રિટાયરમેન્ટ બાદ લોકોના ઘણા પ્લાન હોય છે. ઘણા લોકો ફરવા ઇચ્છતા હોય છે તો, ઘણા લોકો પરિવાર સાથે સારો સમય પસાર કરવા ઇચ્છતા હોય છે. ઘણા લોકો એવા છે, જે અત્યારે તેમનો શોખ પૂરો કરવા પ્રયત્ન કરે છે, જેમ કે, કઈંક વણવું, ગુંથવું, ગાર્ડનિંગ, રસોઇ વગેરે.
કેરળના કન્નૂર જિલ્લાના કેવી શશિધરણ ગાર્ડનિંગ કરે છે. તેમના ગાર્ડનિંગની સૌથી રસપ્રદ વાત એ છે કે, તેઓ બીજને અંકુરિત કરી તેમાંથી છોડ તૈયાર કરવા માટે કોઇ પ્લાસ્ટિકની ટ્રેનો ઉપયોગ નથી કરતા, પરંતુ પત્તાંનો ઉપયોગ કરે છે.
જી હા, આ સાંભળવામાં એકદમ નવું લાગશે, કે તમે પત્તાંના પ્લાન્ટર્સનો ઉપયોગ કરો, પરંતુ શશિધરણ છેલ્લા ઘણા સમયથી આવું કરે છે. તેઓ પત્તાંમાંથી બનેલ નાનકડા પ્લાન્ટર્સમાં જ શાકભાજીનાં બીજ ઉગાડી છોડ તૈયાર કરે છે.
શાશિધરણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “નર્સરી અને ઘરોમાં પણ બીજમાંથી છોડ તૈયાર કરવા પ્લાસ્ટકની બેગ કે ટ્રેનો ઉપયોગ થાય છે અને છોડ તૈયાર થાય એટલે આ તેને ટ્રાન્સપ્લાન્ટ કરી પ્લસ્ટિક ટ્રે કે બેગને ફંકી દેવામાં આવે છે. રસ્તાઓ પર અને બીજી ઘણી જગ્યાઓએ આવી ટ્રે જોઇને મને બહું ચિંતા થતી હતી અને બસ ત્યારથી મેં ઈકો ફ્રેન્ડલી ટ્રે બનાવવાનું નક્કી કર્યું.”

છેલ્લા બે મહિનામાં તેમણે કેળાનાં પત્તાંમાંથી 100 કરતાં પણ વધારે પ્લાન્ટ ટ્રે બનાવી છે, તેઓ કહે છે કે, તાડનાં પત્તાંમાંથી પણ આ ટ્રે બનાવી શકાય છે. 61 વર્ષના શશિધરણ વધુમાં જણાવે છે, “આ પ્લાન્ટ ટ્રે તમારો સમય, પૈસા અને મહેનત બધુ જ બચાવે છે. મેં આજ ટ્રેમાં અલગ-અલગ શાકભાજી જેમ કે, ભીંડા, ખીરા, રીંગણ, મરચાં, બટાટાં, ટામેટાં, તૂરિયાં વગેરેનાં બીજ અંકુરિત કરી છોડ તૈયાર કર્યા છે.”
વધુમાં તેઓ જણાવે છે કે, તાડનાં પત્તાંની ટ્રેમાં તો કાજૂ અને રબરના છોડ પણ તૈયાર કરી શકાય છે. પરંતુ તાડનાં પત્તાં ઓછાં હોવાથી તેઓ કેળાંનાં પત્તાંમાંથી વધારે ટ્રે બનાવે છે.
પોતાના ઘરમાં રહેલ ખૂબજ સુંદર જૈવિક ગાર્ડન વિશે તેઓ જણાવે છે કે, તેમના ગાર્ડનમાં ટામેટાં, મરચાં, રીંગણ અને બીજાં ઘણાં શાકભાજી જોવા મળે છે. શાક વધારે ઊગે તો તેને વેસ્ટ કરવાની જગ્યાએ પાસેના શાકમાર્કેટમાં વેચી દે છે અને તેમને હજાર રૂપિયા કરતાં પણ વધારેની કમાણી થાય છે.
વધુમાં તેમણે કહ્યું, “મને ઘણા લોકો ફોન કરી પૂછે છે કે, હું આ જૈવિક ટ્રે બેગ વેચું છું. પરંતુ અત્યાર સુધી મેં વેચવા માટે નથી બનાવી.”
સ્કૂલમાં શાશિધરણ સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા. તેઓ જણાવે છે કે, જો શિક્ષણને ક્રિએટિવ બનાવવામાં આવે તો તેને સરળતાથી લોકો સમજી શકે છે. એટલે તેમણે પોતાના વિષયોને હંમેશાં ક્રિએટિવ બનાવ્યા. તેમને નેશનલ અને સ્ટેટ અવોર્ડ પણ મળી ચૂક્યા છે.
આજે તેઓ આપણા બધાંને શીખવાડે છે કે, ઘરે કેવી રીતે ઈકો-ફ્રેન્ડલી પ્લાટ ટ્રે બનાવી શકાય!

શું-શું જોઇએ:
કેળા/તાડ કે કોઇ અન્ય પત્તાં, કાતર, સ્ટેપલર, કોકોપીટ કે માટી.
કેવી રીતે બનાવવો DIY Grow Tray:
સૌથી પહેલાં તમે પત્તાંને કાતરથી કાપી લો, તેની લંબાઇ બે ઈંચ અને પહોળાઇ એક ઈંચ રાખવી.
ત્યારબાદ આ પત્તાંને નળાકારે રોલ કરો.
ત્યારબાદ સ્ટેપલરથી આ પત્તાંને પીન કરી દો.
હવે આમાં માટી/કોકોપીટ ભરો અને બીજ વાવી દો.
ઉપરથી પાણી છાંટો.
ત્યારબાદ બીજ જ્યારે અંકુરિત થઈ જાય ત્યારે કૂંડાંમાં રોપી શકો છો.
શશિધરણ, રિટાયરમેન્ટ બાદ લોકોને પર્યાવરન વિશે જાગૃત કરે છે. સાથે-સાથે તેઓ બાળકોને ડ્રગ્સ બાબતે જાગૃત કરવા પણ સ્પેશિયલ ક્લાસ લે છે. તેમને આ ક્લાસ માટે લગભગ 1500 રૂપિયા મળે છે અને તેઓ આ કમાણીના પૈસા કેન્સર અને કિડની સંબંધિત બીમારીઓ સામે લડી રહેલ લોકોના ઇલાજ માટે દાનમાં આપે છે.
સમાજ સેવાની સાથે-સાથે પ્રકૃતિ સેવા કરતા શાશિધરણના જુસ્સાને સલામ કરે છે ધ બેટર ઈન્ડિયા. અમને આશા છે કે, આ કહાનીથી તમને પણ પ્રેરણા મળશે.
આ પણ વાંચો: ભોજનમાં પતરાવળીનો ઉપયોગ વધારવા માટે રંગ લાવી ડોક્ટરની મહેનત, 500+ પરિવાર જોડાયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.