ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. સૌથી વધુ હરિયાળી, સાક્ષરતા ધરાવતો વિસ્તાર પણ છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિરપાડા ગામના સોનુભાઇ ચૌધરીએ ખેતીમાં પિયતની સમસ્યા દૂર કરવા માટે જાત મહેનતે ખેત તલાવડી તૈયાર કરી અને તેમાં માછલીપાલનનો પણ શરૂ કર્યો. જેના પ્રતાપે ખેતીમાં પિયતની સમસ્યા દૂર થઇ અને માછલીપાલનના કારણે તેમની આવક 35 હજારથી વધીને દોઢથી બે લાખ સુધી પહોંચી. તેમની સફળતાને જોઇ અન્ય ખેડૂતો પણ આ પ્રકારે ખેતીની સાથે માછલીપાલનનો વ્યવસાય શરૂ કરવા લાગ્યા છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ખેડૂત સોનુભાઇ ચૌધરી જણાવે છે કે, અમારા બાપ-દાદાઓનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. જેને અમે આજે પણ અનુસરી રહ્યા છે. જોકે મારા પરિવારમાં અમે પાંચ ભાઇઓ હતા, જે મુજબ બધા વચ્ચે જમીન વહેંચાતા મારા ભાગે માંડ દોઢથી બે હેક્ટર જમીન હાથ આવી હતી. જેમાં મુખ્યત્વે હું ડાંગર અને નાગલીની ખેતી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે માત્ર વરસાદ આધારીત ખેતીમાં જોખમ વધુ રહેતું હોય છે. જેથી ખેતીમાં પિયતની સમસ્યાના સમાધાનરૂપ વર્ષ 2007માં ખેત તલાવડી બનાવવાનો વિચાર મને આવ્યો હતો. જાત મહેનતે તલાવડી તૈયાર કરવાની હોવાથી ઘણો સમય અને ખર્ચ થાય તેમ હતું. આ દરમિયાન જ અમારા પરિવારની માલડી વેચતા તેમાં મારા ભાગે દોઢ લાખ રૂપિયા જેવું આવ્યું હતું. જે તમામ રુપિયા મેં ખેત તલાવડી તૈયાર કરવામાં લગાવી દીધા હતા. ભારે મહેનત અને પરેશાની બાદ 15થી 17 ફૂટ ઉંડી ખેત તલાવડીનો ખાડો ખોદાઇ ગયા બાદ ચોમાસામાં પણ વરસાદી પાણી તલાવડીમાં રહેતું નહોતું અને બધું ધોવાઇ જતું. જ્યારબાદ ખ્યાલ આવ્યો કે ડાંગ જિલ્લાની માટીની જમીન હોવાથી તેની પર પાણી ટકતું જ નથી અને બધું જ શોષાય જાય છે. જેથી આ તલાવડી જો તૈયાર કરવી હશે તો તેની પર સારી ગુણવત્તાનું પ્લાસ્ટિક પાથરવું પડશે અને જાળવણી રાખવી પડશે. આ પ્રક્રિયા માટે વાપીની એક-બે કંપનીનો સંપર્ક કર્યો જેમાં જાણવા મળ્યું કે, આ પ્રક્રિયા અને પ્લાસ્ટિક પાછળ ઓછામાં ઓછો ત્રણથી ચાર લાખ જેટલો ખર્ચ થઇ શકે તેમ છે. જેથી તે દરમિયાન આ વિચારને પડતો મૂકવાની ફરજ પડી હતી.
આ સમગ્ર મહેનત બાદ પણ સોનુભાઇને સફળતા હાથ ના લાગતા તેમને તે તલાવડી માટે ખોદેલા ખાડાને સાતથી આઠ વર્ષ સુધી જૈસે થે રહેવા દીધો હતો. વર્ષ 2014-15માં તેઓ ડાંગ જિલ્લામાં ખેડૂતો માટે કામ કરતી આગાખાન સંસ્થાના સંપર્કમાં આવ્યા હતા. આ સંસ્થા ખેડૂતોની આવક વધારવા, ટેક્નોક્રેટ થવામાં અને અવનવા પાક લેવામાં તેમની મદદ કરે છે. સંસ્થા સાથેની મીટિંગ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, ખેતીની સાથે માછલીપાલનમાં પણ સારી આવક રળી શકાય તેમ છે. એક જ તલાવડીમાંથી પિયત માટેનું પાણી અને માછલીપાલન શક્ય બની શકે છે. જેથી તેમને પોતે ખાડા ખોદેલો હોવાની રજૂઆત સંસ્થા સમક્ષ કરી. તેમને માત્ર પ્લાસ્ટિક પાથરવાની સહાયની જરૂર હોવાનું જણાવ્યું. જેથી સંસ્થા દ્વારા ખેત તલાવડી માટે પ્લાસ્ટિકની મદદ કરવા સાથે માછલીપાલનની પણ તાલીમ આપવામાં આવી. જોકે ડાંગ જિલ્લામાં માછલીપાલનનો કોઇ ખાસ વ્યવસાય ન હોવાથી તે પણ એક જોખમ હતું. જે સોનુભાઇએ ઉપાડવાનું સાહસ કર્યું અને વર્ષ 2017માં આગાખાનની મદદથી દસ વર્ષ અગાઉ જોયેલું તલાવડી બનાવવાનું સોનુભાઇનું સપનું સાકાર થયું.

