું કંઈ વધુ નથી કરતા.
જીવાત અને રોગનું નિયંત્રણ
શરૂઆતમાં જીવાત અને રોગનું પ્રમાણ જોવા મળશે પરંતુ ધીમે ધીમે જૈવિક ખેતીમાં થોડો સમય જતા આ સમસ્યા સામે જમીન તથા પાક બન્ને મજબૂત બનીને ઉભરી આવે છે. તેમ છતાં હું રોગ કે જીવાત જોવા મળે કે ન મળે પણ અમુક જૈવિક રોગનાશક તેમજ કીટનાશક તરીકે અસરકારક પદાર્થો જેમ કે દસ પર્ણી અર્ક, ગૌમૂત્ર, ખાટી છાસ, લીંબોળી તેલ, વગેરેનો ઉપયોગ કરું છું.
/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-5-1-1024x580.jpg)
ઉત્પાદિત પાકની પ્રોસેસિંગની શરૂઆત
જયદિપસિંહ જણાવે છે કે તેમને જયારે ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરી એ વર્ષથી જ હળદર, તુવેર માર્ચ, તથા મગફળીનું પ્રોસેસીંગ કરીને તેમાંથી પાવડર અને સીંગતેલ વગેરે બનાવી પોતાની દીકરીના નામે બ્રાન્ડ બનાવી વેચાણ શરુ કર્યું જેમાં તેમને પરંપરાગત રીતે પાકની વેચણ કરતા ખેડૂતો કરતા દોઢ ગણો નફો થવા લાગ્યો. આગળ તેઓ જણાવે છે હવે હું ધીરે ધીરે સમગ્ર જમીનને જૈવિકમાં આવરી લઇ આ પ્રમાણે એક જેવીકે જૈવિક બ્રાન્ડને વધારે લોકો સુધી પહોંચાડવા માટે ઓનલાઇન વેચાણ પણ કરીશ.
/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-6-1024x580.jpg)
ફાર્મર પ્રોડ્યૂસ ઓર્ગેનાઇઝેશન(FPO) સ્થાપવા તરફ પ્રયાણ
જયદિપસિંહ કહે છે કે જે રીતે પોતે ખેતી કરે છે તેને પોતાના તથા પોતાની બાજુમાં આવેલા બંને તાલુકાના ખેડૂતો સાથે મળીને આગળ વધારવા માટે એક સંસ્થા ની સ્થાપના કરી લગભગ ગાય આધારિત ખેતી કરતા આ બન્ને તાલુકાના 200 જેટલા ખેડૂતો માટે આગળ જતા એક સારી એવી તક ઉભી કરવાની ઈચ્છા છે.
છેલ્લે પોતાની વાત પુરી કરતા તેઓ જણાવે છે કે હાલ જૈવિક ખેતી કરતા ખેડુતો માટે એક જ મુખ્ય સમસ્યા છે કે દેશમાં જૈવિક પાકના વેચાણ માટેની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી તેથી ખેડૂતોને જાતે જ મથવું પડે છે અને સાથે સાથે તેઓ એ આશા પણ રાખે છે કે આગામી સમયમાં આ દિશામાં કંઈક નક્કર પગલાં લેવાશે જ જેની શરૂઆત વત્તા ઓછા પ્રમાણે થઇ જ ગઈ છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/10/Jamnagar-Farmer-7-1024x580.jpg)
જો તમે પણ જયદીપસિંહનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવવા ઇચ્છતા હોવ અને તેમની જૈવિક પ્રોસેસીંગ કરેલ વસ્તુઓને ખરીદવા ઇચ્છતા હોવ તો 9427225076 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આંગણમાં જૈવિક શાકભાજી વાવી નવસારીનાં બહેન મહિને કમાય છે 12 હજાર, દીકરીને ભણાવવાની મહેનત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.