કેશોદના 2 ભાઈઓના ઘર & ખેતરે ક્યાંય નથી આવતું વિજળી-પાણીનું બિલ, ઘી-દૂધ-શાક બધું જ ઑર્ગેનિક

કેશોદના  2 ભાઈઓના ઘર & ખેતરે ક્યાંય નથી આવતું વિજળી-પાણીનું બિલ, ઘી-દૂધ-શાક બધું જ ઑર્ગેનિક

કેશોદનો આ ખેડૂત પરિવાર આધુનિક જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ થઈ. ખેતરમાં પંપ અને ઘરમાં એસી સહિત બધી જ સુવિધાઓ ચાલે છે સોલર પાવરથી, પાણી વાપરે છે વરસાદનું અને ફળો-શાકભાજી ખાય છે ઘરે ઉગાડેલ. ઘરના લીલા કચરામાંથી જ બનાવે છે ખાતર પણ.

આજે અમે વાત કરી રહ્યા છીએ જુનાગઢ જીલ્લાના કેશોદના એક એવા ખેડૂત પરિવારની, જેઓ આપણા સૌના માટે બની શકે છે પ્રેરણા. તેઓ ઘર માટે તો સોલર પાવરનો ઉપયોગ કરે જ છે સાથે-સાથે ખેતરમાં પાણીના પંપ માટે પણ સોલર પાવરનો જ ઉપયોગ કરે છે. સાથે-સાથે ગામડા ગામનો આ ખેડૂત પરિવાર બધી જ સુવિધાઓ ભોગવે છે પર્યાવરણને અનુરૂપ થઈ, તો ચાલો આજે જાણીએ તેમના વિશે.

કેશોદના હર્ષિલભાઈ અને જયભાઈ પટેલના ઘરમાં સોલર પેનલ ફીટ કરેલ છે. આ સોલર પેનલથી જ તેમના બંનેના ઘરમાં બે-બે એસી, પાણી માટે સબ મર્સિબલ પંપ અને વિજળીનાં બધાં જ સંસાધનો ચાલે છે. એટલું જ નહીં તેઓ ઘરની મોટાભાગની રસોઈ પણ ઈન્ડક્શન કૂક-ટોપ પર જ ઘરે છે, જેથી રાંધણ ગેસનો બચાવ થાય. ઘરની આ બધી જ જરૂરિયાતો પૂરી કર્યા બાદ પણ તેમને એક રૂપિયો પણ વિજળીનું બિલ ભરવું નથી પણ, ઉપરથી પીજીવીસીએલ દ્વારા તેમને વળતર મળે છે એટલી સોલર એનર્જીનું ઉત્પાદન થાય છે તેમના ઘરે. હર્ષિલભાઈના ઘરે પાંચ કિલો વૉટની સોલર પેનલ લગાવેલ છે તો જયભાઈના ઘરે ત્રણ કિલોવૉટની સોલર પેનલ લગાવવામાં આવી છે.

Solar Hitter

સોલર વૉટર હીટર
બંને ભાઈઓના ઘરે ધાબામાં સોલર વૉટર હીટર લગાવવામાં આવ્યું છે. એટલે પાણી ગરમ કરવા માટે પણ તેમને વિજળી કે ગેસનો ઉપયોગ નથી કરવો પડતો. આ ઉપરાંત રસોઈમાં પણ આ ગરમ પાણીના ઉપયોગથી રસોઈ માટે શુદ્ધ પાણીનો મળે જ છે, સાથે-સાથે પાવરનો પણ બચાવ થાય છે.

આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હર્ષિલભાઈએ કહ્યું, “અમારા પિતા પર્યાવરણપ્રેમી છે. તેઓ પહેલાંથી પર્યાવરણના બચાવ માટે કામ કરતા આવ્યા છે અને અમને પણ એ મુજબ જ સંસ્કાર આપ્યા છે. અમારા પિતા વધારે ભણેલા ન હોવા છતાં, તેમણે તેમની સૂજ-બૂજથી ‘સ્વર્ગારોહણ ભઠ્ઠી‘ બનાવી છે, જેમાં સામાન્ય અગ્નિસંસ્કારમાં 400-500 કિલો લાકડાંની જરૂર પડે છે ત્યાં આ ભઠ્ઠીમાં માત્ર 100 કિલો લાકડાંમાં હિંદુ શાસ્ત્રોક્ત રીતે અગ્નિસંસ્કાર થાય છે અને લાકડાંની પણ બચત થાય છે. આ માટે તેમનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે, અને કોરોનાકાળમાં મૃત્યુઆંક વધતાં લાકડાંની અછત ઊભી થઈ ત્યારે ઘણા લોકો આ ભઠ્ઠી માટે પહેલ પણ કરી. અમે પણ કૉલેજનું કૉલેજનું ભણતર પૂરું કર્યા બાદ તેમની આ પહેલમાં જોડાયા.”

Rain Water Harvesting

રેન વૉટર હાર્વેસ્ટિંગ
ઘર બનાવતી વખતે અમે બંને ભાઈઓએ અમારા ઘરમાં 30-30 હજાર લીટરની કેપેસિટીવાળાં ટાકાં બનાવડાવ્યાં છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે ઉનાળામાં પાણીની સમસ્યા બહુ વિકરાળ બને છે, પરંતુ અમારા આ પ્લાનિંગના કારણે અમને આ સમસ્યા નથી નડતી. વરસાદનું પાણી આ ટાંકામાં સ્ટોર કરવામાં આવે છે અને તેમાં મોટર ગોઠવી તેની પાઈપ સીધા રસોડા સાથે જોડવામાં આવી છે. જેથી રસોડામાં નળ ચાલું કરો એટલે સીધુ વરસાદનું જ પાણી આવે છે. આ જ પાણીનો આખા વર્ષ દરમિયાન પીવા અને રસોઈ માટે ઉપયોગ કરવામાં આવે છે.

કિચન ગાર્ડનિંગ અને હોમ કમ્પોસ્ટિંગ
ઘરની પાસે રહેલ ખુલ્લી જગ્યામાં હર્ષિલભાઈના પિતા અર્જુનભાઈએ વિવિધ ફળોનાં ઝાડ તેમજ શાકભાજી વાવ્યાં છે. જેથી તેમને રોજિંદા વપરાશનાં ઑર્ગેનિક શાકભાજી અને ફળો પણ અહીંથી જ મળી રહે છે. આમાં ખાતર માટે તેઓ રસોડામાંથી નીકળતા ભીના કચરાનું કંપોસ્ટિંગ કરે છે. આ ઉપરાંત તેમની પાસે ગાયો પણ છે એટલે ગાયના છાણ અને ગૌમૂત્રનો પણ ખાતર તરીકે ઉપયોગ કરે છે. આમ ઘરનાં દૂધ, ફળો અને શાકભાજી, બધુ જ ઑર્ગેનિક. આ ઉપરાંત ઘરના જ દૂધમાંથી દહીં, છાસ અને ઘી પણ બનાવે છે. તો બીજી તરફ ઘરમાંથી નીકળતો કચરો પણ ઘટી જાય છે, જેના કારણે ડમ્પયાર્ડમાં થતા ઢગલા ઘટાડવામાં પણ પોતાનું યોગદાન આપી શકાય છે.

Solar Panel in Farm

ખેતરમાં પણ સોલર પેનલ અને રેન વૉટર હાર્વેસ્ટિંગ
ખેતરમાં પણ આ ભાઈઓએ 5 કિલો વૉટની સોલર પેનલ લગાવડાવી છે. અહીં વરસાદના પાણીના સંગ્રહ માટે મોટો કૂવો બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ આખા વર્ષ દરમિયાન મોટર દ્વારા આ કૂવામાંથી જ પાણી કાઢી પાકને પાવામાં આવે છે, એટલે વરસાદ અનિયમિત હોય કે ન પડે તો પણ પાકને નુકસાન ન થાય અને વરસાદ સિવાયની ઋતુઓ એટલે કે શિયાળા કે ઉનાળામાં પણ પાક લઈ શકાય છે. એટલું જ નહીં, પાણીની આ મોટર પણ સોલર પેનલથી ઉત્પન્ન થતા પાવરથી જ ચાલે છે. આ ઉપરાંત તેમણે આખા ખેતરમાં ટપક સિંચાઈ સિસ્ટમ સેટ કરાવી છે. જેથી પાણીનો બગાડ અટકે છે અને ખેતરમાં વધારાનું નિંદણ પણ નથી ઉગતું. અહીં તેઓ સંપૂર્ણ ઑર્ગેનિક ખેતી જ કરે છે. જેના માટે તેઓ ગાયના છાળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે.

