વર્ષ 1998 માં કૌસ્તુભ તામ્હનકરે 'ગાર્બેજ ફ્રી લાઇફસ્ટાઇલ' પર કામ કરવાનું શરૂ કરી હતી. આજે તેમના ત્યાંથી કોઇપણ જાતનો કચરો ડંપયાર્ડ કે લેન્ડફિલમાં નથી જતો!
શું આ શક્ય છે કે, તમારા ઘરના કચારામાંથી થોડું-ઘણું પણ ડંપયાર્ડ કે લેન્ડફિલ્ડમાં ન જાય? તમે પણ વિચારતા હશો કે, જૈવિક કે લીલા કચરામાંથી તો ખાતર બનાવી શકાય છે, પરંતુ પોલિથીન, પ્લાસ્ટિક, મેટલ, કાગળ વગેરેનું શું કરી શકાય? શું તેમાંથી કઈં બની શકે છે?
તમને કે મને કોઇ આ સવાલ પૂછે તો આપણે ચોક્કસથી વિચારમાં પડી જઈએ, પરંતુ મુંબઈના ઠાણેના નિવાસી કૌસ્તુભ તામ્હનકર જરા પણ અચકાયા વગર કહે છે, “હા આ શક્ય છે.”
છેલ્લાં 19 વર્ષથી તેમના કે તેમના પરિવાર દ્વારા જરા પણ કચરો બહાર ફેંકવામાં આવ્યો નથી. તામ્હકર કહે છે કે, જે પણ વ્યક્તિ કચરો બનાવે છે, તેણે તેની વ્યવસ્થાની જવાબદારી જાતે જ ઉપાડવી જોઇએ. જો આપણે આપણા કચરાનું યોગ્ય રીતે પ્રબંધન કરી શકીએ તો, ‘જીરો ગાર્બેજ’ એટલે કે ‘શૂન્યકચરા’ ની લાઇફ સ્ટાઇલ જીવી શકીએ છીએ.
કૌસ્તુભ તામ્હનકરે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, કચરાની વ્યવસ્થાપનની સફર વર્ષ 1998 થી શરૂ થઈ.
તેમણે કહ્યું, “જ્યાં જુઓ ત્યાં લોકો એ જ ચર્ચા કરી રહ્યા હતા કે, આટલો બધો કચરો ઉત્પન થઈ રહ્યો છે. કચરાના ઢગલા થઈ રહ્યા છે અને લેન્ડફિલ પણ ભરાઇ રહી છે. પરંતુ બધા સમસ્યાની માત્ર વાત જ કરે છે, કોઇ તેના હલ માટે કઈં કરવાનું વિચારતું નથી. મને લાગ્યું કે માત્ર વાતો કરવાથી તો કઈં થવાનું નથી, એટલે આ દિશામાં કઈંક કરવું જોઇએ. જોકે માત્ર વિચારતા જ રહીશું અને કઈં કરશું નહીં તો એ વાત કાલ પર ટળાતી રહેશે. એટલે જરૂરી એ છે કે, આપણે જે નિર્ણય લીધો છે તેના પ્રત્યે એક જવાબદારી અનુભવીએ.”
પોતાની જાતને પ્રેરિત કરવા માટે અને સતત લક્ષ્ય યાદ રહે તે માટે તેમણે ઘરની બહાર એક કાગળ ચોંટાડ્યું. તેના પર લખ્યું હતું – “અમે કચરો ઉત્પન્ન નથી કરતા!” હવે આ વાત તેમની સાથે-સાથે આડોશ-પડોશના લોકોને પણ ખબર હતી. તેઓ કહે છે કે, તેઓ જ્યારે પણ ઘરની બહાર જાય અને અંદર આવે એટલી વાર તેમને તેમનું લક્ષ્ય દેખાય છે અને ત્યાંથી જ શરૂઆત થઈ ‘કચરા-મુક્ત’ જીવનની.
તેમણે નાનાં-નાનાં પગલાં લીધાં. સૌથી પહેલાં તેમણે નક્કી કર્યું કે, તેઓ કોઇપણ જાતનો કચરો ફેંકશે નહીં. પછી તે બિસ્કિટનું રેપર હોય, કાગળ હોય કે પછી પોલિથીન. એટલે હવે આ બધા કચરાનો ઘરમાં જ ઢગલો થવા લાગ્યો. હવે આનું શું કરવું એ અંગે તામ્હનકરે વિચારવાનું શરૂ કર્યું.
તેમને સમજાઇ ગયું, “આપણા ઉપયોગ બાદ કોઇપણ વસ્તુની કિંમત ઝીરો થઈ જાય છે એટલે તે આપણા માટે કચરો બની જાય છે. એટલે તેને ફેંકી દેવામાં આવે છે. વાત અખબારની જ કરો, કોઇપણ પરિવાર અખબારને કચરામાં નથી ફેંકતો, કારણકે તેણી પસ્તીના પૈસા મળે છે. જો કાગળમાંથી બનેલ કપની વાત કરવામાં આવે તો, ચા પીને તેને ફેંકી દે છે, કારણકે હવે તેમાંથી કઈં ઉપજવાનું નથી. હવે સવાલ એ છે કે, આપણે જેનો પણ ઉપયોગ કરીએ તેની કિંમત ઝીરો ન થવા દેવી.”
આ કેવી રીતે શક્ય છે?
આ સવાલના જવાબમાં તામ્હનકર કહે છે કે, આ માટે બસ તમારા વ્યવહારમાં થોડું પરિવર્તન કરવાની જરૂર છે. કાગળના કચરાને તમે અખબારોના કચરા સાથે ભેગો કરી શકો છો અને પછી પસ્તીમાં આપી શકો છો. મોટાભાગે પ્લાસ્ટિક, મેટલ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટને રિસાયકલ માટે મોકલી શકાય છે. પરંતુ સૌથી વધારે નુકસાનકાર છે શાકભાજી વગેરે જેમાં લાવીએ છીએ એ પ્લાસ્ટીકની પાતળી કોથળીઓ. આ મુશ્કેલીનો હલ પણ કાઢ્યો તામ્હનકરે. તેમણે જણાવ્યું કે, તેમણે પેકિંગ પાઉચ બનાવ્યા છે.
પેકિંગ પાઉચ શું છે?
તામ્હનકર જણાવે છે કે, તેમની એક ફેક્ટરી પણ છે, જ્યાં તેઓ કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે ઈંસ્ટ્રૂમેન્ટ્સ બનાવે છે. ત્યાં પણ તેઓ ખાસ એ જ પ્રયત્ન કરે છે કે, કોઇપણ જાતનો કચરો ઉત્પન્ન ન થાય અને જેટલો પણ ઉપયોગમાં લેવાય તેને ફરીથી ઉપયોગામા લેવો. તેમને તેમની પ્રોડક્ટ્સ ડિલીવર કરતાં પહેલાં પેકેજિંગ સમયે બબલ રેપર કે થર્મોકોલનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ પછી તેમણે વિચાર્યું કે, એવું શું છે, જેના ઉપયોગથી તેઓ ‘ઝીરો ગાર્બેજ’ લાઇફસ્ટાઇલને પણ આગળ વધારી શકે.
તેમણે કહ્યું, “મેં પેકિંગ માટે પાઉચ બનાવ્યા. આ પેકિંગ પાઉચમાં એક કવરની અંદર પાતળું પ્લાસ્ટિક મૂકવામાં આવે છે, જેનો ઉપયોગ આપણા રોજિંદા ઉપયોગમાં કરવામાં આવે છે અને તે રિસાયકલ નથી થઈ શકતા. આ સૌથી નુકસાનકારક છે. એટલે તેને રોલ કરી કવરની અંદર ભરે છે અને તેને સીલ કરી દે છે. આ કવરનો ઉપયોગ અમે પેકિંગ માટે કરીએ છીએ. આ રીતે અમે થર્મોકોલનો ઉપાયોગ બંધ કરી દીધો અને નુકસાનકારક પોલિથીનને લેન્ડફિલ અને પાણીના સ્ત્રોતમાં જતી અટકાવી.”
માત્ર પડોશીઓ જ નહીં પરંતુ અન્ય શહેરોમાં રહેતા તામ્હનકરને ઓળખતા લોકો પણ હવે પોલિથીન ભેગી કરીને તેમને મોકલે છે. અત્યાર સુધીમાં તેમણે ચાર લાખ કરતાં પણ વધારે પેકિંગ પાઉચ બનાવ્યા છે. પેકિંગ પાઉચ સિવાય બીજી પણ ઘણી રીતે તેઓ પોલિથીનનો ઉપયોગ કરે છે. તમે તેમનો વિડીયો જોઇ શકો છો.
હવે સવાલ એ ઊભો થાય છે કે, તેમણે તો પોલિથીનને કચરામાં ફેંકવાની બંધ કરી દીધી પરંતુ પેકિંગ પાઉચ તરીકે જેમની પાસે જાય છે, તેઓ આનું શું કરશે? જેના જવાબમાં તામ્હનકર કહે છે, “જ્યારે આપણને કોઇ વ્યક્તિ કે કંપનીની ડિલીવરી મળે છે અને તેમાં બબલ રેપર કે થર્મોકોલ નીકળે છે ત્યારે આપણે કંપનીને નથી પૂછતા કે, આ પેકેજિંગનું શું કરવું? પરંતુ જો કોઇ સારું કરવાનો પ્રયત્ન કરે તો, અપણે તેમને આવા સવાલ કરીએ છીએ. હું લોકોને માત્ર એટલું જ કહું છું કે, આ પેકિંગ પાઉચ મારફતે અમે ઘણા અંશે નુકસાનકારક પોલિથીનને રોકી રહ્યા છે. જ્યાં પણ આ પેકિંગ પાઉચ પહોંચ્યા છે અને જ્યાં સુધી તે બંધ છે ત્યાં સુધી તો પર્યાવરણ સુરક્ષિત છે. અને જો 10 માંથી 1 પાઉચ કદાચ ફાટી પણ જાય તો તેમાં તેમાં 2-3 પોલિથીન નાખી હશે એ બધાર નીકળી જશે. પરંતુ બાકીની તો બંધ છે. આપણે સકારાત્મક બાજુ જોવી જોઇએ. આગળ તેનું શું થશે વિચારીને અત્યારે કઈં ન કઈએ એ તો ખોટું જ ગણાય ને!”
ભીના કચરા અને જૈવિક કચરામાંથી ખાતર બનાવવા માટે તેમણે ‘અવિરત પાત્ર’ બનાવ્યાં છે. ઘરેલું સ્તરે આ અવિરત પાત્ર ઘરમાં, સોસાયટીમાં કે અપાર્ટમેન્ટ્સમાં લગાવી શકાય છે. તેમણે 300 કરતાં વધુ ઘરેલુ સ્તરે અને 82 જગ્યાએ મોટાં અવિરતપાત્ર બનાવ્યાં છે. શું છે આ અવિરતપાત્ર, એ અંગે તમે જોઇ શકો છો વિડીયોમાં
તામ્હનકર જણાવે છે કે, ભારતીયોની સૌથી મોટી સમસ્યા એ છે કે, વિદેશોમાં રહેતા હોઇએ ત્યારે જે કામ આપણે જાતે કરતા હોઇએ તે જ કામ આપણા દેશમાં આપણે નથી કરતા. “મારો પોતાનો અનુભવ છે કે, જે લોકો કચરો ભેગો કરવાનું કામ કરે છે તેમને આ કામ સિવાય બીજું કોઇ કામ નથી મળતું. તો સમૃદ્ધ લોકોને એમ લાગે છે કે, જો તેમના ઘરમાંથી કોઇ કચરો નહીં ભેગો કરે છે તેમની આવક બંધ થઈ જશે. આ ખૂબજ ખોટી માનસિકતા છે. કારણકે જે દિવસે ઘરનો કચરો બહાર નીકળવાનું બંધ થઈ જશે એ દિવસે લોકો બીજાં ઘણાં હુનર શીખશે. ભણવા-ગણવાની અને સ્વચ્છ જગ્યાઓ પર કામ કરવા લોકોમાં હોડ લાગશે.”
કેવી રીતે તમે પણ શરૂ કરી શકો છો ‘ઝીરો ગાર્બેજ લાઇફસ્ટાઇલ’
તામ્હનકર કહે છે:
- સૌથી પહેલાં તમારી ઘરની બહાર આ બોર્ડ લગાવો કે, ‘હવે તમારા ઘરમાંથી કોઇ કચરો નહીં નીકળે’. ત્યારબાદ આ તમારી નૈતિક જવાબદારી બની જશે.
- કોઇપણ વસ્તુઓના ઉપયોગ બાદ જે પણ બચે તેને આપણે કચરો કહીએ છીએ, તેને ફેંકતાં પહેલાં ફરી એકવાર વિચારી લો કે, ફરીથી તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમકે પોલિથિન હોય તો, તેને ફેંકવાની જગ્યાએ ઘરના ખૂણામાં એક થેલો લટકાવી દો અને તેમાં ભરતા રહો.
- જ્યારે તે ભરાઇ જાય એટલે તેની અલગ-અલગ કેટેગરી કરો અને વિચારો આમાંથી શું રિસાયકલ થઈ શકે છે. જે પણ વસ્તુઓ રિસાયકલ થઈ શકે તેમ હોય, તેને અલગ કરો અને ઘણીવાર આપણે રસ્તાઓ પર મહિલાઓ અને બાળકો કચરો વીણતાં દેખાય છે, તે દેખાય ત્યારે તેમને આપી દો. તેમને આ રિસાયકલ કચરો આપશો તો તેમને વીણવા માટે ગંદકીમાં ફરવું નહીં પડે.
- ત્યારબાદ જે રિસાયકલ ન થઈ શકે તેના માટે અપસાયકલિંગ એટલે કે, શું તેમાંથી બીજી કોઇ ઉપયોગી વસ્તુ બની શકે છે કે નહીં એ અંગે વિચારો.
- જ્યારે તમે આ બાબતે સંપૂર્ણ ઈમાનદારીથી વિચારશો ત્યારે રસ્તો તમને જાતે જ દેખાવા મળશે.
- હંમેશાં તમારી બેગમાં એક એક્સ્ટ્રા થેલી રાખો, જેથી જ્યારે પણ તમે બહાર કઈં ખાઓ પીઓ ત્યારે પ્લાસ્ટિકનાં રેપર આમાં મૂકો.
- જો તમારા ઘરે કોઇ કૂરિયર આવે તો તેના કવર કે બોક્સને સાચવી રાખો અને તેનો ઉપયોગ તમે ઘરમાં કરી શકો છો અથવા તેને રિસાયકલિંગ માટે આપી શકો છો.
- તમારે ‘યૂઝ એન્ડ થ્રો’ ના કૉન્સેપ્ટને કાઢી ‘યૂઝ એન્ડ રિયૂઝ’ ના કૉન્સેપ્ટને આગળ વધારવાનો છે. પરંતુ તેની શરૂઆત જો આપણે જ નહીં કરીએ તો તે ક્યારેય નહીં થાય.
તામ્હનકરે તેમના આ અનુભવો પર એક પુસ્તક પણ લખ્યું છે, ‘ઝીરો ગાર્બેજ’, જે અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં છે. રસપ્રદ બાબત એ છે કે, તેમણે આ પુસ્તકની કોઇ કિંમત નથી રાખી. જે પણ તેમની પાસેથી આ પુસ્તક લેવા ઇચ્છે તેને લઈ શકે છે. તે સામેથી જે પણ મૂલ્ય આપે તે તામ્હનકર હશી-ખુશી લઈ લે છે. તેમાંથી જ તેઓ વધુ કૉપી છપાવે છે. આ પુસ્તકમાં તેમણે તેમના રહેણી-કરણી વિશે વિસ્તારથી લખ્યું છે.
તામ્હનકર કહે છે, “લૉકડાઉને આપણને આપણી રહેણી-કરણી વિશે વિચારવાની એક તક આપી. પોતાની આદતો સુધારવી જોઇએ અને યોગ્ય રીતે તેનો લાભ લેવો જોઇએ. આશા છે કે આપણે પણ બહુ જલદી પર્યાવરણ વિશે વિચારતા થશું અને યોગ્ય પગલાં લેશું.”
જો તમે તામ્હનકરનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો તેમને 9819745393 પર વ્હૉટ્સએપ મેસેજ કરી શકો છો અથવા [email protected] પર ઈમેલ કરી શકો છો.
આ પણ વાંચો: ગુજરાતી આર્કિટેક અડધી કિંમતમાં માટી અને નકામા સામાનમાંથી બનાવે છે સસ્તી અને ઠંડી ઈમારતો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167