મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યું થતાં યાદમાં ઊંઝામાં  શરૂ કરી ફ્રી ઑક્સિજન બેન્ક

મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યું થતાં યાદમાં ઊંઝામાં  શરૂ કરી ફ્રી ઑક્સિજન બેન્ક

મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યુ થતાં તેના મિત્રો યાદગીરી રૂપે ઊંજામાં વર્ષ 2013 થી ચલાવે છે ફ્રી ઑક્સિજન બેન્ક. એટલું જ નહીં પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગોને સક્ષમ બનાવવા ખાસ કેર સેન્ટર ચલાવે છે લાલાભાઈ.

પોતાની માનવતાવાદી લોકોની શ્રેણીમાં માનવતા રૂપી માળામાં એક નવું મોતી પરોવવા આજે ધ બેટર ઇન્ડિયા ફરી એક એવી જ વાત લઈને તમારી સમક્ષ હાજર થયું છે.

આ વાત છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં 18 મિત્રોના શરૂઆતના પ્રયત્નો અને આજે જે તે સેવાભાવી લોકોના અનુદાન દ્વારા ઉભા થયેલ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી બે પહેલની કે જેણે ઘણા લોકોની અંધકારમય જિંદગીમાં ઉજાસ પાથરવા પ્રયત્ન કર્યો છે.

ધ બેટર ઇન્ડિયા સાથે આ સંસ્થાની સ્થાપનાથી લઈને અત્યારે પણ ખુબ લાગણી સાથે કાર્ય કરતા લાલાભાઇ પટેલે સંસ્થાની સ્થાપનાના હેતુથી લઈને તેના દ્વારા પ્રારંભ કરવામાં આવેલા આ બંને કાર્યની વિધિવત વાત કરી હતી. સાથે સાથે તેમણે સંસ્થા દ્વારા કરવામાં આવતા માનવતાવાદી કાર્યોને પણ આલેખ્યા હતા તો ચાલો તે વિશે થોડું સવિસ્તાર જાણીએ.

પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત આ લોકો બે કાયમી પ્રોજેક્ટ ચલાવે છે જેમાં એક કમલેશ પી કે પટેલ ઓક્સિજન સેન્ટર અને બીજું દિવ્યાંગ બાળકોના વિકાસ અને વૃદ્ધિ માટે માનવ મંદિર ડે કેર સેન્ટર.

Free Oxygen Bank

કમલેશ પી કે પટેલ ઓક્સિજન સેન્ટર
આ સંસ્થા શરુ કરવા પાછળનું કારણ જણાવતા લાલાભાઇ જણાવે છે કે તેમના એક મિત્રને લાંબા સમય સુધી ફેફસાની કોઈક બીમારીના કારણે દિવસના ઘણા કલાકો સુધી ઓક્સિજન મશીન પર જ રહેવું પડતું હતું અને અચાનક એક દિવસ તે મિત્રના અવસાનથી લાલાભાઇ અને બીજા મિત્ર વર્તુળે પોતાના મિત્રની યાદગીરીમાં તેને એક નક્કર શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી તેના જ નામે બીજા એવા લોકો કે જે આ રીતની ફેફસાની સમસ્યાના કારણે હેરાન થતા હોય તેમના માટે ઓક્સિજન મશીન તેમજ બોટલ વિનામૂલ્યે આપવાની શરૂઆત 6/12/2013 માં આ સેન્ટર સ્થાપીને કરી.

આ સંસ્થાની સ્થાપના માટેની શરૂઆત ત્રણ મશીન દ્વારા કરવામાં આવી. જેમાંથી એક સદ્દગત કમલેશભાઈનું ઓક્સિજન મશીન, બીજું ગ્રુપના બે મિત્રોએ ભેગા થઈને વસાવ્યું અને ત્રીજું 18 મિત્રોએ પોતાના પૈસે લાવીને. આ મશીનની કિંમત 60,000 રૂપિયા છે અને તેને અમેરિકાથી મંગાવવામાં આવેલ છે. અત્યારે લોકો સહયોગના જોરે તેમની પાસે 125 ની આસપાસ ઓક્સિજન માટેના મશીનો ઉપલબ્ધ છે જે દરેકે દરેક જે તે જરૂરિયાતવાળા વ્યક્તિઓને ઉપયોગ માટે આપવામાં આવેલા છે.

Medical Help

આમ, છેલ્લા આઠ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને તેમની હાલની ઓફિસ ઊંઝામાં મહાવીર કોમ્પલેક્ષ ખાતે આવેલ છે. આ સિવાય તેઓ આગળ કહે છે આ રીતની જ સેવાકીય પ્રવૃત્તિ નાનાપાયે તેમણે આસપાસના 25 ગામડા અને શહેરમાં કરાવડાવી છે.

આ મશીન જે તે વ્યક્તિના સગા સંબંધી અથવા તેઓ જો બહારના હોય તો તેમના ઊંઝા ખાતેના ઓળખીતા કોઈ વ્યક્તિ  તેમની ઓફિસ પર આવી એક ફોર્મ ભરી ઉપયોગ માટે લઇ જઈ શકે છે. હાલ તેમણે આ મશીનો છેક રાજસ્થાન સુધી વિનામૂલ્યે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર વપરાશ માટે આપેલા છે.

કેટલા સમયગાળા માટે તમે આ મશીનોને ઉપયોગમાં આપો છો તે પ્રશ્ન પૂછતાં લાલાભાઇ કહે છે કે જો દર્દીને દિવસના પાંચ કલાક કરતા પણ વધારે સમય માટે આ મશીન દ્વારા મળતા ઓક્સિજન પર નિર્ભર રહેવું પડતું હોય તો તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકે છે અને અત્યારે હાલ અમારી પાસે એવા 20 દર્દીઓ છે જેમને દિવસના 20 થી 22 કલાક સુધી આ મશીનો પર જ નિર્ભર રહેવું પડે છે.

કરોનાના સમયે આ પ્રવૃત્તિ અંતર્ગત તેમની સંસ્થાએ સતત 24 કલાક ખડેપગે ઉભા રહી લોકોની સેવા માટેની કામગીરી કરી હતી જેમાં તેમણે તેમની પાસે ઉપલબ્ધ આ મશીનો ઉપરાંત ઓક્સિજનની 55 જમ્બો બોટલ લાવેલા અને સાથે સાથે તેની નાની બોટલો પણ વસાવેલી. આ રીતે તેમણે જ્યાં સુધી પહોંચી શકાય અને યથાશક્તિ જેટલા પણ લોકોને મદદ કરી શકાય તેટલા લોકોને મદદ પહોંચાડી હતી.

આ દરેક મશીનો જે ઉપલબ્ધ છે તેમની પાસે તે બગડે તો તેને ફરી ઠીક કરાવવું પડે છે અને તે માટે અંદાજે દર વર્ષે બધા જ મશીનોને ધ્યાનમાં લઈએ તો વાર્ષિક 2 થી 3 લાખ આસપાસનું બજેટ રાખવું જ પડે છે.

Help Mentally Ill People

માનવ મંદિર ડે કેર સેન્ટર
ઓક્સિજન સેન્ટરની સફળતા પછી સંસ્થાના એક ટ્રસ્ટી તુષારભાઈને દિવ્યાંગ લોકો માટે કંઈક કરવાનો આશય વર્ષોથી હતો જેથી તેમણે સંસ્થા સમક્ષ 2014 માં તેમની વાત મૂકી અને તેના ફળ સ્વરૂપે 2015  માં માનવ મંદિર ડે કેર સેન્ટરની શરૂઆત ઊંઝા વિસનગર હાઇવે પર કરવામાં આવી.

શરૂઆતમાં ફક્ત સાત બાળકોથી પ્રારંભ થયેલ સંસ્થામાં અત્યારે 42 દિવ્યાંગ બાળકોના વૃદ્ધિ વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં  તે બાળકોને રોજિંદી ક્રિયાઓ પોતાની મેળે જ કરે તે બાબતની તાલીમ આપવાથી લઇ તેમનું જીવન ધોરણ સુધારવું, તેમને કમાણી કરવાનો ચાન્સ આપી મહદંશે આત્મનિર્ભર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

આ માટે એક ચોક્કસ દૈનિક ટાઈમ ટેબલ પ્રમાણે કામ થાય છે અને તે માટે આઠ લોકોનો સ્ટાફ પણ રાખવામાં આવેલ છે જેમાં ત્રણ શિક્ષકો, બે ફિઝિયોથેરાપિસ્ટ, 2 ડ્રાઈવર અને 1 રસોઈ બનાવવા માટેના બહેનનો સમાવેશ થાય છે.

સવારે  6:30 કલાકે આજુબાજુના ગામમાં દિવ્યાંગ બાળકોને તેમના ઘરેથી લઇ આવવા માટે બસની વ્યવસ્થા છે. બાળકોના આગમન સાથે જ 7:30 કલાકે પ્રાર્થના કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ગરમ દૂધ કે હળવો નાસ્તો પીરસવામાં આવે છે.

