Powered by

Home ગાર્ડનગીરી માટી વગર ભોપાલના તરૂણ ઉપાધ્યાય ધાબામાં ઉગાડે છે 300 કરતાં પણ વધારે ઝાડ-છોડ

માટી વગર ભોપાલના તરૂણ ઉપાધ્યાય ધાબામાં ઉગાડે છે 300 કરતાં પણ વધારે ઝાડ-છોડ

મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા તરૂણ ઉપાધ્યાય છેલ્લા 6 વર્ષથી ટેરેસ ગાર્ડનિંગ કરે છે અને પોતાના કામની વસ્તુઓ જાતે જ ઉગાડે છે!

By Nisha Jansari
New Update
Terrace Gardening

Terrace Gardening

જે લોકોને ગાર્ડનિંગનો બહુ શોખ હોય છે, તેઓ ઝાડ-છોડનો ભરપૂર ઉપયોગ કરે છે. આજે અમે તમને મળાવી રહ્યા છીએ ગાર્ડનિંગના એક એવા શોખીન સાથે જેઓ વ્યવસાયે તો સોફ્ટવેર ડેવલપર છે પરંતુ તેમણે તેમના ધાબાને ફળ, ફૂલ અને શાકભાજીથી સજાવી રાખ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ ગાર્ડનમાં માટીનો ઉપયોગ જરા પણ નથી કરવામાં આવ્યો. તેઓ એક ખાસ પ્રકારનું પૉટિંગ મિક્સ બનાવે છે, જેમાં માટીનો ઉપયોગ નથી થતો.

ભોપાલના 41 વર્ષના તરૂણ ઉપાધ્યાય તેમનું સ્ટાર્ટઅપ ચલાવે છે અને સાથે-સાથે તેઓ ગાર્ડનિંગ પણ કરે છે. 12 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી તેમણે સોફ્ટવેર ડેવલેપમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેઓ અમેરિકામાં બહુ સારી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા હતા. પરંતુ પછી તેમને લાગ્યું કે, આ ચક્કાચોંધમાં તેઓ તેમની ક્રિએટિવિટીને ભૂલી રહ્યા છે.

Terrace Gardening
Tarun Upadhyay

પછી એક દિવસ તેમણે રાજીનામુ આપી દીધું અને ખુશીની શોધમાં સ્વદેશ પાછા ફર્યા. તરૂણ જણાવે છે, "દેશમાં પાછા આવ્યા બાદ બે વર્ષ સુધી મેં બે વર્ષ સુધી કોઇ નોકરી ન કરી. મારી જાતને સમય આપ્યો અને ક્રિએટિવિટી પર કામ કર્યું. આજે મારું પોતાનું એક સ્ટાર્ટઅપ છે અને બીજા પર કામ ચાલી રહ્યું છે. આ સિવાય એક ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ Autodesk's instructables પર ફીચર્ડ ઑથર છું."

વધુમાં તરૂણ જણાવે છે, "હું એક ઑનલાઇન હેલ્થ રિચ પ્રોગ્રામ, FitBanda.com નો કો-ફાઉન્ડર છું અને એક સ્ટાર્ટઅપ ReBalance લૉન્ચ કરવાનો છું. પરંતુ તેની સાથે-સાથે હું એક ફુલટાઇમ ગાર્ડનર પણ છું. હું મારા ધાબામાં જ ઝાડ-છોડ ઉગાડું છું, સજાવટના છોડ, વેલ, ફૂલોની સાથે-સાથે ફળ અને શાકભાજી પણ ઉગાડું છું."

Gardening
Terrace Garden

તરૂણને હંમેશાંથી ગાર્ડનિંગનો બહુ શોખ છે. પરંતુ જીવનની ભાગ-દોડમાં શોખ પાછળ પૂરતો સમય આપી શકતા નહોંતા. એટલે જ વર્ષ 2014 માં જ્યારે તેમને સમય અને સાધન-સામગ્રી મળી તો તેમણે પોતાનો શોખ પૂરો કરવાનું નક્કી કરી લીધું. ગાર્ડનિંગના શોખ માટે ઘરને રિનોવેટ કરાવ્યું અને પહેલાં ઘરમાં એક ધાબુ હતું, જ્યારે અત્યારે 5 ધાબાં છે, જેના પર તેમણે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે.

તરૂણ કહે છે કે, આજે તેમના ધાબામાં 300 કરતાં પણ વધુ છોડ-ઝાડ છે. જેમાં 30 કરતાં પણ વધુ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડે છે. જેમાં અંજીર, જામફળ (થાઇ અને લાલ પ્રકારનાં), થાઇ સફરજન, બોર, મલબરી (લાલ અને લીલાં), સ્ટાર ફ્રૂટ, ચીકૂ, આમ્રપાલી કેરી, પપૈયુ, લાલ બેલ પેપર, સ્ટ્રોબેરી, પાલક, મેક્સિકન ફુદીનો, લેમન ગ્રાસ, કરોંદા, સીતાફળ, ટમેટાં, તુલસી, મીઠો લીમડો અને એવોકેડો વગેરેનો સમાવેશ થાય છે.

