એન્જિનિયરે બનાવી નવી ટેકનીક, 12 કલાકમાં 250 કિલો ફળ પ્રોસેસ કરી કમાઈ શકાય છે કરોડો

એન્જિનિયરે બનાવી નવી ટેકનીક, 12 કલાકમાં 250 કિલો ફળ પ્રોસેસ કરી કમાઈ શકાય છે કરોડો

નાનપણથી ખેતીમાં રસ હોવાથી નીતિનભાઈએ એન્જિનિયરિંગ કર્યું હોવા છતાં ઑર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગમાં કઈંક કરવા બનાવી ખાસ ટેક્નોલૉજી. જે કામમાં 15-20 દિવસ લાગતા હતા તે માત્ર 12 જ કલાકમાં થઈ જાય છે. જેની મદદથી ખેડૂતો આત્મનિર્ભર બની મબલખ કમાણી કરી શકે છે.

એન્જીનિયરે બનાવી નવી ટેક્નોલોજી, 12 કલાકમાં 250 કિલો ફળ પ્રોસેસ કરીને કમાય છે કરોડો

How To Make Raisin
How To Make Raisin

મહારાષ્ટ્રનાં નિતિન ખાડેએ બનાવેલાં મશીનથી તમે 500થી વધારે પ્રાકૃતિક ઉત્પાદનો બનાવી શકો છો, જાણો કેવી રીતે?

મહારાષ્ટ્રના સાંગલીના પેડ ગામના નીતિન ખાડે એ ભલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય પરંતુ તેમનું મન ખેતી સાથે જોડાયેલાં કામોમાં સમર્પિત છે. કમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયર તરીકે કામ કરતી વખતે, તેમણે ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગના ઘણા સર્ટિફિકેટ કોર્સ પણ કર્યા છે. હાલનાં દિવસોમાં તે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નવા પ્રયોગો કરી રહ્યા છે.

નીતિન ભાઈએ 2012માં તેમની ફૂડ પ્રોસેસિંગ કંપની ‘મહારાષ્ટ્ર ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજીસ’નો પાયો નાખ્યો હતો. તેના દ્વારા તે દ્રાક્ષ, હળદર, સરગવો, મરચાં જેવા પાકો પર પ્રક્રિયા કરે છે અને કિસમિસ, હળદરનો પાવડર, સરગવાનો પાવડર, વિવિધ પ્રકારના ફ્લેક્સ વગેરે બનાવે છે.

નીતિન ભાઈ ખડેના કામની ખાસ વાત એ છે કે જે ટેક્નોલોજીથી તે ફૂડ પ્રોસેસિંગ કરે છે, તેમણે પોતે તેને તૈયાર કરી છે અને તેની પેટન્ટ પણ મેળવી છે. તેમણે પોતાની જર્ની વિશે વિગતવાર ધ બેટર ઇન્ડિયાને જણાવ્યુ.

“હું શરૂઆતથી જ ફૂડ પ્રોસેસિંગમાં વિવિધ પ્રયોગો કરતો હતો. અમે જ્યાં રહીએ છીએ તે વિસ્તાર દ્રાક્ષની ખેતી માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં ભાગ્યે જ કોઈ ખેડૂત છે જે દ્રાક્ષનું પ્રોસેસિંગ જાતે કરતા હોય. મેં વિચાર્યું કે દ્રાક્ષ પર પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરીને જોઈએ. પણ તેમાં એક સમસ્યા હતી. વાસ્તવમાં, જંતુનાશક સ્પ્રેનો સૌથી વધુ ઉપયોગ દ્રાક્ષની ખેતીમાં થાય છે અને પછી તેમની પ્રક્રિયામાં લગભગ 15-20 દિવસ લાગે છે. આ પછી જ કિસમિસ બનાવવામાં આવે છે. જંતુનાશકોના કારણે આ કિસમિસ પણ ઉત્તમ ગુણવત્તાની હોતી નથી,” નીતિન ભાઈએ કહ્યું.

આ પછી, નીતિન ભાઈએ એવી ટેક્નોલોજીની શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી દ્રાક્ષમાંથી સૂક્ષ્મજીવો અને રસાયણોને દૂર કરીને, શક્ય તેટલી ઝડપથી પ્રોસેસિંગ કરવામાં આવે. આ માટે તેમણે પહેલેથી ઉપલબ્ધ ટેકનોલોજી અને મશીનમાં કેટલાક ફેરફાર કર્યા. ઘણા પ્રયત્નો પછી, તેણે આખરે એક પ્રક્રિયા નક્કી કરી જેનાથી પૂર્ણ રૂપથી પ્રાકૃતિક રીતે કોઈ પણ પાકને પ્રોસેસ કરીને ઉત્પાદન બનાવે છે. આખી પ્રક્રિયામાં તેમને માત્ર 12 કલાક લાગે છે.

