Powered by

Home આધુનિક ખેતી 95 વર્ષના ખેડૂતની વર્ષોની મહેનત અને ધ બેટર ઇન્ડિયાની એક કહાનીએ અપાવ્યો પદ્મ શ્રી!

95 વર્ષના ખેડૂતની વર્ષોની મહેનત અને ધ બેટર ઇન્ડિયાની એક કહાનીએ અપાવ્યો પદ્મ શ્રી!

જૂનાગઢના આ ખેડૂત વલ્લભભાઈને શા માટે 'ગાજર ખેડૂત' કહેવામાં આવે છે?

By Nisha Jansari
New Update
Carrot Farmer

Carrot Farmer

"મારા પિતા ક્યારેય ગાજરની ખેતી કરવા માટે તૈયાર ન થયા. પરંતુ મારે આ કરવું હતું. થોડા સમય સુધી બધુ બરાબર ચાલ્યું. અમે અમારા ગાજરને કારણે આ વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. પરંતુ અમુક પરિવારના મતભેદને કારણે મારે મારા પિતાથી અલગ થવું પડ્યું હતું. મારા હાથમાં કઈ પણ વધ્યુ ન હતું.

થોડા સમય સુધી મેં અને મારી પત્નીએ બીજાના ખેતરમાં મજૂરી કરી હતી. જેનાથી અમે અમારા સાત બાળકોનું પેટ ભરી શકીએ. મારી મહેનત જોઈને એક ખેડૂતે ગાજર ઊગાડવા માટે મારી સમક્ષ છ એકર જમીન લીઝ પર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે એવું પણ કહ્યું કે પૈસા પણ આપી શકો ત્યારે આપજો.

Gujarat Farmer

મેં ખૂબ મહેનત કરી. પાક ઊગાડ્યો, અમુક જ વર્ષોમાં મેં ખૂબ નફો પણ કર્યો હતો. મેં પોતાની 40 એકર જમીન ખરીદી હતી. સમયની સાથે મારી દીકરીઓનાં પણ લગ્ન થઈ ગયા હતા. મોટા દીકરાને નોકરી મળી ગઈ હતી. મારો નાનો દીકરો અરવિંદ અમારી ગાજરની ખેતી સંભાળે છે. મારા માટે એક ખૂબ આનંદદાયક ગઢપણ હતું.

carrot farming

બાદમાં અરવિંદ 20 વર્ષનો હતો ત્યારે તેનો અકસ્માત થઈ ગયો હતો. તેના થાપાનું હાડકું તૂટી ગયું હતું. ત્યારે હું ખૂબ વૃધ્ધ થઈ ગયો હતો અને ખેતરમાં દેખરેખ રાખી શકતો ન હતો. મારી હાલત ખૂબ ખરાબ થઈ હતી. મેં દિવસ રાત એક કરીને ખરીદી કરી હતી તે 10 એકર જમીન વેચી દીધી.

આ તમામ વચ્ચે મેં ગાજર ઊગાડવાનું અને તેના બી તૈયાર કરવાનું કામ બંધ કર્યું ન હતું. આવી જ રીતે મેં 'મધુવન ગાજર' બનાવ્યા અને અહીં સુધી પહોંચ્યો હતો.

Carrot

આ સમય દરમિયાન મને અનેક વખત 'ગુજરાતના પ્રથમ ગાજર ખેડૂત' તરીકેનું સન્માન મળ્યું છે. મારા વિશે ખૂબ ઓછા લોકો જાણતા હતા. જુલાઈ, 2017માં એક દિવસ માનબી કટોચ નામની કોઈ પત્રકારે મારા વિશે પૂછવા માટે અરવિંદને ફોન કર્યો. તેણી લગભગ બે કલાક સુધી સવાલ પૂછતી રહી હતી અને અરવિંદ તે સવાલોનું અનુવાદ કરતો રહ્યો હતો. થોડા દિવસ પછી મારી કહાની 'ધ બેટર ઇન્ડિયા'માં આવી હતી. મને આ એક ફિલ્મ જેવું લાગ્યું હતું.

Farmers

જેવી સ્ટોરી પ્રસિદ્ધ થઈ કે મને કૉલ આવવા લાગ્યા હતા. જેમાંથી એક ફોન કોલ દિલ્હીની એક મોટી હોટલના માલિકનો હતો. તેઓ ખુદ અમારા ખેતરમાં આવ્યા હતા અને ગાજરના બી ખરીદ્યા હતા. તેઓ દિલ્હી પરત ગયા ત્યારે તેમણે અમારા માટે દિલ્હીની બે એર ટિકિટ મોકલી હતી. હું તો ક્યારેય ટેક્સીમાં પણ બેઠો ન હતો, વિમાન તો ખૂબ મોટી વાત હતી.

જે બાદમાં અનેક રાજ્યમાંથી ઑર્ડર આવવાની શરૂઆત થઈ હતી. હવે અમે ભારતના આઠ રાજ્યમાં ગાજર અને તેના બી પૂરા પાડીએ છીએ.

Padma Shri

એક રાત્રે અરવિંદને કેન્દ્રીય મંત્રાલયમાંથી ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે મને પદ્મ શ્રી માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે. પહેલા તો અમને વિશ્વાસ ન આવ્યો. બાદમાં આ વાત ટીવીમાં આવવા લાગી હતી. હું 97 વર્ષનો છું. મેં મારું જીવન જીવી લીધું છે. એક કહાનીએ મને એટલું આપ્યું જે પૈસા ક્યારેય ન આપી શકે." આ શબ્દો છે સ્વર્ગસ્થ વલ્લભાઈના. આ ઈન્ટર્વ્યૂ તેઓ જીવતા હતા ત્યારે લેવાયેલ છે.

વલ્લભભાઈ વસરામભાઈ મારવાનિયા (Carrot farmer Vallabhbhai marvaniya), ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખમધરોલ ગામના ગાજર ખેડૂત છે. તેમને 'પદ્મ શ્રી'થી નવાઝવામાં આવ્યા છે.

Arvindbhai

અત્યારે તો વલ્લભભાઈ તો આપણી વચ્ચે હયાત નથી પરંતુ તેમના પુત્ર અરવિંદભાઈ તેમના આ વારસાને આગળ વધારી રહ્યા છે. નવી તકનીકીઓ સાથે તેઓ આજે પ્રગતિના પંથે છે અને બીજા ઘણા ખેડૂતોને પણ આ માટે મદદ કરી રહ્યા છે.

મધુવન ગાજરનાં બીજ ઓર્ડર કરવા અને અરવિંદભાઈનો સંપર્ક કરવા તમે તેમને 9377635148 પર સંપર્ક કરી શકો છો.

પોસ્ટ: માનબી કટોચ

આ પણ વાંચો:ગુજરાતના આ ગામમાં થાય છે ‘સોલર ખેતી’, ન ડીઝલનો ખર્ચ ન દુષ્કાળ પડવાની બીક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Tags: Farmers of Gujara carrot seed Padma Shri Arvindbhai Vallabhbhai Arvindbhai Marvaniya Vallabhabhai Marvaniya Carrot Farming Padma Shri Award Junagadh award winner Farmers Gujarat Farmer Gujarat