કચ્છનો આ પરિવાર 700 વર્ષ જૂની 'ખરડ' કળાને બચાવવા કરી રહ્યો છે મહેનત. તેમની આ મહેનત બદલ મળી ચૂક્યા છે નેશનલ-ઈન્ટરનેશનલ અવૉર્ડ્સ અને મળી દેશ-વિદેશમાં ઓળખ.
ગુજરાતની પ્રાચીન કળાઓ પૈકી વણાટ કામ ક્ષેત્રે સૌથી વધારે જો કોઈ ચર્ચામાં હોય તો તે પાટણના પટોળાની કળા છે પણ શું તમને ખબર છે કે તે સિવાય પણ બીજી ઘણી કળાઓ અસ્તિત્વ ધરાવે છે જેમાંથી એક ગુર્જર ધરાની 700 વર્ષોથી પણ કદાચ વધારે જૂની એવી ખરડ વણાટની કળા અહીં અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ.
લુપ્ત થતી ખરડ વણાટ કળા માટે સંઘર્ષ કરીને એકમાત્ર પરિવારે બચાવી છે અને હજી પણ બચાવી રહ્યો છે. આજે દેશ-વિદેશમાં તેની ઓળખ ઉભી થઇ છે સાથે સાથે ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે
ભારત દેશ પોતાની પૌરાણિક સંસ્કૃતિની સાથે-સાથે તેની સાથે સંકળાયેલી વિશેષ કળાઓથી પણ સમૃદ્ધ છે. ભારતની મોટાભાગની કળા પ્રાચીન કાળથી લઇને આજ સુધી સચવાયેલી છે ત્યારે હસ્તકળાના સરનામાં સમાન ગુજરાતના કચ્છ ખાતેની મનમોહી લે તેવી હસ્તકળા આજે દેશ-વિદેશ સુધી પહોંચી છે. કચ્છના ભુજોડીમાં શાલ, જાજમ(શેતરંજી) સહિતની ઘણી હાથવણાંટની વસ્તુઓ ઘણાં લોકો દ્વારા બનાવવામાં આવે છે. જોકે, આ ઉપરાંત પણ ભુજમાં એક લુપ્ત થતી ખરડ વણાંટની કળાને એક માત્ર તેજશીભાઈ અને તેમના પરિવારે સાચવીને રાખી છે.
આ કલાનું નામ છે ‘ખરડ’. બકરા અને ઘેટાંના ઊનમાંથી બનતી અલગ અલગ વસ્તુઓ જેવી કે, જાજમ, આસન, વોલ હેંગીંગને ખરડ કહેવામાં આવે છે.
આ પણ વાંચો: અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર
700 વર્ષથી પણ પ્રાચીન એવી ખરડ વણાટ કલા સાથે જોડાયેલાં તેજશીભાઈના પુત્ર સામતભાઈ એ આ અંગે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તેમના પિતાએ લુપ્ત થતી ખરડ વણાંટની કળા કેવી રીતે સાચવી અને આ કળાને આગળ વધારવા માટે નવી પેઢીને કઈ રીતે તૈયાર કરી. જે અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
ખરડ કળા શું છે? તેના વિશે જણાવશો?
આ અંગે વાત કરતાં સામતભાઈ એ જણાવ્યું કે, ”ખરડ અમારી પરંપરાગત કળા છે. જેવી રીતે શૉલ, બાંઘણી અને ગાલિચા છે તેવી જ રીતે અમારી કલાનું નામ ખરડ વણાટ છે. જેને રાજસ્થાનમાં જીરોઈ કહેવાય છે. અંગ્રેજીમાં રગ્સ કહેવાય છે અને અમારી સિંધી ભાષામાં તેનો મતલબ ‘ખરડ’ એટલે કે સ્ટ્રોંગના અર્થમાં થાય છે. અત્યારે મારા પિતાજી તેજશીભાઈ, હું અને મારા નાના ભાઈ હીરાભાઈ ખરડ વણાટનું કામ કરીએ છીએ. પહેલાં અમે ખરડ બકરાના ઉનમાંથી બનાવતાં હતાં. જોકે, પરિવર્તનના ભાગરૂપે હાલમાં ઘેટાંના ઉનમાંથી પણ ખરડ બનાવીએ છીએ.”
ખરડનો ક્યાં-ક્યાં ઉપયોગ થાય છે?
તેમણે ખરડના ઉપયોગ અંગે વાત કરતાં કહ્યું કે, ‘વર્ષો પહેલાં રાજા રજવાડાના સમયે ખરડનો ઉપયોગ થતો હતો. રાજપુત અને જાડેજા વંશના રાજાઓ પોતાના મહેમાનોની બેઠકમાં આસન તરીકે ખરડનો ઉપયોગ કરતા અને તેના માટે તેઓ તેમની બકરીઓનું ઉન કાપીને ચાર-પાંચ કિલો થયા પછી અમને આપતાં અને અમે તેમાંથી ખરડ બનાવતા હતાં ને હાં ત્યારે રૂપિયાનો તો વ્યવહાર જ નહોતો પરંતુ ખરડ બનાવવાના બદલામાં અમે ઘઉં, બાજરી, ચોખા ઊંટ પર લઈ આવતાં જેનાથી અમારું ગુજરાન ચાલતું હતું. અત્યારે જાણકાર તથા સમૃદ્ધ લોકો હજી પણ ખરડ ખરીદે છે જેનો ઉપયોગ ફ્લોરિંગ, વૉલ હેંગીગ પીસ, ટિપોઈ તથા પૂજા કરવાના આસનમાં થાય છે.
તમારો પરિવાર કેટલા વર્ષથી જોડાયેલો છે?
સામતભાઈ એ કહ્યું કે, ”અમે મૂળ મારવાડના છીએ અને ખરડ કલા સાથે અમારો પરિવાર આમ તો 700 કરતાં પણ વધુ વર્ષોથી જોડાયેલો છે. મારા દાદાજી અને બાપુજી બાળપણથી જ આ કળા સાથે જોડાયેલા છે અને હું છેલ્લા 18 વર્ષથી જોડાયેલો છું જયારે મારા ભાઈ હીરાભાઈ પણ આ કળા સાથે જોડાયેલા છે. અમારો એક માત્ર પરિવાર આ ખરડ વણાટની કળાને ટકાવી રહ્યો છે અને તેને આગળ વધારી રહ્યો છે.”
આ પણ વાંચો: આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ રાજકોટના આ યુવાનના ખાટલા વેચાય છે દેશ-વિદેશમાં
તમારા પિતાએ ખરડ વણાટની કળા કેવી રીતે સાચવી?
સામતભાઈએ આ અંગે વાત કરતાં કહ્યું કે, ”અમે લોકો પહેલાં ખાવડાથી 15 કિલોમીટર દૂર આવેલા કૂરન ગામમાં રહેતાં હતાં. અમારું આ મૂળ ગામ ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું છેલ્લું ગામ છે. બોર્ડરની નજીકના ગામમાં અમે રહેતાં હોવાને લીધે ત્યાં વિદેશી પ્રવાસીઓને આવવાની મંજૂરી નહોતી. જેને લીધે પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી થતી હતી. આ પછી મારા બાપુજી એ કહ્યું કે, જો આપણે હવે સ્થળાંતર નહીં કરીએ તો આપણી કળા લુપ્ત થઈ જશે અને આપણી આવનારી પેઢીને પણ આ કળા વિશે ખબર રહેશે નહીં. માટે આ કલાને સાચવવા માટે આપણે સ્થળાંતર કરવું જ પડશે. ત્યારબાદ અમે કૂરન ગામથી વર્ષ 2001માં ભુજની બાજુમાં આવેલાં કુકમા ગામે રહેવા માટે મૂળ વતનથી હિજરત કરી. અહીં આવ્યા બાદ અમે ફરી ખરડ વણાટનું કામ શરુ કર્યું જે અત્યારે પણ કાર્યરત છે.”
તેમણે આગળ જણાવતાં કહ્યું કે, ”મારા પિતાજી પર બે જવાબદારી હતી, એક અમારી પરંપરાગત કળા ને સાચવવી અને બીજું અમારા પરિવારનું ભરણપોષણ પણ કરવું. જેને લીધે મારા પિતા તેજશીભાઈએ વણાટ કામની સાથે સાથે મજૂરી કામ કરવાનું શરૂ કર્યું જેથી પરિવારની આજીવિકામાં મુશ્કેલી આવે નહીં. મારા પિતા મજૂરી કામ કરીને ઘરે આવી ખરડ વણાટ પણ કરતાં હતાં.”
”આ દરમિયાન વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાના સિડની મ્યૂઝિયમના ડાયરેક્ટર કેરોલ ડગ્લસકર ભૂંકપ પછી ભુજ આવ્યા હતાં. તેમણે તે સમયે કચ્છ ભૂજમાં જેટલી પણ અલગ અલગ કળા છે તેના કારીગરોને ભૂંકપની સ્થિતિને પોત પોતાની કળામાં દર્શાવવા માટે કહ્યું. જેમાં મારા બાપુજીએ 3 ફૂટ બાય 6 ફૂટનું એક ખરડ પીસ બનાવ્યું હતું. જેનું અમને તે સમયે 750 ડૉલરનું ઇનામ મળ્યું હતું. આ પીસ અત્યારે પણ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મ્યુઝિયમમાં છે. તે પછી અમારી કલાને લીધે અમને નવી ઓળખ મળી અને મારા પિતા પણ મજૂરી કામ છોડીને સંપૂર્ણ રીતે ખરડ વણાટ કરવા લાગ્યા અને આગળ જતાં અમે બંને ભાઈઓ પણ તેમની સાથે જોડાઈ ગયા.”
”આ પછી વર્ષ 2011માં કેરોલ ડગ્લસકર ફરી અહીં આવ્યા અને અમને કહ્યું કે, તમે અલગ-અલગ વોલ હેંગીંગ બનાવો અને તેમાં અલગ-અલગ સ્ટોરી દર્શાવો તેની જે કિંમત થશે તે આપીશ. જે બાદ અમે સાત-આઠ ખરડ બનાવ્યા હતાં. જેમાં લગ્ન, ફેસ્ટિવલ, ભારતીય રીતિ-રિવાજ, ભૂકંપ અને પર્યાવરણની સ્ટોરી દર્શાવી હતી. આ પછી કેરોલ ડગ્લસકરે ઓસ્ટ્રેલિયામાં તેમના ખર્ચે અમે બનાવેલાં ખરડનું પ્રદર્શન કર્યું હતું. જેમાંથી ચાર પીસ સિડનીના મ્યુઝિયમે ખરીદ્યા હતાં. જે આજે પણ સિડનીના મ્યુઝિયમમાં મૂકેલાં છે. આ એક્ઝિબિશનમાંથી થયેલી આવકમાંથી અમુક રકમ અને પીસ બનાવવાની તમામ મજૂરી અમને આપવામાં આવી હતી. આમ ધીરે ધીરે આ કલાની વૈશ્વિક નોંધની સાથે સાથે અમારી આર્થિક સ્થિતિ પણ સુધરી.”
તમને અત્યાર સુધી કયા-કયા એવોર્ડ મળ્યા છે?
આ કલામાં મળેલાં એવોર્ડ વિશે તેમણે જણાવ્યું કે, ”મારા પિતાને તે સમયના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હતો, આ પછી દિલ્હીમાં સુરજકુંડ મેળામાં મારા પિતાને કલામણી એવોર્ડ મળ્યો હતો. આમ અત્યારસુધી મારા પિતાને 6-7 એવોર્ડ મળ્યા છે. મને વર્ષ 2018માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ કારીગરનો એવોર્ડ મળ્યો છે.”
ખરડ કેવી રીતે બનાવો છો?
ખરડ બનાવવાની રીત અંગે સામતભાઈ એ કહ્યું કે, ”અમારી પાસે ખરડ બનાવવા માટે ત્રણ લૂમ છે. આજે પણ અમે 700 વર્ષ જૂની લૂમ વાપરીએ છીએ. ખરડના એક-એક પીસ માટે તાંણુ (એટલે કે, વૂલને કાંતીને બનાવવામાં આવતો તાંતણો કે દોરો) કાઢવું પડે છે. તાંણુ થઈ જાય પછી અમે ડાઇ(એટલે કે, નેચરલ કલર કરવામાં આવે છે.) કરીએ છીએ. આ પછી અમે તાંણા પર ડિઝાઈન બનાવીએ છીએ. અમારી લૂમમાં બંને સાઇડ કારીગરો બેસીને ભરત ભરતાં હોય તેમ હાથથી ડિઝાઈન બનાવીએ. આ પછી કાતરથી ફિનિશિંગ કરવામાં આવે છે.”
આ પણ વાંચો: ગાંધીનગરનાં 78 વર્ષનાં દાદીએ 1 લાખ કરતાં પણ વધારે ઈકો-ફ્રેન્ડલી ઢીંગલીઓ બનાવી કર્યો વર્લ્ડ રેકોર્ડ
એક ખરડ બનાવતા કેટલો સમય લાગે છે?
આ અંગે વાત કરતાં સામતભાઈ એ કહ્યું કે, ” અમે ખરડ બનાવવા માટે દિવસના આઠથી નવ કલાક કામ કરીએ છીએ. જો સાદો પીસ હોય તો 10 થી 15 દિવસનો સમય લાગે છે અને વિષય દર્શાવતું ખરડ બનાવવાનું હોય તો તેમાં ઓછામાં ઓછા 2 થી 3 મહિનાનો સમય લાગે છે.”
એક ખરડની ઓછામાં ઓછી કિંમત કેટલી છે અને લોકો કેવી રીતે ખરડ ખરીદી શકે?
સામતભાઈ એ જણાવ્યું કે, નોર્મલ ખરડ (4X6 ફૂટ)નો ભાવ નવ હજાર થી શરૂ થાય છે જયારે કોઈ વિષય દર્શાવતા ખરડ નો ભાવ 24 હજાર રૂપિયાથી શરુ થાય છે. આ ઉપરાંત હવે અલગ-અલગ સાઇઝ અને ડિઝાઈન પ્રમાણે ખરડનો ભાવ લેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ અમારી પાસેથી ખરડ ખરીદી શકે છે. અમે ગ્રાહકની પસંદગીની ડિઝાઈન મુજબ પણ ખરડ બનાવી આપીએ છીએ. ગ્રાહક અમને ફોન કરીને પણ ખરડ ખરીદી શકે છે.
ખરડ ખરીદવા માટે માટે ના નંબર,
સામતભાઈ વણકર: 97262 59046
તેજશીભાઈ વણકર: 99134 91374
હીરાભાઈ વણકરઃ 82645 01481
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: ડાંગનો આ યુવાન વાંસમાંથી બનાવે છે 100+ ડિઝાઇનનાં ઘરેણાં, આપે છે 15 લોકોને રોજગારી પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167