તરૂણ જણાવે છે, "મારા ગાર્ડનની બે ખાસિયત છે. પહેલી કે એ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. ગાર્ડનમાં કોઇપણ પ્રકારના રસાયણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો. બીજી મહત્વની વાત એ છે કે, મારું ગાર્ડન સ્ચાયલ લેસ છે. ગાર્ડનમાં માટીનો ઉપયોગ જરા પણ નથી કરવામાં આવતો."

Home Grown Fruits
Home Grown Fruits

વધુમાં તેમણે કહ્યું, "શું તમને વિશ્વાસ આવશે કે, એક સ્ક્વાયર માટી બનવામાં 200 વર્ષ લાગે છે? રસાયણોના વધતા ઉપયોગ, શહેરીકરણ અને પ્રદૂષણે માટીની ઉર્વરા શક્તિને ખતમ કરી દીધી છે. એટલે મેં મારું પોતાનું પૉટિંગ મિક્સ તૈયાર કર્યું, જેમાં માટીનો જરા પણ ઉપયોગ નથી કર્યો. આ સફરમાં મને ઘણીવાર અસફળતા પણ મળી, પરંતુ માત્ર પ્રયત્નો પર જ ધ્યાન આપું છું અને આજે આ પૉટિંગ મિક્સ દરેક પ્રકારના છોડ-ઝાડ ઉગાડવા માટે બેસ્ટ મીડિયમ છે."

તરૂણ કેવી રીતે બનાવે છે પૉટિંગ મિક્સ:

  • 30% વર્મીકંપોસ્ટ
  • 30% છાણીયું ખાતર
  • 20% કોકોપીટ
  • 10% પર્લાઇટ
  • 10% એડિટિવ જેવાં લીમડાનાં પાન કે સરસોનાં પાન
  • આ સિવાય ક્યારેક-ક્યારેક બોનમીલનો ઉપયોગ પણ કરી શકાય છે.

આ માટી વગરના પૉટિંગ મિક્સના ઘણા ફાયદા છે:

  • માટીની સરખામણીમાં આનાથી કુંડાનું વજન 50% સુધી ઘટી જાય છે. જેના કારણે ધાબાનું વજન નથી વધતું અને પ્લાન્ટર્સ મેનેજ કરવા પણ સરળ રહે છે.
  • આ પૉટિંગ મિક્સથી ઝાડ-છોડનો વિકાસ બહુ સારો થાય છે.
  • ઝાડ-છોડના મૂળનો વિકાસ બહુ સારી રીતે થાય છે, કારણકે તે વજનમાં હળવું હોય છે. જેના કારણે શ્વાસ પણ સરખી રીતે લઈ શકે છે.
  • બોનમીલ, ફિશ્મીલ જેવાં જૈવિક એડિટિવ મિક્સ કરવાં સરળ રહે છે.
  • સામાન્ય માટીની સરખામણીમાં આ પૉટિંગ મિક્સમાં પોષણ લાંબા સમય સુધી રહે છે.
  • છોડને ટ્રાન્સપ્લાન્ટ કે રિપૉટ કરવા પણ સરળ રહે છે.
Gardening

આ પૉટિંગ મિક્સની સાથે-સાથે તરૂણ પેસ્ટિસાઇડ તરીકે છોડ પર લીમડાના તેલ કે કરંજના તેલનો છંડકાવ કરે છે. તેઓ જણાવે છે કે, આવતા વર્ષ સુધીમાં તેમન ઘરના ધાબામાં જરૂરિયાતના બધા જ છોડ ઉગાડી દેશે.

વધુમાં તરૂણ જણાવે છે, "ગાર્ડનિંગે મને એક સારા માણસ બનવામાં મદદ કરી છે. દરરોજ સવારે ઊઠીને હું બેડરૂમની સામેના ફ્રંટ ટેરેસ પર ખીલેલા ફૂલો જોઉં છું. મારા છોડ મને હંમેશાં સકારાત્મક સ્વભાવ રાખવામાં મદદ કરે છે."

તરૂણ અલગ-અલગ ગાર્ડનિંગ ગૃપ્સ સાથે પણ જોડાયેલા છે. તેઓ જણાવે છે, "ગાર્ડનિંગ કરવું એ કોઇ બાળકને પાળવા જેવું જ છે. જે રીતે તમે બાળકનું ધ્યાન રાખો છો, તેને ખૂબજ પ્રેમ કરો છો. એજ રીતે ગાર્ડનિંગ સાથે પણ છે. અત્યારે આપણે આપણાં બાળકોને રસાયણયુક્ત ભોજન ખવડાવીએ છીએ, જે તેમના માટે ખૂબજ નુકસાનકારક છે. આનો સૌથી સરળ રસ્તો એ છે કે, શાકભાજી ઘરે જ ઉગાડીએ. કહેવાય છે કે,તમે જેવું અન્ન ખાઓ છો, તેવું જ તમારું મન રહે છે. ખરેખર તરૂણ ઉપાધ્યાનની કહાની ખૂબજ પ્રેરણાદાયક છે. અમને આશા છે કે, તમને પણ તેમાંથી ઘણું શીખવા મળ્યું હશે."

તરૂણ ઉપાધ્યાયનો સંપર્ક કરવા માટે તમે તેમનો [email protected] પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો:આમના ધાબા પર 1000+ છોડની સાથે રૂદ્રાક્ષ-કલ્પવૃક્ષથી લઈને સ્ટ્રોબરી સહિત બધુ જ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.