Powered by

Home હટકે વ્યવસાય માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા

માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા

અડધા વિઘા જમીનમાં વાવ્યા છે ગુલાબના 1000 છોડ, જેમાંથી મહિનાનું બને છે 75-100 કિલો ગુલકંદ

By Nisha Jansari
New Update
woman empowerment

woman empowerment

નવસારીના નાનકડા ખેર ગામમાં સમશાદ ઝાકીર હુસેન મુ‌લ્લાએ જમીનના એક નાનકડા ટુકડા જેટલી એક વિઘો જ જમીન છે. જેમાં તેમનું ઘર છે અને ગાય-ભેંસનો તબેલો પણ છે એટલે ખેતી માટે માત્ર માંડ અડધો વિઘો જમીન જ બચે છે.

આ જમીનમાં 43 વર્ષનાં સમશાદબેન પહેલાં શાકભાજીની ખેતી કરતાં અને શાકભાજી વેચી ગુજરાત ચલાવતાં હતાં. પરંતુ તેનાથી પૂરતી આવક મળતી નહોંતી અને હંમેશાં નાણાભીડ રહેતી હતી. જેથી સમશાદ હંમેશાં એવું વિચારતાં કે, કઈંક એવું કરે જેનાથી તેમને તો ફાયદો થાય જ સાથે-સાથે બીજાં લોકોને પણ ફાયદો મળે.

rose farming

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સમશાદબેને કહ્યું, "અમારા ઘરના આંગણમાં ગુલાબના થોડા છોડ પહેલાં હતા જ, જેમાંથી હું ઘરે જ ગુલકંદ બનાવતી હતી. એટલે અમને આ અંગે આગળ વધવાનો વિચાર આવ્યો. અમે આસપાસ તપાસ કરી કે, કોઇ આ દિશામાં કામ કરે છે? તો અમારા વિસ્તારમાં કોઇ ગુલકંદ બનાવતું નહોંતું. પછી મારા પતિ ઝાકીરહુસૈને તપાસ કરી તો ખબર પડી કે નવસારી તાલુકામાં કોઇ ગુલકંદ નથી બનાવતું. ત્યારબાદ કોઇ મારફતે અમને નવસારી કેવીકે એગ્રીકલ્ચરના ટીંબલિયા સાહેબનું સરનામું મળ્યું. અમે અમારા ઘરે બનાવેલ ગુલકંદ લઈને જ તેમની પાસે ગયા અને તેમને આ અંગે વાત કરતાં તેમને પણ ગમ્યું."

ત્યારબાદ ટીંબલિયા સાહેબે ડૉક્ટર નાકરાણીને મળવાનું કહ્યું, જેઓ આ અંગે વધારે મદદ કરી શકે તેમ હતા. તેથી સમશાદબેન અને તેમના પતિ નાકરાણી સાહેબને મળવા ગયા. તેમને આ ગુલકંદ બતાવ્યું અને તેને બનાવવાની રીત અંગે પણ જણાવ્યું. તેમને ખડી સાકરમાં બનાવેલું ગુલકંદ બહુ ગમ્યું.

Gulkand making

સામાન્ય રીતે બધાં ખાંડમાં ગુલકંદ બનાવતા હોય છે પરંતુ સમશાદબેન ગુલકંદ બનાવવા માત્ર ખડી સાકરનો ઉપયોગ કરે છે અને તેને સૂર્યના તડકામાં એકદમ કુદરતી પ્રક્રિયાથી કોઇપણ જાતનાં રસાયણો વગર જ બનાવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. યોગ્ય તપાસ અને ચકાસણી બાદ નાકરાણી સાહેબે તેને માર્કેટમાં પેક કરી વેચવાની સલાહ આપી.

