/gujarati-betterindia/media/post_attachments/2021/07/Hemant-Trivedi-1.jpg)
Hemant Trivedi
ડેડીયાપાડાના હેમંતભાઈ ત્રિવેદીએ એકવાર ટ્રેન સફર દરમિયાન એક આર્ટિકલ વાંચ્યો હતો, જેમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ અંગે માહિતી હતી અને સાથે-સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, નાગપુરમાં વરસાદના પાણીના આ પ્રકારના સંગ્રહને બહુ પ્રોત્સાહન આપવામાં આવે છે. બસ ત્યારથી જ આ વાત હેમંતભાઈના મનમાં રમવા લાગી.
આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હેમંતભાઈએ કહ્યું, "ઘરે આવ્યા બાદ આ બાબતે જેટલા લેખ મળ્યા એટલા મેં વાંચ્યા અને યૂટ્યૂબ પર આ અંગેના ઘણા વિડીયો પણ જોયા. મારા પપ્પા પણ સિવિલ એન્જિનિયર છે, એટલે તેમણે પણ આ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું અને ઘરના રિનોવેશન સમયે અમે અમારા ઘરમાં રેન વૉટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને 2016 માં અમે આ માટે ત્રણ કુંડી બનાવડાવી."
રેન વૉટર હાર્વેસ્ટિંગ
સૌપ્રથમ તો ધાબામાંથી એક પાઈપ ઉતારવામાં આવી છે, જેની નીચે એક કુંડી બનાવવામાં આવી છે, જેમાં એક લેયર રેતી, બીજું લેયર રોડાં, ત્રીજું લેયર ઈન્ડસ્ટ્રીયલ કોલસા અને ચોથા લેયરમાં નાના-મોટા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારની ત્રણ કુંડી બનાવવામાં આવી છે, જેમાંથી પાણી ફિલ્ટર થયા બાદ પાણી બોરમાં ઉતરે છે. આ માટે તેમણે 300 ફૂટનો બોર બનાવેલ છે. એક અંદાજ અનુસાર, દર વર્ષે સારો વરસાદ પડે તો 3-4 લાખ લિટર પાણી તેમાં ઉતરે છે, પરંતુ જો વરસાદ ઓછો હોય તો પણ દોઢ લાખ લિટર પાણી તો ઉતરે જ છે. જેના ફળ સ્વરૂપે, એક સમયે હેમંતભાઈના બોરમાં 150 ફૂટે પાણી મળતું હતું, જે અત્યારે 70 ફૂટે જ મળી જાય છે અને પાણીના ટીડીએસ અને ગુણવત્તામાં પણ ઘણો સુધારો થયો છે. પાંચ વ્યક્તિના પરિવારને આખા વર્ષ દરમિયાન પાણીની જરા પણ તૂટ પડતી નથી.
/gujarati-betterindia/media/post_attachments/2021/07/Hemant-Trivedi-2-1024x580.jpg)
હેમંતભાઈના આ કાર્યથી તેમને તો ફાયદો થયો જ છે, સાથે-સાથે આસપાસના લોકોને પણ ફાયદો મળી રહે છે. તાજેતરમાં 500 મીટર દૂર એક નવું ઘર બનાવ્યું તો સામાન્ય રીતે જ્યાં 250 ફૂટે પાણી મળે છે ત્યાં તેમને બોરમાં 125 ફૂટે જ પાણી મળી ગયું.
ઘરની ચારેય બાજુ હરિયાળી
આ ઉપરાંત હેમંતભાઈના ઘરની આસપાસ પણ કદમ, સેવન, જામફળી, ચીકુડી, આંબા, સાગ, ગોરસ આમલી, વાંસ, સીતાફળી, પપૈયાં સહિત 60-70 ઝાડ છે, જેના કારણે તેમને ઘર માટે તો તાજાં ફળ મળી જ રહે છે, ઉપરાંત પક્ષીઓને પણ આશરા સાથે ખોરાક પણ મળી રહે છે. સવાર પડતાં જ હેમંતભાઈના ઘરની આસપાસ વિવિધ પક્ષીઓનો એટલો અદભુત કલબલાટ સાંભળવા મળે કે, જાણે આપણે પ્રકૃતિની ગોદમાં જ હોઈએ એવું અનુભવાય.
