પૂણેનાં રહેવાસી પલ્લવી પાટિલ અને તેમનો પરિવાર છેલ્લાં 7 વર્ષોથી પર્યાવરણને અનૂકુળ જીવન (Sustainable living) જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક-એક પગલું આગળ માંડીને પલ્લવી પોતાનું અને તેના પરિવારનું જીવન રસાયણમુક્ત બનાવી રહી છે.
2003માં કોમ્પ્યુટર એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરનારી પલ્લવીએ છ વર્ષ સુધી એક સોફ્ટવેર કંપનીની સાથે કામ કર્યુ. તે બાદ તેણે અંગત કારણોસર જોબ છોડી દીધી. હાલમાં તેમનું પુરૂ ધ્યાન પોતાના બાળકોના યોગ્ય ઉછેર પર છે.
પલ્લવીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યુ, “હું અને મારા પતિ બંને ખેડૂત પરિવારમાંથી છીએ. અમે બંનેએ હંમેશા અમારા પરિવારમાં જોયુ છેકે, કેવી રીતે પર્યાવરણને નુકસાન પહોચાડ્યા વગર પણ જીવી શકાય છે. જેમકે, જો આપણે ઈચ્છીએ તો ફ્રિઝને અમારી જીવનશૈલીમાંથી હટાવી શકીએ છીએ. તેના સિવાય, ઘણી બધી વસ્તુઓને અલગ-અલગ રૂપ આપીને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. રસાયણિક ક્લિનર્સની જગ્યાએ પ્રાકૃતિક વસ્તુઓ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેના માટે તમારે બસ તમારી આદતોમાં બદલાવ લાવવાનો રહેશે.”
પલ્લવીનું કહેવું છેકે, જો લોકોને લાગે છેકે આ બધુ પર્યાવરણ માટે છે, તો તેમનું માનવું છેકે, તે જે પણ કંઈ કરી રહી છે તે તેના પોતાના માટે કરી રહી છે કારણકે, તે પોતાને અને તેના પરિવારને સ્વસ્થ રાખવા માંગે છે. તેમણે જણાવ્યુ,”આપણે બધા જાણીએ છીએકે, રસાયણયુક્ત ખાવાનું, રસાયણયુક્ત ક્લીનર્સ જેમકે, સાબુ, શેમ્પૂ, ડિટર્જંટ વગેરે આપણા માટે નુકસાનકારક છે. એટલા માટે તમે તમારા જીવનને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો.”

જાતે ઉગાડે છે અને સૂર્યકૂકરમાં રાંધે છે
પલ્લવીએ સૌથી પહેલાં પોતાના ઘરમાં ફ્રિઝનો ઉપયોગ બંધ કરી દીધો. તેના વિશે તેણે કહ્યુ, “લોકોને લાગે છેકે, ફ્રિઝ વગર જીવન પસાર નહી થાય. પરંતુ ફ્રિઝ વગર અમે વધારે સ્વસ્થ જીવન જીવી રહ્યા છીએ. જેમકે, અમે અમારા બગીચામાં તાજા ફળ અને શાકભાજી ઉગાડીએ છીએ. બહારથી ક્યારેય પણ ખરીદવાની જરૂર પડે તો જૈવિક ખેડૂતો પાસેથી સીધા જ ખરીદીએ છીએ. જૈવિક ફળો અને શાકભાજી ફ્રિઝ વગર બે સપ્તાહ સુધી રહી શકે છે. સાથે જ અમારા ઘરમાં જરૂર મુજબ જ ખોરાક રાંધીએ છીએ. બહુ ઓછી વાર એવું થાય છેકે, અમે કોઈ ‘પેક્ડ ફૂડ’ ખરીદીએ. તેના સિવાય દૂધને દિવસમાં 2-3 વખત ઉકાળી લઈએ તો આરામથી ચાલી જાય છે.”
પોતાના ઘરના બગીચામાં પલ્લવી દેશી બીજોથી ઘણા પ્રકારનાં ફળો, શાકભાજી અને ઔષધિનાં છોડ ઉગાડે છે. તેમના બગીચામાં દાડમ, પપૈયુ, કેળા જેવા ફળોનાં ઝાડ છે અને તે દરેક મોસમી શાકભાજી જેવાકે, રીંગણા, ટામેટા, દૂધી, તુરિયા વગેરે ઉગાડે છે.
તે કહે છે, “અમને ખાવા માટે શાકભાજી અથવા ફળો બહારથી ખરીદવા પડતા નથી. હું મારા બગીચામાં બધુ જ જૈવિક રીતે ઉગાડું છું. અમારો ઉદ્દેશ્ય છેકે, અમે વધારેમાં વધારે લોકલ પ્રકારની શાકભાજી ઉગાડીએ. આદું, હળદર જેવા મસાલા પણ પોતાના બગીચામાં ઉગાડી લઈએ છીએ.”
જાતે શાકભાજી ઉગાડવાની સાથે સાથે પલ્લવી ઘણી બધી વસ્તુઓનું પ્રોસેસિંગ પણ કરે છે. જેમકે, તેમણે ખાવામાં ઉપયોગમાં લેવા માટે પોતાના બગીચામાં ઉગેલી હળદરનો પાઉડર બનાવ્યો અને થોડા સમય પહેલાં ટામેટાનો સૉસ પણ બનાવ્યો હતો. તે કહે છેકે, દાળ, ચોખા, ઢોકળા, પિઝ્ઝા, નાનખટાઈ, કેક, સાંબર મસાલા, ગરમ મસાલા, રસમ મસાલા વગેરે પણ સૂર્ય કૂકરમાં જ તૈયાર કરે છે. જોકે, રોટલી, ભાખરી બનાવવા અને કોઈ વસ્તુ તળવા માટે બૉક્સ કુકરનો ઉપયોગ થઈ શકતો નથી.
“પહેલાં અમારો ગેસ સિલિન્ડર લગભગ 60 દિવસ ચાલતો હતો પરંતુ સૌર કૂકરનાં ઉપયોગથી અમે લગભગ 15 દિવસનાં ગેસની બચત કરી શકીએ છીએ.” તેમણે કહ્યુ, સાથે જ તેમાં ઘરમાં એસી અથવા કૂલર પણ નથી. તે કહે છેકે, તેમનાં ઘરમાં સારી હવા આવે છે એટલા માટે તે પંખો પણ બહુજ ઓછો ચલાવે છે.

ખાવાની વસ્તુઓથી લઈને સાબુ, શેમ્પૂ પણ બનાવે છે જાતે
પલ્લવી પોતાના બગીચામાં ઉગતી વસ્તુઓથી બહુજ બધા ખાદ્ય ઉત્પાદનો બનાવે છે, જેમકે, પપૈયાથી ટૂટી-ફ્રૂટી, ગુલાબમાંથી ગુલકંદ, ટામેટાનો સૉસ, કેળાની ચિપ્સ, અલગ-અલગ પ્રકારની ચટણી અને અથાણા પણ તે જાતે જ બનાવી લે છે. તે આ ઉત્પાદનોમાં કોઈ પણ પ્રકારનાં કેમિકલ અથવા પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતી નથી. તેમણે કહ્યુકે, તે શક્ય બને તેટલું પોતાના પરિવાર માટે જૈવિક અને શુધ્ધ ખાદ્ય ઉત્પાદનો જ બનાવે છે. તે સુપરમાર્કેટ કે મૉલમાંથી કશું પણ ખરીદતા નથી. પરંતુ સ્થાનિક દુકાનો અને ખેડૂતોનાં ઘરેથી જ મોટા ભાગનું કરિયાણું ખરીદે છે. તે પણ કપડાંનાં થેલા અથવા સ્ટીલનાં ડબ્બામાં.
કેટલીક વસ્તુઓ જેવીકે ચા વગેરે પ્લાસ્ટિકનાં પેકેટમાં આવે છે, તો આ પેકેટ્સને તે એકત્ર કરીને રીસાયકલર્સને આપે છે. પલ્લવી કહે છેકે, તે ઘરની સાફ-સફાઈ માટે ક્લિનર બનાવવાની સાથે સાથે સાબુ, શેમ્પૂ, ડિશવૉશ, સ્ક્રબર અને ડિટર્જેંટ પણ જાતે જ બનાવે છે.
