Placeholder canvas

બેન્ક મેનેજરની નોકરી છોડી ખેતી કરનાર યુવાન મૂલ્યવર્ધન & માર્કેટિંગ દ્વારા કમાય છે સારો નફો

બેન્ક મેનેજરની નોકરી છોડી ખેતી કરનાર યુવાન મૂલ્યવર્ધન & માર્કેટિંગ દ્વારા કમાય છે સારો નફો

રાજકોટના ચિરાગ શેલડીયાએ બેન્ક મેનેજરની વ્હાઈટ કૉલર નોકરી છોડી ઑર્ગેનિક ખેતી શરૂ કરી. આજે 10 લોકોને રોજી આપવાની સાથે કમાય છે અઢળક નફો. દેશ-વિદેશમાં જાય છે ઉત્પાદનો.

આધુનિક યુગમાં યુવાપેઢીને ગામડાનું જીવન નકામુ લાગે છે અને દરેક વ્યક્તિને મેટ્રો સિટીમાં રહી પોતાનું જીવન પસાર કરવું છે. 21મી સદીના યુવાનોનું માત્ર એક જ સપનું હોય છે કે, તેઓ ઉચ્ચ અભ્યાસ કરી એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે અથવા પોતાનો બિઝનેસ કરી ખૂબ પૈસા કમાઈ સારી લાઈફસ્ટાઈલ મેળવે, પણ જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામમાં રહેતા અને MBA(માર્કેટિંગ) નો અભ્યાસ કરેલ ચિરાગ રમણીકભાઈ શેલડીયાએ તો કંઈક અલગ જ દિશામાં પોતાના સપનાની ઉડાન ભરી છે. ચિરાગે બેંકની સારી એવી નોકરી છોડી બાપ-દાદાની વારસાગત ખેતીમાં આગળ વધવાનું નક્કી કર્યુ છે. એસી, ઓફિસ અને સૂટ-બૂટ પહેરવાની જગ્યાએ આજે આ યુવાન પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને પોતાની પ્રોડક્ટને દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે. પહેલાથી જ ખેડૂત પરિવારમાં ઉછેર થયો હોવાથી ખેતી પ્રત્યે ખૂબ લગાવ હતો અને શોખ પણ હતો. જેથી તેમણે ખેતીને એક બિઝનેસનું સ્વરૂપ આપી દીધુ અને પોતાના શોખને પ્રોફેશન બનાવી દીધો. ચિરાગભાઈ વર્ષ 2016થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2013 થી 2016 સુધી જૂનાગઢમાં બેન્કમાં આસિસટન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા.

View Post

યોજના કેવી રીતે બનાવી?
ચિરાગ જણાવે છે કે, બિઝનેસમાં અભ્યાસ હોવાથી પહેલાથી જ મગજમાં હતું કે પોતાનો જ ધંધો કરવો છે. જેથી નોકરી કરતા-કરતા સર્વે કર્યો કે, ખેતીમાં શું નવીન કરીએ તો આપણે પણ સફળ થઈ શકીએ. કારણ કે, આજે ખેડૂતો ખેતીને પડતી મૂકવા લાગ્યા છે. મૂકવાના કારણો શું છે ? તો જોવા મળ્યુ કે, કારણ ઘણાબધા છે, જેમાં પાણીનો પ્રશ્ન, સરખા ભાવ ન મળવા, ખર્ચ વધારે વગેરે… આ બધા પ્રશ્નોનું સોલ્યુશન એવુ મળ્યું કે, આપણે એવો પાક પસંદ કરીએ જે ઓછા પાણીએ અને નબળી જમીનમાં ઉત્પન્ન થઈ શકે. બાદમાં ભાવનો પ્રશ્ન હતો? તો તેમાં વિચાર કર્યો કે, આપણે આપણી જ પ્રોડક્ટ બનાવીએ અને તેનું જાતે જ પ્રોસેસિંગ કરી ખુદની જ MRP નક્કી કરી પ્રોડક્ટ વેંચવાની. આ બધુ વર્કઆઉટ કરી પ્લાનિંગ કર્યુ અને ઓર્ગેનિક ખેતીના શ્રી ગણેશ કર્યા… પ્રથમ વર્ષ 2016માં 7 વિઘામાં સરગવાનું વાવેતર કરી તેનું પ્રોસેસિંગ સ્ટાર્ટ કર્યું જેમાં સરગવાનો પાન પાવડર, સિંગ પાવડર, કાચરી વગેરે બનાવી તેનું વેચાણ કર્યું. પ્રથમ વર્ષે સામાન્ય નફો મળ્યો હતો પણ હિમ્મત હાર્યા વગર બીજા વર્ષે પણ ચાલુ જ રાખ્યુ અને થોડુ ઈનોવેશન કર્યુ….

Organic Farming In Gujarat by Chirag Sheladiya

ખેતી જ શા માટે પસંદ કરી?
ચિરાગ પટેલ જણાવે છે કે, ખેતી પસંદ કરવાનું કારણ છે કે, પ્રથમ તો પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે રહી શકીએ અને બધુ શુદ્ધ અને નેચરલ વસ્તુ ખાઈ શકીએ. કારણ કે, જો કોઈ બીજો બિઝનેસ હોત તો તેને હું મારા ઘરેથી સંભાળી શકત નહી અને મારા પરિવાર સાથે પણ રહી શકત નહી. સાથે જ બાપ-દાદાના ધંધાને પણ એક અલગ દિશામાં લઈ જઈ શક્યો અને જમીન પણ સારી રીતે સચવાઈ શકે. ભણીગણીને ખેતી તરફ પ્રયાણ કર્યું ત્યારે સમાજ અને સંબંધીઓ પણ મને પાગલ કહેતા હતા. પરિવારને પણ કહેતા હતા કે, ખેતી જ કરવી હતી તો આટલો ખર્ચો કરી ભણાવ્યો શું કામ? પણ હવે આ લોકો જ વખાણ કરે છે કે, સારું કામ કરે છે. ચિરાગભાઈ પાસે કુલ 30 વીઘા જમીન છે.

પશુપાલન પણ કરે છે…
ઓર્ગેનિક ખેતીની સાથે ચિરાગ પશુપાલન પણ કરે છે. તેમની પાસે અત્યારે કુલ 6 ગાય છે. જેમાંથી મળતા દુધનું પણ પ્રોસેસિંગ કરવામાં આવે છે. જેમાંથી તેઓ ઘી અને છાસ બનાવી તેનું વેંચાણ કરે છે. ઘીના દર મહિનાના ફિક્સ ગ્રાહક છે અને બાય પ્રોડક્ટમાં જે છાસ નીકળે તેનું પણ વેચાણ કરવામાં આવે છે. આ ગાયનું ઘી યુકે, પૂણે અને ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ જેવા સિટીમાં મોકલવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ચિરાગભાઈનું આ ટોટલ માર્કેટ ફેસબુક થકી જ ચાલે છે. ચિરાગભાઈની બધી પ્રોડક્ટ ઉત્તરપ્રદેશ, પુણે, રાજસ્થાન, તમિલનાડુના કોઈમ્બતુર, મધ્યપ્રદેશમાં પણ જાય છે. ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં ઓર્ગેનિક સ્ટોરમાં અને ગુજરાતના દરેક સિટીમાં પણ સપ્લાય કરવામાં આવે છે.

Farm Produce And Marketing

પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીમાં ફરક શું?
ચિરાગભાઈ કહે છે કે, પ્રથમ રાસાયણિક ખેતીના પાકમાં જે કેમીકલ અને પેસ્ટ્રીસાઈડનો વપરાશ થાય છે તેનાથી જમીનની ફળદ્રુપતા જોખમમાં મૂકાય છે અને પાણી પણ પ્રદુષિત થાય છે. આ કારણે, પાકનું પ્રોડક્શન ઓછુ થાય છે અને ક્વોલિટીવાળો માલ થતો નથી. જેનાથી લોકોના શરીરમાં વિટામિન અને કેલ્શીયમની ખામી વગેરે જેવી વિવિધ બિમારીઓ જોવા મળે છે. સાથે જ ખેતરમાં જે ઘાસચારો ઉત્પન્ન થાય છે તે કોઈ પશુ ખાય તો તેને પણ લાંબાગાળે આડઅસર થાય છે અને ખેત મજૂરને પણ દવા છંટકાવ કરવાથી હેલ્થ પ્રોબ્લેમ આવે છે. તેની સામે ઓર્ગેનિક ખેતીમાં ફાયદો એ છે કે, આમા પ્રકૃતિને સાથે લઈને ખેતી કરવાની છે. ઉલ્લેખનીય છે કે, ખેતીમાં 70 થી 80 ટકા જંતુઓ એવા છે જે ખેડૂતને મિત્ર કિટક તરીકે મદદ કરે છે. જેમ કે, અળસિયું જમીનનું ખેડાણ કરે છે, મધમાખી ફલીકરણ કરે છે. બીજા જંતુઓ એવા છે જે નુકસાનકરતી જીવાતને ખાઈ જાય છે. તેની સામે રાસાયણિક ખેતીમાં તમામ જીવાત મરી જાય છે, ત્યાં અળસિયું પણ જીવતુ નથી.

કંઈ-કંઈ પ્રોડક્ટ છે અને તેનો ફાયદો શું?
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પન્ન થતી બધી વસ્તુ ટેસ્ટવાળી અને લાંબા સમય સુધી ચાલે છે. આ વસ્તુનું સેવન કરવાથી લોકોની હેલ્થ પણ સારી રહે છે અને ગંભીર બીમારીઓના શિકાર થવાથી પણ બચી શકાય છે. તેમની પાસે પ્રોડક્ટ સરગવાનો પાન પાવડર, સરગવા શીંગ કાચરી, સરગવા ટેબ્લેટ, હળદર પાવડર, હળદર ટેબ્લેટ, દેશી મરચું પાવડર, દેશી પીળા ચણા, સફેદ નાના ચણા, સફેદ મોટા ચણાં, કાળા દેશી ચણા, લીલા દેશી ચણા, મેથી અને ચણા દાળ જેવી પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

Farm Produce And Marketing

ચાલુ વર્ષે ક્યા-ક્યા પાક લીધા છે?  
આ વર્ષે કુલ 30 વીઘામાં પ્રાકૃકિત ખેતી કરી છે. જેમાં 7 વીઘામાં સરગવો અને તેની સાથે મિક્સ પાકમાં 4 વીઘામાં હળદર અને 1 વીઘામાં દેશી મરચું વાવ્યુ છે. સાથે જ શેઢા-પાળાની ખાલી જગ્યા પરથી પણ વધારાની આવક લઈ શકાય તે હેતુથી બાઉન્ડ્રી પર 400 કરમદાના છોડનું વાવેતર કર્યુ છે. જેથી અન્ય પશુ ભૂંડ-રોઝ જે ખેતીના પાકને નુકસાન કરે છે તેને અટકાવી શકાય છે. સરગવાની વચ્ચે 300 સીતાફળના ઝાડ, 150 જામફળના ઝાડ છે. બાકી ઘરની જરૂરિયાત પુરતા બધા જ શાકભાજી પણ છે. બીજુ ખેતર 11 વીઘા છે. જેમાં 6 વીઘામાં સફેદ ચણા જે ફરસાણની વેરાયટી છે જેનો લોટ અને દાળ બનશે. 2 વીઘામાં લીલા ચણા, 2 વીઘામાં કાળા ચણા, 1 વીઘામાં કાબુલી ચણા તેની સાથે મિક્સ પાકમાં પારા પર મેથીનો પાક, 8 વીઘામાં દેશી ચણા અને 1 વીઘામાં વટાણા છે. ઉલ્લેખનિય છે કે, ચિરાગભાઈને અત્યારથી જ 70 થી 80 ટકા સુધીનું મટીરીયલ્સના એડવાન્સ ઓર્ડર મળી ગયા છે. આ બધી પ્રોડક્ટનું પ્રોસેસિંગ પણ ઘરે જ કરવામાં આવે છે અને તેના માટે જરૂરિયાત પુરતી બધી મશીનરી તેમની પાસે ઉપલબ્ધ છે.  હળદરની વાત કરીએ તો, તેને જમીનમાંથી કાઢ્યા બાદ શુદ્ધ પાણીથી સાફ કર્યા બાદ વેજીટેબલ કટરમાં ચીપ્સ કરી તેને ડ્રાય કરી પાવડર બનાવવામાં આવે છે. બાદમાં ઘરે જ તેનુ પેકિંગ કરી સિલ લગાવવામાં આવે છે. એટલે કે, લેબલ લાગી જાય છે. હળદરમાં 100 ગ્રામથી  લઈને 1 કિલો સુધીના પેકિંગ કરવામાં આવે છે. સાથે જ બીજી વસ્તુનું પણ પ્રોસેસિંગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે.

