ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેન મોડલ, બેગ કમ ચેર અને લાડુ બનાવતા મશીનનો આવિષ્કાર કર્યો છે આ એન્જીનિયરે. અલગ-અલગ સંશોધનોના કારણે મળ્યાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનાં સન્માન.
શાળામાં ભણતા મોટાભાગના બાળકોનું સપનું હોય છે કે તેઓ આગળ જઈને ભવિષ્યમાં IITમાં પ્રવેશ મેળવે. પરંતુ IITમાં ભણવાનું સપનું બહુ ઓછા વિદ્યાર્થીઓનું પૂરું થાય છે. કંઇક આવું જ ઉત્તર પ્રદેશના આનંદ પાંડે સાથે થયું. તેનું સપનું હતું કે એક દિવસ તે IITમાંથી એન્જિનિયરિંગ કરશે. પરંતુ તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. પરિવારની હાલત એવી ન હતી કે બીજા એક-બે વર્ષની તૈયારી કર્યા બાદ તે ફરી પરીક્ષા આપી શકે. તેથી તેણે અમેઠીની એક એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું.
સુલતાનપુરના વતની આનંદનું સપનુ અધૂરું જ રહી ગયુ હતુ. પરંતુ સામાન્ય કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ પણ તેણે રાત-દિવસ મહેનત કરી અને પોતાની આગવી ઓળખ બનાવી. આજે તેઓ એન્જિનિયર, આવિષ્કારક અને ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા છે. આનંદ માત્ર પ્રગતિ કરી રહ્યો નથી પણ અન્ય વિદ્યાર્થીઓને પણ આગળ વધવામાં મદદ કરી રહ્યો છે.
આનંદ લખનૌ સ્થિત AKP Technovisionના સ્થાપક છે, જેના દ્વારા તેઓ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર તાલીમ આપે છે. તે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ તૈયાર કરવામાં મદદ કરે છે. તો, તેઓ તેમના આવિષ્કારો બજારમાં પણ લાવી રહ્યા છે.
ખેડૂત પરિવારમાંથી આવતા, આનંદ પોતે આઇઆઇટીમાં જઇ શક્યા ન હતા, પરંતુ આજે તેઓ આઇઆઇટીમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાથી ઓછા નથી. તેમને વિવિધ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં લેક્ચર, તાલીમ અને સેમિનાર માટે બોલાવવામાં આવે છે. તેમની શોધ માટે તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આનંદે પોતાની સફર વિશે ધ બેટર ઇન્ડિયાને કહ્યું, “મારા પિતા ખેડૂત છે અને માતા ઘર સંભાળે છે. તેમણે હંમેશા અમારા શિક્ષણ માટે ખૂબ જ મહેનત કરી. મારી ફી ભરવા માટે તેમને ઘણી વખત ઉધાર પૈસા લેવા પડ્યા હતા. પરંતુ દિવસ-રાત મહેનત કરીને તે મને પ્રોત્સાહિત કરતા રહ્યા જેથી મારા અભ્યાસમાં કોઈ અડચણ ન આવે. મમ્મી મારી સૌથી મોટી હિંમત રહી છે.”
ભણવાની સાથે ટ્રેનિંગ પણ કરતા રહ્યા
આનંદ કહે છે કે, તે સામાન્ય કોલેજમાં દાખલ થયો હતો. કોલેજના અભ્યાસની સાથે સાથે તેમણે પોતાના સ્તરે પ્રાયોગિક તાલીમને પણ મહત્વ આપ્યું. તેને એકવાર પુણેના I Square IT ખાતેના એક ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે જાણ થઈ, જ્યાં IITના મોટાભાગના વિદ્યાર્થીઓ જાય છે. તેણે નક્કી કર્યું કે તે પણ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેશે. આનંદ કહે છે કે આ ટ્રેનિંગમાંથી તેને ઘણું શીખવા મળ્યું.
