આ વર્ષ સૌના માટે બહુ મુશ્કેલ રહ્યું – સંક્રમણ, લૉકડાઉન, બેરોજગારી અને બીજું ઘણું. આ વર્ષો ઘણા લોકોએ બહુ ખોયું છે. પરંતુ સાથે-સાથે, એવા પણ ઘણા લોકો છે, જેમણે પોતાની હદથી બહાર નીકળી ઘણું કર્યું છે. આ વર્ષ બધાંને હંમેશાં યાદ રહી જશે કે અંધારુ ગમે તેટલું કેમ ન હોય, આશાની થોડી રોશની તમને તેમાંથી બહાર કાઢી શકે છે.
આ વર્ષને યાદ કરતાં ઘણી કડવી યાદો યાદ આવશે. એટલે હવે વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યાં, ધ બેટર ઈન્ડિયા તમને આ કડવી યાદોની સાથે આશાનાં નવાં કિરણ આપવા ઈચ્છે છે. અમે તમને એ લોકો અંગે જણાવી રહ્યા છીએ, જેમણે મુશ્કેલીના આ સમયમાં માણસાઇનું ઉદાહરણ ઊભુ કર્યું છે. આ બધા જ એ લોકો છે, તેઓ કોરોનાના અંધારામાં બધાં માટે આશાનું કિરણ બન્યા છે.
આગામી વર્ષમાં આપણે આ જ જુસ્સા સાથે આગળ વધવાનું છે જેથી આ જ હિંમત અને વિશ્વાસ સાથે આપણે આવતીકાલને વધારે સારી બનાવી શકીએ. ધ બેટર ઈન્ડિયા તમને માનવતાના એવા 10 હીરો જણાવી રહ્યું છે, જે આ દુનિયાને સારી બનાવવા મહેનત કરી રહ્યા છે.

- મુક્તાબેન દગલી
1995 માં મેનિનઝાઈટિસના કારણે પોતાની દ્રષ્ટિ ખોનાર મુક્તાબેન દગલીએ તેમના પતિ સાથે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ (પીએમએસકે) ની શરૂઆત કરી. આ નૉન-પ્રોફિટ સંગઠન ગુજરાતના સુરેન્દ્રનગરમાં છે, જે નેત્રહિન કન્યાઓને શિક્ષા, ભોજન અને આવાસ પ્રદાન કરે છે. અત્યાર સુધીમાં 58 વર્ષીય દગલીએ લગભગ 200 છોકરીઓનું ભાવિષ્ય બનાવ્યું છે. આ સિવાય, તેઓ 30 દિવ્યાંગ લોકો અને 25 એવા વડીલોની દેખભાળ કરે છે, જેમને તેમના પરિવારે છોડી દીધાં હોય. મુક્તાબેનને પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તેમના ત્યાં રહેતી છોકરીઓની સારી દેખભાળ અને શિક્ષણથી મળે છે. ત્યારબાદ તેમના માટે નોકરી અને જીવનસાથી પણ શોધવામાં આવે છે. પદ્મશ્રીથી સન્માનિત મુક્તાબેન જણાવે છે કે, મોટાભાગે ઘરોમાં નેત્રહીન છોકરીઓને બોજ માનવામાં આવે છે. પરંતુ તેઓ આપણી મદદથી તેમના પગ પર ઊભી થઈ જાય ત્યારે બહુ ખુશી થાય છે.

2. ડૉ. લીલા જોશી
1997 માં રેલવેમાં મુખ્ય મેડિકલ ઓફિસર તરીકે રિટાયર્ડ થયા બાદ, ડૉ. લીલાએ તેમના જીવનના બે દાયકા કરતાં પણ વધુ સમય મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં આદિવાસી મહિલાઓ (ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ) ની મદદ કરી અને બાળકોમાં એનીમિયા અને કુપોષણની સમસ્યા હલ કરવામાં સમર્પિત કર્યાં. શ્રી સેવા સંસ્થાન (એસએસએસ), એનજીઓના માધ્યમથી, ડૉ. લીલાએ જિલ્લામાં સમગ્ર માતૃ દર (એમએમઆર) ને ઘટાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.
તેઓ જણાવે છે, “મેં મારા પોતાના જાત અનુભવો વિશે લખવાનું શરૂ કર્યું, ખાસ રૂપે એ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે સરકાર, ગેર સરકારી સંગઠનો અને ડૉક્ટર વિશેષકોના પ્રયત્નો છતાં રતલામ જિલ્લા એનીમિયાની હલ સમસ્યા કેમ હલ ન થઈ શકી. આ બાબતે શું થવું જોઇએ. જોકે વધારે સંતોષની વાત એ છે કે, અમારા પ્રયત્નોથી આદિવાસી છોકરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.”

