Search Icon
Nav Arrow
Rasikbhai
Rasikbhai

50 હજારની નોકરી છોડી રાજકોટના શિક્ષકે શરૂ કરી માટી વગરની ‘ભવિષ્યની ખેતી’, કમાણી મહિને 1.50 લાખ

રાજકોટના શિક્ષકે નોકરી છોડી અપનાવી હાઇડ્રોપોનિક્સ ખેતી, હવે કરે છે મહિને 1.50 લાખની કમાણી

શું તમે જમીન કે માટી વગર શાકભાજી ઉગી શકે તેવું વિચારી શકો ખરા? આ સવાલ કોઈને પણ વિચારતા કરી મૂકે એવો છે, પરંતુ રાજકોટમાં એક એવા આધુનિક યુવા ખેડૂત છે, જેમણે માત્ર પાણીની મદદથી જ પોતાના ઘરની છત પર શાકભાજીનું વાવેતર કર્યું છે. રાજકોટથી 20 કિલોમીટર દૂર મેટોડા ગામમાં રહેતા રસિકભાઇ લાલાભાઈ નકુમે માટી વગરની હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઘરઆંગણે શાકભાજી અને ફળની ખેતીની શરૂઆત કરી છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિને ભાવિ ખેતી (future farming) તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ આ હાઇડ્રોપોનિક્સ ખેતી શું છે અને તે કેવી રીતે થાય છે અને તેના ફાયદા શું છે.

યુવા ખેડૂતનો પરિચય
મુળ દ્નારકા જિલ્લાના કનેડી ગામના અને હાલ મેટોડામાં રહેતા રસીક ભાઈએ બીએડ સુધી અભ્યાસ કરી ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. તેમને મહિને 45થી 50 હજાર જેવો પગાર હતો છતાં નોકરી છોડીને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઘરઆંગણે જ શાકભાજી ઉગાડ્યા અને સફળતા મેળવી છે. આજે તેઓ મહિને દોઢ લાખની કમાણી કરી રહ્યા છે. રસીકભાઈ કહે છે ”મને પહેલાંથી જ લોકોના સ્વાસ્થ્યની ચિંતા રહેતી એટલે હું હંમેશાં તેના વિશે વિચારતો રહેતા ત્યારે એક દિવસ મને છાપામાં ખેડૂતો દ્વારા વાપરવામાં આવતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી થતા રોગો વિશે જાણવા મળ્યું ત્યારથી જ મે આ સમસ્યા કઈ રીતે દૂર કરી શકાય તે અંગે વિચારવાનું શરૂ કરી દીધુ અને અંતે તેના ઉપાય તરીકે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી અને ફળોનો જો ઉપયોગ કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્યમાં સુઘારો થઈ શકે એમ છે તેમ મને લાગ્યું અને મેં નોકરી છોડી ફુલ ટાઈમ ખેતી કરવાનું શરૂ કર્યું.”

Hydroponic Farming

હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ શું છે?
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા રસિકભાઇ નકુમે જણાવ્યું હતું કે ”હું જે પદ્ધતિથી વાવેતર કરું છું તેને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ કહેવામાં આવે છે. હાઇડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે, જેમાં હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે શ્રમ થાય છે, એટલે કે ફળ, ફૂલ અને શાકભાજી જમીનને બદલે પાણીમાં ઉગાડવાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે, હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ નવી નથી, પણ 40 વર્ષ જૂની છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઘરઆંગણે જ ટમેટાં, રીંગણાં, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલાં, દૂધી, કાંકડી, ફુદીનો, પાલક, કોથમીર સહિતનાં અનેક શાકભાજી અને ફળનું વાવેતર કરી શકાય છે.

રસિકભાઇએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઇઝરાયેલ, જર્મની, અમેરિકા અને ચીનમાં આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. હવે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતો આ પદ્ધતિ અંગે ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે.

Farmer

હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરવાની આવશ્યકતા
આજે દુનિયામાં લોકોની વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે, ત્યારે તેની જરૂરિયાત સંતોષવા માટે આવશ્યક જમીન વસ્તીના પ્રમાણમાં વધતી નથી અને સાથે જ પાણીની પણ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વધતી વસ્તી માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી એ હાલમાં સૌથી ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. રસીકભાઈનું માનવું છે કે આ બધી સમસ્યાનો ઉકેલ માટે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરવી ભવિષ્યમાં અનિવાર્ય બનશે એટલે આજથી જ તેના વિશે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.

પ્લાન્ટ સ્થાપવામાં થતો ખર્ચ- મળતી આવક અને રોજગારી
રસિકભાઈ પ્લાન્ટ વિશે વાત કરતા કહે છે કે તેમણે બે પ્લાન્ટ તૈયાર કર્યા છે, જેમાં 5 હજાર સ્ક્વેરફૂટ અને 2 હજાર સ્ક્વેરફૂટ. આ બંને પ્લાન્ટમાં તેમણે અંદાજિત કુલ 12 થી 13 લાખનો ખર્ચ કર્યો છે. ત્રીજા પ્લાન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. 5 હજાર સ્ક્વેરફૂટના પ્લાન્ટમાં રોજ 100 કિલોથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે અને 2 હજાર સ્ક્વેરફૂટના પ્લાન્ટમાં 70 કિલોથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે.
રસિકભાઈ કહે છે ”મારી શાકભાજીનો ભાવ કિલોના 150 રૂપિયા છે. રોજના 200 જેટલા કાયમી ગ્રાહકો છે, જેઓ મારી પાસેથી જ શાકભાજી ખરીદે છે, તેને સંતોષકારક સેવા આપવા માટે મેં 6 લોકોને પગાર પર રાખ્યા છે અને તેને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છું.”

