Powered by

Home અનમોલ ભારતીયો માત્ર એક જ રૂપિયામાં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે

માત્ર એક જ રૂપિયામાં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે

કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દવાખાનું સતત ચાર દાયકાથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને માત્ર રૂ. 1 માં આપે છે સારવાર.

By Kishan Dave
New Update
1 Rupee Hospital

1 Rupee Hospital

પાલનપુરમાં આવેલ આ દવાખાનું કોઠારી પરિવાર દ્વારા સન 1979 માં સ્થાપવામાં આવ્યું હતું. દવાખાનાને ચલાવવા અને દવાઓ આપવાનો ખર્ચ કોઠારી પરિવારના દાનથી ટ્રસ્ટ દ્વારા સબસિડી રૂપે છેલ્લા ચાર દાયકથી આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ વર્ષો પહેલા શ્રી કાંતિલાલ છોટાલાલ મહેતા(કનુભાઈ)ની પ્રેરણાથી એવા વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી જ્યાં સૌથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો રહે છે.

ધ બેટર ઇન્ડિયા પોતાના વાચકોને જણાવવા માંગે છે કે આ દવાખાનું શરૂઆતમાં વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી મુલાકાત દીઠ માત્ર ચાર આના (25 પૈસા) જ વસૂલતું હતું. પરિણામે દવાખાનાને સમગ્ર પાલનપુરમાં તે સમયે અને આજના સમયે પણ ‘ચાર આનાનું દવાખાનું’ જ કહેવામાં આવે છે. છેલ્લા ચાર દાયકામાં આ ખૂબ જ મૂળભૂત ફીમાં માત્ર નજીવી રકમનો જ વધારો કરવામાં આવ્યો છે જે અત્યારે એક મુલાકાત દીઠ એક રૂપિયા સુધી જ છે.

આ દવાખાનું, જે મધ્યમ વર્ગ અને ગરીબોને સેવા પૂરી પાડે છે, તે નિયમિત બિમારીઓ માટે મૂળભૂત દવાઓનું વિતરણ કરવામાં અને પ્રાથમિક સારવારનું સંચાલન કરવા માટે હંમેશા પ્રશિક્ષિત સ્ટાફ સાથે સંપૂર્ણ લાયકાત ધરાવતા ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. વધુ ગંભીર ફરિયાદોના કિસ્સામાં, ડૉક્ટર દર્દીઓને આગળ હોસ્પિટલમાં જવા માટે સૂચન પણ કરે છે.

Palanpur Dispensary

આ પણ વાંચો:મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ

શરૂઆતમાં, દવાખાનું ડો. રમણીકભાઇ એસ. કોઠારી દ્વારા સંચાલિત હતું અને ત્યારબાદ, ડો. કાંતિભાઇ સી. મહેતાએ 20 વર્ષથી વધુ સમય સુધી તેમની તબીબી સેવાઓ પૂરી પાડી હતી. હાલ છેલ્લા એક વર્ષથી આ દવાખાનાના ઇન્ચાર્જ તબીબ ડો.બેલાબેન ત્રિવેદી છે.

ધ બેટર ઇન્ડિયાએ બેલાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મહત્વની બાબત એ છે કે અહીંયા દરરોજ સારવાર કરાયેલા કેસોની સંખ્યા 100 થી 200 ની વચ્ચે છે. આગળ તેઓ જણાવે છે કે ના ફક્ત ગરીબ લોકો જ આ સેવાનો લાભ લે છે પરંતુ ઘણા એવા લોકો પણ છે જેઓ સક્ષમ હોવા છતાં અહીંયા કરવામાં આવતી તાપસ અને સારવારની સક્ષમતાથી પ્રભાવિત થઈને પણ ઈલાજ માટે વારંવાર આવે છે.

Maniben Kothari Charitable Trust

આ પણ વાંચો:રેલવે સ્ટેશનની આસપાસ ભટકતા લોકોની ભૂખ સંતોષવાથી થયેલ શરૂઆત આજે પાટણમાં 500 લોકોને જમાડે છે નિયમિત

આજના જમાનામાં જ્યાં સામાન્ય તાવ વખતે પણ આપણે જયારે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે 200 - 300 રૂપિયાનો ખર્ચો કરી આવતા હોઈએ છીએ ત્યારે આપણા ગુજરાતના જ પાલનપુરમાં સેવાભાવી કોઠારી પરિવાર દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતું આ દવાખાનું ખરેખર જરૂરિયાતમંદ માધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ છે.

ધ બેટર ઇન્ડિયા કોઠારી પરિવાર દ્વારા વર્ષો સુધી અખંડ રાખવામાં આવેલી માનવતાની આ સુવાસને હૃદયપૂર્વક વંદન કરે છે તથા ગુજરાતની આગળની પેઢી આપણા વડીલોની આવી સેવાકીય પ્રવૃત્તિના વારસામાંથી શીખ મેળવે તથા વર્તમાન તેમજ ભવિષ્યમાં કંઈક આ રીતે જ લોકોની સેવા કરવા પ્રોત્સાહિત થાય તેવી આશા પણ રાખે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:પોતાનું સંતાન ન કરી આ દંપતીની પહેલ ‘અપના ઘર આશ્રમ’ સાચવે છે 6000 જેટલાં બેઘરોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.