શું તમે ક્યારેય સાત ફૂટ લાંબી દૂધી જોઈ છે? નહીં જ જોઈ હોય. આ કરામત ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં રહેતા એક ખેડૂતે કરી બતાવી છે. સીતાપુરના યુવા ખેડૂત આલોક પાંડેય અનેક શાકભાજી ઊગાડે છે. તેમને ખેતરમાં સાત-સાત ફૂટ લાંબી દૂધી જોવા મળે છે. ખેડૂતના આ કારનામાને જોવા માટે આસપાસના જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આવે છે.
ઉત્તર પ્રદેશના સીતાપુર જનપદના મિશ્રિખ બ્લૉકના ગોપાલપુરમાં રહેતા આલોક કુમાર પાંડેયે અવધ યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. સાથે જ તેઓ પીસીએસની તૈયારી પણ કરી રહ્યા છે. ખેતીનો શોખ હોવાને કારણે આલોકે પોતાની પરંપરાગત ખેતીને આધુનિક ટેક્નિકમાં પરિવર્તિત કરી દીધી છે. હવે આલોક ફક્ત ધાન્ય પાકો જ નહીં પરંતુ અનેક શાકભાજીની ખેતી કરે છે.
આલોક કહે છે કે, “મેં શરૂઆત કેળાના પાકથી કરી હતી. મારી પાસે દસ એકર જમીન હતી, જેમાં મેં કેળા ઊગાડ્યા હતા. સાથે જ તેમાં શિમલા મરચા પણ ઊગાડ્યા હતા. મારો પ્રયોગ સફળ રહ્યો અને મને ખૂબ સારો એવો નફો થયો હતો. કેળાનો પાક સારો થયો. તેને વેચવા માટે પણ બહાર ન જવું પડ્યું, કારણ કે પાક સારો હોવાથી વેપારીઓ ખેતરમાંથી લઈ જતા હતા.”
આલોક પાંડેય કહે છે કે, જો સારી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે તો ફક્ત કેળાના પાકમાંથી જ ખેડૂત સારી એવી કમાણી કરી શકે છે. એક વિઘા જમીનમાં લગભગ 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. નફાની વાત કરવામાં આવે તો 50થી 60 હજારની કમાણી થાય છે. ઉત્પાદનની વાત કરવામાં આવે તો એક વિઘામાં 70થી 80 ક્વિન્ટલ ઉપજ થાય છે.

આલોકની શાકભાજીની ખેતી વિશે વાત કરીએ તે તેઓ દૂધીની લંબાઈ વધારવા માટે કોઈ ઇન્જેક્શનનો ઉપયોગ નથી કરતા. તેઓ દૂધીનો વેલી ઊગતાની સાથે જ તેને છાણનું પાણી આપવા લાગે છે. જોકે, દૂધી બેથી ત્રણ ફૂટની થાય તો તેને ખાઈ શકાય છે પરંતુ તેના ખેતરમાં ઊગતી દૂધી સાત ફૂટ સુધી થાય છે અને તેનું વજન 20 કિલોમગ્રામ સુધી પહોંચે છે. એક વેલામાં એક સિઝનમાં લગભગ 100 જેટલી આવી દૂધી ઊગે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આલોકે આ કરામત કોઈ જ રસાયણ વગર કરી બતાવી છે. તેમણે પરંપરાગત રીતે જ દૂધી ઊગાડી અને આ સફળતા મેળવી છે. હવે આસપાસના લોકો અલોગ પાસેથી દૂધીના બી લઈ જાય છે.
આલોક કહે છે કે, “પહેલા પાકમાં મેં જ્યારે આ દૂધીના બીનો ઉપયોગ કર્યો ત્યારે સામાન્ય દૂધી જ થઈ હતી. જોકે, એક દૂધી ત્રણ ફૂટ લાંબી થઈ ગઈ હતી. મેં તેના બીને સાચવી રાખ્યાં હતાં અને બીજા પાકમાં તેનો ઉપયોગ કર્યો હતો. બીજા પાકમાં પાંચ ફૂટની દૂધી થઈ હતી. આ વખતે પણ આ દૂધીના બી સાચવીને રાખી લીધા હતા. ધીમે ધીમે દૂધીની લંબાઈ છથી સાત ફૂટ સુધી પહોંચી હતી. મને બે વર્ષમાં આ સફળતા મળી હતી.”

કેમેરાથી દેખરેખ
પાકની દેખરેખ રાખવા માટે આલોક પોતાના ખેતરમાં તારની વાડની સાથે સાથે કેમેરાનો પણ ઉપયોગ કરે છે. વાડને કારણે પશુઓ ઘૂસી નથી શકતા અને કેમેરાને કારણે અન્ય બાબતો પર પણ નજર રહે છે.
ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ
ખેતી માટે આલોક ટપક પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેનાથી પાણીની બચત થાય છે. એટલું જ નહીં આલોકે કેળા સાથે શિમલા મરચામાં મલ્ચિંગ પણ રાખી છે જેનાથી માટીમાં ભેજ જળવાય રહે છે. આ ટેક્નિકથી પાણીની બરબાદી થતી અટકે છે. આનો બીજો ફાયદો એ પણ છે કે પાણી પાવા માટે ઓછા મજૂરોની જરૂર પડે છે.
ખેડૂતોને ગ્રાન્ટ:
ખેડૂતોને સહ-ખેતી (એક સાથે બે પાક લેવા) માટે સરકાર તરફથી સહાય પણ મળે છે. સીતાપુર જિલ્લા ઉદ્યાન અધિકારી નરેશ વર્માએ જણાવ્યુ કે, ખેડૂતોને રાષ્ટ્રીય બાગાયત મિશન અંતર્ગત સહાય મળે છે જેનાથી તેઓ કેળા, જામફળ, શિમલા મરચા, પપૈયાની ખેતી કરી શકે છે. કેળાની વાત કરવામાં આવે તો તે રોકડિયો પાક છે. જેમાં 31 હજાર રૂપિયાની અસપાસ સહાય મળે છે. આ માટે તેમણે નોંધણી કરાવવી જરૂરી છે.
આલોક પાંડેયની ખેતીએ સાબિત કરી બતાવ્યું છે કે ખેતી ખોટનો નહીં પરંતુ નફાનો સોદો છે. બસ આ માટે યોગ્ય ટેક્નિક અને મહેનતની જરૂર છે.
આલોક પાંડેય સાથે વાતચીત કરવા માટે તમે 82995 40084 પર સંપર્ક કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.