રમા ખાંડવાલા કહે છે, "હું રોજ રાત્રે માતાનો ખોળો જંખતી, સૂવા માટે રડતી અને સવારથી ડરતી. પરંતુ નેતાજી કહેતા, આ તો માત્ર શરૂઆત છે, દેશની લડાઈમાં જવું હોય તો હિંમત રાખો."
વર્ષ 1943, મ્યાનમારની રંગૂન હોસ્પિટલ.
રમા ખંડવાલા એક ઓરડાથી બીજા ઓરડા તરફ દોડી રહ્યાં છે અને પેટના ઘામાંથી વહેતું લોહી રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. લથડાતા પગનો ઘા સાફ કરતી વખતે તેમના હાથ થોભી જાય છે. મનમાં આડા-અવળા વિચાર આવી રહ્યા છે અને હ્રદય લગભગ થોભી ગયું છે.
તેઓ જાણતાં હતાં કે, ઘણું બધું ખોયું છે. તેઓ આઝાદ હિંદ ફોજના બધા સૈનિકોને બચાવી શકી નથી.
લોહીથી લથબથ એક સૈનિકે રમાબેનને કહ્યું હતું, “મારો છેલ્લો સંદેશો મારા પરિવારને આપજો.” એક ઊંડો શ્વાસ લીધો અને તેની આંખોમાંથી પ્રાણ વહી ગયા. તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રમાબેન ત્યાંથી આગળ વધ્યાં.
બીજી જ સેકન્ડે તેમને અનુભવાયું કે, દુષ્મનોનાં વિમાનો આકાશમાં ઊડી રહ્યાં હતાં અને આખો ઓરાડો તેના ઘરઘરાટથી ભરાઈ ગયો.
થોડી જ સેકન્ડોમાં બધુ ક્ષણભંગુર થઈ ગયું. તેમની આંખો સામે ઝાંખપ આપવા લાગી, કાન બંધ થવા લાગ્યા અને મગજ કામ કરતું બંધ થઈ ગયું. કાટમાળમાંથી બહાર નીકળીને રમાબેન જુએ છે તો, ચારેયબાજુ માત્ર લાશો જ હતી.
આ અંતિમ દ્રષ્ય હતું.
ખૂબજ મજબૂત મનોબળવાળી સ્ત્રી ઘણા લોકોના જીવ ગુમાવ્યા બાદ સતત રડી રહી છે.
રમાબેન ઈન્ડિયન નેશનલ આર્મી (INA) માં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા હતાં.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં 94 વર્ષનાં રમાબેન કહે છે, “મને એક સૈનિકની વાત આજે પણ યાદ છે, જે સતત એમજ બોલતો હતો, બહેનજી, મને જલદીમાં જલદી ઠીક કરો, જેથી દેશ માટે હું ફરીથી બલિદાન આપી શકું.”
સુભાષ ચંદ્ર બોઝ સાથે મળીને પોતાનું લોહી અને પરસેવો વહાવનાર રમાબેન કહે છે, “આ ઘટના અવિસ્મરણીય હતી અને તેનાથી અચાનક મારામાં પરિપક્વતા આવી ગઈ. હું સમૃદ્ધ પરિવારમાં ખૂબજ લાડ-પ્રેમમાં ઉછરેલ છું. અને ભારતની આઝાદી માટે લડતી વખતે જમીન પર સૂવા માટે ઓશિકું પણ નહોંતું મળતું.”
ભારતની સ્વતંત્રતા માટેની આ લડાઈમાં થયેલ આ દુખદ ઘટનાઓથી જ જીવનનો સાચો ઉદ્દેશ્ય પણ મળ્યો.
અને આ દરમિયાન તેમને બીજી એક ઉપલબ્ધિ પણ મળી અને એ હતી કે, છેલ્લા પાંચ દાયકાથી ટૂર ગાઇડ તરીકે સેવા આપવા બદલ નેશનલ અવોર્ડ.
હવે આ સ્વતંત્ર સેનાનીનું આગામી મિશન કેવી રીતે વૉટ્સએપ વાપરવું એ છે, વાતને વચ્ચેથી કાપતાં જ રમાબેને કહ્યું, “તમારું રેકોર્ડિંગ વચ્ચેથી અટકાવવા બદલ માફ કરશો. મેં ગયા વર્ષે જ સ્માર્ટફોન ખરીધ્યો છે. પરંતુ બહુ જલદી આ લીલા નિશાનને પણ શીખી જઈશ અને તમારી સાથે વિડીયો કૉલ કરીશ.”
નવ દાયકાનું રમાબેનનું જીવન ખરેખર આશ્ચર્ય પમાડે એવું છે. રંગૂનનાં જંગલોમાં ગુપ્તચર તરીકે કામ કર્યું, સૈનિકો સાથે વાત કરવા જાપાનીઝ ભાષા શીખ્યાં, વિદેશીઓ માટે ટૂરિસ્ટ ગાઈડ બન્યાં, યુવાનીમાં જ ખભે ભારે-ભારે રાઈફલ ઉપાડી લોકોમાં ઉત્સાહ જગાડતાં ભાષણ આપ્યાં.
તેઓ 1946 માં બોમ્બે (અત્યારે મુંબઈ) ગયાં હતાં અને કદાચ આઈએનએની ઝાંસી રેજિમેન્ટનાં છેલ્લાં જીવંત સભ્ય છે.
ભારતની આઝાદીની લડાઈ લડતી વખતે
બર્માના રંગૂનમાં 3 ડિસેમ્બર, 1926 ના રોજ જન્મનાર રમા મહેતાનો જન્મ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. મહાત્મા ગાંધી સાથે તેમના પિતાના બહુ નિકટના સંબંધો હોવાના કારણે તેમણે ગુજરાતમાં મહાત્મા ગાંધીનું આશ્રમ બનાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો હતો.
ખાંડવાલા પરિવાર અન્ય ભારતીય વસાહતીઓ સાથે વ્યવસાય માટે રંગૂન જઈને વસ્યો હતો, તે સમયે તેઓ ભારતીય સ્વતંત્રતા લીગનાં સભ્ય હતાં અને INA માં ભરતી કરતાં હતાં, જેની સ્થાપના 1942 ના રોજ સાઉથ આફ્રિકામાં રાસ બિહારી બોઝે કરી હતી.
એક પ્રાઈવેટ સ્કૂલમાં ભણ્યા બાદ રમાબેન 1943 માં તેમની બહેન સાથે INA ની ઝાંસી રેઝિમેન્ટમાં જોડાયાં, જેનાં કેપ્ટન તે સમયે લક્ષ્મી સેહગલ હતાં.
જૂની યાદો તાજી કરતાં રમાબેન કહે છે, પહેલા બે મહિના બિહામણા સપના બરાબર હતા, “મારે જમીન પર સૂવું પડતું હતું અને કાચો ખોરાક ખાવો પડતો. કલાકો સુધી આરામ કર્યા વગર વર્કઆઉટ કરવું પડતું હતું. મને રોજ સવાર પડવાની બીક લાગતી. પરંતુ એકવાર ત્યાં મિત્રો બનાવ્યા બાદ મને તેમનો ઉદ્દેશ્ય સમજાઈ ગયો અને મને પણ તાલીમમાં મજા આવવા લાગી.”
ભારે વરસાદ અને ધોમ-ધખતા તાપમાં
તેમના દિવસની શરૂઆત ધ્વજા રોહણ, પરેડ અને બાફેલા ચણાથી થતી હતી. ભારે વરસાદ હોય કે ધોમ-ધખતો તાપ, સંરક્ષણ હુમલો, રાઈફલ શૂટિંગ, સ્ટન ગન, મશીનગન અને બેયોનેટ લડવાની તાલીમ આપવામાં આવતી હતી.
સાંજે મનોરંજન માટે ગીતો અને દેશભક્તિનાં નાટકો ભજવવામાં આવતાં જેનાથી જુસ્સો વધતો. વધુમાં ઉમેરતાં તેઓ કહે છે, “રેન્કને ધ્યાનમાં રાખ્યા વગર જ દરેક વ્યક્તિ એક સૈનિકની જેમ જ વર્તતી અને સફાઈથી લઈને રસોઈ અને રાત્રે ચોકીદારીની ફરજ બધાને આપવામાં આવતી.”
રસપ્રદ વાત તો એ છે કે, રમાબેનની નેતાજી સાથેની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી, જ્યારે તેઓ એક રાતે સાત એકરમાં ફેલાયેલ ઘરને છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.
એક મેનહોલમાં પડી જવાથી તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં જ્યાં નેતાજીએ જોયું કે, એક યુવાન છોકરી લોહીથી લથબથ હોવા છતાં આંખમાં એક ટીંપુ પણ આંસુ નથી. એન્ટિબાયોટિક ન હોવાથી રમાબેનને દુખાવો તો બહુ થતો હતો, પરંતુ તેમણે શાંતિ જાળવી રાખી હતી. તેમનાથી ખુશ અને આશ્ચર્યચકિત થઈને બોઝે કહ્યું:
“આ તો માત્ર શરૂઆત છે, આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ સહન કરવી પડશે. દેશની લડાઈમાં જવું હોય તો હિંમાત રાખો. બહુ જલદી સાજાં થઈને ફરીથી ડ્યૂટીમાં જોડાઈ જાઓ.”
આનાથી મારામાં ઉત્સાહ અને જુસ્સો વધવાની સાથે નિર્ભયતા પણ વધી. પછીનાં થોડાં વર્ષો સુધી જાપાની સેના સાથે મળી બહાદૂરીપૂર્વક અંગ્રેજો સામે પડી.
તેમના માટે દેશ માટે શિસ્ત, સમયપાલન અને પ્રતિબદ્ધતા જ પ્રાથમિકતા બની ગઈ. બહુ જલદી તેમને પ્લાટૂન કમાન્ડર, રાની ઓફ ઝાંસી રેઝીમેન્ટનાં નેતા અને સેકન્ડ લેફનન્ટ બનાવવામાં આવ્યાં.
જૂની યાદોને વાગોળતાં રમાબેન કહે છે, “હવે જ્યારે હું મારા પાછલા જીવન વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે, INA સાથેનો મારો સમય જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય હતો. નેતાજી પાસેથી હું ‘કરો યા મરો’ ની શીખ શીખી હતી, જેઓ હંમેશાં કહેતા કે, આગળ વધો. તેમના ભાષણથી મારામાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસનો વધારો થતો હતો. તેઓ અમને ગુસ્સાને કાબૂમાં રાખતાં શીખવાડતા અને આંતરિક શાંતિ તરફ દોરતા. હું આજે જે પણ છું તે તેમની શીખના કારણે જ છું.”
“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા,”
નેતાજી બોઝના આ શબ્દો, યુવાનોને ભારતની સ્વતંત્રતાની લડતમાં જોડામાં પ્રેરતા હતા. રમાબેનની યાદોમાં લોહી માંગતા આ શબ્દો આજે પણ ગૂંજી ઊઠે છે. અને કેમ ન ગૂંજે, તેઓ બહુ જલદી બોઝની નજીક સેકન્ડ કમાન્ડર બની ગયાં હતાં.
પરંતુ જ્યારે આઈએનએ અંગ્રેજો સામે હારી ગઈ ત્યારે તેમની ધરપકડ કરમાં આવી અને બર્મામાં તેમને નજરકેદ કરવામાં આવ્યાં. તેના થોડા મહિના બાદ તેઓ બોમ્બે આવ્યાં અને ભારતની સ્વતંત્રતાનું સપનું સાકાર થતું જોયું. પછી તેમણે લગ્ન કર્યાં અને જીવનની બીજી ઈનિંગની શરૂઆત કરી.
50 વર્ષ સુધી ગાઈડ તરીકે કામ કર્યું
રાષ્ટ્રીય પર્યટન અવોર્ડથી સન્માનિત રમાબેને ટૂરિસ્ટ ગાઈડ બનતાં પહેલાં એક ખાનગી કંપનીમાં સેક્રેટરી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આમ તો ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે તેમને રાજકારણમાં જોડાવાની પણ વિનંતિ કરી હતી, પરંતુ વિમાન અકસ્માતમાં નેતાજીના મૃત્યુથી વ્યથિત હોવાથી તેમણે ના પાડી અને રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.
એક અખબારની નાનકડી વિલક્ષણ જાહેરાત તેમને ગમી ગઈ, જેમાં લખ્યું હતું, “અમે ઈચ્છીએ છીએ કે, લોકો ટૂર ગાઈડ તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરે.”
આ અંગે વાત કરતાં તેમણે કહ્યું, “આઝાદી બાદ પણ દેશ માટે કઈંક કરવાનો ઉત્સાહ મારામાં એટલો જ હતો. હું વિદેશીઓને વાસ્તવિક ભારત, આપણા નેતાઓ, સમાજ, ખોરાક, રીત-રિવાજો અને વારસા અંગે જણાવવા ઈચ્છતી હતી. મને જાપાની ભાષા બહુ સારી આવડતી હતી, એટલે મેં આ નવી મુસાફરીની શરૂઆત કરી.”
રમાબેનને કદાચ એ યાદ નથી કે, અત્યાર સુધીમાં કેટલાં વિદેશી પ્રવાસીઓને તેમણે ફેરવ્યાં છે, પરંતુ તે બધા લોકો તેમને આજે પણ યાદ છે. INA નો એક પાઠ તેમને જીવનભર યાદ રહ્યો. આજસુધી જીવનમાં તેઓ માત્ર એકજ વાર મોડાં પડ્યાં છે અને તે પણ વરસાદના કારણે.
કેટલાક વિદેશી મિત્રોના આમંત્રણ બાદ રમાબેને કેટલાક દેશોની મુલાકાત પણ લીધી. આ બાબતે તેઓ કહે છે, “ટૂર ગાઈડ ભારતના બિનસત્તાવાર એમ્બેસેડર હોય છે. પ્રવાસીઓ આપણી આંખથી દેશને જોશે અને સમજશે. હું હંમેશાં તેમને પ્રવાસી તરીકે આમંત્રણ આપું છું અને મિત્રો તરીકે વિદાય આપું છું.”
હજી માંડ બે વર્ષ પહેલાં જ તેઓ નિવૃત થયાં છે અને કદાચ તેઓ ભારતનાં સૌથી વૃદ્ધ ટૂરિસ્ટ ગાઈડ છે. પોતાના ક્ષેત્રમાં પીઢ હોવા છતાં તેમણે ક્યારેય કોઈ ટ્રાવેલ એજન્ટને કોઈને હોસ્ટ કરવાની ના નથી પાડી.
રમાબેનને તેમનું આ કામ એટલું બધું ગમતું કે, તેઓ ઘણીવાર વધારાનાં કલાકો કામ કરતાં અને તેમનો અનુભવ વધારે સારો બને એ માટે તેમને વધુ સમય આપતાં. તેમણે ક્યારેય કોઈ પ્રવાસીને હળવાશથી નથી લીધા. 50 વર્ષની આટલી લાંબી સફરમાં ઘણીવાર ટ્રાફિક અને ભીડભાડના કારણે પ્રવાસન સ્થળોની ટ્રીપ ગોઠવવાનું મુશ્કેલ બનતું, પરંતુ તકનીકીની પ્રગતિ સાથે તેમનાં ઘણાં કામ સરળ બન્યાં.
તો તમે નિવૃત્તિ કેમ લીધી એ અંગે પૂછતાં તેમણે કહ્યું, “નિવૃત્તિ અને મારી ઉંમરને કઈં લેવાદેવા નથી. હવે હું આ તક આગામી યુવા પેઢીને આપવા ઇચ્છું છું. મેં તો મારું આખુ જીવન જીવી લીધું.”
94 વર્ષની ઉંમરે રમાબેનને કોઈ વાતનો અફસોસ છે?
તરત જ જવાબ આપ્યો “ના”, પછી વધુમાં ઉમેરતાં કહ્યું, “પરંતુ મારી બકેટ લિસ્ટમાં ઘણી લાંબી સૂચી છે, જેમ કે, ટેક્નોલોજીમાં પાવરધા બનવું, વધુમાં વધુ પુસ્તકો વાંચવાં, ઘણી બધી ડૉક્યૂમેટ્રીઝ જોવી. જીવનમાં હજી ઘણું બધું કરવાનું છે, પરંતુ સમય બહુ ઓછો છે.”
રમાબેન ઘરે પણ નવરાં નથી બેસતાં. જાપાનીઝ શીખવે છે અને રાજકારણમાં ઊંડો રસ લે છે. અત્યારે તેઓ Eknath Easwaran ની The Conquest of Mind વાંચે છે. વીકેન્ડમાં તેઓ નૂડલ્સ અને પાસ્તા બનાવે છે.
90 કરતાં વધુ ઉંમર હોવા છતાં આજે પણ તેઓ કોઈના પણ આધારિત નથી. આજે પણ તેમણે ઉંમરને પોતાના પર હાવી નથી થવા દીધી.
છૂટા પડતી વખતે તેઓ માત્ર એકજ વાત કહે છે કે, દેશના વિકાસમાં તેમનો ફાળો આપવાનો ચાલું રાખવા ઈચ્છે છે.
“સ્વતંત્રતાની લડાઈ લડતા નેતાઓનાં દેશ માટે બહુ મોટાં સપનાં હતાં. દુ:ખની વાત તો એ છે કે, આઝાદી મળી ગયા છતાં, ભ્રષ્ટાચાર, ભેદભાવ, નાના પ્રત્યે તિરસ્કાર વગેરે જ આપણને નીચે લાવે છે. આપણે આપણા રાષ્ટ્રવાદને યાદ રાખીને દેશભક્તિની હવા ફરી લાવવાની જરૂર છે.”
તસવીર સૌજન્ય: બીના ક્લીને, રમા ખાંડવાલાની દીકરી
આ પણ વાંચો: જ્યારે આખી પાકિસ્તાની સેના પર ભારે પડ્યો હતો ભારતીય સેનાનો આ રબારી જાસૂસ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167