એક સમયે મહિને 25 હજારની નોકરી કરતા નવસારી જિલ્લાના યુવાને જીવનમાં આગળ વધવાના જુસ્સા સાથે નોકરી છોડી દીધી અને આત્મનિર્ભર બન્યા. આજે તેઓ સંપૂર્ણ ગાય આધારિત ખેતી અને પશુપાલન તેમજ મરઘાં પાલન કરે છે અને દર મહિને એક લાખ કરતાં પણ વધારે કમાય છે, એટલે કે, પોતાનું કામ કરીને પહેલાં કરતાં ચાર ગણું કમાઈ લે છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ ગામમાં રહેતા જીતુભાઇ પશુપાલન, ઓર્ગેનિક ખેતી, વર્મીકમ્પોસ્ટનું ઉત્પાદન તેમજ મરઘાં પાલનની પ્રવૃત્તિ દ્વારા આત્મનિર્ભર તો બન્યા જ છે પરંતુ સાથે સાથે 4 થી 5 લોકોને રોજગારી આપવાની સાથે બધો જ ખર્ચ કાઢતા મહિનાની લાખથી દોઢ લાખની કમાણી પણ કરે છે. તો ચાલો તેમની આ સફર વિશે સવિસ્તાર જાણીએ.

શરૂઆતમાં પ્રિન્ટિંગ મિલમાં નોકરી
જીતુભાઇ ધ બેટર ઇન્ડિયા ને વાત કરતા જણાવે છે કે, “શરૂઆતમાં હું મારા ઘરે થી 60 – 70 કિલોમીટર દૂર સુરતમાં પ્રિન્ટિંગ મિલમાં મહિને રૂપિયા 25 હજાર પગાર આપતી નોકરી કરતો હતો.”
નોકરી માટે રોજ બાઈક પર અપ-ડાઉન પણ કરવું પડતું હતું. આ સમય અને ઉર્જાનો વધારે વ્યય કરાવે તેવી નોકરી હતી ઉપરથી ઘરેથી અપડાઉન કરવામાં પણ તકલીફ રહેતી હતી. તેથી જીતુભાઈના મનમાં સતત એ જ વિચાર રમ્યા કરતો હતો કે, રોજિંદા આ ચક્રમાંથી બહાર નીકળવા કઈંક નવું તો કરવું જ પડશે.

માલધારીઓને પશુપાલન કરતા જોઈ આવ્યો વિચાર
તેઓ આગળ જણાવે છે કે તેમનું ગામ દરિયા કિનારાની નજીક હોવાથી વાતવરણ તેમજ જમીન ખેતીને અનુકૂળ ન હતી. ત્યાં ગામમાં ગુજરી બાવળ જ થતા અને ખેતી તો એકદમ નહીવત થતી. તેનું કારણ એ હતું કે જમીનમાં ખારાશ ખુબ હતી તેના કારણે તેને મીઠી બનાવવા માટે તે જ જમીનમાં તળાવ બનાવી વરસાદનું પાણી વર્ષો સુધી ભરી રાખતા છતાં પણ ધાર્યું કોઈ પરિણામ મળી રહ્યું ન હતું.
આ કારણે નોકરી દરમિયાન જીતુભાઈને ક્યારેય ખેતી બાબતનો વિચાર મનમાં ઉદભવતો ન હતો. પરંતુ એક દિવસ એમ જ બાઈક પર જતા આવતા રસ્તામાં વચ્ચે માલધારીઓ દ્વારા કરવામાં આવતા પશુપાલનને જોઈને મનમાં એક ઝબકારો થયો અને તે પછી તે લોકો પાસેથી જીતુભાઇએ પશુપાલન બાબતે બધું જાણ્યું.