- શબનમ રામાસ્વામી
ઘરેલું હિંસાના કારણે આ 60 વર્ષીય સર્વાઇવર આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ગ્રામિણ વિસ્તારોમાં હજારો લોકો માટે આશાનું કિરણ બની છે. આજે તે ગરીબ પરિવારોમાંથી આવતી 1400 મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે અને તેમને કાન્થાના પારંપારિક કઢાઇ શિલ્પ મારફતે સશક્ત બનાવે છે. તેઓ બે વૈશ્વિક માનક સ્કૂલો પણ ચલાવે છે અને 1300 કરતાં પણ વધારે એવાં બાળકોને શિક્ષિત કરે છે, જેમને સારું શિક્ષણ મળવું મુશ્કેલ હોય
તેઓ જણાવે છે કે, આ મહિલાઓના પરિવારોની સ્થિતિ જોઇ તેમના મનમાં સુવિધાઓ બાબતે સવાલ ઉઠ્યા. સંક્રમણના કારંએ જ્યારે તેમની શાળા અને મહિલાઓનું સામુદાયિક યુનિટ બંધ થઈ ગયું તો તેમણે ઓળખીતા લોકો સાથે વાત કરી અને લોકોની મદદ્થી લગભગ 40 લાખ રૂપિયા ભેગા કર્યા. તેમણે મેથી જુલાઇ સુધીમાં આ પરિવારોને પૈસાની સાથે-સાથે કરિયાણુ ભેગુ કરવા માટે પૈસા ભેગા કર્યા. ત્યારબાદ તેમણે આમના માટે રસ્તા પાસે એક રેસ્ટોરેસ્ટ ખોલી. તેમણે એમ પણ સુનિશ્ચિત કર્યું કે, આ શ્રમિકો અને તેમના પરિવારો સાથે સન્માનથી વ્યવહાર કરવામાં આવે.
શબનમે કહ્યું, “અને એવી સફળતાનો શું ફાયદો, જો આપણે બીજા કેટલાક લોકોનું જીવન સરળ ન બનાવી શકીએ? આ એ જરૂરિયાતમંદ લોકોની સખત મહેનત, દ્રઢ મનોબળ અને અતૂટ ભાવના છે, જે હંમેશાં વધુ કરવા પ્રેરણા આપે છે.”

- રામભાઉ ઈંગોલે
છેલ્લાં 30 વર્ષમાં નાગપુર સ્થિત સામાજિક કાર્યકર્ય રામભાઉ ઈંગોલે સેક્સ વર્કર્સનાં ઘણાં ઘણાં બાળકોને બચાવ્યાં છે અને તેમને જીવનની નવી આશા આપી છે. વર્ષ 1992 માં ઘણી સમસ્યાઓને હલ કર્યા બાદ, તેમણે પોતાના સંગઠન ‘આમ્રપાલી ઉત્કર્ષ સંઘ’ (AUS) ને આ બાળકો માટે ભોજન, આશ્રય, સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણ માટે બનાવ્યું. પરંતુ આ બાળકોનું અસ્તિત્વ કઈંક એવી જગ્યા સાથે જોડાયેલું હતું કે, 2007 માં તેમના માટે આવાસીય વિદ્યાલય બનાવતાં પહેલાં ઈંગોલેને સાત વાર ઘર બદલવું પડ્યું.
તેમની શાળામાં સેંકડો બાળકો ભણ્યાં છે. એકવાર તેમનું ભણતર પૂરું થાય તો, રામભાઉ તેમની ગમતી કોલેજ શોધવામાં પણ મદદ કરે છે. તાજેતરનાં વર્ષોમાં ઈંગોલેએ પ્રવાસી પત્થર ખદાન શ્રમિકો, હાશિએમાં રહેતા આદિવાસી પરિવારોને અને અનાથ બાળકોને પણ રાખવાનું શરૂ કર્યું છે. તેમના વિદ્યાર્થીઓ આજે શિક્ષક અને એન્જિનિયર બની ગયા છે. અત્યારે તેમની શાળામાં 157 બાળકો છે.
તેમણે કહ્યું, “આ સંક્રમણે આપણને બહુ પ્રભાવિત કર્યા છે. પરંતુ લૉકડાઉન દરમિયાન. જ્યારે શાળાઓ બંધ થઈ ગઈ, અમારા વિદ્યાર્થીઓએ પોલીસ, સફાઇ કર્મચારીઓ અને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે લગભગ 7,000 ફેસમાસ્ક બનાવ્યા. ખરાબ નેટવર્ક કવરેજના કારણે અમારા આવાસીય વિદ્યાલયમાં ઓનલાઇન શિક્ષણ મુશ્કેલ છે. જોકે, લૉકડાઉન બાદ, કેટલાક શિક્ષકો જે કેમ્પસમાં રોકાયા હતા, તેમણે ફરીથી ક્લાસ લેવાના શરૂ કરી દીધા.”
તેમણે કહ્યું, “30 કરતાં વધારે વર્ષોથી, અમારી સૌથી મોટી ઉપલબ્ધિ સેક્સવર્કર્સનાં બાળકો પ્રત્યે આપણા સમાજનો દ્રષ્ટિકોણ બદલ્યો એ છે. અમારી બીજી સૌથી મોટી ઉપલબ્ધિ સમાજને એ જણાવવાનું છે કે, સેક્સવર્કર્સનાં બાળકો પણ ડૉક્ટર અને એન્જિનિયર બની શકે છે.”