Value Addition In Farming

કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
MRP ની વાત કરીએ તો, ચિરાગભાઈની માર્કેટ પોલીસી એકદમ અલગ છે. જેમાં તેઓ ત્રણ રીતે વેંચાણ કરે છે. પ્રથમ જથ્થાબંધમાં વેચાણ કરવામાં આવે છે. બીજામાં સેમિ હોલસેલ અને ત્રીજુ સીધું ગ્રાહકને વેંચાણ કરવામાં આવે છે જેમાં ખાવાવાળો વર્ગ છે તે 1 થી 5 કિલો સુધીના પેકિંગવાળા ગ્રાહક હોય  છે. ઉલ્લેખનીય છે કે, ચણા, હળદર બધું વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. સાથે જ ચિરાગભાઈ માર્કેચમાં માગ કેવી છે તે પ્રમાણે વાવેતર કરે છે. જેમાં ગ્રાહકને કંઈ વસ્તુની વધારે જરૂરિયાત છે તેના પર ભાર આપવામાં આવે છે.

બિયારણ ક્યાંથી લાવો છો?
પ્રાકૃતિક ખેતીના ગૃપમાં જાણીતા ખેડૂત હોય તેમની પાસેથી જ બિયારણ ખરીદવામાં આવે છે. બાદમાં આગામી વર્ષે તે જ રોટેશન પ્રમાણે ચાલુ રહે છે. ઓર્ગેનિક ખેતીમાં મજૂરી ખર્ચ વધારે લાગે છે કારણ કે, નિંદામણનાશક દવાઓનો વપરાશ કરી શકતા નથી એટલે હાથથી નિંદામણ કરવું પડે છે.

પ્રાકૃતિક ખેતીની રીત ક્યાંથી શીખી?
ચિરાગભાઈ સુભાષ પાલેકર ખેતી સાથે પણ જોડાયેલ છે. તેમણે વર્ષ 2017માં ટ્રેનિંગ પણ લીધી છે. જોકે, તેઓ વધારે પડતી ખેતી તો ઓનલાઈન વીડિયો જોઈને જ શીખ્યા છે અને તેઓ સમયે-સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી માહિતી પણ મેળવતા રહે છે. જેથી તેઓ પણ પોતાની ખેતીમાં હંમેશા કંઈક-કંઈક નવા પ્રયોગો કરતા રહે. જેથી આજે ઘણા ખેડૂતો ચિરાગભાઈ પાસે પ્રાકૃતિક ખેતી માટે સલાહ લેવા માટે ફોન પણ કરે છે અને રૂબરૂ મુલાકાત પણ લે છે.

પરિવારનો સાથ કેવો મળે છે?
ચિરાગભાઈને દરેક કામમાં તેમનો પરિવાર હંમેશા સાથ આપે છે. ખેતીના દરેક કામમાં પણ તેઓ મદદ કરે છે. જણાવી દઈએ કે, ચિરાગભાઈ 10 લોકોને રોજગારી પણ આપે છે.

અત્યાર સુધી એવોર્ડ કેટલા મળ્યા છે?
ચિરાગભાઈને જેતપુર તાલુકામાં બે વખત બેસ્ટ ખેડૂતનો એવોર્ડ, JCI તરફથી પણ સમ્માન મળ્યુ છે, સુભાષ પાલેકર સંસ્થા તરફથી પણ એવોર્ડ, ગીરવેદા કંપનીએ પણ એવોર્ડ આપ્યા છે. સાથે જ ગાંધીનગરની આત્મા સંસ્થા તરફથી પણ સમ્માન મળ્યું છે. બેસ્ટ આત્મા ફાર્મરમાં જિલ્લા કક્ષાએ નોમિનેશન પણ થયુ છે.

પાકમાં રોગ આવે તો શું કરો છો?
ચિરાગભાઈ જણાવે છે કે, પાકમાં જ્યારે રોગ-જીવાત આવે ત્યારે તેઓ નિમ ઓઈલ એટલે કે લીમડાનું તેલ, છાસ, અગ્નિઅસ્ત્ર વગેરેનો ઉપયોગ કરવામાં આવે  છે. આ બધા એક ઔષધીના દ્વાવણ હોય છે. કોઈ કડવી ઔષધી છે તો તેનો છંટકાવ કરવામાં આવે તો જીવાત મરી જાય છે. જીવામૃતનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

Value Addition In Farming

યુવાપેઢીને શું સંદેશ આપવા માગો છો.
ચિરાગભાઈ આજની યુવાપેઢીને જણાવે છે કે, ‘ખેતીને મજબૂરી નહી પણ મજબૂતીથી કરો’. જો ખેતીને શોખ બનાવી કરશો તો ચોક્કસ સફળતા મળશે. સાથે જ 21મી સદીમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો પણ ભરૂપર ઉપયોગ કરો. જો પ્રાકૃતિક ખેતી અપનાવો છો તો સીધા ગ્રાહક સુધી પહોંચો. જેથી તમને પણ નફો સારો મળી રહે. તેમનું કહેવું છે કે, વિશ્વનો કોઈપણ ધંધો એવો નથી કે જેમાં જેટલુ ઈનપુટ નાખો તેનાથી વધારે આઉટપુટ મળે પણ ખેતી જ એક એવી વસ્તુ છે જેમાં તમે 1 દાણો રોપો તો તેમાંથી 100 દાણા તમને પરત મળે છે. એટલે કે, વિશ્વનો એક જ વ્યવસાય એવો છે જેમાં ઈનપુટ ઓછુ નાખો તો પણ આઉટપુટ વધારે મળી રહે છે. જ્યાં સુધી પૃથ્વી પર લોકોને પેટ ભરવાની જરૂરિયાત ત્યાં સુધી ખેતીનો જમાનો રહેવાનો જ છે. એટલે આ ધંધો ક્યારેય પણ બંધ થવાનો નથી.  

લોકોનો અભિપ્રાય કેવો છે?
ચિરાગભાઈની દરેક પ્રોડક્ટ લોકોને પણ ખૂબ જ ગમે છે અને દેશ-વિદેશમાથી ઓર્ડર મળે છે અને રિવ્યુ પણ સારા મળે છે. જો તમે પણ ચિરાગભાઈની પ્રોડક્ટ અને પ્રાકૃતિક ખેતીના વીડિયો અને ફોટો જોવા માગો છો તો માટે તમે ફેસબુક પેજ Nirja Naturals અને Nirja Farm- પ્રાકૃતિક ખેતી અને ઈન્સ્ટાગ્રામ પર nirja_naturals_ પર વીઝિટ કરી શકો છો. સાથે જ પ્રાકૃતિક અને શુદ્ધ વસ્તુનો ઓર્ડર કરવા માટે 9725771135 મોબાઈલ નંબર પર કોલ પણ કરી શકો છો અને ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવવા માટે પણ કોલ કરી શકો છો.

પ્રકૃતિના ખોળે રમવા અને પ્રાકૃતિક વાતાવરણનો આનંદ માણવા માટે એકવખત ચોક્કસ નિરજા ફાર્મની મુલાકાત લેજો….  

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઓછા પગારની નોકરીથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન અને ખેતી, મહિને કમાય છે દોઢ લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X