Powered by

Home શોધ 300 રૂપિયાની ભંગાર સાયકલને બદલી સોલર સાયકલમાં, ચલાવવામાં નથી આવતો એક પૈસાનો પણ ખર્ચ

300 રૂપિયાની ભંગાર સાયકલને બદલી સોલર સાયકલમાં, ચલાવવામાં નથી આવતો એક પૈસાનો પણ ખર્ચ

બાળપણથી જ કઈંક અવનવું કરવાના શોખીન વડોદરાના માત્ર 18 વર્ષીય બારમા ધોરણના વિદ્યાર્થી નીલ શાહે એક સોલર સાઈકલ બનાવી છે. મહત્વની વાત એ છે કે, આ સાઈકલમાં લાગેલ બેટરી સોલર પેનલની મદદથી ચાર્જ થતાં જ તે ઈ-બાઈકમાં ફેરવાઈ જાય છે.

By Mansi Patel
New Update
Electric Cum Solar Cycle By Vadodara Student

Electric Cum Solar Cycle By Vadodara Student

હોનહાર બિરવાન કે હોત ચિકને પાત - આ વાક્ય કદાચ વડોદરાના નીલ શાહ જેવા બાળકો માટે જ કહેવામાં આવ્યું હશે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નીલના પિતા પ્રદ્યુમન શાહ ભલે સાતમા ધોરણ સુધી ભણ્યા હોય, પરંતુ આજે તે પોતાના પુત્રને ભણાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. મોટાભાગના બાળકો ગણિત અને વિજ્ઞાનના વિષયો ન સમજાતા હોવાની ફરિયાદ કરે છે, જ્યારે નીલે તેને પોતાના મિત્ર બનાવ્યા છે. માત્ર પુસ્તકિય જ્ઞાન જ નહીં, પણ તે તેના પ્રાયોગિત ઉપયોગથી પણ વાકેફ છે.

બારમા ધોરણનો વિદ્યાર્થી નીલ, જે પુસ્તકો વાંચવાનો શોખીન છે, તેણે તાજેતરમાં જ તેના શિક્ષકની મદદથી સૌર સાઈકલ ડિઝાઈન કરી છે. આ સાઈકલ ચલાવવા માટે કોઈ ખર્ચ થતો નથી. સાયકલમાં આ આગળ લાગેલાં સોલર પેનલથી ઉર્જા લઈને તેની બેટરી ચાર્જ થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, 18 વર્ષીય નીલ જણાવે છે, “કોઈપણ સામાન્ય ઇ-સ્કૂટરને ચાર્જ કરવામાં વીજળીનો ઉપયોગ થાય છે, જે કાર્બન ઉત્સર્જન કરીને જ બનાવવામાં આવે છે. પરંતુ મારી આ સાયકલ સૂર્યપ્રકાશ અને પેડલ દ્વારા ચાર્જ થાય છે. તેમાં ન તો પૈસા ખર્ચ થાય છે અને ના તો તે કોઈપણ પ્રકારના કાર્બનનું ઉત્સર્જન કરે છે.”

Solar Cycle By Neel Shah

નાનપણથી જ છે વિજ્ઞાનમાં રસ
નીલ ચોથા-પાંચમા ધોરણમાં હતો ત્યારથી વિજ્ઞાનમાં ખૂબ રસ હતો. જો કે, તે સમયે આ વિષય તેમના વર્ગમાં ભણાવવામાં આવતો ન હતો. આ વિશે વાત કરતા નીલ કહે છે, “મેં બાળપણમાં શાળાના પુસ્તકાલયમાં ક્રિએટર નામનું પુસ્તક વાંચ્યું હતું. તે પુસ્તકમાં વિવિધ વિજ્ઞાનના નમૂનાઓ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી હું જાણું છું કે આ બધી વસ્તુઓ કેવી રીતે બને છે? પાછળથી, જ્યારે શાળામાં વિજ્ઞાનનો વિષય ભણાવવામાં આવ્યો ત્યારે મને લાગ્યું કે અચ્છા આ બધી શોધ પાછળ વિજ્ઞાન છે.”

શાળાની 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' સ્પર્ધામાં, જ્યાં અન્ય બાળકો ઘર કે પેન સ્ટેન્ડ બનાવીને લાવ્યા હતા. ત્યારે, ધોરણ 7 ના વિદ્યાર્થી નીલે બેકાર પડેલી પ્લાસ્ટિકની બોટલ, કાર્ડબોર્ડ અને નાની મોટરનો ઉપયોગ કરીને હેલિકોપ્ટર બનાવ્યું હતુ. તે હેલિકોપ્ટર એક ફૂટ સુધી ઉડી પણ શકતુ હતુ. આ પછી, પુસ્તકો વાંચીને તેણે ટેલિસ્કોપ, એટીએમ, પ્રોસેસિંગ પ્રિન્ટર અને રોબોટ સહિત ઘણા ઈનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કર્યા.

Vadodara Student Neel Shah

મહિનામાં જ બનાવી દીધી સોલર સાયકલ
નીલ દસમા ધોરણના ભૌતિકશાસ્ત્રના શિક્ષક સંતોષ કૌશિકને પોતાના માર્ગદર્શક માને છે. છેલ્લા ત્રણ વર્ષથી સંતોષ સાહેબે નીલને ઘણા પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરી છે. સંતોષ કૌશિક કહે છે, “નીલ હંમેશા લાઇબ્રેરીમાંથી ભૌતિકશાસ્ત્રના પુસ્તકો લાવતો હતો અને તેના કોન્સેપ્ટ વિશે પૂછતો હતો. જોકે તે તમામ પુસ્તકો તેના અભ્યાસક્રમથી બહાર હતા. આ વર્ષે મેં તેને સોલર પેનલથી ચાલતી સાયકલ બનાવવાનો કોન્સેપ્ટ આપ્યો. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેણે માત્ર એક મહિનામાં તેને તૈયાર કરી દીધી.”

સાયકલ બનાવતા પહેલા નીલે ત્રણ પાસાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. પ્રથમ, સ્કૂટરનું મોડેલ, બીજું - બેટરીનું કામ અને ત્રીજું - સૌર પેનલની માહિતી. નીલના પિતાએ એક ભંગારવાળા પાસેથી માત્ર 300 રૂપિયામાં સાઈકલ ખરીદી હતી. નીલે માત્ર 12 હજાર રૂપિયા ખર્ચીને તેને સોલર સાઈકલમાં બદલી નાંખી.

સાઇકલ પર લગાવેલા સોલાર પેનલ્સની મદદથી તેની બેટરી ચાર્જ થાય છે અને તે સ્કૂટરની જેમ કામ કરવા લાગે છે. જ્યારે ટાયર સાથે જોડાયેલ ડાયનેમો તેને સોલર લાઇટ વગર પણ ચાર્જ કરવામાં મદદ કરે છે. એટલે કે, જો રાતના સમય દરમિયાન સાઈકલ ચાર્જ કરવી હોય તો આ ડાયનેમો તેને ચાર્જ કરી શકે છે.

નીલે જણાવ્યુ, “મેં આ સોલર સાયકલમાં 10 વૉટની સોલર પ્લેટ લગાવી છે, જેનાંથી સાયકલ 10થી 15 કિલોમીટરનું અંતર આરામથી કાપી શકે છે.”

Electric Cum Solar Cycle

ફિઝિક્સનાં સાયન્ટિસ્ટ બનવાનું છે લક્ષ્ય
નીલને આ પ્રકારની વધારે સાયકલ બનાવવા માટેનાં ઓર્ડર પણ મળવા લાગ્યા છે. જેના પર તે 12માનાં બોર્ડની પરીક્ષા પછી કામ કરશે. હાલમાં, તે તેના 12માં ધોરણનાં અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે. તે 10મા ધોરણથી ટ્યુશન વગર અભ્યાસ કરે છે. એટલું જ નહીં, તે તેના મિત્રોને વિજ્ઞાન પણ શીખવે છે.

જગદીશચંદ્ર બોઝ અને સતેન્દ્રનાથ બોઝને પોતાના રોલ મોડેલ માનનાર નીલ ભવિષ્યમાં ભૌતિક વૈજ્ઞાનિક બનવા માંગે છે.

ઉંમરના આ તબક્કે, જ્યારે મોટા ભાગના બાળકો તેમના ભવિષ્ય અને કારકિર્દી અંગે મૂંઝવણમાં હોય છે, ત્યારે નીલે પોતાનું લક્ષ્ય નક્કી કર્યું છે, આ બાદ તે બીએસસી ફિઝિક્સ, એમએસસી ફિઝિક્સ અને પછી પીએચડી ફિઝિક્સનો અભ્યાસ કરીને ઘણી મોટી શોધ કરવા માગે છે.

પોતાના સોલર સાઇકલ પ્રોજેક્ટ વિશે તે કહે છે, “મારા બધા મિત્રો બાઇક અને સ્કૂટર ચલાવવાનું શીખતા હતા. પણ મેં નક્કી કર્યું હતું કે હું કોઈ અન્ય બ્રાંડની બનાવેલી નહી, પરંતુ મારી પોતાની બનાવેલી બાઈક જ ચલાવીશ.”

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:આ વ્યક્તિએ બનાવ્યું છાણમાંથી લાકડાં બનાવવાનું મશીન, મહિને 8000 વધારાની આવકનો જુગાડ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.