એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રહેવા માટે બનાવી છે કૉલોની

રાજસ્થાનના બુંદી જિલ્લાના નાના ગામ સાંકરદાનો રહેવાસી રાજેશ પશુ-પક્ષી પ્રેમી છે. ગ્રામજનો સાથે મળીને તેણે લગભગ 500 કબૂતરોની એવી વસાહત બનાવી છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે.

Pigeon Colony

Pigeon Colony

રાજસ્થાનના 35 વર્ષીય રાજેશ ગુર્જર કહે છે કે,“શહેર હોય કે ગામડું, દરેક જગ્યાએ વિકાસની દોડધામ ચાલી રહી છે અને એ જ વિકાસ માટે વૃક્ષો કાપીને કોન્ક્રીટનું જંગલ ઉભું કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાના માટે ઘરો બનાવે છે, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓની દુનિયા નાશ પામી રહી છે. જે વૃક્ષો પર પક્ષીઓ માળો બાંધીને રહેતા હતા તે વૃક્ષોના કપાઈ જવાથી પળવારમાં તેઓ બેઘર થઈ ગયા છે. આવી સ્થિતિમાં જ્યારે પક્ષીઓ લોકોના ઘરોમાં જગ્યા શોધે છે ત્યારે ત્યાં પણ જાળી મૂકીને તેમનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ બધું જોઈને અમે તે નિરાધાર પક્ષીઓ વિશે વિચાર્યું અને તેમના માટે ઘર બનાવવાની યોજના બનાવી.”

તેલના ખાલી ડબ્બાનો ઉપયોગ કરીને કબૂતર ઘર બનાવવાનો આવ્યો વિચાર
રાજેશ અને ગ્રામજનોની આ અનોખી પહેલને કારણે આશરે 2000ની વસ્તી ધરાવતું સાંકરદા ગામ હવે 'કબૂતરોની કોલોની' તરીકે ઓળખાવા લાગ્યું છે. આ ગામના મોટાભાગના લોકો પક્ષી પ્રેમી છે અને આ જ કારણ છે કે તમામ લોકોએ એક થઈને ફરી એકવાર લુપ્ત થતા કબૂતરોને વસાવવાનું કામ કર્યું છે.

રાજેશ આ અનોખી પહેલ વિશે જણાવે છે કે, “ગામમાં સેંકડો વર્ષ જૂની એક વાવ હતી, જેમાં કબૂતરોનું ઘર હતું, પરંતુ તેનું રિનોવેશન કરતી વખતે સિમેન્ટના પ્લાસ્ટરને કારણે તમામ કબૂતરો ઘરવિહોણા થઈ ગયા અને આસપાસના વૃક્ષો અને ઘરો શોધવા લાગ્યા. પરંતુ વૃક્ષો વધારે ન હોવાથી તેમના વસવાટ પર પ્રશ્નાર્થ ઉભો થયો અને ધીમે ધીમે ગામમાં કબૂતરોની સંખ્યા ઘટવા લાગી.

એક દિવસ રાજેશના કાકા દયારામ અને રામસ્વરૂપ ગુર્જર નજીકના ગામમાં ખેતીના કામ માટે ગયા હતા, ત્યારે તેઓએ એક ઘર પાસે તેલના ટીનનો ખાલી ડબ્બો જોયો હતો, જેમાં ઘાસ અને કબૂતરના ઈંડા હતા. જ્યારે બંને તેમના ગામ પાછા ફર્યા, ત્યારે તેઓએ આ વાત ચૌપાલમાં કહી અને ગામમાં કબૂતરો વસાવવાનો પ્રસ્તાવ રાખ્યો.

Rajesh Gurjar

આ પણ વાંચો: અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ

ડબ્બામાંથી ઘર કેવી રીતે બનાવવું?
આ પછી રાજેશના કાકાનું અવસાન થયું, પરંતુ રાજેશે આ વિચારને આગળ ધપાવવાનું નક્કી કર્યું અને પછી બધા ગ્રામજનોએ સાથે મળીને ઘરોમાંથી તેલના ખાલી ડબ્બા ભેગા કર્યા અને તેને કાપી નાખ્યા. આ પછી, લગભગ 35 ડબ્બાને દોરડામાં દોરવામાં આવ્યા અને વાવ પાસે લટકાવવામાં આવ્યા. 10-15 દિવસ સુધી તેમાં કોઈ પક્ષી આવીને બેઠું ન હતું, પરંતુ ધીમે ધીમે કબૂતરોએ તે ડબ્બાઓમાં ઘાસ લઈ આવી ત્યાં વસવાનું શરૂ કર્યું.

હવે પગથિયાંની આસપાસ લગભગ 200-300 આવા ડબ્બાઓ છે, જેમાં લગભગ 500 કબૂતરો રહે છે. તેઓ દિવસભર અનાજ ખાય છે અને રાત્રે અહીં આવે છે. હવે પ્રજનન ઋતુ પછી તેમના ઈંડાને પણ બીજા પ્રાણીઓના ખતરાની કોઈ સમસ્યા નથી રહી અને તેઓ વરસાદમાં પણ સુરક્ષિત રહે છે.

રાજેશ જણાવે છે કે, ગામલોકોએ કબૂતરોના ખોરાક અને પાણી માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેના પર 4-5 ફૂટ ઉંચી જાળી પણ લગાવી છે જેથી કરીને કૂતરા, બિલાડી અથવા અન્ય પ્રાણીઓ ખોરાક આપતી વખતે તેમનો શિકાર ન કરે. હવે ગામના તમામ પશુ-પક્ષી પ્રેમીઓ સવાર-સાંજ કબૂતરોને ખવડાવે છે.

Pigeon Nest

આ પણ વાંચો: ચાર પાસ ગુજરાતી ખેડૂતે 20 લાખના ખર્ચે પક્ષીઓ માટે બનાવ્યું ઘર, જરા પણ ઉતરતું નથી બંગલાથી

સરકાર પાસેથી માંગે છે મદદ
ગ્રામજનોનું કહેવું છે કે આખું ગામ તેલના વપરાશ બાદ ડબ્બો વેચવાને બદલે તેને કબૂતર વસાહતમાં ઉપયોગ લેવા માટે આપે છે. આ માળાઓ મહિનાના અંતે ગ્રામજનોની મદદથી સાફ પણ કરવામાં આવે છે.

કબૂતરોની આ વસાહત જોવા માટે બહારગામથી પણ ઘણા લોકો આવે છે. રાજેશ કહે છે કે આ કોલોનીનો ટાર્ગેટ હવે 1000 કબૂતરોને આશ્રય આપવાનો છે. અને આ કામમાં દરેક જણ મદદ પણ કરી રહ્યા છે.

સાંકરદાના ગ્રામ્ય પ્રમુખે ગ્રામજનો વતી સરકારને અપીલ કરી છે કે રાજ્ય સરકાર પણ આ ઉમદા કાર્યમાં મદદ કરે, જેથી પક્ષીઓ માટે દરેક જગ્યાએ સસ્તા, સુંદર અને ટકાઉ માળા બનાવી શકાય.

આ પણ વાંચો: 85 વર્ષના નિવૃત શિક્ષકનું ઘર બન્યું પક્ષી અભયારણ્ય, રોજ 1500 પક્ષીઓનું પેટ ભરે છે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe