વિચારો કે તમે દર વેકેશનમાં ઘરે આવતા હોવ, અને બે ત્રણ મિત્રો ખેતરમાં આંટો મારવા જતા હોવ ત્યારે ગાંડા બાવળનું જંગલ જોવો તો શું વિચાર આવે? એજ ને કે હવે ગામડા માં ગામડા જેવું કઈ રહ્યું નથી. ખેતર, વૃક્ષો, શુદ્ધ હવા, બોરનું પાણી આ બધુ વાર્તાઓમાં જ જોવા મળે છે. હવે તો ગામડામાં પણ શહેર જેવી જ ફીલિંગ આવે છે.
ના પણ આ વાત છે પાટણ જિલ્લા ના સરિયદ ગામની જ્યાં બે ચાર મિત્રો રજાઓમાં પોતાના ગામમાં આવ્યા અને આવીને જોયું કે બાવળોના કારણે ગામ ગામ જેવું નથી રહ્યું ત્યારે વિચાર્યું કે વૃક્ષો તો લોકો ઘણા વાવે છે પણ આપણે આખું જંગલ વાવીએ તો અને ત્યાંથી શરૂઆત થયી આ ભગીરથ કાર્યની. ખેતરેથી પરત આવ્યા પછી તેમને વાત કરી ગામના યુવાનોને અને ગામના યુવાનોએ પણ ઉત્સાહિક સહમતી દર્શાવી અને ફાળો એકઠો કર્યો. ગામની સીમમાં 22 વીઘા જમીન નક્કી કરી એક પર્યાવરણીય કાર્યને શરુ કર્યું.
અત્યારના આ કથિત આધુનિક યુગમાં પર્યાવરણ માટે જો કોઈ સૌથી વધુ ખતરારૂપ હોય તો એ છે માણસની પોતાનો જ સ્વાર્થ સાધવા માટેની બુદ્ધિમત્તા જે પર્યાવરણ અને આગળના ભવિષ્ય માટે ખરેખર ખુબ નુકશાનકારક છે.
પરંતુ પાટણ જિલ્લાના સરિયદ ગામમાં ગામના યુવાનો દ્વારા પર્યાવરણીય ક્ષેત્રે એક અદભુત કામગીરી કરવામાં આવી છે જેમાં તેમણે પોતાના ખર્ચે ગામની સીમમાં આવેલ સરકારી પડતર 22 વીઘા જમીનમાં વર્ષોથી ઉગી નીકળેલા બાવળને દૂર કરી એક નંદનવન ઉભું કર્યું છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા આ અભિયાન સાથે જોડાયેલા ગામના એક યુવાન રાજેશભાઈ જોશી કે જેઓ અત્યારે ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે કાર્યરત છે તેમણે યુવાનો દ્વારા કરવામાં આવેલ આ આખી કામગીરી અંગે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું.

અચાનક જ ઉદ્ભવ્યો વિચાર
તેમણે ધ બેટર ઇન્ડિયા ને જણાવ્યું કે, સરકારી 22 વીઘા પડતર જમીનમાં ગાંડા બાવળ ખુબ જ વધી ગયા હતા અને તેના કારણે જમીન એકદમ બિનઉપયોગી થઇ ગઈ હતી તથા ફક્ત બાવળ જ હોવાના કારણે ના પશુ પક્ષીઓને આશરો મળતો હતો કે ના તેમને કંઈ ચરવા માટે મળતું હતું. આ બાબત જયારે ગામના અમુક યુવાનોના ધ્યાનમાં આવી ત્યારે તેમણે જમીનને સાફ કરી વિવિધ વૃક્ષો વાવીને પર્યાવરણીય કામગીરી કરવાનું વિચાર્યું.
