વડોદરાના ભવિન પટેલે જૂનાં અખબારમાંથી ન્યૂઝપેપર પેન્સિલ, ન્યૂઝપેપર કલર પેન્સિલ, સીડ પેન્સિલ, નોટબુક સહિત અલગ-અલગ 10 ઉત્પાદનો બનાવ્યાં. પહેલા જ વર્ષે વેચાઈ 6 લાખ પેન્સિલ. સામાન્ય પેન્સિલના જ ભાવમાં મળતી આ પેન્સિલ ઝાડ કપાતાં બચાવે છે અને હરિયાળી પણ ફેલાવે છે.
ન્યૂઝપેપર એટલે કે અખબાર તો લગભગ બધાંના ઘરમાં આવતું જ હોય છે, પરંતુ એકવાર બધા તેને વાંચી લે, ત્યારબાદ તેનો શું ઉપયોગ કરવામાં આવે છે? મોટાભાગના લોકો તેને પસ્તીમાં આપતા હોય છે. આ પસ્તીનું આપણને તો બહુ ઓછું વળતર મળે છે, પરંતુ આ પસ્તીનો શું ઉપયોગ થઈ શકે છે, એ અંગે તમે ક્યારેય વિચાર્યું છે? પરંતુ આ પસ્તીમાંથી પણ કમાણી અને પર્યાવરણ બચાવવાનો રસ્તો શોધી કાડ્યો છે વડોદરાના ભાવિન પટેલે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલ ભાવિનભાઈએ માર્ચ 2019 માં અખબારમાંથી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવાની યોજના બનાવી હતી. તેમણે સ્માર્ટ ઈકો રાઈટ્સ નામની કંપનીની શરૂઆત કરી. તેઓ છેલ્લા 10 વર્ષથી પોતાની ડિઝાઈનિંગ ફર્મ પણ ચલાવે છે. આ પહેલાં વિદેશમાં અને મુંબઈમાં આવી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ જોઈ હતી, જેના પરથી તેમને પણ વિચાર આવ્યો કે, આપણે પણ આવી કઈ પ્રોડક્ટ્સ બનાવવી જોઈએ, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકાય, પસ્તીમાં ગયેલ અખબારોનો ફરીથી ઉપયોગ કરી શકાય અને પર્યાવરણ બચાવવામાં પોતાનો ફાળો આપી શકાય. આ માટે તેમણે પહેલાં અખબારમાંથી પેન્સિલ બનાવી અને પોતાનાં બાળકો અને મિત્રોના ઘરે વાપરવા આપી અને સર્વે કર્યો. તેનો લેબોરેટરી ટેસ્ટ પણ કરાવ્યો અને જાણવા મળ્યું કે, આનાથી કોઈ જ આડ-અસર થતી નથી. આ ઉપરાંત અખબારમાંથી આ બધાં ઉત્પાદનો બનતાં હોવાથી ઘણાં ઝાડ કપાતાં બચાવી શકાય છે.
ત્યારબાદ તેમણે વિવિધ 10 ઉત્પાદનો બનાવવાનાં શરૂ કર્યાં. અને તે લોકોનો બહુ સારો પ્રતિભાવ પણ મળ્યો. પહેલા જ વર્ષે તેમની 7 લાખ કરતાં પણ વધારે ન્યૂઝપેપર પેન્સિલ વેચાઈ અને સાથે-સાથે બીજાં ઉત્પાદનો પણ વેચાયાં.
પ્લાન્ટેબલ સીડ પેન્સિલ:
પ્લાન્ટેબલ સીડ પેન્સિલ જૂના અખબારમાંથી બનાવવામાં આવે છે અને પેન્સિલમાં અલગ-અલગ પ્રકારની શાકભાજીનાં બીજ રાખવામાં આવે છે. જેથી પેન્સિલનો ઉપયોગ થઈ જાય પછી બાળકો તેને કૂંડામાં કે જમીનમાં રોપીને પાણી પાય તો તેમાંથી છોડ ઊગી નીકળે છે.
પેપર પેન:
આ પેપર પેનમાં સંપૂર્ણપણે જૂનાં અખબારનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર તેમાં રાખવામાં આવેલ રિફિલમાં જ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે. તો તેમણે સીડ પેન પણ બનાવી છે. જેને ઉપયોગ બાદ કુંડામાં રોપી શકાય છે.
કલર પેપર પેન્સિલ:
અખબારનાં કાગળનો માવો બનાવ્યા બાદ તેમાં ફળો અને ફૂલમાંથી બનાવેલ ઑર્ગેનિક કલર મિક્સ કરવામાં આવે છે અને રંગબેરંગી પેન્સિલ બનાવવામાં આવે છે, જેથી બાળકોને આ પેન્સિલ આકર્ષક લાગે. આ ઉપરાંત કલર પેન્સિલ પણ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ બાળકો ચિત્રકામમાં કરી શકે છે.
પ્લાન્ટેબલ નોટબુક:
આ હટકે નોટબુકના ઉપયોગ બાદ તેના કવર એટ્લે કે પૂંઠાને છીછરા પાણીમાં 3-4 દિવસ સુધી બોળી રાખવાનું હોય છે. તેમાં અંકુર ફૂટ્યા બાદ તેને કુંડામાં વાવવાથી તુલસીનો છોડ ઊગી નીકળે છે. આ નોટબુકના પૂંઠામાં તુલસીનાં બીજ રાખવામાં આવે છે.
વ્હાઈટ પેપર પેન્સિલ:
વ્હાઈટ પેપર પેન્સિલ પણ અખબારનાં પેપરમાંથી જ બનાવવામાં આવે છે અને તેનાથી સામાન્ય પેન્સિલ કરતાં થોડું વધારે ઘાટું લખી શકાય છે.
વ્હાઈટ પેપર સીડ પેન્સિલ, કલર પેપર સીડ પેન્સિલ અને બ્લેક પેપર સીડ પેન્સિલ
ત્રણ અલગ-અલગ પ્રકારની સીડ પેન્સિલ ઉપલબ્ધ છે. જેમાં એક વ્હાઈટ પેપરમાંથી બનાવવામાં છે, એક કાળા પેપરમાંથી અને એક રંગબેરંગી પેપરમાંથી અલગ-અલગ પેન્સિલ બનાવવામાં આવે છે. જેમાં અલગ-અલગ પ્રકારની ઔષધીઓનાં બીજ મૂકવામાં આવે છે. આ બધા માટે જૂનાં અખબારનો જ ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં ઑર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વ્હાઈટ પેપર સીડ પેન્સિલ અને બ્લેક પેપર સીડ પેન્સિલમાં અલગ-અલગ પ્રકારનાં ફળોનાં બીજ મૂકવામાં આવે છે.
ન્યૂઝપેપર પેન્સિલ અને ન્યૂઝ પેપર સીડ પેન્સિલ તેમજ ન્યૂઝપેપર કલર પેન્સિલ
ન્યૂઝપેપર પેન્સિલમાં ઉપરની તરફ અખબાર જેવી જ પ્રિન્ટ જોવા મળે છે, જે જોવામાં આકર્ષક લાગે છે. તો ન્યૂઝ પેપર સીડ પેન્સિલના ઉપયોગ બાદ તેના છેડાને કુંડામાં રોપી શકાય છે અને તેમાંથી છોડ ઊગી નીકળે છે. ન્યૂઝપેપર કલર પેન્સિલનો ઉપરનો દેખાવ અખબાર જેવો હોય છે તો તેનો ઉપયોગ બાળકો ચિત્રકામ માટે કરી શકે છે.
બ્રાઉન પેપર પેન્સિલ અને બ્રાઉન પેપર પેન
આ પેન અને પેન્સિલ બંનેનો પૂંઠા જેવો કથ્થઈ રંગ આપવામાં આવ્યો છે. જેમાં પેનની રિફિલ સિવાય ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થયો. સંપૂર્ણપણે જૂનાં અખબારનો જ ઉપયોગ કરવામાં અવ્યો છે.
સીડ બૉલ:
પોષણયુક્ત માટીના સીડબૉલ બનાવવામાં આવે છે અને તેમાં તુલસીનાં બીજ મિક્સ કરવામાં આવે છે. જેથી આ બૉલને કુંડામાં કે જમીનમાં રોપવાથી તેમાંથી તુલસીનો છોડ ઊગી નીકળે છે.
બાળકો માટેની સકારાત્મક બાબત જણાવતાં ભાવિનભાઈએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “આ પ્રકારનાં ઉત્પાદનોથી બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સભાનતા જોવા મળે છે. સીડ પેન્સિલના ઉપયોગ બાદ બાળકને જાતે તેને કુંડામાં રોપતાં શીખવાડવાથી તેમની અવનવું જાણવાની ઉત્સુખતા વધે છે. આ ઉપરાંત તેમાંથી છોડ ઊગતાં તેમને ખુશી થાય છે. નાનપણથી જ તેમનામાં પ્રકૃતિ માટેનો પ્રેમ ઉદભવે છે.”
વધુમાં જણાવતાં ભાવિનભાઈ જણાવે છે કે, અમારી એકપણ પ્રોડક્ટ માટે એકપણ ઝાડને નુકસાન કરવામાં આવતું નથી. બધી જ પ્રોડક્ટ્સ માટે જૂનાં અખબારનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભવિનભાઈ ભવિષ્યમાં હજી પણ કેટલીક નવી-નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી રહ્યા છે.
ભાવિનભાઈ તેમના આ કામમાં લગભગ 15 લોકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણી મહિલાઓ ઘરે બેસી તેમની આ ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ વેચે છે, જેના માટે તેમને કમિશન આપવામાં આવે છે. જેથી તેમને રોજગારી મળી રહે છે. આ ઉપરાંત ભાવિનભાઈ અમેઝોન અને ફિપકાર્ટ પર પણ તેમનાં ઉત્પાદનો વેચે છે અને ત્યાં તેમને ગ્રાહકો દ્વારા બહુ સારા રિવ્યૂ પણ મળી રહ્યા છે.
આ ઉપરાંત પર્યાવરણ માટે કામ કરી રહેલ કેટલાક શિક્ષકો અને એનજીઓ પણ ભાવિનભાઈની ઈકો સ્માર્ટ રાઈટ્સનાં ઉત્પાદનો બાળકોમાં વહેંચે છે અને લોકોને પર્યાવરણની નજીક લાવવાની સાથે-સાથે લોકોમાં પણ જાગૄતિ લાવવાનો પ્રયત્ન કરે છે. ઈકો રાઈટ્સનાં આ ઉત્પાદનો બજારમાં મળતાં અન્ય ઉત્પાદનોના લગભગ સમકક્ષ ભાવમાં જ મળે છે, એટલે આવાં ઉત્પાદનો બહુ મોંઘાં હોય છે, તેવા લોકોના વહેમનું પણ ખંડન થાય છે.
જો તમે ભાવિનભાઈનાં આ ઉત્પાદનો વિશે જાણવા માંગતા હોય કે તેને ખરીદવા ઈચ્છતા હોય તો તેમની વેબસાઈટ સ્માર્ટ ઈકો રાઈટ્સ, ફેસબુક પેજ પર જઈ શકો છો અથવા ભાવિનભાઈને +91 85304 82524 નંબર પર કૉલ પણ કરી શકો છો.
આ પણ વાંચો: પર્યાવરણ પ્રેમી મહિલાની કમાલ, નકામાં કાગળમાંથી બનાવી પ્લાસ્ટિક કરતાં પણ સસ્તી ‘કાગઝી બોટલ’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167