મોરબીનું આ ગામ 20 વર્ષથી છે વ્યસનમુક્ત, શાળાનાં બાળકોને તમાકુ ખાતાં જોઈ આ વ્યક્તિએ પોતાના ગલ્લામાં તો તમાકુ વેચવાનું બંધ કર્યું જ, સાથે-સાથે ગામના બધા જ દુકાનદારોને પણ મનાવી લીધા. સાથે-સાથે ગામના લોકો માટે લાઈબ્રેરી શરૂ કરી વધાર્યો વાંચનનો શોખ.
મોરબી જિલ્લાનું ભરતનગર ગામ છેલ્લાં વર્ષ વર્ષથી વ્યસનમુક્ત છે. છેલ્લાં 20 વર્ષથી અહીં કોઈ તમાકુ ખાતું નથી કે ગામની કોઈ જ દુકાન કે પાનના ગલ્લામાં તમાકુ મળતું પણ નથી. આ આખી સફળતાનો શ્રેય જાય છે મુકેશભાઈ દવેને.
‘નો ટોબેકો’ નો વિચાર કેવી રીતે આવ્યો?
મોરબી જિલ્લાના ભરતનગર ગામમા રહેતા અને પાણીપુરવઠા વિભાગના કર્મચારી મુકેશભાઈ દવે આજથી 25 વર્ષ પહેલા હાઈવે પર એક હોટલ ચલાવતા હતા અને સાથે પાન-ગુટખાનો વેપાર પણ કરતા હતા. આ હોટેલની બાજુમાં એક સ્કુલ હતી જેના વિદ્યાર્થી તેમની પાસે ગુટખા-પાન મસાલા ખાવા આવતા હતા. આ જોઈ મુકેશભાઈને અચંબો લાગ્યો કે, આ વિદ્યાર્થીઓના માતા-પિતાને ખબર જ નહી હોય કે, આ લોકો ગુટખા ખાય છે પોતાના બાળકોની જિંદગી ખરાબ થાય છે. આવતીકાલની આ યુવાપેઢી તો નરકના માર્ગે જઈ રહી છે. બસ એ જ દિવસથી મુકેશભાઈએ બંધ કર્યું ગુટખા-તમાકુ વેચવાનું. પરંતુ ગામની અન્ય દુકાનોમાં તો તમાકુ બેરોકટોક વેચાતુ જ હતું એટલે આ બાળકો ત્યાં જઈને ખરીદવા લાગ્યાં.
જેથી મુકેશભાઈએ ગામની જેટલી દુકાનમાં ગુટખા મળતી હતી તે દરેક દુકાનદારને એક-એક કરી મળ્યા અને પુછ્યું કે, ગુટખા વહેંચી તમને જેટલી પણ કમાણી થાય છે તેના પૈસા હું તમને આપીશ પણ તમે આ ગુટખા વહેંચવાનું બંધ કરી દો. મુકેશભાઈની વાત સમજી દુકાનદારોએ પૈસા લીધા વગર જ ગુટખા વહેંચવાનું બંધ કરી દીધુ. 25 વર્ષ પહેલા ગુટખા બંધ કરાવવાનું કામ કર્યુ હતુ જેનું રિઝલ્ટ તેમને આજે મળ્યુ છે કે, ગામની યુવાપેઢીમાં કોઈને પણ વ્યસન નથી અને ગામમાં એક પણ દુકાને ગુટખા પણ મળતી નથી જેથી આજે બધા વ્યસનમુક્ત થયા છે. જણાવી દઈએ કે, મુકેશભાઈએ આ કામની શરૂઆત વર્ષ 1990માં કરી હતી. આજે આટલાં વર્ષો બાદ પણ તમને ગામની એકપણ દુકાનમાં ગુટખા-તમાકુ નહીં મળે.
લાઈબ્રેરી શરૂઆત કેવી રીતે કરી?
ગામમાં એક લાઈબ્રેરી તો હતી જ, પરંતુ બંધ હાલતમાં પડી હતી. ન તો તેમાં પુસ્તકો હતો કે, ન તો કોઈ તેનું રણી-ધણી હતું. તેમણે વર્ષ 2006માં ગામમાં આ લાઈબ્રેરી ફરીથી શરૂ કરી. ત્યારે તેમની પાસે માત્ર 150 પુસ્તકો હતા. મુકેશભાઈને આ વિચાર એવી રીતે આવ્યો કે, મોબાઈલના યુગમાં લોકોનું વાંચન ખૂબ ઓછુ થતું થાય છે. યુવાપેઢી પાસે વાંચવાનો સમય જ નથી કારણ કે, તે પોતાનો વધુ પડતો સમય મોબાઈલમાં જ પસાર કરે છે. જેથી તેમને લાગ્યુ કે, આ લોકોને વાંચનના માર્ગે દોરવા જોઈએ. વર્ષમાં એક પણ દિવસ લાઈબ્રેરીને બંધ રાખવામાં આવતી નથી. જો બહારગામ જવાનું થાય તો મિત્રોને જવાબદારી સોંપી દેવામાં આવે છે.
સંચાલન કેવી રીતે કરવામાં આવે છે
મુકેશભાઈ લાઈબ્રેરીના નિભાવ ખર્ચ માટે 150 જેટલા છાપા મગાવે છે અને ગામમાં વહેંચે છે. જેમાં તેમને છાપાવાળા 20 થી 25 ટકા કમિશન આપે છે અને ગામના દરેક ગ્રાહક પાસેથી વાર્ષિક 50 રૂપિયા ફી લેવામાં આવે છે. જેમાથી વર્ષના 35 હજાર રૂપિયા જેવી આવક થાય છે. આ પૈસામાંથી તેઓ ભૂજ જઈ સહજાનંદ ડેવલોપમેન્ટમાંથી પુસ્તકો ખરીદે છે. તેઓ 50 ટકાની કિંમતે પુસ્તકો આપે છે. એટલે દર વર્ષે લાઈબ્રેરીમાં 70 હજારના પુસ્તકો ઉમેરવામાં આવે છે.
જણાવી દઈએ કે, ગામમાં છાપા મંગાવવાની શરૂઆત જ મુકેશભાઈએ કરી છે. આ કામની શરૂઆત પણ તેમણે અનોખી રીતે કરી છે. છાપા મંગાવનાર ગામના દરેક વ્યક્તિને છાપુ લેવા માટે લાઈબ્રેરીએ આવવાનું જેથી લાઈબ્રેરીને જોઈને લોકોને પુસ્તકો વાંચવાનું મન થાય. ઉલ્લેખનીય છે કે, ન્યુઝપેપરમાં વર્ષમાં માત્ર 2 થી 3 જ રજા આવે છે જેથી આ રીતે લાઈબ્રેરી પણ ક્યારેય બંધ રહેતી નથી.
સાથે જ મુકેશભાઈ વર્ષમાં એક વખત ગામના દરેક ઘરે જઈ પુસ્તકોનું વિતરણ કરે અને કહે છે પણ ખરા કે, પુસ્તકો વાંચજો ન વાંચો તો પ્રસ્તાવના વાંચજો નહીતર ખાલી પુસ્તકનું દર્શન કરજો અને આ બધુ ન કરો તો બાજુના ઘર સાથે પુસ્તકને બદલાવી નાખજો. આ રીતે વર્ષે 150 થી 200 તરતા પુસ્તક મુકવામાં આવે. બાદમાં આ પુસ્તકોને લાઈબ્રેરીએ જમા કરાવી દેવાના. આ ઉપાયથી પણ લોકો લાઈબ્રેરીએ આવતા થયા છે અને વાંચન વર્ગ પણ વધ્યો છે.
ફાયદો શું થાય છે?
મુકેશભાઈને આ કામનો ઘણો ફાયદો થયો છે. અત્યારે ઘણાબધા લોકો લાઈબ્રેરી આવે છે અને વાંચનવર્ગ પણ વધ્યો છે. અત્યારે લાઈબ્રેરીમાં 7500 પુસ્તકો છે. જેમાં દરેક પ્રકારના પુસ્તકોનો સમાવેશ થાય છે જેમ કે, ધાર્મિક, શિક્ષણ, લવ સ્ટોરી, વૈજ્ઞાનિક, નવલકથા અને આધ્યાત્મિક વગેરે. આ બધા પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.