/gujarati-betterindia/media/post_attachments/2021/07/Hemant-Trivedi-5-1024x580.jpg)
આ ઉપરાંત ઘરની આસપાસ 100 થી વધારે અલગ-અલગ પ્રકારના છોડ અને વેલ છે, જેમાં ફૂલછોડ સૌથી વધારે છે, એટલે ઘરની નજીક જતાં જ આ બધાં ફૂલની મનમોહક સુગંધ અને અલગ-અલગ રંગનાં ફૂલોના સૌંદર્યથી મન પણ પ્રફુલ્લિત થઈ જાય. આ ઉપરાંત પતંગિયાં, મધમાખી વગેરેને પણ ખોરાક મળી રહે.
આ ઉપરાંત તેમનું ખેતર પણ છે, જ્યાં તેઓ જૈવિક પદ્ધતિથી શાકભાજી વાવવામાં આવે છે, જેથી તેમના ઘરે શાકભાજી પણ જૈવિક રીતે વાવેલ જ ખવાય છે.
દર ચોમાસામાં ભરપૂર વૃક્ષારોપણ
દર વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં જ ડેડીયાપાડાના આસપાસના વિસ્તારમાં ફરી હેમંતભાઈ અને તેમના મિત્રો ગ્રીન લેન્ડ ફાઉન્ડેશન અંતર્ગત વિવિધ દેશી કુળનાં વનસ્પતિનાં બીજ ભેગાં કરે છે. આ ઉપરાંત વિવિધ નર્સરી અને બીજ બેન્કમાંથી પણ બીજ ભેગાં કરે છે, અને ચોમાસુ આવતાં દોઢથી બે લાખ બીજ તેઓ જંગલ વિસ્તારમાં વાવે છે.
આ ઉપરાંત તેમણે ઘરની પાસે જ એક નાનકડી નર્સરી પણ બનાવી છે. જેમાં ઘરે બનવેલ કંપોસ્ટ ખાતરની મદદથી ચોમાસા પહેલાં 700-800 રોપા તૈયાર કરે છે અને ચોમાસા દરમિયાન જ્યાં પણ સારી જગ્યા મળે ત્યાં તેને વાવે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/07/Hemant-Trivedi-3-1024x580.jpg)
ઝાડ-છોડ વાવ્યા બાદ જવાબદારી તો પૂરી નથી થતી. ચોમાસામાં તો તેમને પાણી મળી રહે છે, પરંતુ ચોમાસા બાદ તેઓ અઠવાડિયામાં એક વાર રજાના દિવસે મિત્રો સાથે પાણીના કેરબા અને ટેન્કર લઈને નીકળી પડે છે અને તેમને પાણી આપતા રહે છે. આ ઉપરાંત જે ઝાડને આસપાસ પ્રાણીઓ કે બીજુ કોઈ નુકસાન પહોંચાડે તેવું હોય, ત્યાં કાંટાની વાડ બનાવે છે અને જો કોઇ સેવાભાવી સંસ્થા દ્વારા પાંજરાં મળી રહે તો જાતે જઈને એ પાંજરાં પણ લગાવે છે. આસપાસ વધારાનું ઘાસ ઊગી નીકળ્યું હોય તો સાફ કરે, ડાળી નમી ગઈ હોય તો તેના માટે ટેકો બાંધે. આ ઉપરાંત આસપાસ ખાડા ખોદી પાણી ભરે, જેથી ઝાડ-છોડને પાણી મળી રહે લાંબા સમય સુધી. જેથી હેમંતભાઈને વિશ્વાસ છે કે, તેમનાં વાવેલાં બીજ-છોડમાંથી ઓછામાં-ઓછાં 50% ઝાડ તો મોટાં થાય છે, જે ભવિષ્યમાં પર્યાવરણ માટે ખૂબજ મદદરૂપ રહે છે.
