અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ

રખડતાં કૂતરાંને જમાડવાથી લઈને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવો, જેથી રાત્રે એક્સિડન્ટનો ભોગ ન બને અને ઘાયલ કૂતરાંની સારવાર સહિતનાં કામ કરે છે અમદાવાદની ઝંખના

zankhana shah

zankhana shah

નાનપણથી જ પોતાના પિતાને રહેઠાણની આજુબાજુના કુતરાઓને ભોજન કરાવતા જોઈ ઝંખનાબેનમાં પણ પિતાના આ કાર્યથી જીવદયા ઉદ્ભવી. અત્યારે અમદાવાદના વાસણમાં રહેતા ઝંખનાબેન કરુણા ચેરીટેબલ ટ્રસ્ટનું એક મૂળભૂત અંગ છે તથા તેઓ છેલ્લા 21 વર્ષથી જીવદયાના આ ક્ષેત્રમાં નિઃસ્વાર્થભાવે કાર્યરત પણ છે.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે મેં જયારે તેમને ફોન કર્યો ત્યારે તેઓ પોતાની માતાની દેખભાળ માટે હોસ્પિટલમાં હતા અને તેમની માતાને ICU માં દાખલ કરવામાં આવેલા હતા. છતાં પણ તેવી પરિસ્થિતિમાં એકદમ હકારાત્મક રીતે ઝંખનાબેને બધી માહિતી સુવ્યવસ્થિત તથા સ્વસ્થ રીતે ધ બેટર ઇન્ડિયાને જણાવી હતી.

આ પણ વાંચો: એક કશ્મીરી પંડિત પરિવાર, જે પોતાનું બધુ જ ગુમાવી બન્યો છે 360 મૂંગા પ્રાણીનો આધાર

આજથી 21 વર્ષ પહેલા સન 2001 માં ઝંખનાબેને સ્પાઈનલ ઇન્જરી વાળા બે ત્રણ કુતરાઓને જોયા, આ કૂતરાઓની હાલત એવી હતી કે સામાન્ય રીતે જમવામાં પણ તેમને તકલીફ પડતી હતી. આ જોઈને ઝંખનાબેને પોતાના વિસ્તારની આજુબાજુ આવા કુતરાઓને શોધી શોધી તેમની દેખભાળ કરવાની શરુઆત કરી. ધીમે ધીમે તેઓ આ કાર્યમાં એટલા ઓતપ્રોત થઇ ગયા કે જોત જોતામાં આજે તેમણે શરૂ કરેલા આ કાર્યને 21 વર્ષ પસાર થઇ ગયા છે. જીવદયાના આ કાર્યમાં કોઈ ઉણપ ન રહે તે માટે એક સમયે તેમણે પોતાને મળતી સરકારી નોકરી પણ ઠુકરાવી દીધી અને સમગ્ર જિંદગી ફક્ત જીવદયા માટે જ સમર્પિત કરી.

કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત અત્યારે ઝંખનાબેન કુતરાઓ તેમજ બીજા કોઈ પણ પ્રાણી પક્ષીઓ માટે જરૂરી દરેક સહાય અપાવવા પ્રયત્ન કરે છે. તેઓ સ્વેચ્છાએ દરેક માંદગી ધરાવનાર જીવને વેટરનરી ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ અપાવડાવે છે, તથા કોથળામાં કતરણ ભરી શિયાળા દરમિયાન શ્વાનોને ઠંડીના લાગે તે માટે વિવિધ જગ્યાએ તે હૂંફાળા કોથળાઓ ગોઠવે છે સાથે સાથે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા ભંડોળથી દર મહિને લગભગ 20 હજાર ખર્ચી શ્વાનોને એકલા હાથે જમાડે છે. તેમણે આસપાસના શ્વાનોને ગાળામાં રેડિયમ બેલ્ટ પણ પહેરાવ્યા છે કે જેના કારણે રાત્રી દરમિયાન વાહન ચાલકને શ્વાન રસ્તા પર હોય તો દેખાઈ આવે જેથી ઍક્સિડન્ટની સંભાવના એકદમ ઘટી જાય અને બંનેની જિંદગી બચી શકે.

આ ઉપરાંત તેઓ વિવિધ રચનાત્મક કર્યો દ્વારા લોકોને પ્રાણીઓ પ્રત્યે જીવદયા રાખવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. તેમનો પ્રાણી અને પક્ષીઓ માટેનો આ  પ્રેમ એટલો અજોડ છે કે જો તમે ઝંખનાબેનના મોઢે તેઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે સાંભળો તો તેમનામાં રહેલ એક ખરા જીવદયા પ્રેમીની અલગ છાપ આપોઆપ તમને પણ અનુભવાય છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ઝંખનાબેન જણાવે છે કે તેઓ હજી આગળ ઘણું કરવા ઈચ્છે છે પણ ફંડિંગના અભાવે કામ થઇ રહ્યું નથી. અમે જયારે તેમને પૂછ્યું કે નજીકના ભવિષ્યમાં તમે કઈ કઈ કામગીરી કરવા ઈચ્છો છો તો તેમણે જણાવ્યું કે અમારે બધા શ્વાનો માટે નહીં પરંતુ સ્પાઈનલ ઇન્જરી ધરાવતા અને કોઈ ગંભીર બીમારી ધરાવતા પ્રાણીઓ માટે એક વ્યવસ્થિત શેલ્ટરની જરૂર છે અને તે માટે એક ચોક્કસ જગ્યાની પણ જ્યાં અમે તે પ્રાણીઓને રાખી અને દેખભાળ કરી શકીએ કેમ કે આવા ઘણા પ્રાણીઓ માર્ગ અકસ્માતમાં કે બીજી કોઈ રીતે શેલ્ટરના અભાવે મૃત્યુ પામે છે. બીજી વાત તેમણે એ કરી કે જો કોઈ દાતા તરફથી ઇકો જેવી ગાડી દાન આપવામાં આવે તો તેનો ઉપયોગ તેમની સંસ્થા દ્વારા પ્રાણીઓ માટેની રાત્રી એમ્બ્યુલન્સ તરીકે થઇ શકે છે.

આ ઉપરાંત તેઓ જણાવે છે કે લોક સહયોગ જો વધારે મળે તો તેઓ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત આ દિશામાં હજી પણ વધારે સારી રીતે કામ કરી શકે. જો તમે કરુણા ચેરીટેબલ ટ્રસ્ટને ફૂલ નહીં તો ફૂલની પાંખડી લેખે પણ કંઈ મદદ કરવા ઇચ્છતા હોવતો ટ્રસ્ટના નીચે આપેલા નંબર પર કોલ કરી સંપર્ક કરી શકો છો.

કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ : 8000501861

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વડોદરાના યુવાને રખડતાં કૂતરાં માટે શેલ્ટર બનાવી શરૂ કર્યું ખવડાવાનું, 50 શ્વાનની રાખે છે સંભાળ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe