/gujarati-betterindia/media/post_attachments/2021/05/Banana-Waste-creativity-1.jpg)
Banana Waste Creativity
રવિ પ્રસાદ, ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના હરિહરપુર ગામનો રહેવાસી છે. તે કેળાની ખેતી કરતા ખેડુતો અને ગામની આસપાસની મહિલાઓને રોજગાર પૂરો પાડે છે અને આત્મનિર્ભર બનાવે છે. કુશીનગરમાં કેળાનું વાવેતર લગભગ 27 હજાર હેક્ટર જમીનમાં થાય છે. અગાઉ કેળાની લણણી પછી કેળાનાં ઝાડ નાખી દેવામાં હતાં. પરંતુ રવિએ કેળાના છોડમાંથી નિકળતા બનાના ફાઇબર (Banana Fiber) ને તેના રોજગારનો મુખ્ય સ્રોત બનાવ્યો. તેણે તેમાંથી કાર્પેટ, ચપ્પલ, ટોપી, બેગ અને ડોરમેટ્સ વગેરે બનાવવાનું શીખ્યું છે.
ગોરખપુરના દિગ્વિજય નાથ પી.જી. કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ પાસ કર્યા પછી, રવિ નોકરી શોધવા માટે દિલ્હી ગયો હતો. તે દિલ્હીમાં નોકરીની શોધમાં હતો કે એક દિવસ તેમને રોજગારનો આઈડિયા આવ્યો. બન્યું એવું કે તે તેના મિત્રો સાથે એક પ્રદર્શન જોવા માટે દિલ્હીના પ્રગતિ મેદાન પહોંચ્યો હતો. પ્રદર્શનમાં તેણે તમિલનાડુના કોઈમ્બતુરના એક ઉદ્યોગપતિના સ્ટોલ પર કેળાના રેસા (Banana Fiber)માંથી બનાવેલ બેગ, ટોપી, કાર્પેટ જેવી ઘણી વસ્તુઓ જોઈ.
ઘ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “મને ત્યારે ખ્યાલ આવી ગયો કે અમારા કુશીનગરમાં કેળાની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. પરંતુ, ત્યાંના ખેડુતો, કેળાની લણણી કર્યા પછી, ઝાડને કચરા માની ફેંકી દે છે. જ્યારે આ 'બનાના ફાઈબર' (Banana Fiber) એક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.”
/gujarati-betterindia/media/post_attachments/2021/05/Banana-Waste-creativity-2.jpg)
'બનાના ફાઇબર' નો સાચો ઉપયોગ કરતા શીખ્યું
બસ પછી શું, રવિએ તે વેપારીને વિનંતી કરી કે આ કળા શીખવો. તે સમજાવે છે, "મેં તેને કહ્યું હતું કે હું એક નાના ગામનો છું અને નોકરીની શોધમાં છું. જો તમે મને આ કળા શીખવો છો, તો હું મારા જેવા ઘણા બેરોજગાર લોકોને મદદ કરી શકીશ." તેનો જુસ્સો જોઈને વેપારીએ તેને કોઈમ્બતુર આવવાનું કહ્યું. કોઈમ્બતુરથી લગભગ 160 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં, તેમણે કેળાના રેસામાંથી વિવિધ ઉત્પાદનો બનાવવાની તાલીમ લીધી. તે કહે છે, "મને ત્યાંની સ્થાનિક ભાષાને કારણે તાલીમ લેવામાં ઘણી મુશ્કેલી આવતી હતી, પણ હું જોઈ-જોઈને બધું શીખવાનો પ્રયાસ કરતો હતો."
ત્યાં એક મહિનાની તાલીમ લીધા પછી, તે દિલ્હી નહીં પરંતુ સીધા તેના ગામ ગયો. હવે તેની પાસે રોજગાર માટેની કુશળતા હતી, પરંતુ તેનો પોતાનો ધંધો શરૂ કરવાની મૂડી નહોતી. તો પણ તેણે હિંમત હારી નહીં. તેઓ કુશીનગર સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા, જ્યાં તેમને 'વડાપ્રધાન રોજગાર યોજના' વિશે માહિતી મળી. આખરે તેમને યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયા પાસેથી 'પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ' (PMEGP) હેઠળ પાંચ લાખ રૂપિયાની લોન મળી. 2018 માં રવિએ પોતાનો હસ્તકલાનો ધંધો શરૂ કર્યો. તે કહે છે કે નજીકના ગામમાંથી તેને કેળાના મોટા પ્રમાણમાં વૃક્ષો મળી રહે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/05/Banana-Waste-creativity-3.jpg)
કેળાનો કચરો બન્યો રોજગારનું સાધન
રવિ કેળાના રેસા વિશે વાત કરતા કહે છે કે, "અહીંના ખેડુતો દ્વારા કેળાનો પાક લીધા પછી કેળાના ઝાડને જે કચરા માની નાખવા દેવામાં આવતા હતા, હવે અમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે કેળાના ઝાડની થડમાંથી ફાઈબર બનાવવામાં આવે છે. એક મશીન દ્વારા ડાળખીના બે ભાગ બનાવવામાં આવે છે અને તેમાંથી તમામ રસ કાઢી નાંખવામાં આવે છે. આ પછી, રસ કાઢી નાંખેલી ડાળખીને છાયામાં સૂકવવામાં આવે છે, તે પછી તેમાંથી ફાઇબર તૈયાર કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાંથી નીકળતો કચરોને ખાતર ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
તેણે લોનની રકમમાંથી કેળાની ડાળખીઓમાંથી રેસા બનાવવાની મશીન ખરીદી અને ફાઇબર બનાવવાનું શરૂ કર્યું. બનાના ફાઇબર દોરા જેવું જ હોય છે, જેના ઉપયોગથી તેઓ કાર્પેટ, બેગ, ટોપીઓ અને અન્ય ઘરની સજાવટની ઘણી વસ્તુઓ બનાવે છે. તૈયાર પ્રોડક્ટ્સને રંગ માટે, કેળાની ડાળખીમાંથી કાઢેલા રસનો ઉપયોગ કરવામાં આવે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/05/Banana-Waste-creativity-4.jpg)
450 મહિલાઓને આપ્યો છે રોજગાર
વર્ષ 2018 ના અંતે રાજ્ય સરકારે 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા રવિને તેમની કળાને જાણીતી કરવામાં ઘણી મદદ મળી. આ રીતે, કેળાના રેસામાંથી બનાવેલા તેમના ઉત્પાદનો કુશીનગરની ઓળખ બની ગયા. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલા એક પ્રદર્શનમાં તેમને પોતાનો સ્ટોલ રાખવાની તક પણ મળી. હવે, વર્ષમાં તેઓને બે વખત રાજ્યમાં અને રાજ્યની બહાર બે વખત રાષ્ટ્રિય સ્તરે યોજાયેલા મેળામાં જવા માટેની તકો પણ મળે છે.
રવિ કહે છે કે જિલ્લામાં ઓળખ મળ્યા પછી, તેમણે કેળાના રેસામાંથી ઉત્પાદનો બનાવવા માટે 450 મહિલાઓને તાલીમ આપી છે. હવે, તે કેળાના ઝાડની ડાળખીમાંથી રેશા બનાવે છે અને તે મહિલાઓને મોકલે છે, જેમાથી તેઓ જુદી જુદી વસ્તુઓ બનાવે છે. રવિએ કહ્યું, “આ તમામ મહિલાઓને ODOP હેઠળ 10 દિવસની તાલીમ આપવામાં આવી છે. આ 10 દિવસની તાલીમમાં, તેમને સરકાર તરફથી દરરોજ 200 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળે છે. તાલીમ લીધા પછી, તેમને ભવિષ્યના ઉપયોગ માટે ટૂલ કીટ પણ આપવામાં આવી છે જેમાં સ્પિનિંગ વ્હીલ (ચરખા) અને નાના-મોટી કાતર, ઉત્પાદનોને રંગવા માટે બ્રશ વગેરે સામેલ છે."
/gujarati-betterindia/media/post_attachments/2021/05/Banana-Waste-creativity-5.jpg)
રવિએ જણાવ્યું કે આ મહિલાઓ તેમના આજુબાજુના ગામોની છે. રવિએ અત્યાર સુધીમાં 50 પ્રદર્શનોમાં ભાગ લીધો છે, જ્યાં તેમણે બનાના ફાઇબરમાંથી બનાવેલ ઉત્પાદનોનું કુશીનગર જિલ્લાની ઓળખ તરીકે પ્રદર્શન કર્યું છે.
તેમનું કહેવું છે કે હવે તેમને દેશભરમાંથી ઓર્ડર મળી રહ્યા છે. વળી, તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યમાં હવે કેળાની ખેતી મોટા પાયે કરવામાં આવી રહી છે, જેથી આ ક્ષેત્રમાં રોજગારી મળે તેવી પણ પુષ્કળ સંભાવના છે.
રવિ આગામી દિવસોમાં તેની પ્રોડકટ Amazon પર વેચવાની પણ તૈયારી કરી રહ્યા છે.
જો તમે પણ બનાના ફાઇબરમાંથી બનાવેલ ઉત્પાદનો ખરીદવા માંગતા હો, તો તમે 6306353170 પર ઓર્ડર કરી શકો છો.
આ પણ વાંચો:એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.