હવે શરૂ થઈ સમશાદબેનની ખરી સફર….
સમશાદબેન અને તેમના પતિએ આસપાસની નર્સરીઓમાં તપાસ કરી, કે ક્યાંથી તેમને મોટા પ્રમાણમાં દેશી ગુલાબના રોપા મળી શકે. લગભગ એક વરસ સુધી વાંસદા તાલુકાના નાના-નાના ગામોની નર્સરીઓમાં ફર્યા અને જ્યાંથી જેટલા પણ રોપા મળ્યા તે ભેગા કરી વાવ્યા. 2017 ની શરૂઆતમાં તેમણે 600 રોપા વાવ્યા અને પછી તેમાં બીજા 400 રોપા વાવ્યા, આમ આજે સમશાદબેનના નાનકડા ખેતરમાં 1000 રોપા છે. ત્યારબાદ 2018 થી ગુલકંદ બનાવવાનું શરૂ કર્યું.

Gulkand making

સમશાદબેન રોજ તાજા ગુલાબ તોડે છે અને અને ગુલકંદ બનાવવા મુકે છે. ગરમીના સમયમાં લગભગ 20-22 દિવસમાં ગુલકંદ બની જાય છે, પરંતુ શિયાળા કે ચોમાસામાં આ જ ગુલકંદ બનતાં દોઢથી બે મહિના પણ લાગી જાય છે.

ગુલકંદ બનાવવા અંગે વાત કરતાં સમશાદબેને કહ્યું, "ગુલકંદ બનાવવા માટે ખૂબજ કાળજીની જરૂર હોય છે. શરૂઆતમાં અમે અલ્યુમિનિયમનાં વાસણોનો ઉપયોગ કરતા હતા, પરંતુ ખેતી વિભાગના અધિકારીઓએ અમારા ઘરની મુલાકાત લીધી અને યોગ્ય માર્ગદર્શન આપતાં અમને માત્ર સારી ગુણવત્તાનાં સ્ટીલનાં વાસણોનો જ ઉપયોગ કરવાનું કહ્યું. ત્યારબાદ અમે સ્ટીલનાં નવાં વાસણો ખરીધ્યાં. અત્યારે અમારી પાસે સ્ટીલના મોટા માપનાં 50 બાઉલ છે અને દરેકના માપનાં યોગ્ય ઢાંકણ પણ છે. બાઉલ પર પહેલાં સુતરાઉ કાપડ બાંધ્યા બાદ ઢાંકણ ઢાંકીએ છીએ, જેથી તેમાં જરા પણ કચરો પડે નહીં અને ગ્રાહકોને શુદ્ધ ગુલકંદ મળી રહે."

Gulkand

સમશાદબેન મહિનાનું 75 થી 100 કિલો ગુલકંદ બનાવે છે. જેનું તેઓ વિવિધ ગાંધી મેળા, ખાદી મેળા, કૃષિમેળા, હાટ તેમજ કેટલીક નજીકની દુકાનોમાં વેચાણ કરે છે. તેઓ એક કિલો ગુલકંદ 400 રૂપિયામાં વેચે છે.

Khadi mela

સામાન્ય રીતે બજારમાં મળતું ગુલકંદ મોટા પ્રમાણમાં બને છે એટલે તેમાં બધાં જ મિક્સ ગુલાબનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સમશાદબેન માત્ર દેશી ગુલાબનો જ ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જ તેને બનાવે છે, જેથી લોકોને તેના શ્રેષ્ઠ ગુણોનો ફાયદો મળે.

આજે સમશાદબેન ગુલકંદની સાથે-સાથે ગુલાબજળ પણ બનાવે છે. તેમનાં બનાવેલ આ ઉત્પાદનોની સારી ગુણવત્તાના કારણે માંગ પણ એટલી વધતી જાય છે કે, ઘણીવાર તેમનાં ઉત્પાદનો ખૂટી પડે છે, છતાં તેઓ ગ્રાહકોને થોડી રાહ જોવાનું કહે છે, પરંતુ ક્યારેય ગુણવત્તા સાથે સમાધાન નથી કરતાં.

જો તમને આ લેખ ગમ્યો હોય અને સમશાદબેનનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો તેમને 99248 97365, 9904232588 પર કૉલ કરો.

આ પણ વાંચો:9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.