Gujarati News

હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ કેમ ફાયદાકારક છે?
હાઇડ્રોપોનિક્સ પદ્ધતિના ફાયદાની વાત કરતા રસીકભાઈ નીચેની બાબત કહે છે.

  • આ પદ્ધતિ મુજબ પરંપરાગત રીતે જમીન પર ઉગાડવામાં આવતા શકાભાજીની તુલનામાં માત્ર 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે. ખાસ પ્રકારની પાઇપલાઇનથી સેટઅપ તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષકતત્ત્વો અને પ્લાન્ટની જાળવણીનો જ નહિવત ખર્ચ થાય છે.
  • આનો પ્લાન્ટ ઘરની ટેરેસ અથવા ખાલી જમીનમાં સ્થાપી શકાય છે. ખાસ કરીને ગામડામાં જ્યાં બંજર અને બિન ઉપજાઉ જમીન ફાજલ પડી છે, ત્યાં આ પ્લાન્ટ સ્થાપી ઉત્પાદન લઈ શકાય છે.
  • આનો પ્લાન્ટથી મળતા શાકભાજી અને ફળો વધુ પોષકતત્ત્વોવાળા હોય છે.
  • જો ઘર પર જ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો રોજે રોજનું તાજું શાકભાજી મળી રહે છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
    -જંતુનાશક દવા અને બિનજરૂરી ખાતરનો ઉપયોગ ન થતો હોવાથી કેન્સર તેમજ અન્ય રોગોનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ 100 ટકા મળી રહે છે.
    -આ પદ્ધતિમાં ઓછી જમીનનો ઉપયોગ થતો હોવાથી નાના ખેડૂતો પણ આનો લાભ લઈ શકે છે.
    -આ પદ્ધતિ દ્વારા ઓફ સિઝનમાં પણ પાક લઈ શકાય છે, જેથી સારા ભાવ પણ મળી શકે છે.
  • હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં શાકભાજી સિવાય ગાયનો ઘાસચારો સહિતના અનેક પાકો વાવી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ લઇ શકાય છે. હાઇડ્રોપોનિક્સ એ ઓટોમેટિક સિસ્ટમ છે.

વધુમાં રસીકભાઈ જણાવે છે ” છેલ્લા 7 વર્ષથી અમે ઘરે છત પર હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડેલા શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ એટલે આજ સુધી અમારે કોઈ પણ દવા લેવાની જરૂર પડી નથી, મારી પત્ની જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ અમે ઘરના જ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતા એટલે ત્યારે ડૉક્ટર દ્વારા વિટામીનની દવા લખી આપવામાં આવતી પણ અમે તે લેતા નહીં છતાં પણ આજે મારો બાબો 3 વર્ષનો થતો છતા પણ કોઈજાતની દવા લેવાની જરૂર પડી નથી અને તેની તંદુસ્તીની વાત કરવામાં આવે તો તે 5 વર્ષનો હોય તેવો દેખાય છે.

Positive News

કોરોનામાં રોગપ્રતિકારક શક્તિ વધારતો બેસિલનો પાક
રસિકભાઇને જ્યારે પૂછવામાં આવ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તો તમે ક્યો પાક વાવ્યો છે જેમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે. તેમણે જણાવ્યું હતું કે કોરોનામાં મેં બેસિલ પાક વાવ્યો છે. આ પાકના છોડ તુલસી જેવા હોય છે. આનું સેવન કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

રસીકભાઈનો ભાવિ પ્લાન
રસિકભાઈને ભાવિ પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ”હાલ તો હું લોકોને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી થતી ખેતી વિશે જાગૃત કરવામાં પૂરતુ ધ્યાન આપું છે અને સાથેસાથે હું એક એવા બેક્ટેરિયાનું સંશોધન કરી રહ્યો છું કે ટમેટાંમાં રોગ આવ્યાના 24 કલાક અગાઉ અલર્ટ મળી જાય. કૃષિને ઝડપથી આગળ લઇ જવાનું મારું સપનું છે. બાળકોને કેલ્શિયમની ખામી ન રહે તેવા શાકભાજીમાં આ પદ્ધતિ દ્વારા પોષક તત્વ આપીને ઉગાડી શકાય છે અને હાલમાં હું 6 લોકોને રોજગાર આપું છું જે 2035 સુધીમાં 15 હજાર લોકોને સુધી લઈ જવાનો મારો લક્ષ્યાંક છે. હું મારા પ્લાન્ટ પર આવનાર દરેક લોકોને ફ્રીમાં માર્ગદર્શન આપું છું અને લોકોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરું છું. મારી આ ખેતીમાં મારી પત્ની અને મારા માતા-પિતા મને ખૂબ જ સહયોગ કરી રહ્યા છે.”

જો તમે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ વિશે વધુ જાણવા માંગતા હોય તો તમે રસીકભાઈ નકુમનો આ નંબર 9737007655 પર સંપર્ક કરી શકો છો અને તેમની વેબસાઈટ ની મુલાકાત પણ લઈ શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનું

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon