Powered by

Home જાણવા જેવું સમય આવી ગયો સૌરાષ્ટ્રની જાણીતી ભાજી 'વાછેટી'નો, જાણો કેવી રીતે ઊગે છે અને બનાવાય છે તેને

સમય આવી ગયો સૌરાષ્ટ્રની જાણીતી ભાજી 'વાછેટી'નો, જાણો કેવી રીતે ઊગે છે અને બનાવાય છે તેને

માત્ર ચોમાસામાં ગીરનાં જંગલોમાં દેખા દેતી આ ભાજી હોય છે ખૂબજ સ્વાદિષ્ટ, જાણો તેને ઉગાડવાની & બનાવવાની રીત

By Nisha Jansari
New Update
Vachheti

Vachheti

દેખાવમાં ખૂબજ અદભુત લાગતી આ ભાજી ગુજરાતના ગીરમાં ખૂબજ જાણીતી છે અને અહીં લોકોમાં બહુ પ્રિય પણ છે. આ ભાજીને અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક રાડારૂડીના નામથી ઓળખાય છે ત્યાં ક્યાંક વાછેટીના નામથી ઓળખાય છે, તો કેટલાક વિસ્તારોમાં વાસંતીના નામથી પણ ઓળખાય છે. તો વળી ખાવા-પીવાના શોખીન સુરતીલાલાઓ તેને આકાડોલીના ફુલ તરીકે ઓળખે છે.

સુગંધથી ભરપૂર અને ખૂબજ સ્વાદિષ્ટ એવી આ ભાવી આખા વર્ષમાં એકજ વાર જોવા મળે છે. ચોમાસાના પહેલા વરસાદ પછી 20 દિવસ બાદ આ ફૂલ આવવાનાં શરૂ થાય છે અને લગભગ આખુ ચોમાસુ જોવા મળે છે. વાછેટીના વેલાને કોઈપણ ખેતરમાં વાવવામાં આવે અને ઉનાળામાં દર 15 દિવસે પાણી પાવામાં આવે તો પણ વેલો જીવિત રહે છે અને મે મહિનામાં ફૂલ આવવાના શરૂ થઈ જાય છે.

Traditional food

આમ તો સામાન્ય રીતે આ વેલો જંગલમાં કે ખેતરમાં જોવા મળતો હોય છે, પરંતુ આજકાલ વાછેટીના શોખીન લોકો તેને કિચન ગાર્ડનમાં પણ વાવતા થયા છે. આ ઉપરાત આ ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. અસ્થમાના દર્દીઓ માટે તો આ ભાજી ખૂબજ ફાયદાકારક ગણાય છે.

Unique

વાછેટીની ભાજી બનાવવાની રીત:
બીજી કોઈપણ ભાજીની જેમજ વાછેટીની ભાજી પણ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેલમાં આ ભાજીનો વઘાર કરવામાં આવે છે, પરંતુ ગમે તો માખણમાં પણ તેનો વઘાર કરી શકાય છે. ભરપૂર લીલા લસણ-મરચા સાથે વઘારવામાં આવે અને સેવ સાથે બનાવવામાં આવે તો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. વાછેટીની ભાજીનું શાક જુવાર-બાજરીના રોટલા કે મકાઈના રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

Gujarati news

કેવી રીતે વાવવી વાછેટી ભાજી:
વાછેટીનો વેલો વાવવા માટે વેલામાં રહેલ ગાંઠને વાવવામાં આવે છે. વાછેટીનો વેલો વાવવા માટે ચોમાસાનો સમય સૌથી શ્રેષ્ઠ ગાણાય છે. આ સમયે વાછેટી વાવવાથી માટીમાં તેનાં મૂળ ચોંટી જાય છે અને વિકાસ સારો થાય છે. આનાં ફૂલનું શાક બનાવવામાં આવે છે. આમ તો વાછેટીની વેલમાં યોગ્ય દેખભાળ કરવામાં આવે તો આખુ વર્ષ થોડાં-થોડાં ફૂલ આવતાં રહે છે, પરંતુ ચોમાસામાં આ ફૂલ વધારે આવે છે અને મોટાં પણ હોય છે.

Positive news

આજકાલ વાછેટીની ભાજી બજારમાં પણ મળવા લાગી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં આ ભાજી 100 થી 125 રૂપિયે કિલોના ભાવે મળી જાય છે. તો સૌરાષ્ટ્રની સાથે-સાથે આ ભાજી સુરતમાં પણ બહુ ફેમસ છે, પરંતુ અહીં તેના ભાવ બહુ ઊંચા છે. સુરતમાં આ ભાજી 30 રૂપિયામાં 100 ગ્રામ એટલે કે, 300 રૂપિયે કિલોના ભાવે મળે છે. સૌથી મજાની અને રસપ્રદ વાત તો એ છે કે, વાછેટીની ભાજીના જો તમે સુરતમાં ભાવતાલ કરાવવાનો પ્રયત્ન કરો તો, ફેરિયો એમજ કહે, "ટારાથી ની ખવાય એટો હુરટી જ ખાય હકે હેં (તમે ન ખાઈ શકો આ, આ તો સુરતીઓ જ ખાઈ શકે હોં!)"

તો પછી તમે કોની રાહ જુઓ છો, આ ચોમાસામાં તક મળે તો ચોક્કસથી મજા લેજો વાછેટીની અને જો વાવી શકો તો વાવો પણ ખરા.

માહિતી સૌજન્ય: Jignesh Parmar
તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા

આ પણ વાંચો:શહેરમાં ધાબામાં શાકભાજી ઉગાડી ગામડે મોકલે છે ચૌધરી રામ કરણ, ઉગાડે છે 30+ ફળ-શાકભાજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.