આસામની ગૃહિણી દીપાલી ભટ્ટાચાર્યનું સામાન્ય જીવન અચાનક બદલાઇ ગયું જ્યારે તેમના પતિનું અચાનક અવસાન થયું. પતિના અવસાન બાદ ઘર ચલાવવાની જવાબદારી પોતાના માથે આવી જતાં તેણે શરૂ કર્યો ઘરે બનાવેલ અથાણાનો વ્યવસાય. ‘પ્રકૃતિ’ એક બ્રાન્ડ છે, જે અંતર્ગત ઘરે બનાવેલું આચાર અને નમકીન (ફરસાણ) બનાવવામાં આવે છે. ખૂબ જ સરળ જીવન જીવતી દીપાલીની દીનચર્યા સૂરજ ઉગતાની સાથે શરૂ થાય છે. તેણી રોજ સવારે ‘ટોસ્ટ પીઠા’ બનાવે છે. પીઠા આસામનું પારંપારિક વ્યંજન છે, જે ચોખાનો લોટ, ગોળ અને નારિયેળમાંથી બને છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દીપાલી તેને તેલમાં તળવાને બદલે શેકે છે. તેણી દરરોજ 50 પીઠા તેની નજીકમાં આવેલી મીઠાઈની દુકાન પર વેચે છે.

દીપાલી તેના વ્યંજન સાથે પ્રયોગ કરવાનું પસંદ કરે છે અને તેણીએ આશરે 25 પ્રકારના અલગ અલગ આચાર (અથાણાં) બનાવ્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે દીપાલી પાસે નારિયેળ, હળદર અને મશરૂમનું પણ અથાણું છે. તેણી તમામ વસ્તુ જાતે જ બનાવે છે. આ કામમાં દીપાલીને તેની દીકરી સુદિત્રી પણ મદદ કરે છે.
એક મહિનામાં દીપાલી આશરે આચારના 200 ડબ્બા વેચે છે. દીપાલી દ્વારા તૈયાર કરવામાં આવતું આચાર ફક્ત ગૌહાટી જ નહીં પરંતુ દિલ્હી સહિત દેશના અન્ય શહેરમાં પણ પહોંચે છે. હોમ ઉદ્યમી દીપાલી આ રીતે એક વર્ષમાં આશરે 5,00,000 રૂપિયા જેટલી કમાણી કરે છે. દીપાલીએ 2003ના વર્ષમાં તેના પતિ ગુમાવી દીધા હતા. પતિને યાદ કરીને દીપાલી કહે છે કે જ્યારે તેણીએ ગૃહ ઉદ્યોગ વિશે વાત કરી હતી ત્યારે તેના પતિએ ‘પ્રકૃતિ’ નામ સૂચવ્યું હતું. દીપાલી કહે છે કે, “તેઓ હંમેશા મારા ઉદ્યમી પ્રયોગનું સમર્થન કરતા હતા. તેમની સ્મૃતિને જીવંત રાખવાની મારી આ રીત છે.”
ગૃહિણીથી ઉદ્યમી બનવા સુધીની સફર

આચારને લઈને દીપાલી હંમેશા તેના પરિવાર અને મિત્રો વચ્ચે લોકપ્રિય રહી છે. 2015માં દીપાલીએ તેની પેઢીની નોંધણી કરાવી હતી. ઉદેશ્ય હતો કે પોતાના વ્યવસાયને વધારે આગળ વધારી શકે.
વિતેલા દિવસોને યાદ કરીને દીપાલી કહે છે કે, “2003માં મારા પતિનું હૃદયરોગના હુમલા બાદ નિધન થયું હતું. તેમની ઉંમર ફક્ત 40 વર્ષ હતી. તેઓ આસામમાં અસોમ જાતિ વિદ્યાલયમાં શિક્ષક હતા. તેઓ બાળકોને ગણિત, વિજ્ઞાન અને સંગીત શીખવતા હતા. નાટકમાં પણ તેમને રુચિ હતી. તેમણે બાળકો માટે અનેક પુસ્તકો લખ્યા છે. તેમના નિધન બાદ હું મારી સાસુ અને નવ વર્ષની દીકરી સાથે રહેતી હતી.”
પતિના નિધન બાદ દીપાલીએ ઘરની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી અને વિશેષમાં તેની દીકરીની તમામ જરૂરિયાત કેવી રીતે પૂરી કરી શકાય તે દીશામાં વિચારવાનું શરૂ કરી દીધું હતું. દીપાલીએ રસોઈની નાની નાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અનેક ઇનામ પણ જીતી હતી. સ્પર્ધામાં દીપાલીને રોકડ રકમ કે પછી રસોઈના વાસણો મળતા હતા.
10,000 રૂપિયાના શરૂઆતના રોકાણ સાથે દીપાલીએ પોતાના બ્રાન્ડ ‘પ્રકૃતિ’ને શરૂ કરવાની દીશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. દીપાલીએ હાથથી બનેલું આચાર તેના આ સ્ટાર્ટઅપનું મુખ્ય આકર્ષણ બનાવી દીધું હતું. બહુ ઝડપથી લસણ, મેથી, આંબલી, ભુત જોલોકિયા (એક પ્રકારના મરચા), ચિકન અને માછલીનું આચાર પણ લોકપ્રીય બની ગયા હતા.

ત્યાર બાદ દીપાલીએ પોતાના પ્રોડક્ટની યાદીમાં રેડી-ટૂ-ઇટ એટલે કે પહેલાથી તૈયાર નાસ્તો (ચોખા પાઉડર, કેળા પાઉડર, મમરા, ચેવડો, દૂધ પાઉડર અને ખાંડનું મિશ્રણ) ઉમેરી દીધો હતો, આ ઉપરાંત દીપાલીના હાથે બનેલા દહીંવડા અને અન્ય પ્રકારના પીઠા પણ ખૂબ જ લોકપ્રીય થઈ ગયા હતા.
આસામમાં પ્રેરણા અને જીવન
દીપાલી હાલમાં તેની દીકરી સુદિત્રી સાથે ગૌહાટીમાં રહે છે, પરંતુ તેનો જન્મ અને ઉછેર ત્યાંથી 300 કિલોમીટર દૂર જોરહાટમાં થયો છે. દીપાલીએ દેવીચરણ બરુઆ કૉલેજ (DCB)માંથી સ્નાતકની પદવી મેળવી છે. 1986માં સ્નાતક થયા બાદ દીપાલીએ વર્ષ 1990માં લગ્ન કરી લીધા હતા અને ગૌહાટી આવી ગઈ હતી.
સ્વાદિષ્ટ આચાર બનાવતા કોને શીખવ્યું?
દીપાલી કહે છે કે, “અમારા પરિવારની એક મસાલા બ્રાંડ હતી. ગોંધરાજા મસાલા નામની બ્રાંડ મારા પિતાના નિધન બાદ માતા સંભાળી રહી હતી. માતા બાદ એ કામ મારો ભાઈ જોતો હતો. ભાઈના નિધન બાદ અમે તે વ્યવસાય બંધ કરી દીધો હતો. પરંતુ મને આજે પણ યાદ છે કે અમે કેવી રીતે માસાલાનો ઉપયોગ ઘરે બનેલા આચારને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કરતા હતા. એ સમયે આચાર બનાવવાની પ્રક્રિયાને હું ખૂબ જ ધ્યાનથી જોતી હતી. આ જ રીતે મેં આચાર બનાવવાનું શીખી લીધું હતું.”
દીપાલીના સાસુ પણ ખૂબ સારા કૂક છે. સાસુ પાસેથી દીપાલીએ ભોજન બનાવવાની અનેક ટેક્નિક શીખી છે, જેનો ઉપયોગ તેણી આજે પણ કરે છે. જેમ કે આચાર માટે કેટલા મસાલાનો ઉપયોગ કરવો તે તેણી તેની સાસુ પાસેથી જ શીખી છે.
1988માં દીપાલીએ ફૂડ ડિલિવરીનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો. દીપાલીએ એક સ્કૂટર ખરીદ્યું હતું અને એક વ્યક્તિને રોક્યો હતો જે ઓર્ડર પહોંચાડતો હતો. જે બાદમાં દીપાલીએ જોયું કે લોકોને તેણીના બનાવેલા દહીંવડા, સાંભાર વડા, ઇડલી અને આલૂ ચોપ ખૂબ પસંદ પડી રહ્યા છે.
જોકે, પતિના નિધન બાદ દીપાલીએ આચારનો બિઝનેસ શરૂ રાખ્યો હતો. લોકો તેના ઘરની પાસેની દુકાનેથી આચાર ખરીદતા હતા. અનેક નાની નાની સ્પર્ધામાં ભાગ લેવાથી દીપાલીને ખૂબ ફાયદો થયો હતો. જેમ કે નારિયલ વિકાસ બોર્ડે (સીડીબી) નારિયેલ આધારિક ઉત્પાદનો માટે શાનદાર પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી હતી. જેમણે દીપાલીને 2005માં એક મોકો આપ્યો હતો અને સીડીબી પ્રાયોજિત એક પ્રશિક્ષણ કાર્યક્રમ માટે દીપાલીની પસંદગી કરી હતી.
તાલિમ માટે દીપાલી કેરળના કોચ્ચી ગઈ હતી, અહીં 10 દિવસ રહી હતી અને નારિયેલની મીઠાઈ, જામ, ચોકલેટ, કેક, આઇસક્રીમ અને આચાર બનાવતા શીખી હતી. આ પ્રવાસે દીપાલીને હળદર અને નારિયેલનું આચાર બનાવવા માટે પ્રેરણા આપી હતી.

