Powered by

Home આધુનિક ખેતી નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનું

નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનું

મુશ્કેલીમાં રસ્તો કાઢ્યો આ મહિલા ખેડૂતે, વાવાઝોડામાં કેરીઓ પડી ગઈ તો શરૂ કર્યાં અથાણાં, મુરબ્બો અને આમચૂર પાવડર બનાવવાનું. નવસારીનાં ભવનિતાબેને વાવાઝોડામાં પડી ગયેલ કેરીઓને મફતના ભાવે વેચવાની જગ્યાએ શોધ્યો નવો જ રસ્તો

By Nisha Jansari
New Update
Bhavnitaben

Bhavnitaben

ગુજરાતીઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનો રસ્તો શોધી કાઢવામાં પાવરધા ગણાય છે. આફતને પણ અવસરમાં ફેરવી નાખે તેને જ તો ખરા ગુજરાતી કહેવાય.

આવી જ એક ગરવી ગુજરાતણ અંગે જણાવી રહ્યા છીએ આજે અમે. તાજેતરમાં આવેલ તાઉ-તે વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. તેમાં પણ બાગાયતી ખેતી કરતા ખેડૂતોનો તો 90% પાક પડી ગયો. થોડા સમય પહેલાં સુધી જે એકમણ કેસર કેરીના 1000 રૂપિયા આવતા હતા, તે જ કેરી આમ વરસાદ અને વાવાઝોડાના કારણે અચાનક પડી જવાના કારણે ખેડૂતો માટે આફત બની. વ્યાપારીઓ ખેડૂતો પાસે એક મણ એટલે કે, 20 કિલોના માત્ર 100-150 રૂપિયા આપીને ખરીદવા લાગ્યા. આખા વર્ષની મહેનત જાણે પાણીમાં ગઈ હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યાં, નવસારીની એક મહિલા ખેડૂતે આમાંથી પણ પોતાનો રસ્તો શોધી કાઢ્યો.

નવસારી તાલુકાના બોરિયાસ ગામનાં મહિલા ખેડૂત ભવનિતાબેન નવીનભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી પોતાની પાંચ વિઘા જમીનમાં ઑર્ગેનિક ખેતી કરે છે. માંડ 50 ઘરના નાનકડા ગામમાં રહેતાં ભવનિતાબેન કેરી, ચીકુ અને શેરડીનું વાવેતર કરે છે. પરિવારના સાતેય સભ્યો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે અને આશરે 55 જેટલા આંબામાંથી તેમને 25 મણ કરતાં વધારે કેરીની આવક થાય છે, દર વર્ષે, પરંતુ આ વર્ષે હજી સિઝન બરાબર શરૂ જ થઈ ત્યાં વાવાઝોડાના કારણે 90 ટકા કેરીઓ ખરી પડી. કેરીની સિઝન જ આ ખેડૂતો માટે આવકનો સૌથી સારો સમય હોય છે ત્યાં અચાનક આ આફત તેમના માટે બહુ મોટી મુશ્કેલી બની ગઈ.

Gujarat Farmer

હિંમત હારે તે ગુજરાતી ન કહેવાય!
આખો દિવસ ખેતી અને પશુપાલનમાં વ્યસ્ત રહેતાં ભવનિતાબેન માંઠ રાત્રે 8 વાગે નવરાં પડે ત્યાં તેમની સાથે વાત કરવાની તક મળી. ધ બેટર ઈન્ડિયાને ભવનિતાબેને કહ્યું, "આ વખતે આંબા પર ફ્લાવરિંગ સારું થયું એટલે અમને આશા હતી કે આ ઉનાળામાં કેરીથી કમાણી સારી થશે. આ ઉપરાંત શરૂઆતના થોડા દિવસમાં સારો પાક ઉતર્યો પણ ખરો અને ભાવ પણ સારો મળ્યો, પરંતુ અચાનક આવેલ આ વાવાઝોડાએ વિનાશ કર્યો અને સાથે-સાથે સૌનાં સપનાં પણ રોળ્યાં."

AP Culture

ખેડૂતોની મદદે આવી કૃષિ યુનિવર્સિટી
નવસારી જિલ્લામાં કેરીના પાકને થયેલ નુકસાનને જોતાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ એક એડવાઈઝરી જાહેર કરી. જેમાં ખેડૂતોને થયેલ નુકસાનને સરભર કરવા કેટલાક નવા પ્રયોગો કરવાનાં સૂચનો આપવામાં આવ્યાં. વેબિનાર કરી ખેડૂતોને ભેગા કર્યા અને ખેડૂતોને આ સમયે નુકસાન ઓછું કરવા શું-શું કરી શકાય તે અંગેની માહિતી અને સલાહ આપવામાં આવી. બસ આ જ વેબિનારે દિશા બદલી ભવનિતાબેનના જીવનની. ભવનિતાબેને નક્કી કરી દીધું કે, હવે તેઓ સસ્તામાં કેરીઓ નહીં વેચે. આ ખરી પડેલ કેરીઓમાં અથાણાં, ચીપ્સ તેમજ આમચૂર પાવડર બનાવશે અને લોકો સુધી તેમની જાતે બનાવેલ આ સારી ગુણવત્તાનાં ઉત્પાદનો જાતે જ પહોંચાડશે.

આ બાબતે વધુમાં વાત કરતાં ભવનિતાબેને કહ્યું, "90 ટકા કેરી પડી જતાં આવક તો લગભગ શૂન્ય જ થઈ ગઈ હતી. આવા સમયે ખેડૂતોની કમર તૂટી ન જાય એ માટે નવસારી યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અથાણાં, આમચૂર પાવડર વગેરે કેવી રીતે બનાવવાં તેમજ તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું શીખવાડવામાં આવ્યું. એટલે અમે નક્કી કર્યું કે, અમે ગળ્યું અથાણું, તીખું અથાણું, મુરબ્બો, આંબોળીયાં અને આમચૂર પાવડર બનાવીએ અને તેમની દેરાણી નીલમબેન અને મિત્ર જાગૃતિબેન સાથે મળીને કામ શરૂ પણ કરી દીધું."

Gujarati News

એક તરફ ખેતરમાં બધુ નાશ પામ્યું ત્યાં બધી મહેનત ફરીથી કરવાની, પશુ પાલન કરવાનું અને આ બધાં ઉત્પાદનો પણ બનાવવાં, એટલે રોજ રાત્રે ઘરના સભ્યો મળીને સારી ગુણવત્તાનાં ઉત્પાદનો બનાવવાનાં શરૂ કર્યાં. હવે તેઓ તેનું યોગ્ય પેકિંગ કરીને લોકો સુધી પહોંચાડશે. અને હવે તેમને આશા છે કે, આ બધાથી તેમનું નુકસાન અડધું તો ચોક્કસથી કરી શકાશે.

આવા મુશ્કેલ સમયમાં કૃષિ યુનિવર્સિટી પણ ખેડૂતોની પડખે ઊભી રહી અને તેમને પોતાનો પાક સસ્તામાં વેચી મારવાની જગ્યાએ નવા ઉપાયો સૂચવ્યા એ પણ ખરેખર કાબિલેતરીફ પગલું છે. તો મુશ્કેલ સમયમાં હતાશ થઈને બેસવા કરતાં અવનવો રસ્તા શોધી બીજાને પણ પ્રેરણા પૂરી પાડતા ભવનીતાબેન પણ આપણા સૌના માટે પ્રેરણા છે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને ભવિષ્યમાં તમે ભનવીતાબેનનાં ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા હોવ તો તેમને 70462 45084 નંબર પર કૉલ કરી શકો છો.

આ પણ વાંચો:મકાઈનાં છોતરાંમાંથી બનાવી Eco-Friendly Pen, કિંમત માત્ર 10 રૂપિયા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.