ત્યારબાદ તેમણે પોતાની નોકરી દરમિયાન જ જે રૂપિયાની બચત કરતા તેની બચત કરવાનું શરૂ કર્યું અને ગાય તથા ભેંસના 25 થી 30 જેટલા નાના બચ્ચાઓને ખરીદી ઘેર રાખી ઉછેરવાનું શરુ કર્યું. આ કામ માટે તેમણે એક વ્યક્તિને કાયમી મજૂરી માટે રાખ્યો જે તે બચ્ચાઓના ઉછેરની કાળજી રાખતો હતો. તે સિવાય તેમના ધર્મપત્ની પણ આ બાબતે રસ દાખવવા લાગ્યા અને પશુપાલન શરૂ કર્યું. આમ ને આમ બચ્ચા ખરીદ્યા તેના સાડા ત્રણ વર્ષ પછી 12 થી 13 ગાય તેમજ ભેંસ દૂધ આપવા માટે સમક્ષ બની તે સાથે જ તેમની પત્ની ગાય અને ભેંસને દોહતા શીખ્યા જેના કારણે ઘરમાં એક બીજી આવકની શરૂઆત થઇ કેમકે હજી પણ જીતુભાઇ પોતાની સુરતની નોકરી તો કરતા જ હતા.
સમય જતા પશુપાલનનું આ કામ વધવા લાગ્યું જેના કારણે જીતુભાઇ માટે જે દિવસની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ હકીકત બન્યો અને તેમણે પોતાની નોકરીમાંથી રાજીનામુ આપી કાયમી રીતે પશુપાલનના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેઓ પણ તેમની પત્ની સાથે ગાય અને ભેંસને દોહતા તો શીખ્યા જ સાથે સાથે વધારે મૂડીના રોકાણ દ્વારા ગાય અને ભેંસની સંખ્યા પણ વધારી.

તેમણે માર્કેટ રેટ કરતા દસ રૂપિયાના ઓછા ભાવે દૂધનું વેચાણ શરુ કરેલું જે લાંબા સમય સુધી જાળવી રાખ્યું સાથે સાથે તેઓએ દૂધની ગુણવત્તા પણ અસરકારકર રીતે જાળવી રાખેલી તેના કારણે તેમના ગ્રાહકો કૂદકેને ભૂસકે વધવા લાગ્યા. થોડા સમય બાદ જીતુભાઈએ વાજપેયી બેંકેબલ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લઈને પોતાના આ પશુપાલનના વ્યવસાયને નવો ઓપ આપવા તબેલાનું બાંધકામ શરુ કર્યું. તબેલાના બાંધકામ બાદ તેમણે બીજા 4 લોકોને નોકરીએ રાખ્યા તથા તબેલામાં થતી કામગીરીની દેખરેખ માટે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા. અત્યારે જીતુભાઇ પાસે ગાય અને ભેંસો થઈને 70ની આસપાસ છે તથા તેમના રેગ્યુલર 300 થી 400 ની સંખ્યામાં ગ્રાહકો પણ છે. આમ તેમનો આ પશુપાલનનો વ્યવસાય તેમને મહિનાના એક થી સવા લાખની કમાણી કરાવી આપે છે. અત્યારે તેઓ ભેંસનું દૂધ 65 રૂપિયે લીટર અને ગાય નું દૂધ 40 થી 50 રૂપિયે લીટર વેચે છે.
પોતાના આ પશુપાલનના વ્યવસાય અંગે વિસ્તૃતમાં તેઓ જણાવે છે કે શરૂઆતથી જ ચારા બાબતે કોઈ ખર્ચ નહોતો થતો કેમકે ગામની આસપાસની જમીનમાં જ વરસાદી ઋતુ દરમિયાન એટલો ચારો મળી રહે છે કે બહારથી ચારો ખરીદવાની જરૂર જ નથી રહેતી. મુખ્ય ખર્ચ જે તે પશુઓ માટે ખોળ અને અને દાણ ખરીદવા માટે થાય છે જે મહિનાના અંદાજિત એક લાખ રૂપિયા જેટલો છે. આ સિવાય મજૂરી માટે કાયમી રાખેલા લોકોના પગાર બાબતે ખર્ચ થાય છે જે કુલ થઈને અંદાજિત 20 થી 30 હજાર આસપાસ છે.