આ વિચાર આવ્યાના બીજા જ દિવસે ગામના બીજા યુવાનોને વૃક્ષ વાવેતરના આ અભિયાનમાં જોડાવવા માટે વૉટ્સએપ ગ્રુપ દ્વારા માહિતી આપવામાં આવી તથા લોકોના ઉત્સાહ બાદ કાર્યને નક્કર સ્વરૂપ આપવા ગ્રામ પંચાયત પાસેથી મૌખિક મંજૂરી પણ મેળવવામાં આવી.

વાવેતર પહેલા જમીનની ચકાસણી
સૌથી મહત્વની બાબત એ છે કે જમીન વૃક્ષોને ઉગવા માટે અનુકૂળ છે કે નહીં અને તેના સ્તરની નીચે કોઈ એવી રચના તો નથીને કે આગળ જતા વૃક્ષો વાવ્યા પછી તેના મૂળ જમીનમાં વિસ્તરે નહીં અને આ આખી કરેલી કામગીરી એળે જાય. જેથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર જગ્યામાંથી બાવળ કઢાવતા પહેલા યુવાનોએ જમીનમાં વિવિધ જગ્યાએ ઊંડા ખાડા કરી ચકાસી લીધું અને ભાગ્યવશ તે જમીન વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ જ નીકળી. ત્યારબાદ તેમણે જેસીબી બોલાવી સમગ્ર 22 વીઘામાંથી ગાંડા બાવળને કઢાવવાનું શરુ કર્યું.
બાવળ કઢાવવાની અને તે જ નીકળેલા બાવળ દ્વારા 22 વીઘા જમીનની આજુબાજુ કંટાળી વાડ કરવાની કામગીરી લગભગ એક દોઢ મહિનો જેટલી ચાલી. મહત્વની વાત એ છે કે બાવળ કાઢવાની આ પ્રક્રિયામાં તે જમીન પરથી ફક્ત ગાંડા બાવળને જ દૂર કરવામાં આવ્યા અને તે સિવાય આકડો કે તે સિવાયની બીજી કોઈ વનસ્પતિ જે જમીનને નુકસાન કરતા ન હતી તેને દૂર ન કરી.

વિવિધ વૃક્ષોનું દાન મેળવ્યું
જમીનની સંપૂર્ણ સફાઈ થઇ ગયા પછી મહેસાણામાં રહેતા જય શાહ કે જે વિવિધ ગૌશાળા અને પાંજરાપોળમાં વૃક્ષો ઉછેર માટે દાન આપે છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને ગામના યુવાનો દ્વારા પોતાના આ કાર્ય વિષે જણાવવામાં આવ્યું જેથી જયભાઈએ તેમણે વિવિધ પ્રકારના 1200 વૃક્ષોના રોપા દાનમાં આપ્યા જેમાં વડલા, પીપળા, રાયણ, ચીકુડી, ઉંબરો, લીમડો વગેરેનો સમાવેશ થતો હતો તે સિવાય 800 – 1000 વૃક્ષોના રોપા વિવિધ જગ્યાએથી ભેગા કરીને 2000 થી 2200 દેશી ઝાડ વાવવામાં આવ્યાં. અને તે જગ્યા પર 4*4 ના ખાડા કરી વ્યવસ્થિત 15 થી 20 ફૂટ અંતરે રોપા રોપવામાં આવ્યા.
પાણીની સમસ્યા અને તેનું સમાધાન
આ કામગીરી પૂર્ણ થઇ ગયા પછી સૌપ્રથમ વૃક્ષો માટેની પ્રથમ જરૂરિયાત એટલે કે પાણીની વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. પોતાના આ વિસ્તારમાં પાણીના તળ ખુબ નીચા હોવાથી વૃક્ષો માટે શરૂઆતમાં પાણીની વ્યવસ્થિત જરૂરિયાત સંતોષવી ખુબ જ મહત્વની હતી અને તે માટે આ જગ્યાની બાજુમાં જ નવાબભાઈનો બોર હતો અને તેમને આ બાબતે વાત કરવામાં આવી તો તેઓ પણ આ અભિયાનમાં સાથે જોડાઈ ગયા અને તે પછી પાણી માટે તેમના બોરથી આ જગ્યા સુધી પહોંચે તેટલી 600 ફૂટ આસપાસની પાણીની પાઇપ નાખવામાં આવી અને આ પાણીના સંગ્રહ માટે તે જ જગ્યા પર 30 હજાર લીટરની ટાંકી બનાવડાવવામાં આવી. આજે પણ નવાબભાઇ દરરોજ પોતાનો બોર શરૂ કરે ત્યારે સૌપ્રથમ 20 મિનિટ પાણી આ ટાંકીમાં ઠાલવે છે અને તે પણ એક પણ રૂપિયો લીધા વગર.
