નાના શહેરોમાં રહેતા યુવાનો મોટાભાગે મોટા શહેરમાં કામ કરવાનું અને સ્થાયી થવાનું સપનું જુએ છે અને એકવાર બહાર નીકળ્યા પછી તેમના વતનમાં પાછા ફરતા નથી. તો, કેટલાક લોકો એવા છે જેઓ આખી જીંદગી મોટા શહેરમાં ન જઈ શક્યાનો અફસોસ કરે છે. પરંતુ જો તમારામાં આવડત અને ક્ષમતા હોય તો તમે ગમે ત્યાં રહીને પણ સારું કામ કરી શકો છો.
આવી જ એક પ્રતિભાશાળી શિક્ષિકા ગયા (બિહાર)ની સુષ્મિતા સાન્યાલ છે. આઠ વર્ષ પહેલા તે દિલ્હીમાં એક મોટી કંપનીમાં કામ કરતી હતી. પરંતુ આજે તે તેના પરિવાર સાથે તેના જ શહેરમાં રહે છે. તે ગયાની ચંદોટી હાઈસ્કૂલમાં શિક્ષિકા છે. તેણીએ તેણીની નોકરીમાંથી મેળવેલ અનુભવોનો ઉપયોગ બાળકોને શીખવવા માટે કરે છે. તેણી માને છે કે, “જો આપણે કોઈ પણ કામ સાચા દિલથી કરીએ છીએ, તો આપણને તેમાં ચોક્કસ સફળતા મળે છે.”
આ વિચારસરણીના કારણે આજે તેણીએ માત્ર આઠ વર્ષની શિક્ષણ કારકિર્દીમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીત્યો છે. એટલું જ નહીં, તેમની એક સરળ શોધ ‘મટકા કુલર’ની રાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ છે.

દિલ્હીની નોકરી છોડીને સરકારી શિક્ષક કેવી રીતે બની
કોન્વેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ અને MBA કર્યા બાદ સુષ્મિતા હંમેશા કોર્પોરેટ જોબ કરવા માંગતી હતી. પરંતુ જ્યારે તે દિલ્હીમાં કામ કરતી હતી ત્યારે તેનો પરિવાર ઈચ્છતો હતો કે તે પાછી આવી જાય. તો તે જ સમયે રાજ્ય સરકાર તરફથી શાળા શિક્ષકની ભરતી બહાર આવી, સુષ્મિતાએ અરજી કરી અને તેને નોકરી મળી. તે સમયે તેનો પુત્ર નાનો હોવાથી તેણે પરિવાર સાથે રહેવાનું પસંદ કર્યું અને પાછી આવી ગઈ.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તે કહે છે, “તે સમયે મેં વિચાર્યું હતું કે હું થોડા વર્ષો કામ કર્યા પછી છોડી દઈશ. પરંતુ આજે મને બાળકોને ભણાવવામાં ખૂબ જ મજા આવી રહી છે અને હવે તે મારા માટે ડ્રીમ જોબ બની ગઈ છે.”
સુષ્મિતા હાઈસ્કૂલના મોટા બાળકોને ભણાવે છે, તેથી દરેક નવા પ્રયોગમાં આ બાળકો તેને ખૂબ જ ઉત્સાહથી મદદ કરે છે.

મટકા કુલર અને સેફ્ટી પેન જેવી ઘણી વસ્તુઓની શોધ કરી
વિજ્ઞાનમાં રસ ધરાવતી સુષ્મિતા ઘણીવાર બાળકોને તેમના પુસ્તકી જ્ઞાન સિવાય પ્રેક્ટિકલ પ્રયોગો શીખવવાનો પ્રયાસ કરે છે. પછી તે શેરી નાટકો રજૂ કરે કે નૃત્ય અને ચર્ચામાં ભાગ લેવો. તે પોતાની શાળાના બાળકોને દરેક રાજ્ય સ્તરની સ્પર્ધામાં લઈ જાય છે. તેણે કહ્યું કે પહેલા તેની શાળાની છોકરીઓ ડાન્સમાં ભાગ લેતી નહોતી. પરંતુ આજે ગયા જિલ્લામાંથી પસંદગી પામ્યા બાદ તેમની શાળાના બાળકો છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય કક્ષાએ પ્રથમ ઇનામ લઈને આવી રહ્યા છે.
સુષ્મિતા કહે છે, “બાળકોને વિવિધ સ્પર્ધાઓ અને અન્ય કોઈપણ પ્રવૃત્તિ માટે તૈયાર કરવા માટે શાળાનો સ્ટાફ હંમેશા મને સપોર્ટ કરે છે.”
બાળકો સાથે મળીને તેણે સેફ્ટી પેન તૈયાર કરી છે, જે છોકરીઓને છેડતી વખતે સ્વ-બચાવમાં મદદ કરે છે. તો, તેમના ડિઝાઇન કરેલા મટકા કુલરને રાષ્ટ્રીય સ્તરે ઘણી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું હતું.
મટકા કુલર વિશે વાત કરતાં, તેણી કહે છે, “જે શાળામાં મારી પ્રથમ પોસ્ટિંગ થઈ હતી ત્યાં બાળકો માટે પંખા પણ નહોતા. ત્યાંથી મને તેમના માટે કુલર બનાવવાનો વિચાર આવ્યો.”

તેણે એક નાનકડા ઘડામાં પાણી ભરીને ઘરમાં પડેલા પેઇન્ટ બોક્સમાં મૂક્યું અને બોક્સના ઢાંકણા પર પંખો લગાવ્યો. નાની મોટરની મદદથી આ પંખો ચાલે છે અને ઘડાના ઠંડા પાણીને કારણે તમને ઠંડી હવા મળતી રહે છે.
તેમણે નવેમ્બર 2017માં ભોપાલમાં આયોજિત જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય વિજ્ઞાન અને ગણિત સેમિનારમાં રાષ્ટ્રપતિને તેમની શોધ રજૂ કરી હતી. અહીં સુષ્મિતાનું મટકા કુલરને બેસ્ટ ત્રણ આવિષ્કારોમાં જગ્યા મળી હતી.
બાદમાં તેણે બાળકો સાથે મળીને ચાર મટકા કુલર બનાવ્યા અને સ્થાનિક દુકાનદારો, મહિલા ખેડૂતોને પણ ઉપયોગ માટે આપ્યા.
બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શીખવે છે
કોરોના પીરિયડ પહેલા તે બાળકોને ભીના અને સૂકા કચરાની યોગ્ય વ્યવસ્થા વિશે જણાવતી હતી. તેણીએ શાળામાં ભીના કચરામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવાનું પણ શીખવ્યું હતું. તેણે કહ્યું, “બાળકો વર્મી કમ્પોસ્ટ બનાવતા હતા અને નજીકના લોકોને રોપા અને ખાતર આપતા હતા. બાળકો ઘરે પણ આવી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા.”

આ સાથે તેમણે બાળકોને ફળોના પેકિંગમાંથી નીકળતી ફોમ નેટમાંથી ફૂલ બનાવવાનું શીખવ્યું. જે બાદ તે ફ્રુટની દુકાનમાં જ તે ફૂલો પરત આપી દેતા હતા. શાળાની છોકરીઓને સેનિટરી પેડ્સનો ઉપયોગ કરવાનું શીખવવું હોય કે બાળ લગ્ન સામે અવાજ ઉઠાવવો હોય, તેણી હંમેશા પોતાની બાજુથી સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે.
તેમના તમામ પ્રયાસોમાં, તેમની શાળાના નિવૃત્ત આચાર્ય બ્રજ ભૂષણ ચૌહાણ અને વરિષ્ઠ શિક્ષક શૈલેન્દ્ર કુમારે તેમને હંમેશા સાથ આપ્યો છે. ગયા વર્ષે જ સુષ્મિતાને બિહારના ગવર્નર તરફથી બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો હતો.
આ બાળકોને પ્રયોગ કરતા જોવાને જ સુષ્મિતા પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવે છે. તેણી અંતમં કહે છે, “આજે મારા માટે મોટી કંપનીમાં નોકરી મેળવવા કરતાં આ બાળકોનું ભવિષ્ય ઘડવું વધુ સારું છે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રિટાયર્ડમેન્ટમેન્ટ બાદ શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, મહેસાણાનું આ દંપતિ ભિક્ષુકોને ભણાવી કરે છે પગભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.