કહેવાય છે ને કે, આવડત અને હોશિયારી માટે દર વખતે ડિગ્રીની જરૂર નથી હોતી. બસ આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું ગુજરાતના આદિવાસી તાલુકા મહુવામાં. અહીં શિક્ષણનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળે છે. પોતાની વસ્તુ વેચવી હોય કે કોઈ વસ્તુ ખરીદવી હોય તો, આજે પણ શહેર સુધી જવું પડે ત્યાં એક યુવાને કઈંક હટકે કરી બતાવ્યું છે.
મહુવા તાલુકાના વહેવલના 36 વર્ષના મનીષભાઈ માત્ર 12 ધોરણ સુધી જ ભણ્યા છે, પરંતુ હંમેશથી કઈંક નવું કરવાની હોશ છે તેમનામાં. આ જ કારણે મનીષભાઈ અને અલ્પાબેને તેમના નાસ્તાના કાઉન્ટર સાથે અલગ-અલગ ફ્લેવરના શેરડીના રસનું કોલુ શરૂ કર્યું છે.
મહુવા બાજુ નીકળવાનું થાય તો, મહુવા – અનાવલ સ્ટેટ હાઈવે પર વહેવલ ગામમાં પ્રવેશતાં જ તેમનું શેરડીના રસનું કોલુ જોવા મળી જશે. એક તરફ લોકો રોજગારી નથી મળતી તેની બૂમો પાડતા હોય છે ત્યાં, મનીષભાઈ જેવા યુવાનો હટકે રસ્તા શોધી યુવાનો માટે નવું ઉદાહરણ પૂરું પાડે છે.

મનીષભાઈ અને તેમનાં પત્ની અલ્પાબેન બંને 12 ધોરણ સુધી જ ભણ્યાં છે. બંને વહેવલ ગામની બહાર ગરમ નાસ્તાનું કાઉન્ટર અને શેરડીના રસનું કોલુ ચલાવે છે. આ દરમિયાન મનીષભાઈને હંમેશાં અવનવું કરવાના શોખના કારણે આમાં પણ કઈંક અખતરો કરવાનો વિચાર આવ્યો. ત્યાં બાજુમાં શાકભાજી વેચતાં બહેન પાસેથી થોડી કોથમીર લઈ શેરડીના રસમાં કોથમીરનો રસ પણ મિક્સ કર્યો. ત્યારબાદ પહેલાં તેમણે પોતે તેને ચાખ્યો અને બહુ સરસ લાગ્યો, ત્યારબાદ ગ્રાહકોને પણ બહુ ભાવવા લાગ્યો. ત્યારબાદ તેમણે લીંબુ ફ્લેવર, આદુ ફ્લેવર, સંતરા ફ્લેવર અને અનાનસ ફ્લેવરના શેરડીના રસની પણ શરૂઆત કરી.
જોકે આ કામ પણ મનીષભાઈ માટે એટલું સરળ તો નથી જ. લીંબુ, આદુ અને કોથમીર તો મનીષભાઈને સ્થાનિક માર્કેટમાંથી મળી રહે છે, પરંતુ અનાનસ માટે તેમને ખાસ આસપાસનાં મોટાં શહેરમાં જવું પડે છે, પરંતુ અહીં હાર નથી માનતા મનીષભાઈ, તેમના માટે ગ્રાહકોનો સંતોષ અને પ્રેમ જ સૌથી મહત્વનાં છે. અને એટલે જ તેમનો શેરડીનો રસ આજે આસપાસનાં ગામડાંમાં પણ ખૂબજ લોકપ્રિય બની ગયો છે. મનીષભાઈ લોકોને તેમની પસંદ અનુસાર તાજો જ જ્યૂસ બનાવીને આપે છે.

આ જ કારણે અહીંથી પસાર થતા લોકો તો અહીં શેરડીનો રસ પીવા અચૂક ઊભા રહે જ છે, સાથે-સાથે આસપાસના ગામના લોકો પણ અહીં શેરડીનો રસ પીવા આવે છે. એટલું જ નહીં, અહીં આસપાસમાં કોઈના ત્યાં પ્રસંગ હોય કે પાર્ટી હોય તો તેઓ પણ મનીષભાઈને જ ઓર્ડર આપે છે. તેનાથી લોકોને અવનવા સ્વાદનો શેરડીનો રસ પણ પીવા મળે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાય છે. રસપ્રદ વાત તો એ છે કે, તમે કોઈ પણ ફ્લેવરનો તાજો શેરડીનો રસ પીવો, તેનો ભાવ માત્ર 10 રૂપિયા જ છે. એક દિવસમાં લગભગ 800 થી 1000 રૂપિયાનો વકરો પણ થઈ જાય છે. ધીરે-ધીરે તેમનો આ શેરડીનો રસ વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે.
આ બાબતે વહેવલના જ શિક્ષક યોગેશભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “હું ક્યારેય કોઈ મલ્ટિનેશનલ કંપનીનાં કોલ્ડ્રિંક્સ પીવાનું પસંદ નથી કરતો. હંમેશાં આ શેરડીનો રસ જ પીવું છું. જેથી મને અવનવા સ્વાદવાળો તાજો-તાજો શેરડીનો રસ પીવા મળે છે અને સાથે-સાથે સ્વાસ્થ્ય પણ સચવાય છે અને આપણા દેશમાં આ રીતે મહેનત કરી ઉપર આવવાવાળા લોકોને રોજગારી પણ મળી રહે છે.”
આ પણ વાંચો: દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર મહુવાના દિવ્યેશભાઈ પતરાળી બનાવી આર્થિક રીતે બન્યા આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.