સારા-નરસા પ્રસંગે એક ઝાડની પહેલ
હેમંતભાઈના ઘરે કોઈપણ મહેમાન આવે તો તે ખાલી હાથે પાછું નથી જતું, હેમંતભાઈ તેમને એક છોડ આપે છે અને તેને ઘરની આસપાસ વાવવાની સલાહ આપે છે. આ ઉપરાંત કોઈપણ ઓળખીતા-સંબંધીનો જન્મદિવસ હોય કે કોઈનું મૃત્યુ થયું હોય, હેમંતભાઈ તેમના બદલામાં એક ઝાડ વાવે છે અને તેના બદલામાં જે-તે વ્યક્તિ પાસેથી 1 રૂપિયો ટોકન લે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/07/Hemant-Trivedi-6-1024x580.jpg)
ઘરમાં જ હોમ કંપોસ્ટિંગ પણ
હેમંતભાઈએ ઘરની પાછળ ખાતર માટે એક ખાડો બનાવ્યો છે. જેમાં બધાં જ ઝાડ-છોડનાં ખરેલ પાંદડાં, રસોડાનો લીલો કચરો અને ગાય-ભેંસના છાણની મદદથી ખાતર બનાવવામાં આવે છે અને આ ખાતર જ ઘરનાં ઝાડ-છોડ ને આપવામાં આવે છે અને તેમાંથી જ નર્સરીમાં રોપા પણ બનાવવામાં આવે છે.
અનુસરે છે No Plastic
હેમંતભાઈ એક જનરલ સ્ટોર ચલાવે છે, તો તેમના ત્યાં આવતા ગ્રાહકો પાસે પણ તેઓ એમજ આગ્રહ રાખે છે કે, ઘરેથી કાપડની થેલી લઈને આવે. આ ઉપરાંત તેમના ઘરમાં તો પ્લાસ્ટિકની એન્ટ્રી બંધ જ છે. અને દૂધની થેલી પણ આવે તો તેને પણ કચરામાં નાખવાની જગ્યાએ તેમાં તેઓ રોપા તૈયાર કરે છે. જો કોઈ રિસાયકલ લાયક પ્લાસ્ટિક આવી ગયું હોય તો તેને રિસાયકલ માટે આપી દે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/07/Hemant-Trivedi-4-1024x580.jpg)
જંગલની સફાઈ
આજકાલ લોકોમાં જંગલમાં ફરવા જવાનો ક્રેઝ બહુ વધ્યો છે, અને ડેડીયાપાડાની આસપાસ બહુ જંગલો છે, એટલે અહીં પણ લોકો બહુ ફરવા આવે છે, પરંતુ આ લોકો પછી અહીં ગંદકી પણ બહુ ફેલાવે છે. નાસ્તાનાં પેકેટ્સ, પાણીની બોટલ્સ વગેરે એમજ ફેંકીને જતાં રહે છે. તો હેમંતભાઈ અને તેમના મિત્રોના ગ્રીન લેન્ડ ફાઉન્ડેશન દ્વારા આ બધાની સફાઈ તો કરવામાં આવે જ છે, સાથે-સાથે લોકોમાં આ રીતે કચરો ન ફેલાવા માટે પણ જાગૃતિ ફેલાવાનું કામ કરવામાં આવે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે હેમંતભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને ફેસબુક પર મેસેજ કરી શકો છો.
આ પણ વાંચો: જ્યાં એક ઝાડ પણ નહોંતું એ શાળામાં આજે છે 2000 વૃક્ષો સાથે આખુ નંદનવન, જોતાં જ મન મોહી જાય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.