લોકડાઉનમાં કામ ઠપ્પ થતાં ધનીરામે બનાવી એક ઈકો ફ્રેન્ડલી સાઇકલ. જોકે તેમણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, તેમની આ સાઈકલ એટલી ફેમસ બની જશે કે કેનેડા અને દક્ષિણ આફ્રિકાથી પણ લોકો ફોન કરી ઓર્ડર આપશે!
પંજાબના જિરકપુરના રહેવાસી એવા 40 વર્ષીય સુથાર ધનીરામ સગ્ગુએ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. કોરોના મહામારીને કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન પહેલા ધનીરામ ઘરના બારી-દરવાજા બનાવતા હતા. પરંતુ લોકડાઉન દરમિયાન તેમનું કામ ઠપ્પ થઈ જતા આવક પણ બંધ થઈ ગઈ. જો કે તેમણે અન્ય લોકોની જેમ નિરાશાની ચાદર ઓઢી લેવાને બદલે કંઈક નવું શીખવાની ગાંઠ વાળી અને એક નવી જ સફરની શરૂઆત થઈ.
ધનીરામ તેમની આ નવી સફર અંગે વાત કરતા કહે છે કે, તેના ઘરે અમુક પ્લાયવૂડ, તેની ઈલિક્ટ્રિક આરી(એક જાતની કરવત) અને અન્ય સાધનો પડ્યા હતા. તેમણે વિચાર્યું કે આ સાધનો કંઈક ઉપયોગમાં લેવા જોઈએ. સુથારી કામ દરમિયાન તેઓ ઘણા મિકેનિક કારીગરોની આસપાસ પણ રહ્યા હતા. જે અનુભવ તેમને આગળ જતા કામ લાગવાનો હતો. તેમણે ઘણીવાર આ મિકેનિકોને સાયકલ રીપેર કરતા જોયા હતા. બસ ત્યાંથી જ આઈડિયા આવ્યો કે, એક લાકડાની સાઈકલ બનાવવી જોઈએ.
તેઓ આગળ કહે છે, મેં ક્યારેય સાઈકલ બનાવી નહોતી, પણ પોતાના મિકેનિક મિત્રને જોયો હતો. જેથી થોડીઘણી ખબર હતી કે કેવી રીતે શું કરવાનું હોય છે. સૌથી પહેલા એક કાગળ પર ડિઝાઈન તૈયાર કરી અને પછી પોતાના ઘરમાં પડેલા પ્લાયવૂડમાંથી સાયકલની ફ્રેમ, હેન્ડલ અને પૈડાની રિંગ તૈયાર કરી.

જ્યારે એક જૂની સાઈકલમાંથી પેડલ, ચેન, પૈડા અને સીટ વગેરે કાધી લીધા. આ તમામ વસ્તુને તેણે લાકડાની ફ્રેમમાં ફિટ કરી.
જો કે થોડી ઘણી ચૂક થવાને કારણે તેનો પહેલો પ્રયોગ સફળ રહ્યો નહીં. પરંતુ હાર માને તે ધનીરામ નહીં, તેમણે ભૂલ સુધારવા માટે ફરી પ્રયાસો શરૂ કર્યા. આ અંગે તેઓ કહે છે કે, ફાઈનલ મોડલ માત્ર એક મહિનામાં જ તૈયાર કરી લીધું, જે સફળ રહ્યું હતું. આમ સાઈકલ લગભગ તૈયાર હતી. પરંતુ તેમાં તેમણે આગળ એક બાસ્કેટ અને પૈડા પર ગાર્ડ લગાવવાનો નિર્ણય કર્યો. જ્યારે ફાઈનલ પ્રોડક્ટ તૈયાર કરવા માટે તેમણે મેના અંત સુધીમાં વધુ લાકડું મગાવ્યું. આ સાઈકલ 20 કિલોગ્રામ બની છે અને લગભગ 150 કિલો વજન ઉપાડી શકે છે.
ધનીરામ આગળ કહે ચે કે, પોતાના કર્મચારીઓની મદદથી જુલાઈના અંત સુધીમાં આ કામ પુરું કરી લીધું અને તેમણે ચમક આવે તે માટે સાઈકલને પેઈન્ટ કરવાને બદલે ખાલી પોલિશ જ કરી.તેના એક મિત્રએ આ સાઈકલ અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને ત્યાંથી ઓર્ડર મળવાની શરૂઆત થઈ.

સૌથી પહેલા તેમણે ચંદીગઢ વહીવટી તંત્રના અધિકારી રાકેશસિંહ માટે સાઈકલ બનાવી. રાકેશ સિંહે જણાવ્યું કે, ધનીરામનો પહેલો પ્રોટોટાઈપ(નમૂનો) જોઈને તેને ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તેમણે ધનીરામનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, તેઓ સાઈકલમાં વધુ ફેરફાર કરી રહ્યા છે. જેથી રાકેશે તે સમયે તેની જરૂરિયાત મુજબની અમુક બાબતો જણાવી દીધી. આ રીતે તેમણે પ્રિ-ઓર્ડર સાઈકલ બનાવડાવી. ધનીરામની આ સાઈકલની કિંમત રૂ.15000 હજાર છે.
રાકેશ દિવસમાં એકવાર અચૂક સાઈકલનો ઉપોયગ કરે છે અને તે કહે છે કે, ભલે સામાન્ય સાઈકલ કરતા તેનું વજન થોડું વધુ હોય, પણ ધનીરામની કારગીરી કમાલની છે. વજન વધુ હોવાથી નથી સાઈકલની સ્પીડ ઓછી થતી કે ચલાવવામાં નથી કોઈ મુશ્કેલી પડતી. માત્ર એટલું જ નહીં, વર્કઆઉટ માટે તો આ સાઈકલ ખૂબ સારી છે. ધનીરામની દુકાનનું નામ નૂર ઈન્ટિરિયર્સ હતું અને તેમણે સાઈકલને પણ નૂર ઈન્ટિરિયર્સ જ નામ આપ્યું છે. ધનીરામને અત્યાર સુધીમાં લગભગ 10 ઓર્ડર મળી ચૂક્યા છે. પહેલી સાઈકલ બનાવવામાં તેમને એક મહિના લાગ્યો હતો. પરંતુ હવે તેઓ એક વીકમાં જ સાઈકલ તૈયાર કરી દે છે. સોશિયલ મીડિયા પર તેમની સાઈકલ જોઈને તેમને વિદેશમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. તેઓ કહે છે કે, તેમની આગળની યોજના આ સાઈકલમાં ડિસ્ક બ્રેક્સ અને ગિયર લગાવવાની છે. તેમાં પણ તેઓ સફળતા મેળવશે એવી તેમને આશા છે.
જો તમે ધનીરામની સાઈકલ ખરીદવા માગતા હોય તો કે જાણકારી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેને 7087697652 પર કોલ કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: માત્ર 100 રૂપિયામાં બનતું આ સોલર કૂકર ગામડાંની ગરીબ મહિલાઓ માટે બની ગયું આશીર્વાદ સમાન