પાણીની જરૂરિયાત તો પુરી થઇ ગઈ પરંતુ રોજ આ ઝાડવાઓને પાણી આપે કોણ? તે સમસ્યાનું સમાધાન કરવા બાજુમાં જ રહેતા કાંતિબાપાને દરરોજ ઝાડવાઓને પાણી પાવા માટે મહિને 3500 પગાર લેખે આ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા.

પિયતમાં મુશ્કેલીઓ અને તેનું સમાધાન
વધુમાં રાજેશભાઈ ધ બેટર ઈન્ડિયાને જણાવે છે કે, શરૂઆતમાં પાઇપ દ્વારા પાણી આપવું મુશ્કેલ બન્યું કેમકે તે પાઇપ ગોઠવ્યાના ટૂંકા ગાળામાં જ બે ત્રણ વખત તૂટી ગયેલી. અને તેનું સમારકામ કરવામાં આવ્યું ત્યાં સુધી એકાદ મહિનો બહારથી ટેન્કર મંગાવીને પિયત આપવાનું શરુ કરવામાં આવ્યું. તે પછી પાઇપ કાર્યરત થતા તેમાંથી આખી જગ્યામાં ચાર પાંચ અલગ લાઈનો નાખી સો-સો ફૂટે પાણીના વાલ્વ મુકવામાં આવ્યા. આ વિવિધ વાલ્વ પર ગાર્ડન પાઇપ ગોઠવી દરેક ઝાડને પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું પરંતુ આ કાર્ય પણ 6 મહિના જેટલું જ ચાલ્યું અને પાછી બીજી વ્યવસ્થા કરવાની ફરજ પડી કેમકે ગાર્ડનપાઈપ ખુબ વજનદાર હતી અને તેમાં પાણી ભરાય એટલે તેનું વજન હજી પણ વધારે વધી જતું હતું. જેથી આ ઉંમરલાયક કાંતિબાપાને પાણી પાવામાં તકલીફ રહેતી છતાં પણ એટલા મહિના સુધી તેમણે કોઈ ફરિયાદ વગર એક પણ ઝાડને પાણી વગરનું નહોતું રાખ્યું. આખરે આ સમસ્યાનું સમાધાન પણ એકદમ નજીવા ખર્ચના જુગાડથી કરવામાં આવ્યું અને તે માટે આ જ ગોઠવેલી પીવીસી પાઇપોમાં નાના છિદ્ર પાડીને ટપક સિંચાઈની પાઇપો લગાવી તેને દરેક વૃક્ષો પાસે ગોઠવી ડ્રિપર દ્વારા ટપક સિંચાઈ આપવાનું શરુ કરવામાં આવ્યું. આમ 22 વિઘાની આ જગ્યા માટે ફક્ત 50 હજારમાં ટપક સિંચાઈ ઉભી કરવામાં આવી. આજે એક જ સ્વિચ પર બધા જ ઝાડને સાથે પાણી મળવા લાગ્યું છે તે પણ કોઈ સમસ્યા વગર.

એક શિકારીને સન્માનજનક જિંદગી જીવતો કર્યો
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, શરૂઆતમાં ઝાડ વાવેલા તે વખતે બે ત્રણ વખત મોડી રાત્રે નીલગાયોએ બધા ઝાડને નુકસાન કરેલું જેના કારણે ઘણા રોપાઓ વ્યવસ્થિત વધેલા હતા તે પણ ખવાઈ ગયેલા. આ વાતના સમાધાન માટે યુવાનો દ્વારા એક ઉકેલ તો શોધવામાં આવ્યો પણ તે ઉકેલની સાથે માનવતાવાદી કાર્ય પણ જોડાયેલું હતું. કેમકે યુવાનોએ આ જગ્યાની દેખરેખ માટે અને નીલગાય દ્વારા ભવિષ્ય્માં આ રીતનું કોઈ નુકસાન ન થાય તે માટે ગામની સીમમાં રહેતા સલીમનો સંપર્ક કરવામાં આવ્યો જેનો બાપ દાદાનો વર્ષોથી વ્યવસાય ડફેર એટલે કે એક શિકારી તરીકેનો રહેલો હતો. સલીમને મળીને ગામના યુવાનોએ એક જ શરત મૂકી કે તને ફક્ત રાત્રિની ચોકીદારીના દર મહિને 3000 રૂપિયા પગાર આપીશું પણ તારે આજથી જ આ ડફેર પ્રવૃત્તિ મૂકી દેવી. શરૂઆતમાં સલીમ ખચકાયો પણ આખરે તેને યુવાનો દ્વારા તેના માટે એક સન્માનજનક જિંદગી જીવવા માટે કરવામાં આવેલ આ ઓફરને સ્વીકારી અને તે રાત્રી ચોકી માટે કોઈપણ હથિયાર વગર ફક્ત હાકોટા દ્વારા જ નીલગાયોને આ જગ્યાથી દૂર રાખવા માટે કામ પર લાગ્યો. આજે સલીમ છેલ્લા દોઢ વર્ષથી આ કાર્ય તો સાંભળે જ છે સાથે ગામના એક વ્યક્તિની જમીન પણ વાવી રહ્યો છે આમ તેને તેની પાછળની જિંદગીને ક્યાંય પાછળ મૂકી પોતાના માટે એક નવી હકારાત્મક શરૂઆત કરી છે.
આમ છેલ્લે તેઓ કહે છે અત્યાર સુધી આ કાર્ય પાછળ લગભગ 4 થી 5 લાખનો ખર્ચ થઇ ગયો છે. તે બાબતે શરૂઆતથી જ ખબર હતી કે આ કાર્ય થોડું મોટું છે અને તેથી જ પૈસાની પણ જરૂરિયાત તો રહેશે જ માટે ગામના લોકોએ આ કાર્ય માટે 70 હજાર આસપાસ ફાળો એકત્રિત કરીને આપ્યો અને તે સિવાય ગામના નોકરિયાત તથા વેપારી વર્ગે જયારે પણ જરૂર જણાઈ ત્યારે આર્થિક મદદ ચાલુ રાખી જે હજી પણ ચાલું જ છે.

આજે આ જગ્યાના નિર્માણને દોઢ વર્ષ થઇ ગયું છે અને ત્યાં વાવવામાં આવેલા 2000 વૃક્ષમાંથી 1500 જેટલા વૃક્ષ યુવાનોની દેખરેખ હેઠળ વ્યવસ્થિત વિકાસ પામી રહ્યા છે જેમાં કેટલાક તો અત્યારે 5 – 7 ફૂટ ઊંચાઈના થઇ ગયા છે.
જો તમે પણ આ કાર્ય વિષે હજી વધુ વિગતવાર જાણવા ઈચ્છો છો તો કાર્ય સાથે સંકળાયેલા એક વ્યક્તિ રાજેશભાઈ જોશીનો 9998123535 નંબર દ્વારા સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બોટાદના રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસરે 1200 ઝાડ વાવી વેરાન સ્મશાનને બનાવી દીધું નંદનવન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.