એક સમયે શિક્ષકની નોકરી કરતી વડોદરાની મહિલા કરે છે રોટલીનો વ્યવસાય, 8 મહિલાઓને આપે છે સ્વમાન સાથે રોજગાર

ટીચરની નોકરી પછી 6-7 વર્ષનો ગેપ પડ્યો, ફ્રી બેસવા કરતાં બિઝનેસનું કરવાનું વિચાર્યું, આજે 8 મહિલાને આપે છે રોજગારી

Meenaben Sharma

Meenaben Sharma

21મી સદીમાં મહિલાઓ પુરુષને સમોવણી થઈને દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક કામ કરી રહી છે. જોકે, દરેક વ્યક્તિ માટે પોતાના સ્થાયી કરિઅરમાંથી બીજા કરિઅરમાં જંપલાવવું સૌથી અઘરું માનવમાં આવે છે, પણ મૂળ જયપુરના અને હાલ વડોદરાના અકોટામાં રહેતાં મીનાબેન શર્માએ એક પ્રોફેશનમાંથી બીજા પ્રોફેશન શરૂઆત કરી સફળતા હાંસલ કરી એક ઉકૃષ્ટ ઉદાહરણ સમાજને પુરું પાડ્યું છે. પહેલાં શિક્ષિકા તરીકે બે વર્ષ નોકરી કર્યાં પછી મીનાબેને રેડીમેડ રોટલી બનાવવાનો બિઝનેસ શરૂ કર્યું. બે મહિલાઓ સાથે શરૂ કરેલો આ બિઝનેસ સફળ છે અને અત્યારે કુલ 8 મહિલાઓને મીનાબેન રોજગારી આપે છે. મનીબેને ધ બેટર ઈન્ડિયા સાથે તેમના સાહસ અને બિઝનેસ અંગે ખાસ વાત કરી.

મીનાબેને જણાવ્યું કે, 'મેં બે વર્ષ ટીચર તરીકે નોકરી કરી. આ પછી ઘરમાં નાનુ બાળક હોવાને લીધે 6-7 વર્ષનો ગેપ પડી ગયો. આ દરમિયાન હું સંપૂર્ણ ફ્રી હતી. મેં શરૂઆતથી કંઈકને કંઈક કામ કર્યું છે. જેને લીધે મને ફ્રી બેસી રહેવું જરાય પસંદ નહોતું. આ પછી મને લાગ્યું કે મારે કંઈક કરવું છે. જોકે, મારા પરિવારમાં કોઈ પ્રોબ્લેમ નહોંતો અને રૂપિયાની જરૂર પણ નહોંતી. બસ ખાલી સમયનો સદઉપયોગ મારે કરવો હતો એટલે મને વિચાર આવ્યો કે, આજકાલ રેડીમેડ રોટલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણી ઇન્ડસ્ટ્રીમાં કોન્ટ્રાક્ટરોને સારી રોટલી ના મળતાં તેઓ હેરાન પણ થતાં હોય છે. આ દરમિયાન મેં એકબે નાના-નાના ઇન્ડસ્ટ્રી એરિયામાં તપાસ કરી. જ્યાં રોટલીની ખૂબ જ ડિમાન્ડ હતી. આ પછી મને કોઈકે કહ્યું કે, તમે આ વીડિયો જુઓ. મશીન દ્વારા આવી રોટલી બને છે. આ પછી મેં નક્કી કર્યું કે મારે રેડીમેડ રોટલીનો બિઝનેશ શરૂ કરવો છે અને મેં MD કોર્પોરેશન ફર્મની શરૂઆત કરી.'

Vadodara Business Woman

બિઝનેસ શરૂઆત કરતાં 8 મહિનાનો સમય લાગ્યો
મીનાબેને તેમના સંઘર્ષ વિશે વાત કરતાં જણાવ્યું કે, 'રેડીમેડ રોટલી વેચવા માટે મેં સૌથી પહેલાં કસ્ટમર્સ શોધ્યા. હું બે-ત્રણવાર ઇન્ડસ્ટ્રી એરિયામાં વિઝિટ કરવા માટે ગઈ હતી. મેં કોન્ટ્રાક્ટરને એગ્રી કરવા માટે કહ્યું કે, હું તમને સારી ગુણવત્તાવાળી રોટલી બનાવીને આપું તો તમે મને ઓર્ડર આપશો? આમ ત્રણ-ચારવાર વાત કર્યાં પછી કોન્ટ્રાક્ટર્સે મને ઑર્ડર આપ્યો હતો. આ પછી મેં મશીન ઇન્સ્ટોલ કર્યું. જોકે, મેં એવું નક્કી કર્યું હતું કે, જે મશીન આવે તેનું કામ ઓર્ડર ના હોવાને લીધે રોકાય નહીં. અને મારું કામ ચાલું રહે. આ બધું કરવામાં મારે વિચારવાથી લઈને ઓર્ડર મળવા સુધી અંદાજે 8 મહિનાનો ટાઇમ લાગ્યો હતો. ત્યારબાદ હું રેડીમેડ રોટલીનો બિઝનેસ શરૂ કરી શકી હતી.'

પહેલો ઓર્ડર 1000 રોટલીનો મળ્યો હતો
મીનાબેને આગળ વાત કરતાં જણાવ્યું કે, 'મને પહેલો ઓર્ડર 1000 રોટલીનો મળ્યો હતો.' આ ઉપરાંત પોતાના રોટલી બનાવતા મશીન અંગે વાત કરતાં કહ્યું કે, 'પહેલાં મારી પાસે મોટું મશીન હતું, તેમાં એક કલાકમાં 1700 રોટલી બનતી હતી. આ મશીનમાં રોટલી તૈયાર કરી અમે દરેક જગ્યાએ પહોંચડતાં હતા. હવે અલગ-અલગ જગ્યાએ મારા ત્રણ યૂનિટ છે. જ્યાં મેં નાના મશીન ઇન્સ્ટોલ કર્યાં છે. અત્યારે યૂનિટમાં ઇન્સ્ટોલ કરેલાં મશીન છે તેમાં પ્રતિકલાકે 800-900 રોટલી બને છે.'

બિઝનેસ શરૂ કરવા માટે બેન્કમાંથી પર્સનલ લોન લીધી
મીનાબેને હોમમેડ રોટલી બનાવવાના બિઝનેસનું નક્કી કર્યાં પછી, કામ કરવું સરળ નહોતું. તેના બિઝનેસ શરૂ કરવા માટે લાખો રૂપિયાની જરૂર હતી. આ પછી તેમણે PMEGP સ્કીમ દ્વારા બેન્કમાંથી લોન લીધી અને પહેલાં એક મશીન લગાવી તેમણે બે મહિલાઓ સાથે પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. મીનાબેને આ અંગે જણાવ્યું કે, 'શરૂઆતમાં મારે બિઝનેસ સેટઅપ કરવા વધારે સમયનો ભોગ આપવો પડ્યો હતો, પણ હવે બિઝનેસ આરામથી ચાલી રહ્યો છે.'

Woman Empowerment

ઇન્ડસ્ટ્રી એરિયામાં કેન્ટિનના કોન્ટ્રાક્ટરો સાથે ડિલ કરે છે
હવે મીનાબેન ઇન્ડસ્ટ્રી એરિયાના કોન્ટ્રાક્ટર્સ થ્રુ કંપનીમાં મશીન ઇન્સ્ટોલ કરાવી દે છે. આ પછી મશીનનું કામકાજ તેઓ બહારથી સંભાળે છે. આ સિવાય તેમનું એક બહારનું યૂનિટ છે જેને ખુદ ઓપરેટ કરે છે.

મીનાબેન 8 મહિલાઓને રોજગારી આપે છે.
મીનાબેને બિઝનેસની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર બે મહિલાઓને જ રોજગારી આપતાં હતાં, પણ આજે બિઝનેસ સફળ હોવાથી તેઓ કુલ 8 મહિલાઓને રોજગારી આપે છે. જે ત્રણેય યૂનિટમાં ડિવાઇડેડ છે. આ ત્રણેય જગ્યાએ હેન્ડમેડ અને મશીનમેડ રોટલી આપે છે. શરૂઆતમાં તેઓ મહિલાને અઢી હજાર રૂપિયા પગાર આપતાં હતાં. હવે તે મહિલાઓને સારો પગાર આપે છે.

અંતમાં મીનાબેને જણાવ્યું કે, 'ભવિષ્યમાં હું મહિલાઓ માટે અલગ પ્રોજેક્ટ બનાવવા માગુ છું. જેમાં વધુ મહિલાઓને રોજગારી આપવાનો પ્રયત્ન કરીશ. મશીનમાં દરેક લોકો કામ કરી શકે છે પણ, મહિલાઓ માટે બીજુ યુનિટ શરૂ કરવું છે જેમાં મહિલાઓ હેન્ડમેડ વસ્તુઓ બનાવે.'

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: આ અમદાવાદીએ લૉકડાઉનમાં 750 લોકોને જ્વેલરી બનાવતાં શીખવાડી કમાયા 30 લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe