આજે બજારમાં જેટલી જાતની આઇસક્રીમ છે, તેના કરતાં વધારે આઇસક્રીમની બ્રાન્ડ્સ છે. પરંતુ વર્ષો પહેલા, જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે ફક્ત થોડી જ બ્રાન્ડ્સ હતી જે લોકો સુધી આઈસ્ક્રીમનો સ્વાદ પહોંચાડતી. આવી જ એક આઈસ્ક્રીમ બ્રાન્ડ, ગુજરાતની વાડીલાલ(Vadilal) બ્રાન્ડ છે. ચાર પેઢીથી ચાલી રહેલી આ બ્રાન્ડ, આજે દેશની જાણીતી આઇસક્રીમ બ્રાન્ડ છે.
આ બ્રાંડે પરંપરાગત કોઠી (હાથથી ચાલતી સ્વદેશી આઈસ્ક્રીમ મશીન) પદ્ધતિનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમનું વેચાણ શરૂ કર્યું હતું, જ્યારે આજે તેમની પાસે તેમના ગ્રાહકો માટે 200 થી વધુ આઇસક્રીમ ફ્લેવર્સ છે.
વાડીલાલ ગાંધીના અથાક પરિશ્રમથી શરૂ થઈ હતી યાત્રા
Vadilal ની શરૂઆત, 1907 માં અમદાવાદના વાડીલાલ ગાંધીએ કરી હતી. તે દિવસોમાં તે સોડા વેચવાની સાથે સાથે પરંપરાગત ‘કોઠી પદ્ધતિ’ નો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવતા હતા. નોંધપાત્ર છે કે, શરૂઆતમાં આઇસક્રીમ બરફ, મીઠું અને દૂધ ભેળવીને હાથથી ચાલવા વાળી મશીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી. તે દિવસોમાં વાડીલાલ ગાંધી, થર્મોકોલના ડબ્બામાં આઇસક્રીમ પેક કરી, હોમ ડિલિવરી પણ કરતા હતા.

ધીરે-ધીરે તેમનો વિસ્તાર વધતો ગયો અને ભવિષ્યમાં વાડીલાલ ગાંધીએ તેમનો વ્યવસાય તેમના પુત્ર રણછોડલાલ ગાંધીને સોંપી દીધો. રણછોડલાલ ગાંધીએ 1926 માં આઈસ્ક્રીમ બનાવવાની મશીનો સાથે, વાડીલાલનું પહેલું આઈસ્ક્રીમ આઉટલેટ શરૂ કર્યું. થોડા દિવસોમાં જ આ કંપનીના અમદાવાદમાં વધુ ચાર આઉટલેટ્સ શરૂ થઈ ગયા.
1950 માં, વડીલાલે આઇકોનિક ઇન્ટરનેશનલ ફ્લેવરવાળો કસાટા આઈસ્ક્રીમ બજારમાં રજૂ કર્યો, જે ટૂંક જ સમયમાં અત્યંત લોકપ્રિય બની ગયો. 1970 ની આસપાસ, રણછોડલાલના બે પુત્રો, રામચંદ્ર અને લક્ષ્મણ ગાંધી પણ બિઝનેસમાં જોડાયા. ત્યાં સુધીમાં વાડીલાલ દેશની એક આધુનિક કોર્પોરેટ કંપની બની ગઈ હતી, જેના અમદાવાદમાં 8 થી 10 આઉટલેટ હતા. હવે કંપનીનું આગળનું પગલું તેની આઈસ્ક્રીમને ગુજરાતની બહાર લઈ જવાનું હતું. આઈસ્ક્રીમની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે 1985 માં દેશભરમાં અલગ-અલગ સ્થળોએ વાડીલાલના આઉટલેટ ખુલવા લાગ્યા હતા.

1990 સુધીમાં, ગાંધી પરિવારની ચોથી પેઢી પણ આ વ્યવસાયમાં જોડાઈ ગઈ હતી, જેમાં રામચંદ્ર ગાંધીના ત્રણ પુત્ર, વીરેન્દ્ર, રાજેશ અને શૈલેષ ગાંધી અને લક્ષ્મણ ગાંધીના પુત્ર દેવાંશુ ગાંધીનો સમાવેશ થાય છે.
સ્વદેશી વાડીલાલ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની
1991ના વર્ષમાં, કંપનીએ આઇસક્રીમથી આગળ વધીને પ્રોસેસ્ડ ફૂડ ના ક્ષેત્રમાં પગ મૂક્યો અને વાડીલાલ ક્વિક ટ્રીટ (Vadilal Quick Treat) લોન્ચ કરી. વડીલાલ ક્વિક ટ્રીટ માં આઇસ્ક્રીમ સહિત ફ્રોઝન સ્પ્રાઉટ, શાકભાજી, ફળ, ફળોના પલ્પ અને મીઠાઈઓ સાથે, Ready to Cook માં વિવિધ પ્રકારની ભારતીય વાનગીઓ નો સમાવેશ થાય છે. 1995 માં, વાડીલાલ ફ્રોઝન શાકભાજીને અમેરિકન બજારમાં લાવનાર પ્રથમ ભારતીય બ્રાન્ડ બની.
કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કલ્પિત ગાંધી કહે છે, “વાડીલાલની ફ્રોઝન પ્રોડક્ટ્સ વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે, જ્યારે વાડીલાલ યુએસમાં સૌથી વધુ વેચાતી ભારતીય આઈસ્ક્રીમ બ્રાન્ડ છે. આજે અમારી બ્રાન્ડ વિશ્વના 45 દેશોમાં પહોંચી ગઈ છે.”
વર્ષ 2000 માં, જ્યારે આખો આઇસક્રીમ ઉદ્યોગ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે વડીલાલે પાર્ટી પેક્સ અને એક પર એક આઇસક્રીમ ફ્રી જેવી શ્રેષ્ઠ સ્કીમો લૉન્ચ કરી, જે આજ સુધી ગ્રાહકોમાં લોકપ્રિય છે. વર્ષ 2011 માં, કંપનીએ Badabite, Flingo અને Gourmet જેવી પ્રીમિયમ આઇસક્રીમ લોન્ચ કરી. ત્યારબાદ, કંપનીએ ભારતીય આઈસ્ક્રીમ માર્કેટમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવી લીધું.

નવા યુગ સાથે બદલાયું વાડીલાલ
વાડીલાલ બ્રાન્ડે સમય-સમય પર પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખી, ઘણા ફેરફાર અને નવા પ્રયોગો કર્યા છે. તે પછી નવા ફ્લેવરની શોધ કરવી હોય કે નવી પદ્ધતિનો ઉપયોગ કરવો, અથવા પોતાની આઈસ્ક્રીમના પેકેજીંગ પર કામ કરવું હોય, વાડીલાલ પાસે હંમેશા ગ્રાહકો માટે કંઈક નવું હોય છે.

દેશમાં પ્રથમ કસાટા આઈસ્ક્રીમ લોન્ચ કરવાથી લઈને દેશની પ્રથમ ઓટોમેટીક કેન્ડી લાઇન અને સૌથી ઝડપી આઈસ્ક્રીમ બનાવતી મશીન લાવવાનો શ્રેય પણ આ કંપની જોડે જ છે. હાલમાં, Vadilal ની બરેલી (ઉત્તર પ્રદેશ) અને પુંઢરા (ગુજરાત) ની ફેક્ટરીમાં આઇસક્રીમ બનાવવામાં છે અને ગુજરાતના ધરમપુર સ્થિત ફેક્ટરીમાં વડિલાલ ક્વિક ટ્રીટના ફ્રોઝન ફૂડ બનાવવામાં આવે છે.
Vadilal એ અનેક વિદેશી અને દેશી આઇસક્રીમ કંપનીઓના પડકારોનો સામનો કરી, પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે, જેનું એક મુખ્ય કારણ, તેનું 100% શાકાહારી હોવું છે.

દેશની પ્રિય સ્વદેશી બ્રાન્ડ
1970 ના દાયકામાં મલ્ટિનેશનલ આઈસ્ક્રીમ કંપનીનું ભારતમાં આગમન થયું, ત્યાં સુધી વાડીલાલે સ્થાનિક બજારોમાં પહેલાથી જ વર્ચસ્વ વધારી લીધું હતું. શાકાહારીના દાવાને કારણે કંપનીનો પોતાનો એક ગ્રાહક સમુદાય હતો. કદાચ આ જ કારણ હતું કે વડીલાલ બ્રાન્ડની પ્રથમ જાહેરાતની પંચ લાઇન હતી – ‘ઉપવાસ કરતા લોકોનો આઇસક્રીમ’
કંપની પોતાની બ્રાંડિંગ અને જાહેરાત પર પણ ઘણું કામ કરે છે, તાજેતરમાં જ કંપનીએ તેનું નવું અભિયાન ‘હર દિલ બોલે વાહ, વડીલાલ!’ પણ લૉન્ચ કર્યું છે. એટલે એમ કહેવું ખોટું નહીં પડે કે વાડીલાલ પોતાની નિરંતર મહેનત અને ધંધામાં અપનાવાતી નવીન પધ્ધતિઓના કારણે જ, આજે દેશની પ્રિય બ્રાન્ડ બની ગઈ છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઓછી આવકવાળા લોકો માટે શરૂ કર્યો Cold Drinks Business, માત્ર 10 રૂપિયા કિંમત રાખી અને 35 કરોડ રૂપિયા કમાયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.