“સાંઈ ઈતના દીજિયે, જામે કુટુમ સમાય,
મૈં ભી ભૂખા ન રહું, સાધુ ન ભૂખા જાય.”
સંત કબીરના આ આ દોહાનો અર્થ છે કે, મારે બસ એટલું જોઇએ છે કે, જેનાથી મારો અને મારા પરિવારનો નિર્વાહ થઈ શકે, જો કોઇ મારા દરવાજે આવે તો હું તેને જમાડી શકું.
નાસિકના એક ખેડૂતે પણ કઈંક એવું કહ્યું કે, આ દોહો યાદ આવી ગયો. તેમણે કહ્યું, “મારી પાસે એક રોટલી હોય અને હું તેમાંથી કોઇ જરૂરિયાતમંદને અડધી રોટલી આપું તો શું વાંધો. થોડી તો થોડી, કઈંક તો મદદ થઈ સકાશે.”
41 વર્ષના ખેડૂતનું નામ છે દત્તા રામ રાવ પાટિલ, જેમણે કોરોનાના કપરા કાળમાં તેમનો પાક ગરીબ મહિલાઓને આપી દીધો.

નાસિકના નિફાડ તાલુકા સ્થિત સુકેણા કસબાના નિવાસી દત્તા રામના પરિવારમાં તેમનાં માતા-પિતા, પત્ની અને બે બાળકો છે. ભાઈ નાસિકમાં નોકરી કરે છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તેમની પાસે ત્રણ એકર જમીન છે, જેના પર તેઓ ખેતી કરે છે.
તેમણે કહ્યું, “હું સ્નાતક સુધી ભણ્યો છું. મારા પિતાની તબીયત સારી રહેતી નહોંતી અને તેમની બાયપાસ સર્જરી કરાવવામાં આવી હતી. એટલે મેં ખેતી કરવાની શરૂ કરી અને પોતાની ત્રણ એકર જમીનમાં હું ઘઉં અને સોયાબીન ઉગાડું છું.”
આ વર્ષે પણ ઘઉંની ફસલ બહુ સારી થઈ હતી. દત્તા આ વર્ષે પાક વેચીને જે પૈસા આવે તેમાંથી ટ્રેક્ટર ખરીદવા ઇચ્છતા હતા. પરંતુ નસીબને કઈંક અલગ જ મંજૂર હતું.
વધુમાં તેઓ જણાવે છે, “એકવાર ગામની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી એક મહિલા અમારી પાસે આવી. તેણે મને કહ્યું કે, ઘરમાં કઈં વધ્યુ હોય ખાવાનું તો તેને આપું. તેના બાળકની ભૂખ સંતોષાશે તેનાથી.”

આ સાંભળીને દત્તાને બહું દુ:ખ થયું. એક તરફ દુનિયા આખી કોરોના સામે લડી રહી છે ત્યાં દેશમાં ઘણા લોકો એવા છે, જેમને બે સમયનું ભોજન મળતું નથી. સવાલ જીવન મરણનો બની જાય છે. ત્યારબાદ તેમણે એ મહિલાને પૂછ્યું કે, તેમની વસ્તીમાં આવા કેટલા લોકો છે?
તેમણે જણાવ્યું, “મહિલાએ જણાવ્યું કે તેમની વસ્તીમાં લગભગ 150 પરિવાર હશે, જેમની પાસે અત્યારે કામ નથી. બધાંની હાલત બહુ ખરાબ છે. ત્યારબાદ મેં વિચાર્યું કે, હું શું કરી શકું આમાં. મારી સામે મારા જ ખેતરમાં પાકેલ અનાજ પડ્યું હતું. એટલે મને વિચાર આવ્યો કે, આ ઘઉં તેમને આપી દઉં તો તેમની થોડી-ઘણી મદદ થઈ શકે.”
દત્તારામે આ અંગે તેનાં માતા-પિતાને પૂછ્યું તો તેમણે પણ તરત જ હા પાડી દીધી. તેમના પિતાએ તરત જ કહ્યું કે, ટ્રેક્ટર આપણે બે વર્ષ પછી લઈશું. અત્યારે આ લોકોને ભોજન મળી જાય એ મહત્વનું છે. બીજા જ દિવસે, દત્તારામ અને તેમની પત્નીએ જરૂરિયાતમંદ મહિલાઓને અનાજ વહેંચવાનું શરૂ કરી દીધું. તેમણે નક્કી કર્યું કે, તેઓ એક એકર જમીનમાં પાકેલ બધુ જ અનાજ વહેંચી દેશે. કોઇને 5 કિલો તો કોઇને 7 કિલો અનાજ આપ્યું. તેઓ જણાવે છે કે, જેમના ઘરની સ્થિતિ બહુ ખરાબ હતી, તે મહિલાઓને વધારે અનાજ આપ્યું.

આ અંગે વધુમાં જણાવતાં તેમણે કહ્યું, “મને અમેરિકાથી અરૂણ નામની એક વ્યક્તિનો ફોન આવ્યો. તેઓ પૈસા આપવા ઇચ્છતા હતા પરંતુ મેં તેમને કહ્યું કે, તેઓ આ પૈસાથી સરકારની મદદ કરી શકે છે. મને તેની જરૂર નથી. આ જ રીતે એક એનજીઓએ પણ તેમનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું કે, પૈસાની જગ્યાએ કોઇ વ્યક્તિની સીધી મદદ કરે.”
દત્તારામના પ્રયત્નોએ દેશવાશીઓનું દિલ જીતી લીધું. કોઇએ સાચું જ કહ્યું છે કે, માણસ પૈસાથી નહીં પરંતુ દિલથી અમીર કે ગરીબ હોય છે. તેમના ઘરની સ્થિતિ પણ કઈં બહુ વધારે સારી નહોંતી, છતાં તેમણે લોકો માટે વિચાર્યું.
હજી લોકો તેમને ફોન કરે છે પરંતુ તેઓ કોઇની મદદ લેવાની ના પાડી દે છે. અને કોઇ ખેતરે આવે એટલે થોડું-ઘણું અનાજ પણ આપે છે. લોકોને તેઓ બસ એકજ વિનંતિ કરવા ઇચ્છે છે કે, પરિસ્થિતિથી ડરે નહીં, એકબીજાંની મદદ કરે અને પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે.
જો તમે દત્તા રામ રાવ પાટિલનો સંપર્ક કરવા ઇચ્છતા હોય અને તેમના વિશે વધુ જાણવા ઇચ્છતા હોય તો તેમનો 9765213560 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: ભોજનમાં પતરાવળીનો ઉપયોગ વધારવા માટે રંગ લાવી ડોક્ટરની મહેનત, 500+ પરિવાર જોડાયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.