- નીલાંજના ચટર્જી
5 સપ્ટેમ્બરે નીલાંજલા ચટર્જી અને તેમના પતિ દીપ મોડી રાતે તેમની દીકરી સાથે કોલકાતામાં એક પ્રોગ્રામમાંથી આવતા હતા, ત્યારે તેમણે એક મહિલાને સુનસાન રસ્તા પર ઊભી રહેલ કારમાંથી મદદ માટે બૂમ પાડતી સાંભળી. તેમણે જોયું કે, એક મહિલા કારને ધક્કો મારી રહી હતી અને તરત જ તેઓ તેમની ગાડીમાંથી ઉતરી તેમની મદદ માટે દોડ્યા. એ જ સમયે એક મોટરસાઇકલ વાળાએ તેમની સાથે એક્સિડેન્ટ કરી દીધો. તેમના પગ પરથી બાઇક જતી રહી.
આટલું બધું વાગ્યા બાદ પણ તેમને જરા પણ પસ્તાવો નથી. તાજેતરમાં જ તેમની છેલ્લી સર્જરી થઈ છે, જેથી તેઓ ચાલી સકશે. તેઓ કહે છે, “મને એ મહિલાને બચાવવાનો જરા પણ પછતાવો નથી. જો તમે આ સ્થિતિમાં રિસ્ક વિશે વિચારશો તો, તમે ક્યારેય કોઇને બચાવી નહીં શકો. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે, વધુમાં વધુ લોકો આગળ આવે અને બીજાંને બચાવવા આગળ આવે અને જોખમ ઉઠાવે. આ દરમિયાન, હું પીડિત માટે પ્રાર્થના કરું છું કે, તેઓ સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવે.”

- મહેશ જાધવ
તેમણે દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતાં કર્ણાટકના બેલગાવીમાં HIV+ અને અનાથ બાળકો માટે હોસ્ટેલ અને સ્કૂલનું નિર્માણ કર્યું. મહેશનું આ સુરક્ષિત ઘર એ બાળકોને પોષણ, સ્વાસ્થ્ય દેખભાળ, શિક્ષણ, પ્રેમ અને સ્નેહ આપે છે. તેમના ફાઉન્ડેશનના કારણે આજે એ બાળકો શાળાનું ભણતર પૂરું કર્યા બાદ કોઇ ને કોઇ વોકેશનલ ટ્રેનિંગ કે ગ્રેજ્યુએશન કરી શકે છે.
આ સિવાય, તેમના પ્રયત્નોના કારણે, 2,800 બાળકો સહિત 38,000 કરતાં વધુ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓએ જાતે જ પોતાની નોંધણી સ્થાનિક હોસ્પિટલમાં કરાવી, જેથી તેમનો ઈલાજ થઈ શકે. મોટાભાગના લોકો, કલંકની બીકથી ઈલાજ માટે આવતા નથી કે તેમના નામની નોંધણી કરાવતા નથી.
જ્યારે લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારે, સરકારે તેમને HIV+ અનાથોની હોસ્ટેલ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કહ્યું, “અમે આ નિર્ણયને પડકાર્યો. ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટરને બતાવ્યું કે, અમે કેવી રીતે સંપૂર્ણ સાવધાની રાખીએ છીએ અને તેમને અમને હોસ્ટેલ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી. અમારી હોસ્ટેલ અને અનાથાશ્રમના બધા જ કર્મચારીઓ લૉકડાઉન દરમિયાન પણ કામ કરી રહ્યા હતા. અમારી સ્કૂલ પણ ચાલું જ હતી, કારણકે બધાં બાળકો અહીં જ રહે છે. શિક્ષણ વિભાગે કહ્યું હતું કે, અમે સ્કૂલ ચાલું રાખી શકીએ છીએ, પરંતુ અમારાં બાળકો બહાર નહીં આવી શકે. અમારા ત્યાં કોવિડ 19 નો એકપણ કેસ નોંધાયો નથી. આવી પરિસ્થિતિમાં પણ અમારાં બાળકોની સારા અને સન્માનપૂર્વકના જીવન માટેની ઈચ્છાશક્તિ મને દરરોજ તેમના માટે કામ કરવા પ્રેરણા આપે છે.”

- અભિમન્યુ દાસ
કટકના 49 વર્ષના બુક-બાઇન્ડર, અભિમન્યુ દાસ લાવારિસ શબોના અગ્નિસંસ્કાર કરે છે અને ગરીબ પરિવારોને તેમના પ્રિયજનોના અગ્નિસંસ્કારમાં મદદ કરે છે. આ સિવાય, દાસ છેલ્લા એક દાયકાથી હજારો કેન્સરના રોગીઓની સેવા કરે છે, જેમાં મોટાભાગના લોકો બેઘર, પરિવારજનો દ્વારા તરછોડાયેલ અને ખૂબજ ગરીબ છે.
તેમણે તેમની માંને કેન્સરમાં ખોઈ છે અને આ જ કારણે તેમને આ કામ કરવાની પ્રેરણા મળી. અત્યાર સુધીમાં, તેમણે 7,000 કરતાં વધારે કેન્સર રોગીઓની સેવા કરી અને 1,300 શબોના અગ્નિ સંસ્કાર કર્યા. તેઓ કહે છે, “આ સંક્રમણકાળમાં પણ મારાં કામ અટક્યાં નથી. તેમની સેવા શું કામ બંધ કરું? તેમને જોવાવાળું કોઈ નથી. જ્યારે હું મદદ કરવા જઉં છું ત્યારે તેમના ચહેરા પર જે ખુશી હોય છે, તે મને તેમના માટે કામ કરવા પ્રોત્સાહિત કરે છે. “

- સૈયદ ગુલાબ
લગભગ ચાર વર્ષ પહેલાં, સૈયદે રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટીબી અને ચેસ્ટ ડિસીઝના પરિસરમાં મફતમાં ભોજન સેવા શરૂ કરી, જે બેંગલુરૂના જયનગરમાં આવેલ ઈંદિરા ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ (IGICH) પાસે આવેલ છે. જે પરિસરમાં તેઓ સ્ટોલ લગાવે છે, તેમાં કેન્સર, ટીબી, દુર્ઘટના-ગ્રસ્ત અને બાળકો સહિત ચાર સરકારી હોસ્પિટલ છે.
તેઓ કહે છે, “મેં રોટી ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરી અને તેના અંતર્ગત આજકાલ અમે હોસ્પિટલની બહાર રોજ લગભગ 160-180 લોકોને મફતમાં લંચ અને લગભગ 200 લોકોને મફતમાં નાસ્તો કરાવીએ છીએ. સંક્રમણ દરમિયાન આ સંખ્યા ઓછી થઈ ગઈ. નહીંતર, દરરોજ 300-350 લોકોને ભોજન અને 300 કરતાં વધુ લોકોને નાસ્તો કરાવતા હતા.”
સૈયદ કહે છે, “લૉકડાઉન દરમિયાન, અમે ઝોમેટો સાથે ભાગીદારી કરી પ્રવાસી મજૂરોને કરિયાણુ પહોંચાડ્યું, જેમાં 10,000 પરિવારોને કરિયાણું પહોંચાડ્યું, જેથી તેઓ તેમનાં રાજ્યોમાં પાછા ન જાય.”
દેશમાં ભૂખમરાની સમસ્યા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેઓ કહે છે કે, દરેક વ્યક્તિ એક-બે બેસહાય લોકોને જમાડવાની જવાબદારી ઉપાડી લે તો, આપણા દેશમાં ભૂખમરાની સમસ્યા ખતમ થઈ શકે છે.

- કે. મનીષા
છેલ્લાં બે વર્ષોમાં, તમિલનાડુના ઈરોડ જિલ્લાની નંદા કૉલેજ ઑફ નર્સિંગની એક લેક્ચરર, કે. મનીષા (23) એ લગભગ 250 ભીખારીઓ, ડ્રગ એડિક્ટ, બેસહાય અને ભયાનક બીમારીઓથી પીડિત લોકો બચાવ્યા અને તેમને પુનર્વાસ કર્યા છે.
તેઓ જણાવે છે કે, લૉકડાઉન દરમિયાન તેમના ફાઉન્ડેશને લગભગ 84 નિસહાય લોકોને રસ્તા પરથી લઈ જઈને સરકારી સ્કૂલોમાં રાખ્યા. તેમાં તેમને પોલીસ કમિશ્નરની મદદ મળી. તેમાંથી 52 લોકોને તેમણે નોકરી શોધવામાં મદદ કરી છે અને 10 લોકોને તેમના પરિવાર સાથે મળાવ્યા. બાકીનાઓને તેમણે નર્સિંગ હોમમાં ભરતી કરાવ્યા. સ્કૂલમાં જ્યારે આ લોકો રહેતા હતા ત્યારે તેમને સાબુ, ભોજન, નાસ્તો અને માસ્ક વગેરે આપવામાં આવ્યાં હતાં. સાથે-સાથે, મનીષાએ એવા લોકોનો સર્વે કર્યો જે રસ્તા પર રહે છે અને તેને સરકારને સોંપ્યો.
તેમણે કહ્યું, “યુવાન છોકરી હોવાના કારણે મારે મારા કામમાં બહુ પડકારોનો સામનો કરવો પડ્યો. મારો પરિવાર મારા આ કામમાં મારી સાથે નથી. પરંતુ જ્યારે હું આ લોકોના ચહેરા પર સ્માઇલ જોઉં છું કે તેમની દેખભાળ કરવાવાળું પણ કોઇ છે, ત્યારે મને આગળ વધવાની પ્રેરણા મળે છે. “

- ડૉ. સેરિંગ નોરબૂ
તમે લેહમાં કોઇને પણ અહીંના પહેલા પ્રેક્ટિસ સર્જન, ડૉ. સેરિંગા નોરબૂ વિશે પૂછશો તો તમને જણાવશે કે, કેવી રીતે તેમણે તેમનું જીવન લોકો માટે સમર્પિત કરી દીધું. આ સામાન્ય સર્જને છેલ્લા એક દાયકામાં 10 હજાર કરતાં વધારે સર્જરી કરી છે અને તે પણ એ લોકો માટે, જેમને મોડર્ન સ્વાસ્થ્ય વ્યવસ્થાની ખબર પણ નથી.
તેમણે કહ્યું, “હું અત્યારે રિટાયર્ડ છું, જોકે હું એ ડૉક્ટરોને ચોક્કસથી સલાહ આપું છું, જેમને જરૂર હોય. મેં મારું કામ એ સમયે શરૂ કર્યું જ્યારે લદાખમાં કોઇ સર્જન નહોંતા. આખા વિસ્તારમાં હું એકલો જ હતો અને બધા લોકો મારા પર નિર્ભર હતા. હવે આનાથી વધારે બીજી કઈ પ્રેરણાની જરૂર હોય મને.”
ધ બેટર ઈન્ડિયા સમાજના આ નાયકોને સલામ કરે છે કારણકે તેમના કારણે જ જીવંત છે માનવતા અને આશા.
આ પણ વાંચો: IFS ઑફિસરે વાંસમાંથી બનાવ્યું ઝાડુનું હેન્ડલ, આશરે 1,000 આદિવાસી પરિવારોને મળી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.