તેમણે કહ્યું, “અહીંથી Embedded and Roboticsનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી, 2010 માં મેં મારું પહેલું ઈનોવેટિવ મોડેલ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન બનાવી. આ મોડેલે કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું. મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને મેં નક્કી કર્યું કે મારે કંઈક નવું કરતા રહેવું છે. તેથી, મારા અભ્યાસની સાથે સાથે, મેં મારી તાલીમ, ઇન્ટર્નશીપ વગેરે વિવિધ સ્થળોએથી ચાલુ રાખી. કારણ કે એન્જિનિયરિંગમાં તમે માત્ર સિદ્ધાંતનો અભ્યાસ કરીને સફળ થઈ શકતા નથી. મારા આ મોડલ માટે મને 2015માં તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવ તરફથી સન્માન પણ મળ્યું હતું.”
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આનંદ ઈનોવેશનના ક્ષેત્રમાં કંઇક કરવા માંગતો હતો. પરંતુ તેના ઘરની આર્થિક સ્થિતિ એવી હતી કે નોકરી કરવાની જવાબદારી તેના પર આવી ગઈ. તેણે નોકરી માટે ઘણી જગ્યાએ પ્રયાસ કર્યા અને એક જગ્યાએ નોકરી મળી. પરંતુ આનંદને લાગ્યું કે તે આ નોકરી સાથે આગળ વધી શકશે નહીં. તેથી ફરી એકવાર તેણે તેમના હૃદયની વાત સાંભળી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તાલીમ અને પ્રોજેક્ટમાં મદદ કરવા માટે પોતાનું કેન્દ્ર શરૂ કર્યું.
તેમણે માત્ર આઠ વિદ્યાર્થીઓ સાથે કેન્દ્ર શરૂ કર્યું. પરંતુ તેણે આ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ એવી રીતે તૈયાર કર્યા કે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સાથે જોડાવા લાગ્યા. અત્યાર સુધીમાં તેમણે 300 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. તેમણે કહ્યું, “અહીં વિદ્યાર્થીઓને ત્રણ મહિનાનો સમર ટ્રેનિંગ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના ડિગ્રીનાં પ્રોજેક્ટ તૈયાર કરવા ઉપરાંત, રોબોટિક્સ, એમ્બેડ સિસ્ટમ ડિઝાઇન, ઇનોવેશન જેવા કોર્સ પણ કરાવવામાં આવે છે. ઉપરાંત, ઘણા બાળકોને તાલીમ આપીને તેમને ઉદ્યોગ માટે તૈયાર કરવામાં આવે છે.”
તેમના એક વિદ્યાર્થી ઋષભ તિવારી કહે છે કે તેમણે આનંદના સેન્ટરમાંથી એક મહિનાની તાલીમ લીધી અને ઘણું શીખવા મળ્યું જે આજે ઉદ્યોગમાં તેમના માટે કામ આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓને શીખવાડવાની સાથે કર્યુ ઈનોવેશન પણ
તેના કેન્દ્રમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવા ઉપરાંત, આનંદે તેને તેનું ઇનોવેશન-હબ પણ બનાવ્યું છે. આનંદ વિવિધ ઈનોવેશન પર કામ કરીને આગળ વધી રહ્યો છે. ડ્રાઇવર વિનાની મેટ્રો બાદ, તેણે અન્ય ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કર્યું. આ રીતે સ્પીડ બ્રેકરથી પાવર બનાવી શકાય છે. જો કે, તે હજી મોટા પાયે પહોંચવાનું બાકી છે કારણ કે તેમને આ માટે ઘણાં ભંડોળની જરૂર છે. આ સિવાય તેમણે રેસ્ટોબેગ, લાડુ મેકિંગ મશીન, બીસીએમ પોઝિટિવ મશીન અને સ્ટિકનોચેર જેવી શોધ કરી છે.
રેસ્ટોબેગની વાત કરીએ તો તે બેગ કમ ચેર મોડેલ છે. મુસાફરી દરમિયાન, લોકોને ઘણીવાર બેસવાની જગ્યા સરળતાથી મળતી નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાની બેગને ખુરશી બનાવીને આરામ કરી શકે છે. આનંદ કહે છે કે એક વખત તેણે ટ્રેનમાં ઉભા રહીને લાંબી મુસાફરી કરવી પડી હતી અને ત્યાંથી જ તેને વિચાર આવ્યો કે તેના જેવા ઘણા લોકો રોજેરોજ આ સમસ્યાનો સામનો કરતા હશે. તેથી જ તેણે આ ઈનોવેશન કર્યુ છે. આ બેગ લઈ જવામાં સરળ છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ ખુરશી તરીકે પણ થઈ શકે છે.
જો તેનો ઉપયોગ ખુરશી તરીકે કરવામાં આવે તો 50 થી 80 કિલો વજન ધરાવતી વ્યક્તિ સરળતાથી તેના પર બેસી શકે છે. આનંદ દાવો કરે છે કે અત્યાર સુધી તેણે લગભગ 1000 રેસ્ટોબેગ વેચી છે. તેમની બેગ કમ ખુરશીની કિંમત 885 રૂપિયા છે. આ સિવાય તેમણે લોકોનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે એક મશીન પણ બનાવ્યું છે. તેમનું બીસીએમ પોઝીટીવ મશીન પગની માલિશ કરે છે અને યોગ્ય રક્ત પ્રવાહ જાળવી રાખે છે. આ તમામ કોષિકાઓને સક્રિય કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તેની બંને પ્રોડક્ટનો ઉપયોગ કરનારા અખંડ પાલ કહે છે કે બેગ કમ ખુરશી અને બીસીએમ પોઝિટિવ મશીન બંને ખૂબ ઉપયોગી છે. તે મશીનનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તે તેના સ્વાસ્થ્યમાં પોઝિટીવ પ્રભાવ અનુભવી રહ્યા છે. તો, મુસાફરી દરમિયાન કેટલીક વખત બેગનો ઉપયોગ કરવામાં આવે છે.
“પરંતુ તે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે કારણ કે ઘણી વખત બસ-ટ્રેનમાં ઉભા રહીને મુસાફરી કરવી પડે છે. કેટલીકવાર લોકો રેલવે સ્ટેશન પર કલાકો સુધી ટ્રેનની રાહ જોતા ઉભા રહે છે. એવામાં, આ બેગ કમ ખુરશી ખૂબ ઉપયોગી છે,”તેમણે કહ્યું.
બનાવ્યુ લાડુ બનાવવાનું મશીન
આનંદ જણાવે છે કે 2020માં લોકડાઉન પછી લાડુ બનાવતા મશીન બનાવવાનો વિચાર તેમને આવ્યો હતો. તેમણે જોયું કે કેવી રીતે દુકાનદારો ગરમીમાં પરસેવો પાડીને લાડુ બનાવી રહ્યા છે. આ ન તો સ્વચ્છતાના દૃષ્ટિકોણથી યોગ્ય છે કે ન સ્વાસ્થ્યની દૃષ્ટિએ. પછી તેણે વિચાર્યું કે લાડુ બનાવવાનું મશીન કેમ ન હોય. “તે જરૂરી નથી કે તમે જે વિચાર કર્યો છે તે પહેલા કોઈ બીજાના મનમાં આવ્યો ન હોય. જ્યારે મેં સંશોધન કર્યું તો મને ખબર પડી કે બજારમાં ઘણા પ્રકારના લાડુ બનાવવાના મશીનો ઉપલબ્ધ છે. પરંતુ ત્યારે જ મેં જોયું કે મોટાભાગના મશીનો ખૂબ જ મોંઘા છે. તેથી મેં સસ્તું મશીન બનાવવાનું નક્કી કર્યું,”તેમણે કહ્યું.
ઘણા મહિનાઓની મહેનત પછી, તેણે પોતાનું મશીન તૈયાર કર્યું અને તેને તેના ગામમાં લોન્ચ કર્યું. આ મશીનની મદદથી ગામમાં 27 લોકોને રોજગારી મળી રહી છે. કારણ કે તેઓ મશીનની મદદથી લાડુ બનાવીને વેચી રહ્યા છે. તેમણે કહ્યું, “મેં બનાવેલું પહેલું મોડલ લગભગ 3 લાખ રૂપિયાનું હતું. જોકે બજારમાં સાત-આઠ લાખ રૂપિયામાં ઉપલબ્ધ મશીન કરતાં તે સસ્તું હતું, પરંતુ તેમ છતાં ઘણા લોકોએ કહ્યું કે તમારે ઓછા ખર્ચે મશીન બનાવવું જોઈએ. તેથી હું ફરી એકવાર સામેલ થયો અને હવે મેં એક લાખ 65 હજાર રૂપિયાના ખર્ચે લાડુ બનાવવાનું મશીન બનાવ્યું છે.”
આ મશીન ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને એક મિનિટમાં તમે 60-70 લાડુ બનાવી શકો છો. આ મશીનથી તમે સંપૂર્ણ સ્વચ્છતા અને ઓછી મહેનતથી કામ કરી શકો છો. મશીનની જાળવણી પણ ખૂબ જ સરળ છે. અત્યાર સુધીમાં તેમને વિવિધ રાજ્યોમાંથી 20 મશીનોના ઓર્ડર મળ્યા છે. આનંદ કહે છે કે લોકો તેની વેબસાઇટ દ્વારા તેના નવા મોડેલ માટે પ્રી-બુકિંગ કરી શકે છે.
તેમના અન્ય એક ગ્રાહક વિનોદ ત્રિપાઠી કહે છે, “હું મારા ઘરમાં તેમના બીસીએમ પોઝિટિવ મશીનનો ઉપયોગ કરી રહ્યો છું, જેનો અમને ઘણો ફાયદો મળી રહ્યો છે. આ સિવાય મારા પડોશમાં એક મીઠાઈની દુકાનમાં પણ તેમના દ્વારા બનાવેલું લાડુનું મશીન છે. હું નિયમિતપણે દુકાનની મુલાકાત લઉં છું અને ત્યાંના કારીગરો કહે છે કે આ મશીન પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે.”
60 થી વધુ સેમિનાર અને કોન્ફરન્સમાં હાજરી આપી છે
આનંદને 2015માં બ્રેઈનફીડ મેગેઝિન તરફથી ‘ગેસ્ટ ઓફ ઓનર’ એવોર્ડ, ઉત્તર પ્રદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તરફથી ઈનોવેટર પ્રમોટર એવોર્ડ મળ્યો હતો. તો, તેમને સ્પીડ બ્રેકરથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ માટે 2016માં ઇનોવેશન એવોર્ડ પણ મળ્યો હતો. તેણે તેની ઘણી ઈનોવેશન માટે પેટન્ટ પણ ફાઈલ કર્યા છે, જ્યારે તેને કેટલાક માટે પેટન્ટ મળી છે. “મારી પાસે 8 પેટન્ટ છે અને પાંચ પ્રક્રિયા હેઠળ છે. આ સિવાય, મેં છ થી વધુ સંશોધન પેપરો પણ પબ્લિશ કર્યા છે. આ સાથે મને અલગ-અલગ જગ્યાએ સેમિનાર અને વર્કશોપ માટે પણ બોલાવવામાં આવે છે.”
આનંદ અત્યાર સુધીમાં 60 થી વધુ સેમિનાર અને કોન્ફરન્સમાં હાજરી આપી ચૂક્યા છે. તેમણે 150 થી વધુ લેક્ચર પણ આપ્યા છે. જે બાબત તેને સૌથી વધુ ખુશ કરે છે તે એ છે કે તેણે ભણાવેલા ઘણા વિદ્યાર્થીઓ આજે સારી જગ્યાએ કામ કરી રહ્યા છે. તેમણે ઘણા વિદ્યાર્થીઓના વિચારોને ટેકો આપીને એક અલગ દિશા પણ આપી છે. “મેં એક વખત વાંચ્યું હતું કે ચીન, જાપાન અને અન્ય વિકસિત દેશોમાં બાળકોને છઠ્ઠા ધોરણથી ઈનોવેશન શીખવવામાં આવતુ હતુ. તેઓ તેમના વિચારો દ્વારા માર્ગદર્શન અને સમર્થન મેળવે છે. હું ઈચ્છું છું કે આપણા દેશમાં પણ આવું થાય જેથી આવનારા સમયમાં આપણા દેશના બાળકો પણ ઈનોવેશનના ક્ષેત્રમાં આગળ વધે. એટલા માટે મારો પ્રયાસ એક પ્લેટફોર્મ બનાવવાનો છે જ્યાં હું ઈનોવેટિવ વિચારોને આગળ વધારવા માટે મોટા અને નાના લોકોને મદદ કરી શકું.”અંતે તેમણે કહ્યુ.
આનંદ પાંડેનો સંપર્ક કરવા માટે તમે તેમને [email protected] પર ઈમેલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ‘ઝટ-પટ કામ, માંને આરામ’,14 વર્ષની નવશ્રીએ બનાવ્યુ રસોડાનાં આઠ કામ કરતું મશીન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167