એક્સ્ટ્રા કામ પણ કરે છે
મુકેશભાઈ આ બધા કામની સાથે કર્મકાંડ પણ કરે છે અને તેમાંથી જે આવક મળે તેના 30 થી 40 ટકા આવકનો ભાગ લાઈબ્રેરી અને શિક્ષણ માટે પણ વપરાશ કરે છે. આ બધા પૈસામાંથી શિક્ષણ માટે 12 લાખના ટેબલેટ લીધા છે. દર વર્ષે ગામમાં નવપરણિત નવવધુ આવે તેમાંથી M.A.B.ed કરેલી દિકરીને ગામની શાળામાં પેરાટિચર તરીકે નોકરીએ રાખવામાં આવે અને તેને માસિક 15 હજાર રૂપિયા પગાર પણ આપવામાં આવે છે. તેનો પગાર ગામમાંથી ઉઘરાવવામાં આવે છે. સાથે જ દર વર્ષે ગામમાં વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણનું પણ કામ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે સારા-સારા વક્તાને પણ બોલાવવામાં આવે છે. ગામમાં કોઈની પુણ્યતિથી, જન્મદિવસ કે વિવિધ પ્રસંગે લોકો લાઈબ્રેરીમાં પણ દાન કરે છે.
તરતા પુસ્તકોની ઝુંબેશ
બે-ત્રણ વર્ષ પહેલા એક નવી સેવા શરુ કરી હતી. જેમાં મોરબીથી ઉપડતી લાંબા રૂટની એસ.ટી બસમાં મુસાફરો માટે વાંચનની સુવિધા પૂરી પાડવા માટે દરેક બસમાં 50 જેટલા તરતા પુસ્તકોનો સેટ મુકવામાં આવ્યો છે. જેથી બધા મુસાફરોને પુસ્તક દેખાય અને પુસ્તકનું ટાઇટલ વાંચી શકાય એવી રીતે સ્પેશિયલ કોથળીમાં પુસ્તક લટકાવવામાં આવે અને જેને વાંચવાની ઈચ્છા થાય એ પુસ્તક લઈને વાંચી શકે.
ડિઝિટલ શાળા
ગામની સરકારી પ્રાથમિક શાળાને પણ એક ડિઝિટલ મોડેલ તરીકે તૈયાર કરવામાં આવી છે. જ્યાં શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ડિઝિટલ શિક્ષણ આપે છે. તેના માટે લાઈબ્રેરી તરફથી 12 લાખના ટેબલેટ લેવામાં આવ્યા છે અને દાતાઓના સહયોગથી સ્માર્ટકલાસ પણ તૈયાર કર્યા છે. શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે ગામના તમામ બાળકો આજે સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે.
પરિવારનો સપોર્ટ કેવો રહ્યો
મુકેશભાઈ જણાવે છે કે, આ કામમાં તેમનો પરિવાર અને મિત્ર સર્કલ ખૂબ જ સારો સાથ-સહકાર આપે છે. સાથે જ ગામના બધા લોકો પણ મદદ માટે હંમેશા તૈયાર રહે છે. હવે મુકેશભાઈ ઈચ્છે છે કે, તેઓ પોતાના આ સારા કામને જિલ્લા લેવલે પણ કરી શકે અને લોકોનો ‘નો ટોબેકો’ અને વાંચનની પ્રવૃતિ તરફ વાળી શકે.
જો તમે પણ આ સમાજસેવક પાસેથી કંઈક શીખવા માગો છો અને તેમને આ કામમાં મદદ કરવા માગો છો તો 6354096581 નંબર પર કોલ કરી વાત કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પતિના અવસાન બાદ, “ભાવે તો જ પૈસા આપજો” ના સૂત્ર સાથે સુરતી નારીએ શરૂ કર્યું ભોજનાલય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167