/gujarati-betterindia/media/post_attachments/2020/11/Leaf-Plate-1.jpg)
Leaf Plate
ગુજરાતમાં સુરતના રહેવાસી પ્રકાશ ચૌહાણે, પતરાવળી (ખાખરાના પાનમાંથી બનેલી થાળી)ના ઉપયોગને ફેલાવા માટે એક અનોખી પહેલ કરી છે. તાજેતરના વર્ષોમાં ફાઈબર પ્લેટનું ચલણ વધવાના કારણે બજારમાં પતરાવળીની માંગ પણ ઓછી થઈ છે, જેથી પર્યાવરણ અને સ્વાસ્થ્યને તો નુકસાન થઈ જ રહ્યું છે. આ સાથે જ પાનની થાળી બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો સામે પણ ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી છે. જ્યારે આ વાત તરફ પ્રકાશનું ધ્યાન ગયું તો તેમણે આ કેમ્પેઈન છેડ્યું હતું.
/gujarati-betterindia/media/post_attachments/2020/11/Leaf-Plate-2.jpg)
આયુર્વેદ ડોક્ટર પ્રકાશે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે,'મેં આશરે બે વર્ષ પહેલા 'બદલાવ આપણા માટે, બદલાવ આપણા પોતાનાઓ માટે' નામની એક પહેલ શરુ કરી હતી. જે હેઠળ અમે અઠવાડિયામાં એકવાર ખાખરાના પાનમાંથી બનેલી પ્લેટમાં ભોજન જમતા હતાં. અમારી આ પહેલમાં 500થી વધારે પરિવાર જોડાયા છે.'
કેવી રીતે ગયું સમસ્યા પર ધ્યાન?
પ્રકાશે કહ્યું કે,'હું એક ડોક્ટર તરીકે અઢી વર્ષોથી ગુજરાતના નવસારી જિલ્લામાં કામ કરી રહ્યો છું. જ્યારે મારી પોસ્ટિંગ અહીં થઈ ત્યારે મેં જોયું કે કેટલાક ઘરમાં એક મશીન બેકાર પડ્યું છે. પછી આસપાસના લોકોનો થોડો પરિચય થયા પછી મેં તેમને પૂછ્યું કે તે મશીન શું કામમાં આવે છે. ત્યારે તેમણે કહ્યું કે આ પતરાવળી બનાવવાનું મશીન છે અને માંગ ન હોવાના કારણે છેલ્લા 12-15 વર્ષોથી બેકાર જ પડ્યું છે.'
/gujarati-betterindia/media/post_attachments/2020/11/Leaf-Plate-3.jpg)
તેમણે આગળ જણાવ્યું કે મારી ઓફિસમાં એક પ્યૂન કામ કરે છે. જેમની ઉમર 45 વર્ષથી વધુ છે. તેમણે અમને જણાવ્યું કે તેમના ઘરમાં પણ આ રીતે પતરાવળી બનાવવાનું મશીન બેકાર પડ્યું છે. જેથી મને આ દિશામાં કશુંક કરવાનો વિચાર આવ્યો.
આ પછી પ્રકાશે પ્યૂનને મશીન ફરીથી શરુ કરવાની સલાહ આપી અને ભરોસો અપાવ્યો કે પોતાના દોસ્તોને પણ પતરાવળીનો ઉપયોગ કરવા માટે રાજી કરી લેશે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ચાર વાર તેઓ પતરાવળીમાં જરુર ભોજન આરોગશે. જોકે, લોકોને આ વાત વ્યવહારુ લાગી નહોતી. આ સાથે જ મશીન અનેક વર્ષોથી બંધ હતાં. જેના કારણે ફરીથી શરુ કરવા પણ મુશ્કેલ હતાં. આ દરમિયાન એક 80 વર્ષના વૃદ્ધ મહિલાએ હાથેથી પ્લેટ બનાવવાનો વિચાર મૂક્યો અને દરેક લોકોએ હા પાડી.
/gujarati-betterindia/media/post_attachments/2020/11/Leaf-Plate-4.jpg)
આ વિશે પ્રકાશ જણાવે છે કે, 'આ પછી અમે હાથેથી પ્લેટ બનાવવાનું શરુ કર્યુ હતું. જે માટે અમે ખાખરાના પાન જંગલમાંથી લાવતા હતા અને લીમડાની ડાળીઓથી તેને ગૂંથતા હતાં.'