વર્મિકંપોસ્ટ બનાવવાની શરૂઆત
થોડા સમય બાદ જીતુભાઇએ અહીંથી નીકળતા છાણમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવવાનું પણ શરુ કર્યું જેમાં તેઓ દર મહિને એક ટન જેટલું વર્મીકમ્પોસ્ટ બનાવે છે. તેઓ આ વર્મીકમ્પોસ્ટ કિલોના દસ રૂપિયા ભાવે વેચીને મહિને તેમાંથી 10 હજારની અવાક કમાય છે. આ વર્મીકમ્પોસ્ટ બાબતે તેમણે એક જ વખત અળસિયા માટે જ ખર્ચ કરવો પડેલો તે સિવાય બીજો કોઈ જ ખર્ચ તેમણે કરવો પડ્યો નથી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીની મદદથી શરુ કરી જૈવિક રીતે બાગાયત પાકોની ખેતી
બે ત્રણ વર્ષ પહેલા જ તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી તેમજ આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ 20 આસપાસ ડ્રેગનફ્રૂટની વાવણી કરેલી તે બાદ નારિયેળી, ખજૂરી વગેરે બાગાયતી પાકો પોતાની જમીનના સીમાડા પર વાવ્યા છે. હજી તેમણે મોટા પ્રમાણમાં તે ખેતીને નથી પ્રારંભી પરંતુ તેમના ત્યાં એવી ખારાશ ધરાવતી જમીનમાં પણ સફળ પ્રયોગ રૂપે તેમણે બાગાયતી ખેતી શરુ તો કરી જ છે. અને ધીરે ધીરે તેઓ આશા રાખે છે કે જૈવિક રીતે ગાય આધારિત ખેતી દ્વારા તેઓ તેમાં સફળતા પણ મેળવશે.
આ સિવાય મરઘાં પાલનની પ્રવૃત્તિમાં પણ આગળ વધ્યા છે જેના કારણે તેમના પશુપાલનના વ્યવસાયમાં પણ લાભ થઇ રહ્યો છે જેમકે મરઘાં પાલનના કારણે ત્યાં તબેલામાં માખીઓનો ઉપદ્રવ ઘટ્યો છે તો ગાય અને ભેંસોને હેરાન કરતી ઇતરડીઓ એ મરઘાનો ખોરાક હોવાના કારણે તેમાં પણ રાહત જોવા મળી છે. અત્યારે તેમની શરૂઆત નાના પાયે છે અને દિવસના 10 થી 15 ઈંડાઓનું ઉત્પાદન કરી વેચી રહ્યા છે.
સાથે સાથે જીતુભાઇ ગાય આધારિત ખેતી બાબતે વિવિધ રીતો શીખી રહ્યા છે અને તે દ્વારા આગળ જતા ગૌમૂત્ર તેમજ બીજી ગાય આધારિત બનતી ચીજ વસ્તુઓ જેવી ઘન જીવામૃત, જીવામૃત, બીજામૃત બનાવી અને તેને પણ વર્મિકંપોસ્ટની જેમ જ વેચી નવી અવાક ઉભી કરવાનો વિચાર પણ તેઓ ધરાવે છે.

આમ ફક્ત 25,000 રૂપિયાની નજીવી નોકરી છોડીને પોતાના સાહસ દ્વારા મહીને દોઢ લાખનો નફો રળતા થયેલા જીતુભાઈને ધ બેટર ઇન્ડિયા પરિવાર શુભકામનાઓ પાઠવે છે અને તેઓ હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધી હજારો યુવાનો માટે પ્રેરણા બને તેવી આશા પણ રાખે છે.
જો તમે પણ જીતુભાઈનો સંપર્ક કરવા માંગતા હોવ તો તેમને 9879923882 આ નંબર પર કોલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સરદાર પટેલની આ 7 બાબતો અંગે કદાચ નહીં જાણતા હોવ તમે, ગરવા ગુજરાતીની રેર બાબતો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.