Powered by

Home હટકે વ્યવસાય US રિટર્ન 'ફકિરા' IIM ના ગેટ પર મારુતિ 800 માં બર્ગર વેચી કરાવે છે પત્નીના કેન્સરની સારવાર

US રિટર્ન 'ફકિરા' IIM ના ગેટ પર મારુતિ 800 માં બર્ગર વેચી કરાવે છે પત્નીના કેન્સરની સારવાર

પત્નીની કેન્સરની સારવાર માટે અમેરિકાથી અમદાવાદ આવનાર પાર્થિવ ઠક્કરે કોરોનાકાળમાં મુશ્કેલીઓમાં ઘેરાતાં જૂની મારુતિ 800 માં IIM-A ના દરવાજા બહાર બર્ગર, ટાકોસ, ટોર્ટીલાસ અને સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું. આજે પત્નીની દવાઓનો ખર્ચ કાઢવાની સાથે-સાથે પરિવારનો ખર્ચ પણ નીકળે છે આમાંથી.

By Kishan Dave
New Update
Success Story Of Parthiv Thakkar

Success Story Of Parthiv Thakkar

પત્નીને કેન્સર હોવાનું નિદાન થયા બાદ અમેરિકાથી ભારત પરત આવેલા ઉદ્યોગસાહસિક પાર્થિવ ઠક્કરે IIM અમદાવાદની બહાર 'ફકીરા' બર્ગરવાલાની શરૂઆત સ્વાદિષ્ટ બર્ગર, બુરિટો, ટેકો, ટોર્ટિલા અને સેન્ડવીચ વેચવા માટે કરી હતી. ત્રણ દાયકા જૂની મારુતિ 800 અને પોતાની ઈચ્છાઓને સાર્થક કરવાની આશાથી સજ્જ પાર્થિવ ઠક્કર (47), જેમને ફકીરા બર્ગર વાલા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે મે 2020 માં પોતાનો ખાદ્ય વ્યવસાય શરૂ કર્યો હતો. અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા, તેઓ યુનાઇટેડ કિંગડમ ગયા ત્યારે ફક્ત 21 વર્ષના હતા, અને તે દેશમાં તેમણે દસ વર્ષ ગાળ્યાં.

પાર્થિવ એક વ્યાવસાયિક ડ્રમર અને ગાયક છે જેમણે યુકે અને યુ.એસ.માં ઘણાં સ્થળોએ કામ કર્યું છે, જ્યારે તેમની પત્નીને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમને 2020 માં ભારત પરત ફરવું પડ્યું.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તે કહે છે, " જયારે હું વિદેશમાં હતો ત્યારે મારા કામની પ્રકૃતિને જોતાં, હું ફક્ત સાંજે જ મારા શોમાં વ્યસ્ત રહેતો, અને તેથી મેં પબમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાં જ રહી ત્યાંના લોકપ્રિય. બર્ગર, હોટડોગ્સ અને અન્ય ચીજો બનાવવાનું પણ શીખ્યો”. જ્યારે પાર્થિવ ભારત પરત ફર્યા અને કામ શોધવાનું શરૂ કર્યું ત્યારે આ અનુભવનો સારો ઉપયોગ થયો. “તે એક કમનસીબ સમય હતો. મારી પત્ની સારવારમાંથી પસાર થઈ રહી હતી, COVID-19 કેસ વધી રહ્યા હતા, આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને અહીં ભારતમાં, મારી બચત ધીરે ધીરે ઘટી રહી હતી. મારી પુત્રી અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટની બહાર ઉભા રહેતા ફૂડ સ્ટોલ પર નિયમિત જતી હતી, તેણે જ મને સૂચવ્યું કે મારે આ વ્યવસાય શરૂ કરવો જોઈએ અને એવા સમયે તે એક સલાહકાર તરીકે ઉભરી આવી જ્યારે મને લાગતું હતું કે હું બધું ગુમાવી રહ્યો છું."