તેણે કહ્યુ,”હું મારા રસોડામાંથી નીકળતા શાકભાજી અને ફળોની છાલને ફેંકતી નથી. પરંતુ તેનો બાયો એન્ઝાઈમ બનાવવામાં ઉપયોગ કરું છું. બાયો એન્ઝાઈમ બહુજ કામની વસ્તુ છે, જેને તમે છોડની સાથે સાથે ઘરની સાફ-સફાઈ માટે ‘ક્લીનર’ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તેનાંથી વાળ પણ ધોઈ શકાય છે. આ પાઉડરનો તમે તમારા સાબુમાં પણ ઉપયોગ કરી શકો છો.”
DIY ડિશવૉશ પાઉડર અને સ્ક્રબર
પલ્લવી કહે છેકે, સૂકા નારિયેળની છાલને તમે વાસણ ધોવાના સ્ક્રબરની જેમ ઉપયોગમાં લઈ શકો છો. તેમણે જણાવ્યુકે, બહુજ સરળ રીતે તમે ઘરમાં ડિશવૉશ પાઉડર પણ બનાવી શકો છો.
ડિશવૉશ પાઉડર બનાવવાની રીત
· બે ચમચી શિકાકાઈ પાઉડરમાં બે ચમચી અરીઠાનો પાઉડર મિક્સ કરો, તેમાં તમે ઈચ્છો તો ઉપરથી આમળાનો પાઉડર અથવા સંતરા અને લીંબુનો પાઉડર મિક્સ કરી શકો છો.
· જો તમારા વાસણો બહુજ વધારે ચીકણા છે અથવા તેલવાળા છે તો તમે એક ચપટી બેકિંગ પાઉડર અથવા મીઠુ પણ ઉમેરી શકો છો.
· જો તમારી પાસે ઘરે બનાવેલાં બાયો એન્ઝાઈમ છે તો તમે બે ચમચી બાયો એન્ઝાઈમ પણ મિક્સ કરી શકો છો. પરંતુ તે મિક્સ કરવું જરૂરી નથી.
· હવે આ મિશ્રણમાં પાણી મિક્સ કરીને ઘાટી પેસ્ટ બનાવી લો.
· વાસણ ધોવા માટે તમારું રસાયણ મુક્ત ડિશવૉશ પાઉડર તૈયાર છે.
· તે તમારી ત્વચા અને વાસણ બંને માટે સુરક્ષિત છે, સાથે જ વાસણ ધોયા બાદ તમે તે પાણીને બગીચામાં નાંખી શકો છો.
તમે અહીં વીડિયો જોઈ શકો છો.
DIY પ્રાકૃતિક લિક્વિડ ડિટર્જંટ
· તમે 30 અરીઠા લો અને તેમાં થોડું શિકાકાઈ મિક્સ કરો,
· આ બંને વસ્તુને 12 કલાક સુધી એક લીટર પાણીમાં પલાળી રાખો.
· હવે આ મિશ્રણને ગરમ થવા માટે રાખી દો અને ઈચ્છો તો તેમાં સંતરા અથવા લીંબુની છાલ પણ નાંખી શકો છો.
· પલ્લવી સૂર્ય કૂકરમાં આ મિશ્રણને ઉકાળે છે, પરંતુ તમે ગેસ ઉપર પણ તેને ઉકાળી શકો છો.
· આ મિશ્રણને અરીઠા નરમ પડે ત્યાં સુધી ગરમ કરવાનું છે.
· હવે તમે આ મિશ્રણને ઠંડુ થવા દો અને બાદમાં અરીઠા અને શિકાકાઈને હાથથી મસળી લો.
· તે બાદ તમે આ મિશ્રણને ગાળી લો. ગાળ્યા બાદે જે અરીઠા અને શિકાકાઈ બચી જાય છે, તેમાં ઉપરથી એક લીટર પાણી ઉમેરો.
· થોડા સમય સુધી આ મિશ્રણને વધારે પીસ્યા બાદ તેને પણ ગાળી લો.
· ગાળ્યા બાદ તમને જે તરલ ઉત્પાદન મળ્યુ છે, તેમાં એક લીટર બાયો એન્ઝાઈમ મિક્સ કરો.
· તમારું લિક્વિડ ડિટર્જેંટ તૈયાર છે, જેને તમે લગભગ બે અઠવાડિયા સુધી વાપરી શકો છો.
· એક ડોલ કપડા માટે તમે 100 થી 150 મિલી લિક્વિડ ડિટર્જંટને લઈ શકો છો.
· સાથે જ, અરીઠા અને શિકાકાઈનું જે મિશ્રણ બચી ગયુ છે, તેને તમે બૉડ સ્ક્રબ માટે ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો પછી તમે તેનો રસોડા અથવા બાથરૂમને સાફ કરવા માટે વાપરી શકો છો.
તમે અહીં વીડિયો જોઈ શકો છો.

DIY આયુર્વેદિક સાબુ
ઘરે સાબુ બનાવવા માટે તમારે ગુલાબની પાંદડી (30-40 ગ્રામ), તુલસીનાં પાન (200 ગ્રામ), એલોવેરાના 4 મોટા પાન, 150 ગ્રામ લીમડાનાં પાન, 15 ગ્રામ સંતરાની છાલનો પાઉડર, 50 ગ્રામ હળદર, એક કિલો મુલ્તાની માટીનો પાઉડર, 60 ગ્રામ હળદર, 100 ગ્રામ જેઠીમધ, 80 ગ્રામ અરીઠા, 70 ગ્રામ સુગંધિ કચોરા, 70 ગ્રામ નગર મોઠા, 150 ગ્રામ આમળાનો પાઉડર, 150 ગ્રામ ચંદન પાઉડર, 100 ગ્રામ મંજિષ્ઠા, 100 મિલી ગુલાબ જળ જોઈએ. શિયાળામાં તમે તેમાં અડધો લીટર તલનું તેલ અને ઉનાળામાં નારિયેળનું તેલ મિક્સ કરી શકો છો.
· સૌથી પહેલાં એલોવેરાનાં જેલને કાઢીને મિક્સરમાં પીસી લો.
· પછી તેમાં તુલસી, ગુલાબ, લીમડો વગેરેનાં પાંદડા મિક્સ કરી લો.
· હવે એક મોટા વાસણમાં તેને કાઢી લો અને તેની ઉપર બધા પ્રકારનાં પાઉડર નાંખો અને તેને સારી રીતે મિક્સ કરો.
· હવે ઉપરથી તેલ નાંખીને મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી તેમાં ગાંઠા ન રહે.
· હવે ગુલાબજળ અને જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરીને આ મિશ્રણને લોટની જેમ ગૂંથી લો.
· જ્યારે તે સારી રીતે તૈયાર થઈ જાય તો તમે તેનાં નાના-નાના સાબુ બનાવીને તડકામાં સૂકવી દો.
· તમારા ઘરમાં બનેલાં રસાયણ મુક્ત સાબુ તૈયાર છે.
વીડિયો તમે અહીં જોઈ શકો છો.

પલ્લવી કહે છેકે, અરીઠા, શિકાકાઈ, આમળા વગેરેની મદદથી તમે ઘરે શેમ્પૂ પણ બનાવી શકો છો. આ રીતે ઘરે તૈયાર કરેલાં રસાયણમુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરીને તમારી ત્વચા સુરક્ષિત રહેશે અને પાણી પણ પ્રદૂષિત થશે નહી. તમે રસોડા અને બાથરૂમમાં પાણીને એકત્ર કરીને બગીચા માટે ઉપયોગમાં લઈ શકો છો. જેમકે પલ્લવી જાતે કરે છે. અંતમાં તે કહે છેકતે, આ રીતે તે ફક્ત પોતાના પરિવારને તો સ્વસ્થ રાખે જ છે, સાથે ઘણી બધી બચત પણ કરી રહી છે. કારણકે, હવે તેને કોસ્મેટિક પર હજારો રૂપિયા કરવા પડતા નથી.
ખરેખર, પલ્લવીની લાઈફસ્ટાઈલ (Sustainable living) આપણા બધા માટે પ્રેરણા છે. જો તમે પલ્લવીનો સંપર્ક કરવા માંગો છો તો તમે તેને pallavi.vitthal@gmail.com પર ઈમેલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.