તલાવડીને બે ભાગમાં વહેંચી
તલાવડી તૈયાર થઇ ગયા બાદ તેને બે ભાગમાં વહેંચવી પડે તેમ હતી. કેમકે પિયત માટે તૈયાર કરેલો ખાડો 15થી 17 ફૂટ ઉંડો હતો જ્યારે માછલીપાલન માટે માત્ર 6થી 7 ફૂચ ઉંડા ખાડાની જરૂર રહેતી હોય છે. સોનુભાઇને આ એક જ તલાવડી બે રીતે ફાયદો કરાવવાની હતી. ચોમાસા સિવાયની ખેતી માટે પિયતની વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી પરંતુ હવે માછલીપાલનની વ્યવસ્થા કરવાની હતી.

સોનુભાઇ કહે છેકે, માછલીપાલન માટે તેમની તલાવડીના અમૂક ભાગમાં પૂરણ કરીને સાત ફૂટનો ખાડો રાખ્યો અને તેના પર પણ પ્લાસ્ટિક પાથરી દીધું. જેની ઉપર ગોબર, યુરિયા અને ચૂનાનું મિશ્રણ કરીને લીપણ કરવામાં આવ્યું. શરૂઆતના સમયમાં માત્ર ત્રણ ફૂટ પાણી રાખવાનું હોય છે. જેમાં માછલીના હજાર જેટલાં બચ્ચા છોડી દેવાના હોય છે. આ માછલીના બચ્ચાં જેમ જેમ મોટા થતાં જાય તેમ તેમ અડધો ફૂટ પાણી વધારતા રહેવું પડતું હોય છે. જ્યારે માછલી મોટી થઇ જાય ત્યારે છ ફૂટ પાણી રાખવાની જરૂરિયાત રહેતી હોય છે. શરૂઆતના છ માસ સુધી માછલીને કોઇ ખોરાક આપવાની જરૂર રહેતી નથી. પાણીમાં કરેલા લીપણમાંથી જ તેમને ખોરાક મળી રહેતો હોય છે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે સપ્તાહમાં બેકે ત્રણ વખત ફીડિંગ કરવું પડે છે.

આવક 35 હજારથી વધીને દોઢથી બે લાખ સુધી પહોંચી
સોનુભાઇ ચૌધરી જણાવે છેકે, સામાન્ય ખેતી કરવાથી સિઝનની માત્ર 35થી 40 હજારની જ આવક રળી શકતો હતો. પરંતુ આગાખાનના સંપર્કમાં આવ્યા બાદ ખેતીમાં પણ અમે બદલાવ લાવ્યો અને ડાંગરની સાથોસાથ મરચા, ટામેટાં, બ્રોકલીની ખેતીથી આવકમાં ઘણો ફરક પડ્યો. આ સાથે માછલીપાલનમાં શરૂઆતના દોઢથી બે વર્ષ કોઇ આવક નહોતી થઇ પરંતુ વર્ષ 2019થી આવક શરૂ થઇ અને મારી વાર્ષિક આવક દોઢથી બે લાખ સુધી પહોંચી ગઇ છે.

માછલીઓ વેપારીઓને નહીં પરંતુ સીધા ગ્રાહકોને વેચીએ છીએ
સોનુભાઇ જણાવે છેકે, માછલીના બચ્ચાંને મોટા થવામાં સામાન્ય રીતે દોઢથી બે વર્ષનો સમય લાગી જતો હતો. જેથી માછલીપાલનમાં બે વર્ષ બાદ આવક થવાની શરૂ થાય છે. શરૂઆતમાં અમે 40 રૂપિયે કિલો માછલી વેપારીને વેચતા હતા અને તે જ વેપારી બજારમાં 200 રુપિયે કિલો વેચતા હતો. જે અંગેની જાણ થતાં અમે પણ થોડા સચેત થયાં. ત્યારબાદ અમે સીધા ગ્રાહકોનો માછલી વેચવાનો નિર્ણય કર્યો. આ માટે અમે આસપાસના ગામમાં શાકભાજીની જેમ જ ગ્રાહકોને માછલી વેચવાનું શરૂ કર્યું અને તેનાથી આવક પણ ત્રણ ગણી વધી ગઇ.

આસપાસના વિસ્તારમાં 20 જેટલી તલાવડી તૈયાર કરાવી
સોનુભાઇ ચૌધરીએ સંસ્થાની મદદથી એક તલાવડીમાં સફળતા મળતા માછલીપાલન માટે અન્ય એક તલાવડી પણ બનાવી છે. આ સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ તલાવડી તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે. સોનુભાઇએ પોતાની આવડત અને સમજણથી આસપાસના વિસ્તારમાં 20 જેટલી ખેત તલાવડી તૈયાર કરી આપી છે. જેનાથી સ્થાનિક ખેડૂતોને પિયતમાં અને માછલીપાલનમાં ખાસ્સો ફાયદો થઇ રહ્યો છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.