આ કાર્ય પૂર્ણ થયા પછી જે કોઈ પણ બાળકને જે તે જરૂરિયાત અંતર્ગત અલગ અલગ વિભાગમાં મોકલવામાં આવે  છે જેમકે અમુક ને લખવા વાંચવાનું શીખવવાનું હોય તો કેટલાકને નિયમિત ફિઝિયોથેરાપી સેશન હોય તો કેટલાક સંગીતના ક્લાસ અટેન્ડ કરે તો ઘણા બાળકો કે જેમને રોજિંદી ક્રિયામાં તકલીફ હોય તો તે માટે ના ક્લાસ માટે મોકલવામાં આવે છે.

આ માટે સંસ્થામાં ચાર રૂમ છે અને ત્યાં આ ઉલ્લેખ કર્યો તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. તે પૂરું થયા પછી 11:30 એ તેમને ફરી જમવાનું આપવામાં આવે છે અને 12 વાગ્યા પછી અડધો કલાક સંગીત માટે ફાળવેલ હોય છે જેમાં 12:30 સુધી બધા બાળકો ડાન્સ કરે છે અને ગરબા ગાય છે. 12:30 થતા દરેક બાળકોને ફરી બસ દ્વારા પરત ઘરે મૂકી આવવામાં આવે છે.

આમ આ બધી પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થાએ બે વિદ્યાર્થીઓને નોર્મલ સ્કૂલમાં ભણતા કર્યા છે તથા નેવું ટકા બાળકોને કે જેઓ રોજિંદી ક્રિયાઓ જેવી કે કપડાં પહેરવા અને પોતાની જાતે જમવું વગેરે નહોતા શકતા તેમને તે ક્રિયાઓ પોતાની મેળે જ કરતા કર્યા છે.

Help Mentally Ill People

આ ઉપરાંત સંસ્થા દ્વારા દરેક બાળકને અગરબત્તી બનવવા પેટે દર મહિને સ્ટાઈપેન્ડ રૂપે  650 રૂપિયા આપવામાં આવે છે અને તે અગરબત્તીના વેચાણ દ્વારા મળતા નફાને પણ આ જ દિવ્યાંગ બાળકોમાં જ વહેંચવામાં આવે છે. એ સિવાય શહેરમાંથી જે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિને આ અગરબત્તી વેચવા માટે લઇ જવી હોય તેને આ અગરબત્તી પડતર કિંમતે આપીને તે પણ થોડું ઘણું કમાઈ શકે તે રીતે આડકતરી મદદ કરવાનો આશય પણ અમલમાં મુકવામાં આવેલ છે.

આ સંસ્થા વિનામૂલ્યે આ બાળકોના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે અને તેમાં તેઓ ગણવેશ સુધી બધું ફ્રી આપે છે તથા દિવાળીમાં ગરીબ છોકરાઓને નવા કપડાં પણ સંસ્થા જ અપાવે છે. આ કાર્ય માટે સંસ્થાને દર મહિને 60 થી 70 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે.

પર્યાવરણીય કામગીરી
લાલાભાઇ કહે છે કે અમારા ગ્રુપની શરૂઆત આમ તો 15 વર્ષ પહેલા વૃક્ષારોપણથી જ શરુ કરેલું. અત્યારે માનવ મંદિર સ્કૂલમાં જુદા જુદા પ્રકારના 500 થી 700 ઝાડ વાવેલા છે અને તેની માવજત શહેરના સિનિયર સીટીઝનના પાંચ લોકોના ગ્રુપ દ્વારા થાય છે.

લાલાભાઇ તેઓ પોતે પણ દિવ્યાંગ છે, જન્મથી નથી પણ સાત વર્ષના હતા અને પગે તકલીફ થઇ તેના કારણે દિવ્યાંગ થયા તથા તે કારણે તેમણે નાના મોટા સત્તર ઓપરેશન કરાવેલા છે. તેઓ માને છે કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિએ પોતાની આ દિવ્યાંગતા પર નાનપ ન અનુભવવી જોઈએ પરંતુ એક સકારાત્મક મનોબળ સાથે જિંદગીની આ રેતી પણ ઢસડાયા વગર પગલાંની છાપ પડી પોતાની હાજરી નોંધાવવા માટે નક્કર પ્રયત્ન કરવા જોઈએ.

ધ બેટર ઇન્ડિયા પરિવાર પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના આ બંને કાર્યોને હૃદય પૂર્વક બિરદાવે છે અને વાચકોને અપીલ કરે છે કે જો કોઈને ઓક્સિજન મશીનની જરૂર હોય અથવા જો કોઈ માનવ મંદિર સંસ્થાને મદદ કરવા માંગતું હોય તો તે લાલાભાઇના 9978999198 નંબર પર સંપર્ક કરી પૂછપરછ કરી શકે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: સમાજસેવાને પોતાનું જીવન મંત્ર બનાવનાર એક સાચો સમાજ સેવક, લાલજીભાઈ 24 વર્ષથી 1 પણ રજા વગર કરે છે નિસ્વાર્થ સેવા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X