Dehydration Of Grapes

શું છે પ્રક્રિયા:

નીતિન ભાઈનું કહેવું છે કે તેમણે પાક મુજબ આ ટેકનીક બનાવી છે. સૌ પ્રથમ, તે મહત્વનું છે કે દ્રાક્ષને યોગ્ય રીતે સાફ કરવી જોઈએ, એટલે કે, તેમના પર છાંટવામાં આવેલા રસાયણોને દૂર કરવા જોઈએ. આ માટે, તેઓએ ઓઝોનાઇઝર પ્રક્રિયા અપનાવી છે. આ ઇલેક્ટ્રિક ઉપકરણની મદદથી, હવામાં હાજર ઓક્સિજન અને ઓઝોન પાણીમાં ઓગળી જાય છે અને દ્રાક્ષ સાફ થાય છે.

“ઓઝોનની વિશેષતા એ છે કે તે હાનિકારક સુક્ષ્મસજીવોનો નાશ કરે છે. બજારમાં ઉપલબ્ધ ઓઝોનાઇઝર્સનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે પરંતુ અમે તેનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગમાં કર્યો છે. દ્રાક્ષ ધોયા પછી, અમે તેને ડ્રાયરમાં મૂકીએ છીએ. આ ડ્રાયર મશીન પણ પહેલા ઓઝોનાઇઝરથી સાફ કરવામાં આવે છે અને પછી તેમાં દ્રાક્ષ મુકવામાં આવે છે.” તેમણે આગળ કહ્યુ.

ડ્રાયર મશીનનું તાપમાન 25 ડિગ્રી થી 34 ડિગ્રી સુધી રાખવામાં આવે છે અને સાથે જ, તેમાં ભેજ જાળવી રાખવા માટે બીજા મશીન દ્વારા હવા આપવામાં આવે છે. આ અંગે નીતિન કહે છે, “અમારો ઉદ્દેશ માત્ર કિસમિસ બનાવવાનો નથી પણ અમે દ્રાક્ષનું પોષણ મૂલ્ય જાળવી રાખવા માગીએ છીએ. જો દ્રાક્ષ ખૂબ ઉંચા તાપમાને સૂકવવામાં આવે છે, તો તે તેનું પોષણ ખતમ થઈ શકે છે. તેથી જ અમે ભેજ જાળવી રાખવાની પ્રક્રિયાનો સમાવેશ કર્યો છે.”

દ્રાક્ષને 12 કલાક સુધી ડ્રાયરમાં રાખવામાં આવે છે અને આ 12 કલાકમાં ડીહાઈડ્રેશન પછી આ દ્રાક્ષ કિસમિસમાં ફેરવાય છે. આ કિસમિસ રંગમાં એકસમાન અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં કોઈ રસાયણો હોતા નથી.

બીજી બાજુ, જો દ્રાક્ષ સામાન્ય રીતે ડીહાઈડ્રેટ કરવામાં આવે છે, તો કિસમિસ બનવામાં લગભગ 15 થી 20 દિવસનો સમય લાગે છે.

નીતિન ભાઈનું કહેવું છે કે એક વખત તેને આ પ્રક્રિયામાં સફળતા મળ્યા બાદ તેને તેની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરાયેલ મશીન મળ્યું. તેનું મશીન એક ચેમ્બર જેવું છે, જ્યાં તે એક સાથે લગભગ 250 કિલો દ્રાક્ષનું પ્રોસેસિંગ કરી શકે છે. 250 કિલો દ્રાક્ષમાંથી, તેઓ લગભગ 70 કિલો કિસમિસ મેળવે છે.

“તમે તમારી ક્ષમતા અનુસાર દ્રાક્ષમાંથી કિસમિસ બનાવી શકો છો અને તે પણ ખૂબ ઓછા સમયમાં. આ તમારી મહેનત પણ બચાવે છે અને વીજળી જેવા સાધનો પણ,”નીતિન ભાઈએ કહ્યું.

Food Processing

નીતિન ભાઈ મશીનો પણ બનાવે છે

ફૂડ પ્રોસેસિંગની સાથે તેમણે મશીનરી પર પણ કામ કરવાનું શરૂ કર્યું. તે 24 કિલોની ક્ષમતાથી 250 કિલોની ક્ષમતાવાળા મશીનોનું ઉત્પાદન કરી રહ્યો છે. તે કહે છે કે તે તેનું સપનું છે કે આપણા દેશના ખેડૂતો તેમના પાકની જાતે પ્રોસેસ કરે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડે.

“ખેડૂતો ત્યારે જ સમૃદ્ધ થઈ શકે છે જ્યારે તેમને તેમના પાક માટે યોગ્ય ભાવ મળે. શતાવરી જે આપણે ખેડૂતો પાસેથી રૂ.10/કિલોમાં ખરીદી રહ્યા છીએ, તેની પ્રોસેસ કર્યા પછી તેનો પાવડર રૂ.100/કિલો સુધી જાય છે. પરંતુ જો ખેડૂત પણ પોતે આ જ પ્રક્રિયા કરે તો તેમને ઘણો ફાયદો થશે,” તેમણે આગળ જણાવ્યુ.

નીતિન ભાઈ અનુસાર, આ એક મશીન અને ટેકનોલોજીથી તમે લગભગ 500 પ્રકારના ઉત્પાદનો બનાવી શકો છો. ફ્લેક્સથી લઈને ડ્રિંક પાવડર, તમે જે ઇચ્છો તે બનાવી શકો છો. સારી બાબત એ છે કે તે ઉત્પાદનોના રંગ, ટેક્સચર, સ્વાદ અને પોષણ જેવા ગુણો જાળવી રાખે છે.

કિસમિસ ઉપરાંત, નીતિન ભાઈ પોતે હળદર પાવડર, સરગવાનો પાવડર, ડુંગળી-ટામેટાના ફ્લેક્સ, મેથી પાવડર, ધાણા પાવડર, શતાવરનો પાવડર જેવા સેંકડો ઉત્પાદનો બનાવી રહ્યા છે. તેમના આ ઉત્પાદનો દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં પૂરા પાડવામાં આવે છે. ઘણી આયુર્વેદિક કંપનીઓ અને હર્બલ કંપનીઓ તેમની પાસેથી ઉત્પાદનો ખરીદે છે.

તેના પ્રોસેસિંગ યુનિટ દ્વારા ઘણા ખેડૂતોને મદદ પણ કરવામાં આવી રહી છે. તે જણાવે છે કે ઋતુ પ્રમાણે તે વિવિધ પાકનું પ્રોસેસિંગ કરે છે. જેના માટે તે સતત 10-15 ખેડૂતો સાથે સંપર્કમાં રહે છે જે વિવિધ પાકનું ઉત્પાદન કરે છે.

Food Processing

ફૂડ પ્રોસેસિંગ દેશને આત્મનિર્ભર બનાવી શકે છે

“ખેતીની વાસ્તવિકતા એ છે કે ખેડૂત સખત મહેનત કરે છે પરંતુ પૈસા એજન્ટોને જાય છે, કારણ કે આપણી પાસે સ્થાનિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ નથી. જો સ્થાનિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ હોય, તો ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળશે અને ટ્રાન્સપોર્ટ અથવા સંગ્રહના અભાવે પાક બગડશે નહીં કારણ કે પછી ખેડૂતો તેનું સીધુ પ્રોસેસિંગ કરી શકશે,”તેમણે કહ્યુ.

નીતિન ભાઈ કહે છે કે, લોકડાઉનમાં ઘણા લોકોએ સંપર્ક કર્યો હતો, જેઓ આ ઉદ્યમમાં આવવા માંગે છે. મશીનો બનાવવા માટે પણ ઓર્ડર મળ્યા છે, જેના પર તેઓ કામ કરી રહ્યા છે. તેમના મતે, જો કોઈ પોતાનું સાહસ શરૂ કરવા માંગે છે તો તે ફૂડ પ્રોસેસિંગમાં કરે કારણ કે તે એક એવું એન્ટરપ્રાઈઝ છે જેમાં તમે માત્ર 2-3 વર્ષમાં તમારું રોકાણ પાછું મેળવી શકો છો, તે પણ નફા સાથે.

તેઓ ખેડૂતોને સલાહ આપે છે કે જો ગ્રુપ બનાવીને પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવે તો ખેડૂતોને વધુ લાભ મળશે. સરકાર ફૂડ પ્રોસેસિંગના સાહસને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેથી ખેડૂતોએ આગળ વધવું જોઈએ અને આ તકનો લાભ લેવો જોઈએ.

નીતિન ખાડેનું ટર્નઓવર તેમના ફૂડ પ્રોસેસિંગ અને મશીન મેન્યુફેક્ચરિંગ કામને કારણે કરોડોમાં છે. તેઓ કહે છે, “જોખમ બધે છે પરંતુ મારા પોતાના અનુભવથી હું ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર વિશે વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમે આમાં સફળ થઈ શકો છો. જો પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સને સારા પેકેજિંગમાં રાખવામાં આવે તો તે એક વર્ષ સુધી ચાલે છે. પરંતુ તમે કેટલા દિવસ દ્રાક્ષને રૉ ફોર્મમાં રાખી શકો છો? તેથી આજની જરૂરિયાત ફૂડ પ્રોસેસિંગ છે અને ખેડૂતે આ સમજવું પડશે.”

જો તમને ફૂડ પ્રોસેસિંગ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે નીતિનનો 7738102261 પર સંપર્ક કરી શકો છો!

સંપાદન: કિશન દવે

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: વ્યારાનાં આદિવાસી બહેન નારિયેળના રેસાના ગણપતિ અને સુશોભન પીસ બનાવી બન્યાં આત્મનિર્ભર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X