/gujarati-betterindia/media/post_attachments/2021/08/Ecohouse.jpg)
ecohouse
"લોકો માટે ઘર બનાવવું એક સપનું હોય છે, પરંતુ ટકાઉ ઘર બનાવવું એ એક કળા છે," બેંગલુરુની રહેવાસી નેત્રાવતી જે.નું એવું માનવું છે. 35 વર્ષીય નેત્રવતી અને તેનો પતિ નાગેશ બંને એન્જિનિયર છે અને જુદી જુદી કંપનીઓમાં કામ કરે છે. વર્ષ 2016માં, દંપતીએ તેમનું ઘર પ્રકૃતિને અનુકૂળ બનાવ્યું. આજે અમે તમને આ ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા નેત્રાવતીએ કહ્યું, “નાગેશ 2011માં પોંડીચેરી ગયો હતો અને ઈકો ફ્રેન્ડલી અને ટકાઉ ઘર બનાવવા વિશે જાણ્યું હતુ. આ પછી જ અમે નક્કી કર્યું હતું કે અમારું ઘર ઇકો ફ્રેન્ડલી હશે. જો કે, અમારું ઘર 2016માં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી અમે આ ઘરમાં રહીએ છીએ. આ ઘરની દરેક ક્ષણે પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ થાય છે." તેમના ઘરમાં, તેમણે માટીના બ્લોક્સ, ટાઇલ્સ, પથ્થરો અને ઉપરથી છત માટે પાઈન લાકડા જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જેના કારણે, દરેક ઋતુમાં તેમના ઘરની અંદરનું તાપમાન સંતુલિત રહે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/08/Bengaluru-Ecohouse-1024x580.jpg)
સમજી વિચારીને બનાવેલું પ્રકૃતિને અનુકૂળ ઘર
તેણે જણાવ્યુ કે તેમનું ઘર 1600 ચોરસ ફૂટમાં બનેલું છે. લોકો ઘર બનાવતા પહેલા ભઠ્ઠામાંથી ઇંટો, સિમેન્ટ અને રેતી વગેરે લાવે છે. પરંતુ નેત્રાવતી અને નાગેશ પહેલેથી જ નક્કી કરી ચૂક્યા હતા કે તેઓ વધુમાં વધુ પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરશે. તેથી તેઓએ ઘરના નિર્માણ માટે સામાન્ય ઇંટોને બદલે CSEB (કોમ્પ્રેસ્ડ સ્ટેબિલાઇઝ્ડ અર્થ બ્લોક) નો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું, “આ CSEB બ્લોક્સ અમારી જમીનમાંથી કાઢવામાં આવેલી માટીમાંથી બનાવવામાં આવ્યા છે. અમારે બીજે ક્યાંયથી માટી લેવાની જરૂર નહોતી. વળી, આ બ્લોક્સનું કાર્બન ઉત્સર્જન સામાન્ય ભઠ્ઠા પર બનેલી ઇંટો કરતા 12.5 ગણી ઓછું છે.”
આ પછી, બીજી ઇકો ફ્રેન્ડલી રીત ઓછામાં ઓછો સિમેન્ટનો ઉપયોગ કરવાની હતી. નેત્રાવતીએ આ વિશે કહ્યું કે સૌ પ્રથમ તેણીએ તે સ્થળો પર જોયું જ્યાં સૌથી વધુ સિમેન્ટ વપરાય છે અને કઈ રીતે તેઓ સિમેન્ટનો ઉપયોગ ઓછો કરી શકે છે.
“અમે સામાન્ય કોંક્રિટ સ્તંભો બનાવવાને બદલે અમારી દિવાલો પર આધાર રાખ્યો હતો. અમે કોંક્રિટ બીમ અને કોલમ બનાવ્યા નથી, પરંતુ અમારા ઘરમાં 'લોડ બેરિંગ સ્ટ્રક્ચરલ સિસ્ટમ'નો ઉપયોગ કરે છે, જે લોડને સ્લેબમાંથી ફાઉન્ડેશનમાં દિવાલો દ્વારા ટ્રાન્સફર કરે છે. ઉપરાંત, અમે છતના બાંધકામમાં આરસીસીની જગ્યાએ માટીના બ્લોક્સ અને આર્ચ પેનલ્સનો ઉપયોગ કર્યો છે, જેના કારણે છતના નિર્માણમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ ઓછો થયો છે.”તેમણે કહ્યુ.
આ રીતે છત બનાવવાનો એક ફાયદો એ છે કે તેમના ઘરનું તાપમાન હંમેશા સંતુલિત રહે છે. તેમનું ઘર ઉનાળામાં બહારના તાપમાન કરતા ઠંડુ અને શિયાળામાં સહેજ ગરમ હોય છે. આ કારણે તેમના ઘરમાં AC કે કુલરની જરૂર નથી. પંખો પણ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/08/Bengaluru-Ecohouse-1-1024x580.jpg)
આ પણ વાંચો:કેશોદના 2 ભાઈઓના ઘર & ખેતરે ક્યાંય નથી આવતું વિજળી-પાણીનું બિલ, ઘી-દૂધ-શાક બધું જ ઑર્ગેનિક
કુદરતી પ્રકાશનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે
શરૂઆતથી જ, તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે ઘરને શક્ય તેટલો કુદરતી પ્રકાશ મળે. આ માટે તેમણે આખા ઘરમાં સ્કાયલાઇટ, દિવાલોમાં જાળી અને મોટી બારીઓ લગાવી છે. તેનાથી પ્રકાશ જ નહીં પણ સૂર્યપ્રકાશ અને તાજી હવા ઘરને હળવું રાખે છે. તેમણે કહ્યું કે આનાથી તેમના વીજ વપરાશમાં પણ ઘટાડો થયો છે. “અમારા ઘરમાં ટ્યુબલાઇટ અને પંખાનો ઉપયોગ ઓછો છે. તેના કારણે વીજળીનું બિલ ઘણું ઓછું થઈ ગયું છે. અમારું વીજળીનું બિલ કોઈપણ સામાન્ય ઘર કરતા 30% ઓછું આવે છે.” તેમણે કહ્યુ.
એ જ રીતે, તેઓએ ફ્લોર માટે કોટા પથ્થર અને માટીની ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. દિવાલો પર કોઈ પ્લાસ્ટર નથી અને તેથી તેઓ કુદરતી દેખાય છે. તેમણે કહ્યું કે ઘણીવાર આધુનિક રસોડા બનાવવાની પ્રક્રિયામાં લોકો ખૂબ લાકડાનો ઉપયોગ કરે છે. પરંતુ તેમણે તેમના રસોડામાં પણ પથ્થપો વાપર્યા છે. આ ઉપરાંત, તેઓએ લાકડાનાં કામ માટે અપસાયકલ કરેલાં પાઈન લાકડાનો ઉપયોગ કર્યો છે. નેત્રાવતી કહે છે કે માત્ર તેમના ઘરની સુંદરતા જ વધી નથી, પરંતુ ક્યાંક કેટલાક વૃક્ષો કપાતા રોકવામાં પણ તેમણે યોગદાન આપ્યુ છે.
નેત્રાવતી પોતાના ઘરમાં વરસાદી પાણી બચાવવા માટે પણ કામ કરી રહી છે. તેને 40000 લિટરની ક્ષમતા સાથે તેના ઘરમાં 'રેઇન વોટર હાર્વેસ્ટિંગ' સિસ્ટમ બનાવી છે. તેણી કહે છે કે રસોડું, બાથરૂમ અને શૌચાલયમાં પાણીની જરૂરિયાત માત્ર વરસાદના પાણીથી જ પૂરી થાય છે. આ રીતે, તેઓ વરસાદી પાણીથી તેમના ઘરની પાણીની લગભગ અડધી જરૂરિયાત પૂરી કરે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/08/Bengaluru-Ecohouse-2-1024x580.jpg)
આ પણ વાંચો:વીજળી-પાણી મફત અને ખાવાનું બને છે સોલાર કુકરમાં, ભરૂચના આ પરિવાર પાસેથી શીખો બચતની ટ્રિક્સ
જાતે ખાતર બનાવીને કેળા, દાડમ જેવા છોડ વાવ્યા
નેત્રાવતી કહે છે કે વધારે નહીં પણ તે પોતાના ઘરમાં મોસમી શાકભાજી ઉગાડે છે. તે જાતે બાગકામ માટે ખાતર તૈયાર કરે છે. તેમના ઘરમાંથી પેદા થતા ઓર્ગેનિક અને ભીના કચરાને ફેંકી દેવાને બદલે, તેઓ એકત્રિત કરે છે અને ઓર્ગેનિક ખાતર બનાવે છે. આ ખાતર સાથે તે પોતાના ઘરમાં મેથી, મૂળા, કાકડી, પાલક, કઠોળ, તુરિયા જેવા શાકભાજી વાવી રહી છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/08/Bengaluru-Ecohouse-3-1024x580.jpg)
તેમણે આગળ કહ્યું, “હોમમેઇડ ખાતર છોડને ખૂબ ઝડપથી ઉગાડે છે. અમે અમારા ઘરમાં કેળા, દાડમ અને પપૈયા જેવા ફળના વૃક્ષો પણ વાવ્યા છે. અમને કેળાના ઝાડમાંથી સારા ફળ પણ મળી રહ્યા છે.”
નેત્રાવતી અને નાગેશનું કહેવું છે કે તેઓ પ્રકૃતિની અનુકૂળ જીવનશૈલી તરફ પોતાનું એક-એક પગલું ભરી રહ્યા છે. કારણ કે આજના જીવનનું સત્ય એ છે કે આપણે આપણું જીવન કુદરતની નજીક રાખવું જોઈએ. અંતમાં તે કહે છે, “સસ્ટેનેબિલિટી એક દિવસની પ્રક્રિયા નથી. તે એક જીવનશૈલી છે. વિશ્વમાં વધતા તાપમાન અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, ટકાઉ જીવનશૈલી હવે આપણા માટે વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતા છે જેથી આપણી આવનારી પેઢીઓ પણ સારું જીવન જીવી શકે.”
આ પણ વાંચો:અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.