Organic Turmeric

દર વર્ષે તેઓ અહીં હળદરનું જૈવિક રીતે વાવેતર કરે છે અને જાતે જ પ્રોસેસ કરી તેનો પાવડર બનાવી પેકિંગ પણ કરે છે અને ગ્રાહકો સુધી સીધુ વેચાણ કરે છે. આ સિવાય તેઓ ઘરમાં ઉપયોગમાં લેવાતા બધા જ અનાજનું વાવેતર પણ અહીં ખેતરમાં જ કરે છે. જેથી પરિવારને અનાજથી લઈને ફળ-શાકભાઈ બધુ જ ઑર્ગેનિક મળી રહે અને રસાયણોથી બચી શકાય.

Arjunbhai
Arjunbhai

સોલર પેનલની સંભાળ
આ બાબતે હર્ષભાઈએ કહ્યું, સોલર પેનલની સંભાળ માટે ખાસ વધારે કઈં કરવાની જરૂર નથી પડતી. બસ અઠવાડિયામાં એક વાર કપડાથી પેનલ્સને લૂછી લેવાની હોય છે, જેથી તેના પર જામેલી ધૂળ નીકળી જાય અને સૂર્યનો તડકો તેમાં વધુમાં વધુ શોષાય અને વધુમાં વધુ પાવર ઉત્પન્ન થાય.

રેન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની સંભાળ
પહેલા વરસાદ બાદ ઘર પરના ધાબાને બરાબર ધોઈ દેવામાં આવે છે, જેથી ધાબામાં રહેલ જરા પણ કચરો પાઈપ કે ટાંકીમાં ન જાય. આ ઉપરાંત ટાંકીને પણ વરસાદ પહેલાં બરાબર ધોયા બાદ તેઓ કળી ચૂનાથી રંગાવી દે છે. જેથી પાણી આખુ વર્ષ સાચવી રાખવા જતાં અંદર જરા પણ ફોરાં કે જંતુ પડતાં નથી. આ પાણી પીવા અને રસોઈ માટે એકદમ શુદ્ધ ગણાય છે.

Sustainable Lifestyle

વ્યવસાય પણ પર્યાવરણને અનુરૂપ
જયભાઈ અને હર્ષિલભાઈ ખેતીની સાથે-સાથે વ્યવસાય પણ કરે છે. જેમાં તેઓ શેરડીના વેસ્ટમાંથી ડિસ્પોઝેબલ પ્લેટ્સ બનાવવાનું કામ કરે છે. જેથી વિવિધ પ્રસંગોમાં પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ પ્લેટ્સનો ઉપયોગ બને એટલો ઘટી શકે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આ કામ કરે છે અને તેમની બનાવેલ પ્લેટ્સ ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રમાં પણ મોકલવામાં આવે છે. કોરોનાકાળમાં વિવિધ સમારંભો ઘટતાં તેનું વેચાણ ઘટ્યું છે, છતાં મહિનાની 3-4 લાખની પ્લેટ્સનો ઓર્ડર તો મળી જ જાય છે. કોરોનાકાળ પહેલાં મહિનાની 7-8 લાખની પ્લેટ્સનું વેચાણ થતું હતું.

આજનો આ લેખ જોતાં લાગે છે કે, જો નાનકડા ગામડાના ખેડૂતો પણ આટલા જાગૃત થઈ ગયા હોય અને પર્યાવરણને અનુરૂપ કામ કરી રહ્યા હોય તો, આપણે પણ આપણાથી શક્ય એટલાં પગલાં ચોક્કસથી લઈ શકીએ છીએ.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે હર્ષિલભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો, તેમનો 97266 35765 નંબર પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X