આસામ પરત ફરીને દીપાલીએ પોતે જે શીખી હતી તેના વિશે અનેક મહિલાઓને જણાવ્યું હતું. સીડીબી તરફથી નિયમિત રીતે ગૃહિણીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવતા હતા, જેનાથી દીપાલીને મુશ્કેલ સમયમાં ખૂબ મદદ મળી હતી.
2012 સુધી દીપાલી નંદિની અને સખી જેવી આસામની પત્રિકાઓમાં લેખ પણ લખતી હતી. જેમાં તેણી ટિપ્સ અને વ્યંજનોની રેસિપી આપતી હતી. સાથે જ દીપાલી ‘પ્રકૃતિ’ને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રયાસ પણ કરતી રહી હતી. ઔપચારિક રીતે તેણીએ 2015માં આ નામની નોંધણી કરાવી હતી.
ઘરની રસોઈથી સ્વાદિષ્ટ રસોઈ
દીપાલી કહે છે કે ‘પ્રકૃતિ’ માટે તમામ પ્રકારની કામગીરીનું કેન્દ્ર તેણીના ઘરની રસોઈ છે. તેના કોઈ પણ આચાર માટે કોઈ નક્કી કરેલી નુસખો નથી. તેણી અવારનવાર તેના આચારમાં સુધારો કરતી રહે છે. ત્યાં સુધી કે આચારનું પેકિંગ પણ ઘરે જ થાય છે. તેણીએ અનેક લેબલ છપાવ્યા છે. તેની પાસે સિલાઈ કરવાનું એક મશીન પણ છે. વહીવટ અને સોશિયલ મીડિયા પર ‘પ્રકૃતિ’નું બ્રાન્ડિંગ કરવા માટે તેની દીકરી સુદિત્રી તેની મદદ કરે છે.

ગૌહાટીના એક સૉફ્ટવેર એન્જીનિયર અનુજ યાદવને એક પ્રદર્શનમાં ‘પ્રકૃતિ’ વિશે જાણવા મળ્યું હતું. 40 વર્ષના અનુજે પ્રથમ વખત ટોસ્ટ પીઠાનો સ્વાદ માણ્યો હતો. સાથે જ તેમણે ચિકન અને માછલીનું આચાર પણ ખરીદ્યું હતું. અનુજ કહે છે કે, “આ આચારમાં સૌથી સારી વાત તેમનો સ્વાદ છે. સ્ટોરમાંથી ખરીદવામાં આવતા આચારમાં તેલ અને મસાલો વધારે હોય છે. પરંતુ પ્રકૃતિના આચારમાં આવું નથી હોતું. આ આચાર સરળ અને સ્વાદિષ્ટ છે.”
પરિવાર જ તેની હિંમત
દીપાલી અને સુદિત્રી વચ્ચે ગાઢ પ્રેમ છે. મા-દીકરીએ જીવનમાં અનેક નુકસાન વેઠ્યા છે. સુદિત્રીએ 2012માં માતા સાથે પ્રકૃતિ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. દીપાલી ભારપૂર્વક કહે છે કે આ તેણી માટે એક મોટી રાહત છે.
2015માં ઇલેક્ટ્રૉનિક્સ એન્જીનિયરમાં સ્નાતક થયા બાદ સુદિત્રીએ બે વર્ષ સુધી દૂરસંચાર ક્ષેત્રમાં કામ કર્યું હતું. બાદમાં નોકરી છોડી દીધી હતી. સુદિત્રી ફ્રીલાન્સ ડિજિટલ કન્ટેન્ટ રાઇટર પણ છે. તેણી કહે છે કે, “મારું પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં જ્ઞાન ખૂબ સારું છે. હું ઑનલાઇન વેપાર વધારવા તેમજ પ્રકૃતિનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડિંગ કરવામાં મદદ કરું છું. ”

