લોકો માટે ઘર તે હોય છે જ્યાં તેમની ભાવનાઓ જોડાયેલી હોય છે, પરંતુ 62 વર્ષનાં ભાવના શાહ માટે ઘર ફક્ત એ નથી કે જ્યાં ભાવના વસતી હોય, પરંતુ તે પણ છે જ્યાં સારું સ્વાસ્થ્ય પણ હોય. અમદાવાદનાં થલતેજ શિલજ રોડ પર શાંત વાતાવરણમાં રહેતાં ભાવનાની તેમની પોતાની જ અલગ દુનિયા છે. જ્યાં તેઓ દરરરોજ આદર્શ જીવનશૈલીને બનાવી રાખવાનાં પ્રયાસો કરે છે.
ભાવના અને તેમના પતિ નિતિને તેમનું મોટાભાગનું જીવન મુંબઈની ભીડ અને પ્રદૂષણમાં વિતાવ્યુ છે, જેનાથી તેઓ થાકી ચૂક્યા હતા. હવે તેમને એક શાંત જગ્યા જોઈતી હતી જ્યાં તેઓ શોરબકોરથી દૂર, તેમના હિસાબથી રહી શકે અને આ શોધ તેમને 8 વર્ષ પહેલાં ફરી પાછા તેમના શહેર અમદાવાદમાં ખેંચી લાવી હતી. અમદાવાદ આવીને તેમણે પોતાનાં સપનાનું ઘર એવું બનાવવાનું વિચાર્યુ, જે બધાથી અલગ હોય અને પર્યાવરણને અનુકૂળ હોય.

આજે તેમના ઘરમાં કિચન ગાર્ડન, વરસાદના પાણીને સંગ્રહ કરવા સહિત વિભિન્ન સુવિધાઓ હાજર છે. પરંતુ દરેક વસ્તુઓ પ્રકૃતિને અનુકૂળ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવી છે.
ભાવના કહે છે,”એક સ્વસ્થ જીવન માટે પહેલું પગલું છે સ્વસ્થ ખોરાક. એટલા માટે લગભગ 2000 ચોરસફૂટની જગ્યામાં કિચન ગાર્ડન બનાવવાનો પ્રયોગ કર્યો છે. જ્યાં મેં 20થી વધારે પ્રકારની શાકભાજી, જડી-બુટ્ટીઓ અને ફળ જૈવિક વિધિથી ઉગાડી રહી છું. તેના કારણે મારી પાસે દરરોજ તાજા શાકભાજી રાંધવા માટે હોય છે.”

ભાવના સિઝન મુજબ છોડ ઉગાડે છે. તે ફક્ત દેશી ફળ અને શાકભાજી જ ઉગાડે છે જેથી માટી પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ ન પડે. તે રસોઈનાં કચરામાંથી ખાતર બનાવે છે અને તેનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે કરે છે. સાથે જ માટીને આરામ આપવા માટે તે વર્ષમાં એક વાર માટીને ખોદીને કંઈ પણ વાવ્યા વગર તેને તડકામાં જ ખુલ્લી રાખે છે. જેથી માટીની ઉત્પાદન ક્ષમતા વધી શકે. જોકે, ઘણીવાર અમુક શાકભાજી જે તેમના ગાર્ડનમાં ઉગી શકતી નથી, તેને બહારથી ખરીદવી પડે છે.
જ્યારે પણ તેમણે શાકભાજી અને ફળોને બહારથી ખરીદવા પડે છે તો તેઓ શાકભાજીની ગુણવત્તા ચકાસવા માટે લીંબુ અને સંતરાની છાલને પાણી અને ગોળમાં મિક્સ કરીને ‘બાયો-એન્ઝાઈમ’ બનાવે છે. ત્યારબાદ આ ફળો અને શાકભાજીને વાપરતા પહેલાં 20 મિનિટ માટે પલાળીને રાખે છે. તેનાંથી આ બધા જ શાકભાજીનાં ઝેરી પદાર્થ ધોવાઈ જાય છે.

ભાવના અને નિતિનનાં ઘરને એકદમ હટકે બનાવવાનો શ્રેય ઘરેલું કચરાના સાચા પ્રયોગને જાય છે. તેમનાં ત્યાં વર્મીકંપોસ્ટ અને કિચન-કંપોસ્ટ બંને ભીના કચરામાંથી બનાવવામાં આવે છે. આજ કારણ છેકે, છેલ્લાં 8 વર્ષોમાં ભીના કચરાને ઘરની બહાર ફેંકવામાં આવ્યો નથી.
કિચન ગાર્ડન સિવાય ઘરમાં જ વરસાદનાં પાણીના સંગ્રહની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેનો ઉપયોગ બગીચામાં, કપડા ધોવામાં, નહાવા જેવા ઘરેલું કામ સિવાય પીવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.
તેઓ જણાવે છે, “એક વાર છત પર પાણી જમા કરી લેવામાં આવે છે, પછી તેને ફિલ્ટરમાં મોકલ્યા બાદ 10 હજાર લીટરની ક્ષમતાવાળા ટાંકામાં મોકલી દેવામાં આવે છે. આ ટાંકી એક હેન્ડપંપ સાથે જોડાયેલી છે. અને જ્યારે પણ પાણીની જરૂર પડે છે. અમે ત્યાંથી કાઢી લઈએ છીએ. ટાંકીનું ઢાંકણું પારદર્શી છે, જેનાંથી તેની અંદરના પાણીને તડકો અને ગંદકીથી બચાવી શકાય છે અને સાથે જ અમે બહારથી તેની ઉપર નજર પણ રાખી શકીએ છીએ.”
ફક્ત એટલું જ નહી તેમના ઘરે ખાવાનું પણ સૌર ઉર્જાથી ચાલતા કૂકરમાં બનાવવામાં આવે છે. અને ઘરમાં વીજળી પણ છત પર લાગેલી 12 સોલર પેનલથી મળે છે.

તેમનો હેતું પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર વધુમાં વધુ સંસાધનોનો પ્રયોગ કરવાનો છે. તેમનાં ત્યાં શાકભાજી ધોવામાં વપરાયેલું પાણી પણ બાદમાં બગીચામાં છોડવામાં આવે છે.
ભાવના ‘શોર્ટકટ’માં વિશ્વાસ કરતા નથી, એટલા માટે આ સપનાનાં ઘરને બનાવતા પહેલાં ઘણા ક્ષેત્રોમાં ટ્રેનિંગ લીધી છે. તેમણે વર્મી કમ્પોસ્ટ, કિચન ગાર્ડન, વેસ્ટ મેનેજમેન્ટની ઘણી વર્કશોપ્સમાં ભાગ લીધો છે. માટીની જટિલતાને સમજવા માટે તેઓ ખેડૂતોને પણ મળ્યા હતા. તેમનું ઘર હવે આસપાસનાં ક્ષેત્રોમાં એક ઉદાહરણ બની ગયુ છે. તેમની પુત્રી જે કેલિફોર્નિયામાં રહે છે, તે પણ તેનાં ઘરે જૈવિક ખેતી કરે છે. ભાવના આશા રાખે છેકે, આ વ્યવસ્થા ફક્ત તેનાં ઘરનાં લોકો જ નહી પરંતુ આસપાસનાં લોકો પણ અપનાવે.
અંતમાં તેઓ કહે છે, “ મારા માટે ઘર તે છે જ્યાં સ્વાસ્થ્ય છે. હું ઘરમાં હાજર દરેક ઝેરી તત્વોથી છુટકારો ઈચ્છતી હતી, પછી તે ખાવાનું હોય, પાણી હોય કે વીજળી.આ બધાનું યોગદાન આપણને બીમાર કરવા માટે નહી પરંતુ આપણા પર્યાવરણને સ્વાસ્થ બનાવવા માટે હોવું જોઈએ.”
આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.