પ્રકાશે આ પહેલને પોતાની પત્ની સાથે મળીને શરુ કરી હતી. જોકે, આજે તેમની સાથે 500થી વધારે પરિવાર જોડાયેલા છે. જે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર જરુર પતરાવળીનો ઉપયોગ ભોજનમાં કરે છે.
શું છે ફાયદા?
પ્રકાશે જણાવ્યું કે,'આપણે ત્યાં સદીઓથી પતરાવળીનો ઉપયોગ થતો આવ્યો છે. જોકે, હાલના વર્ષોમાં તેને વધારે વ્યવહારમાં લેવાતી નથી. જેથી આપણી પરંપરા પણ ઓઝલ થઈ રહી છે. જંગલો પર નિર્ભર લોકોની આજીવિકાનું સાધન પણ ખતમ થઈ રહ્યું છે. મેં આ પરંપરા ફરીથી શરુ કરવાની પહેલ કરી છે. જેથી આ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મદદ મળી શકે.'
પ્રકાશે કહ્યું કે,'આજે એક પરિવાર દર મહિનામાં આશરે 1000 પતરાવળીઓ વેચે છે, જેથી આશરે 1500 રુપિયાની કમાણી થાય છે. આ ઉપરાંત પતરાવળીમાં ભોજન કરવાના અનેક ફાયદા પણ છે. આજે સમગ્ર દેશમાં પાણીની વિકટ સમસ્યા છે. જેને જોતા અમે આશરે એક મહિના સુધી આ બાબત પર ધ્યાન આપ્યું અને 3 સભ્યના પરિવારમાં પ્રતિ દિવસે આ થાળીમાં ભોજન લીધા પછી ધોવામાં 8-10 લીટર પાણીનો ઉપયોગ થાય છે પરંતુ જો આપણે અઠવાડિયામાં એકવાર પણ પતરાવળીનો ઉપયોગ કરીએ તો મોટાપાયે પાણી અને વીજળીની બચત થાય છે.'
/gujarati-betterindia/media/post_attachments/2020/11/Leaf-Plate-5.jpg)
આ ઉપરાંત, પ્રકાશ પોતાની ઓફિસથી નજીકના બે ગામ- ચાપલધરા અને ખરૌલીમાં પણ આ પાનથી મોટાપાયે જૈવિક ખાતર બનાવવાની પણ યોજના બનાવી રહ્યાં છે.
જેના વિશે તેઓ કહે છે કે,'મેં આ ગામમાં શિક્ષકો સાથે વાત કરીને સ્કૂલ પાસે ખાડા પણ ખોદાવ્યા છે. જેમાં ઉપયોગમાં લીધા પછી આ પતરાવળીઓ ફેંકવામાં આવે છે. આ પતરાવળીઓ છ મહિનામાં જૈવિક ખાતર બની જાય છે. ધીરે-ધીરે અમે તેને પણ વધારીશું. જેનો ફાયદો ગામના સમગ્ર ખેડૂતોને મળશે.'
પ્રકાશે જણાવ્યું કે,'આ રીતની પહેલથી લોકો આગળ આવે તે જરુરી છે. મેં પોતાના અભિયાનને વધારવા માટે ફેસબુક, વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ અનેક શાળાઓ, કોલેજોની પણ મુલાકાત લીધી છે અને બાળકોને પાનમાંથી બનેલી થાળીઓનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી છે.'
પ્રકાશની આ પહેલ સાથે જોડાયેલા ભાવેશ, જે હોસ્પિટલમાં ડોક્ટર છે. તેઓ કહે છે કે,'હું પ્રકાશજીની આ પહેલ સાથે જાન્યુઆરી, 2020થી જોડાયેલો છું. આમ કરવાથી મને પોતાના મૂળ સાથે જોડાયેલા હોવાની લાગણી થાય છે. આ રીતની પહેલથી લોકોને રોજગાર મળવાની સાથે જ. પાણીની પણ બચત થાય છે.'
તો, પ્રવીણ સિંહ જે ચૂંટણી અધિકારી છે, તેઓ કહે છે કે,'હું પ્રકાશજીની આ વાતથી સહમત છું. હું અઠવાડિયામાં એક દિવસ નિશ્ચિત રીતે પાનથી બનેલી પ્લેટ એટલે કે પતરાવળીમાં જ ભોજન જમું છું. આનો અલગ જ અનુભવ છે.'
જો તમને પણ આ સ્ટોરીથી પ્રેરણા મળી હોય તો તમે પ્રકાશ ચૌહાણ સાથે 9909789055 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ:કુમાર દેવાંશુ દેવ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.