વિઘ્નો પર કાબૂ મેળવીને આગળ વધવું
દીપાલીની ઉદ્યમ સફળ સરળ નથી રહી. દીપાલી કહે છે કે, “તેના વ્યવસાય સંચાલનમાં વધારે લોકો સામેલ નથી, આથી હું ખૂબ વ્યસ્ત રહું છું. પરંતુ આ બધામાં મારી દીકરી સતત મારી સાથે રહે છે.”
બીજી તરફ સુદિત્રી તેની માતાથી ખૂબ જ પ્રેરિત છે. સુદિત્રી કહે છે કે, “મેં મારા પિતાને નાની ઉંમરમાં જ ગુમાવી દીધા છે. હું મારી માતા અને દાદી સાથે રહી છું. મેં મારી માતાના સંઘર્ષ કરતા જોઈ છે. મેં જોયું છે કે કેવી રીતે મારી માતાએ તમામ જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે. મેં તેમની પાસેથી ક્યારેય હાર નહીં માનવાનું શીખ્યું છે.”

પ્રકૃતિ અને દીપાલી માટે આગળ શું?
દીપાલીનું કહેવું છે કે તેણી અમુક નવા આચાર લાવવાની તૈયારીમાં છે. તેણી હાલ મીઠા આમળાના આચાર માટે એક નુસખો બનાવવા માટે કામ કરી રહી છે. સારી માંગ હોવાથી મશરુમના આચારની પણ એક નવી બેંચની પણ તૈયારી ચાલી રહી છે. અંતમાં દીપાલી કહે છે કે, “મને અનેક વખત મૂર્ખ બનાવવામાં આવી અને દગો આપવામાં આવ્યો છે. પરંતુ સખત પરિશ્રમથી હું મારા પગ પર ઊભી થઈ શકી છું. હું લોકોને કહેવા માંગું છું કે દ્રઢ નિશ્ચય અને ઈમાનદારીથી વ્યક્તિ કંઈ પણ મેળવી શકે છે.”

રેપિડ ફાયરમાં દીપાલીએ આપેલા સવાલોના જવાબ:
*એક ઉદ્યમી જેમની તમે પ્રશંસા કરો છો?
-કામધેનુ ફૂડ્સના માલા મોની હજારિકા.
*નવી ટેક્નિક જે નાના વ્યસાયોના ભવિષ્યને બદલી શકે છે?
-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ.
*એક ફોર્મ્યુલા જે નાના વ્યવસાયોને આગળ વધવામાં મદદ કરી શકે છે?
-સખત પરિશ્રમ.
*તમને ગમતું પુસ્તક?
-રીટા ચૌધરી લિખિત પુસ્તકો.
*ફુરસદની પળોમાં શું કરો છો?
-બગીચા માટે સમય આપવો.
*ઇન્ટરવ્યૂ પહેલા શું કરતા હતા?
-બપોરના ભોજન માટે કિચન ગાર્ડનમાંથી શાકભાજી તોડી રહી હતી.
*નાના વ્યવસાય માટે તમારા અનુભવોમાંથી કોઈ સંદેશ?
-રસ્તામાં આવતા તમામ અવસરનો લાભ લો.
*તમને મળેલી સૌથી સારી સલાહ?
-મારી લગની અને રચનાત્મકતાને આગળ વધારતી રહું.
પ્રકૃતિના ઉત્પાદનોને ખરીદવા માટે તમે તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.
મૂળ લેખ: અંગરિકા ગોગોઇ
આ પણ વાંચો: અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર