રાજકોટના આ ઘરમાં વાવેલા ખાસ છોડને લીધે અંદરનું વાતાવરણ બહાર કરતાં 30 ટકા ઠંડુ રહે છે, ઓછી જમીનમાં ઘરને આ રીતે બનાવ્યું સ્માર્ટ
ગ્લોબલ વોર્મિંગને લીધે આજે વાતાવરણમાં ઘણાં ફેરફાર જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તારમાં ઓછા વૃક્ષો હોવાને લીધે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ બધાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે કે, લોકો પોતાના ઘરમાં અને અગાસીમાં જેમ બને તેમ છોડ વાવે અને વધુમાં વધુ સૌર ઊર્જાનો ઉપયોગ કરે. આ ઉપરાંત હવે લોકો ખાસ સસ્ટેનેબલ હોમ બનાવી ગ્લોલબ વોર્મિંગની સમસ્યા થોડીક ઓછી કરી રહ્યા છે. મૂળ અમરેલીના અને છેલ્લાં કેટલાક વર્ષથી રાજકોટમાં રહેતાં ગીતાબેન લિંબાસિયાએ તેમના ઘરમાં વિવિધ પ્રકારના છોડ વાવ્યા છે અને ઘરમાં મોટાભાગે સૌર ઊર્જાનો જ ઉપયોગ કરી એક અનોખું ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે. હવે તેમની દીકરી જલક પણ હોમ ગાર્ડન અને સૌર ઉર્જાનો સ્માર્ટ રીતે ઉપયોગ કરી રહી છે.
ગીતાબેને ધ બેટર ઇન્ડિયા સાથે તેમના સસ્ટેનેબલ હોમ અંગે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમને જણાવ્યું કે, ‘‘ હું 15 વર્ષની હતી ત્યારથી મને પ્રકૃતિ સાથે પ્રેમ છે. પહેલાંના સમયમાં ગામડાની શાળાઓમાં પણ ફાર્મિંગ શીખવાડતાં હતાં. અમે અમરેલી રહેતાં તે સમયથી ઝાડ અને છોડનો સરસ ઉછેર કરતાં હતાં. અહીં અમરેલીમાં હું અમારા ઘરના ફળિયામાં ઘણાં છોડનો ઉછેર કરું છું જોકે, રાજકોટ જેવાં સિટીમાં મકાનમાં મળતી જગ્યા ઓછી હોવાથી અમે ઘરની અંદર જ અલગ-અલગ છોડ વાવ્યા છે. અમારા ઘરે જે ગાર્ડન બનાવ્યું છે તેની દેખરેખ મારી દીકરી જલક લિંબાસિયા જ કરે છે. ’’
‘‘ અત્યારે અમે ધાબા પર 10X10 ફૂટના ધાબામાં અલગ-અલગ છોડ વાવ્યા છે અને આ છોડની ઉપર સોલાર પેનલ લગાવી છે. આ ઉપરાંત ફળિયામાં અને ઘરની સીડીમાં પણ અલગ-અલગ છોડમાં કૂંડા મૂક્યા છે. અમે આ છોડ ઉગાડવા માટે અમારા ઘરની આસપાસ રહેલી કાળી માટીનો જ ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત દરેક છોડમાં છાણિયાં ખાતરનો ઉપયોગ કર્યો છે. ’’
વધુમાં આ અંગે ગીતાબેનની દીકરી જલક લિંબાસિયાએ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘‘મેં MSc માઇક્રો બાયોલોજી કર્યું છે. મને પણ મારા મમ્મી જેમ છોડ વાવવા અને કુદરતી વાતાવરણ પસંદ છે અને હું છેલ્લાં 4 વર્ષથી અમારા હોમગાર્ડનની દેખરેખ નિયમિત રાખું છું. હું આ દરેક છોડને સવારે 10 વાગ્યા પહેલાં પાણી પીવડાવું છું. કેમ કે, 10 વાગ્યા સુધીની સનલાઇટ વધુ હાર્ડ હોતી નથી અને દર 15 દિવસે એકવાર તેમાં ઓર્ગેનિક ખાતર નાખું છું.’’
‘‘દરરોજ ચાર કલાક છોડની માવજત કરું છું’’
‘‘મારી સ્ટડી ચાલતી હતી ત્યારે સવારે આઠ વાગ્યા સુધી છોડની માવજત કરતી હતી. આ પછી શનિ-રવિની રજામાં ગ્રૂમિંગ અને પ્લાન્ટ્સનું કટિંગ કરીને તેની માવજત કરતી હતી. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર છોડની આસપાસ ઉગેલું બિનજરૂરી ઘાસ દૂર કરું છું અને માટીને થોડીક ઉલટ-સુલટ કરું છું. જેનાથી છોડનો ગ્રોથ વધુ સારો થાય છે. જોકે, હવે હું નિયમિત ચાર કલાક દરેક છોડની માવજત કરી રહી છું.’’
‘‘ઘરનું વાતાવરણ બહાર કરતાં 30 ટકા ઠંડુ રહે છે’’
‘‘અત્યારે અમે બેથી ત્રણ ફ્લાવરવાળા પ્લાન્ટ્સ વાવ્યા છે. આ ઉપરાંત મોટાભાગના છોડ એર પ્યુરિફાયર છે અને ઓછી સનલાઇટની જરૂર પડે તેવાં ઇન્ડોર પ્લાન્ટ્સ પણ છે. આ પ્લાન્ટ્સને લીધે ઘરની અંદરનું વાતાવરણ બહારના વાતાવરણ કરતાં 30 ટકા ઓછું હોય છે. અમે એર પ્યુરિફાયર પ્લાન્ટ્સ વાવ્યા હોવાથી અમારા ઘરની હવા પણ બહારની હવા કરતાં 30 કે 40 ટકા શુદ્ધ રહે છે.’’
‘‘મોટાભાગે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ’’
‘‘અમારા ઘરનો આગળનો ભાગ ઉત્તર તરફ છે. જેને લીધે સૂર્ય જ્યારથી ઉગે અને આથમે ત્યાં સુધી પ્રોપર સનલાઇટ મળી રહે છે. જેને લીધે ઘરની અંદર દિવસે બિન જરૂરી લાઇટ્સનો ઉપયોગ કરવો પડતો નથી. આ ઉપરાંત અમારા ઘરમાં રિચાર્જ બોર છે. જેમાં વરસાદી પાણી ફિલ્ટર થઈને ઉતરી જાય છે. આ ઉપરાંત અમે ઘરમાં મોટાભાગની વસ્તુ સૌર ઉર્જાથી સંચાલિત થાય તેવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. અમે રસોઈ માટે સોલર કૂકરનો ઉપયોગ કરીએ છીએ. જેના લીધે અમને ખૂબ જ ફાયદો થાય છે.’’
અંતમાં જલકે જણાવ્યું કે, ‘‘મારું માનવું છે કે, મોટાભાગના લોકો એનવાયરમેન્ટ માટે જો થોડું ઘણું યોગદાન પોતાની રીતે આપે તો આપણે ગ્લોબલ વોર્મિંગ સહિતની સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. જેનાથી વાતાવરણનો લાભ દરેકને થઈ શકે છે.’’
વરસાદના પાણીનો સદ-ઉપયોગ
એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પાણીની તંગી અંગે તો બધાં જાણે જ છે, પરંતુ અમને એ તકલીફ બહુ ઓછી પડે છે. કારણકે અમે ઘર બનાવ્યું તે જ સમયે સાથે રેન વૉટર હાર્વેસ્ટિંગ પણ કરાવી દીધું હતું. જેથી દર ચોમાસામાં વરસાદનું લાખો લિટર પાણી ગટરમાં વેડફાવાની જગ્યાએ જમીનમાં ઉતરી શકે અને ભૂસ્તર ઊંચું આવે. આ જ કારણે અહીં આસપાસના આખા વિસ્તારના પાણીની ગુણવત્તામાં પણ ઘરો સુધારો થયો છે.
આજના સમયમાં ગ્લોબલ વૉર્મિંગથી બચવા અને પર્યાવરણને સુસંગત થઈ જીવવા માટે દરેક વ્યક્તિએ થોડા-ઘણા અંશે આ તરફ આગળ વધવું જ જોઈએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167