Street Food Business By Parthiv Thakkar
Parthiv Thakkar

'કોવિડ -19 એ મારા જીવન પર બ્રેક લગાવી'
“એક કલાકાર તરીકે, કોવિડ -19 એ મને ખૂબ સખત ફટકો માર્યો. સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હોવાથી, કોઈ શો થતો ન હતો, જેના પરિણામે લાંબા સમય સુધી કોઈ આવક થતી ન હતી. આ સ્થિતિએ મારા વધતા જતા તબીબી ખર્ચની સાથે, ભારતમાં પરિવારની રહેવાની સ્થિતિ અને મને બંનેને ભયંકર સ્થિતિમાં મૂકી દીધા હતા”. “આ વ્યવસાય શરૂ કરતા પહેલા, મેં આ વિસ્તારમાં ફૂડ સ્ટોલ પર જાતે જ સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે કોઈ પણ બર્ગર વેચતું નથી. મને પરોઠા અને ચાટના સ્ટોલ પુષ્કળ પ્રમાણમાં મળ્યા, તેથી અન્ય લોકો જે કરી રહ્યા હતા તેના કરતા મેં મેક્સિકન અને અમેરિકન ફાસ્ટ ફૂડ પસંદ કર્યું. તે એક નવીનતા જેવું જ કંઈક હતું જે આ વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ નથી”. ધંધો શરૂ કર્યા પછી લગભગ ત્રણ મહિના સુધી તેમને કોઈ નફો ન થયો અને એવું પણ ના લાગ્યું કે તે આ ધંધામાં વ્યવસ્થિત પગપેસારો કરી શક્યા છે.“ સદ્ભાગ્યે મારે શરૂઆતમાં વધારે રોકાણ કરવાની જરૂર નહોતી. મેં સર્વિસ કરેલી કારમાં જ આ ધંધો શરુ કરવાનું નક્કી કર્યું અને તેનો ઉપયોગથી જ તમામ વસ્તુઓને અહીંયાથી ત્યાં એમ વેચવાનું શરુ કર્યું. આનાથી ઘણા પૈસા બચ્યા જે મારે જગ્યા માટે ભાડા તરીકે ચૂકવવા પડ્યા હોત,” તેઓ કહે છે. ફક્ત એક સીટને કાઢી બીજી બધી સીટને જેમની તેમ રાખવામાં આવી. “મેં કારને નવેસરથી તૈયાર કરવા અને તેને મૂવિંગ કિચન તરીકે ફેરવવા માટે લગભગ 18,000 રૂપિયા ખર્ચ્યા. તેને સેટ કરવા માટે મને દરરોજ સવારે પાંચ મિનિટ લાગે છે અને જ્યારે હું સાંજે પરત ફરું છું. ત્યારે બધું વ્યવસ્થિત કરતા દરરોજ થોડી વધારાની મિનિટો લાગે છે,” તેઓ ઉમેરે છે.

US Returned NRI
Parthiv’s wife during chemotherapy

પાર્થિવ દરરોજ સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી IIM-A કેમ્પસ (જૂના દરવાજા) ની બહાર મળી રહે છે, અને કોઈ પણ ત્યાંથી મેક્સીકન બુરિટો, ટેકોસ, ટોર્ટિલા, સેન્ડવીચ અને બર્ગર મંગાવી શકે છે.
વેજીટેબલ બર્ગરની કિંમત 60 રૂપિયાથી શરૂ થાય છે અને જમ્બો બર્ગરની કિંમત 250 રૂપિયા સુધી છે. “પહેલા, હું ચીઝ, માખણ અને બન્સ ખરીદતો અને શરૂઆતમાં ત્રણ મહિના માટે તો તે બધું ઘરે પાછું લઈ જવું પડતું. જોકે, મેં દરરોજ દુકાન ચલાવવાનું ચાલુ રાખ્યું એ આશામાં કે બધું જલ્દીથી સારું થઈ જશે. ખુબ જ ટૂંક સમયમાં ધીરે ધીરે પ્રસિદ્ધિ વધવા લાગી અને મારા દ્વારા બનાવીને વેચવામાં આવતી આ ચીજ વસ્તુની માંગણી પણ. સપ્ટેમ્બર 2020 સુધીમાં લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા. આગળ જતા પૈસા કમાઈને વ્યક્તિગત બચત કરવાને બદલે તે પૈસાને મારા આ ધંધાને આગળ ધપાવવા માટે તેમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું." પાર્થિવે સફળતાનો શ્રેય સોશિયલ મીડિયા દ્વારા મળેલી પ્રસિદ્ધિને આપ્યો અને કહ્યું કે તેમના સંખ્યાબંધ ગ્રાહકો તેમના સ્ટોલના વીડિયો બનાવતા અને તેને તેમના વ્યક્તિગત પેજ પર અપલોડ કરતા. "તેના જ કારણે મને ઘણી પ્રસિદ્ધિ મળી, અને ટૂંક સમયમાં, લોકો મારી સાથે વાતચીત કરવા લાગ્યા અને હું જે કરી રહ્યો હતો તે શા માટે કરું છું તે વિશે વધુ જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા."

Fakira Burgerwala
Have you been here yet?

તે કહે છે કે તેઓ દરરોજ 100 બર્ગર બન્સ લાવે છે અને મોટાભાગે તો તેમાંના બધા જ બન્સ વપરાઈ પણ જાય છે.
“હું ક્યારેય 100 થી વધારે વેચવાનું સપનું નથી જોતો કારણકે હું આટલા વેચાણથી ખુશ છું. મારુ લક્ષ્ય ફક્ત એ સુનિશ્ચિત કરવાનું છે કે હું જે બર્ગર વેચું છું તે દરેક સમાન ગુણવત્તાયુક્ત હોય અને તે માટે હું તેમાં કોઈ સમાધાન કરતો નથી." પાર્થિવ સાંજે આવીને સૂતાં પહેલાં જ બીજા દિવસની તૈયારી શરૂ કરે છે અને દરરોજ સવારે 7.30 વાગ્યે ઉઠીને તે જ દિવસની તૈયારીનું કામ પૂરું કરે છે. તે કહે છે, “સવારે 9 વાગ્યા સુધીમાં, કાર આઈઆઈએમ-એ ગેટની બહાર પાર્ક થઇ જાય છે. ત્યાં સર્વિસમાં મદદ મળે તે હેતુથી મેં એક વ્યક્તિને પગાર પર પણ રાખ્યો છે જેથી હું બપોર સુધીમાં મારા ઘરના જરૂરી બીજા કામ આટોપી લઉં છું અને બપોરે 2 વાગ્યે આ સ્થળ પર પાછો ફરું છું અને અમે દરરોજ રાત્રે 10 વાગ્યે અમારું આ બર્ગર વેચવાનું કામ આટોપી લઈએ છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલા વર્ષો વિદેશમાં રહ્યા બાદ અત્યારે તેઓ ભારતમાં કેવા પ્રકારનું પરિવર્તન જોઈ રહ્યા છે, તો તે ઝડપથી જવાબ આપે છે કે, “યુવાનો ખૂબ સારી રીતે વાતચીત કરી રહ્યા છે અને હું જે કામ કરી રહ્યો છું તેના માટે ખૂબ જ આદર કરે છે. મેં તેમને માત્ર મને પ્રોત્સાહિત કરતા અને બિઝનેસ વધારવામાં મદદ કરતા જોયા છે.” તે કહે છે કે આજે, આ ધંધો તેમના માટે પૂરતા પૈસા કમાઈ આપે છે જેમાંથી તે આ ફૂડ કાર્ટમાં થોડું ઘણું રોકાણ કરવાની સાથે સાથે આરામદાયક જીવન જીવી શકે છે. તેઓ આગળ કહે છે કે,"હું યુએસ અને યુકેમાં જે જીવન જીવી રહ્યો હતો તેની સાથે આ જિંદગીની સરખામણી ક્યારેય કરતો નથી પરંતુ અહીં હું જે કંઈ પણ બનાવવામાં સફળ થયો છું તેનાથી ખુબ ખુશ છું. અને મને એ બાબતનો ગર્વ છે કે સંઘર્ષના સમયમાં હું મારા પરિવાર માટે તેમની સાથે ઉભો રહી જિંદગીને આગળ ધપાવવામાં સફળ રહ્યો છું."

છેલ્લે તેઓ એટલું જ કહે છે કે, “હું આભારી છું કે હું મારી જાતને ફરીથી શોધવામાં અને પોતાની તથા પરિવારની સન્માન પૂર્વક જિંદગી જીવવાની અપેક્ષાને આરક્ષિત કરવામાં સફળ રહ્યો છું. હું ક્યારેય લાલચુ બનવા માંગતો નથી અને દરરોજ જે વેચાણ કરું છું તેનાથી સંતુષ્ટ છું.”

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:જૂનાગઢની શિક્ષિકાએ શોખને બનાવ્યો વ્યવસાય, તેમની સુગરફ્રી ચોકલેટ મંગાવે છે લોકો દૂર-દૂરથી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Tags: Street Food Business Fakira Burgerwala US Returned NRI Parthiv Thakkar Food Entrepreneur Ahmedabad Startup IIM Ahmedabad success story Gujarat