આખા દેશના ખેડૂતો માટે પ્રેરણા બનેલ દિવ્યાંગ ખેડૂતને મળી ચૂક્યા છે પદ્મશ્રી સહિત અનેક અવોર્ડ, બનાસકાંઠામાં ઉગાડે છે દાડમ

આખા દેશના ખેડૂતો માટે પ્રેરણા બનેલ દિવ્યાંગ ખેડૂતને મળી ચૂક્યા છે પદ્મશ્રી સહિત અનેક અવોર્ડ, બનાસકાંઠામાં ઉગાડે છે દાડમ

આજે ગેનાભાઈના પ્રયત્નોથી તેમના જિલ્લામાં ઉગતાં દાડમ દુબઈ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને પણ બહુ સારી કમાણી થઈ રહી છે.

દીપા કર્માકર, વિરાટ કોહલી અને સંજીવ કપૂરને જે વર્ષે પદ્મશ્રી અવોર્ડ મળ્યો એ જ વર્ષે ગુજરાતની એક એવી વ્યક્તિને પણ આ અવોર્ડ મળ્યો હતો, જેને બહુ ઓછા લોકો ઓળખે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગોલિયા ગામના દિવ્યાંગ ગેનાભાઈને પણ પદ્મશ્રી અવોર્ડ મળ્યો તેમની મહેનત અને દ્રઢ નિશ્ચયના કારણે.

જન્મથી જ બે પગે પોલિયો સાથે જન્મેલ ગેનાભાઇ હસતાં-હસતાં જણાવે છે, “પડકારો વગર જીવન નથી અને પડકારો વગર જીવન જીવવાની મજા પણ નથી. જ્યાં લોકો અટકી પડે છે, ત્યાંથી જ હું શરૂઆત કરું છું. મને એવું ક્યારેય નથી લાગતું કે, એવું પણ કઈં છે, જેને હું ન કરી શકું. જેને તમે અંગ્રેજીમાં એમ કહો છો ને, ‘There is no word called impossible in my dictionary.’”

ચાર ભાઈ અને એક બહેનમાં ગેનાભાઈ સૌથી નાના છે. બાળપણથી જ તેમના ભાઈઓ તેમના પિતાને ખેતીમાં મદદ કરતા હતા. જોકે ગેનાભાઈના પિતા એમ ઈચ્છતા હતા કે, તેઓ ભણે, કારણકે પોલિયોના કારણે તેમને તેઓ ખેતી કરી શકે તેવું લાગતું નહોંતું. બાળપણમાં જ તેમને ગામથી 30 કિમી દૂર આવેલ હોસ્ટેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને જાતે તેમની ત્રણ પૈડાંવાળી સાઈકલમાં શાળામાં જવું પડતું હતું. તેઓ ત્યાં બારમા ધોરણ સુધી ભણ્યા. તેમના માતા-પિતા ભણેલા નહોંતા એટલે તેમને પણ ખબર નહોંતી કે આગળ શું ભણાવવા અને કેવી રીતે ભણાવવા એટલે ગેનાભાઈ ગામમાં પાછા આવી ગયા.

લોકો એમજ માનતા હતા કે, ગેનાભાઈ તેમના પિતા અને ભાઈઓને ખેતરમાં મદદ કરી શકે તેમ નથી, છતાં ગેનાભાઈ તેમની સાથે જતા. જ્યાં તેમને સમજાઇ ગયું કે, તેઓ પણ ખેતરમાં એક કામ કરી શકે તેમ છે, અને તે છે ટ્રેક્ટર ચલાવવું. તેઓ ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને સાથે-સાથે ક્લચ અને બ્રેક પણ હાથથી મેનેજ કરતાં શીખ્યા.

Organic Farming
Genabhai in his farm

પછી તો ગેનાભાઈ તેમના ગામના શ્રેષ્ઠ ટ્રેક્ટર ડ્રાઇવર બની ગયા.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગેનાભાઈએ કહ્યું, “મારા પિતા પરંપરાગત ખેતી કરતા હતા. તેઓ ઘઉં, બાજરી અને બીજા પરંપરાગત પાક ઉગાડતા હતા, જે સામાન્ય રીતે ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. તે સમયે પિયત માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નહોંતો, અને ખેડૂતો બોરકૂવા માધ્યમથી ધોરિયા પદ્ધતિથી પાણી પાતા હતા. હું ખેતી કરવા ઇચ્છતો હતો અને હું કોઈ એવો પાક વાવવા ઇચ્છતો હતો કે, એક વાર વાવ્યા બાદ પણ હું મારી દિવ્યાંગતા છતાં લાંબા સમય સુધી તેમાંથી ઉપજ મેળવી શકું.”

ત્યારબાદ ગેનાભાઈએ આવા પાક વિશે સંશોધન શરૂ કર્યું. શરૂઆતમાં ગેનાભાઈએ આંબા વાવવાનું વિચાર્યું, પરંતુ વાતાવરણમાં બદલાવ આવે તો પણ આંબાનાં ફૂલ ખરી જાય છે અને પછી ખેડૂતે બીજી સિઝન સુધી તેની રાહ જોવી પડે છે. આ અંગે વધુ મદદ માટે ગેનાભાઈએ સ્થાનિક ખેતી અધિકારીનો સંપર્ક કર્યો. તેમણે કૃષિ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી અને સરકારના કૃષિ મેળામાંથી પણ માહિતી ભેગી કરી. તેઓ લગભગ 3 મહિના સુધી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા અને છેવટે એક તારણ પર આવ્યા. તેમણે જોયું કે, મહારાષ્ટ્રમાં લગભગ ગુજરાત જેવું જ વાતાવરણ હોય છે અને ત્યાંના ખેડૂતો દાડમ ઉગાડે છે. આંબામાં કેરી વર્ષમાં માત્ર એકજ સિઝનમાં આવે છે, જ્યારે દાડમ આખુ વર્ષ આવે છે અને તેને વધારે દેખભાળની પણ જરૂર નથી પડતી.

વર્ષ 2004 માં ગેનાભાઈ મહારાષ્ટ્રથી દાડમના 18,000 છોડ લાવ્યા અને ભાઈઓની મદદથી તેને ખેતરમાં વાવ્યા.

Pomegranate Farming
Pomegranate Farming

વધુમાં ગેનાભાઈએ કહ્યું, “અમારા આખા જિલ્લામાં કોઇ ખેડૂતે દાડમ વાવ્યાં નહોંતાં, એટલે બીજા લોકો મને ગાંડો જ સમજતા. પરંતુ ખેડૂતની આંખો ક્યારેય નિષ્ફળતાથી હારતી નથી અને મને ખબર જ હતી કે, મારા ખેતરમાં દાડમ ઉગશે. મારા ભાઈઓ અને ભત્રીજાઓએ પણ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને સંપૂર્ણ સહયોગ આપ્યો.”

બે જ વર્ષમાં ગેનાભાઈએ પોતાની જાતને સાચી સાબીત કરી દીધી અને વર્ષ 2007 માં તો તેમના દાડમના છોડ પર દાડમ આવવા પણ લાગ્યાં. તેમની સફળતા જોઇ બીજા કેટલાક ખેડૂતોએ પણ દાડમ વાવ્યાં. પરંતુ હવે આ ફળોને વેચવાની પણ એક સમસ્યા હતી, કારણકે આખા રાજ્યમાં દાડમના વેચાણ માટે કોઈ માર્કેટ નહોંતુ. પછી ગેનાભાઈએ બનાસકાંઠાનો દાડમનો બધો જ પાક ભેગો કર્યો અને તેને ટ્રકોમાં ભરી જયપુર અને દિલ્હીના માર્કેટોમાં વેચવાનો શરૂ કર્યો, પરંતુ આ કાયમી ઉકેલ નહોંતો. તેમને ટ્રેડર્સની જરૂર હતી, જેઓ તેમના ખેતરમાંથી પાક સીધો જ લઈ જાય.

વધુમાં હસતાં-હસતાં કહ્યું, “ટ્રેડર્સ તો જ અમારી પાસેથી ખરીદશે, જો અમે તેમને પૂરતા પ્રમાણમાં પાક બતાવી શકીએ, અહીં અમે પણ તેમની સાથે ગેમ રમ્યા. અમે બધા જ ખેડૂતોને અલગ-અલગ ખેતરમાં અલગ-અલગ જગ્યાએ બેસવાનું કહ્યું. એટલે અમે કેટલાંક ખેતરો એક કરતાં વધારે વાર બતાવ્યાં તેમને. આમ અમે તેમને કુલ 100 ખેતર બતાવ્યાં, જ્યારે વાસ્તવમાં 40 ખેતરો જ હતાં. એટલે ટ્રેડર્સને વિશ્વાસ આવી ગયો કે, અમારી પાસે બહુ મોટો સ્ટોક છે અને અમને અમારો પહેલો ઓર્ડર મળી ગયો.”

પહેલા ઓર્ડરમાં 42 રૂપિયે કિલોના ભાવે દાડમ વેચાયાં. લગભગ 5 હેક્ટર જમીનમાંથી 54,000 કિલો દાડમની ફસલ મળી. એટલે અમને લગભગ રોકાણની સરખામણીમાં 10 લાખનો નફો મળ્યો.

Organic Farming
Pomegranate Farming

વધુમાં ગેનાભાઈએ કહ્યું, “સામાન્ય રીતે એક ખેડૂત એક એકર દીઠ 20  થી 25 હજારની કમાણી કરે છે. પરંતુ મારા વાવેતરથી મને 10 લાખનો નફો થયો.”

તેમને જોઇએ, ગામના બીજા પણ ઘણા ખેડૂતોએ તેમનું અનુકરણ કરવાનું શરૂ કર્યું અને પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળી બાગાયતી ખેતી તરફ વળ્યા. ગેનાભાઈએ ગામલોકોની મદદ માટે વર્કશોપ કરવાના પણ શરૂ કર્યા, જ્યાં તેઓ કૃષિ વૈજ્ઞાનિકો અને જેઓ એક્સપર્ટને પણ બોલાવતા, દાડમની ફસલ અંગે વધુ સમજ આપતા. જેના કારણે પૂરતી માહિતીના અભાવે ગેનાભાઈથી જે ભૂલો થઈ એ ભૂલો બીજા ખેડૂતોથી ન થાય.

જોકે સમસ્યાઓ અહીં પૂરી ન થઈ. એક સમય એવો આવ્યો જ્યારે આખા જિલ્લામાં પાણીનું સ્તર બહુ નીચું જતું રહ્યું અને પાણીનો દુષ્કાળ સર્જાયો. પરંતુ ગેનાભાઈની તો વાત જ નિરાળી છે. તેઓ એમજ વિચારે છે કે, દરેક વસ્તુ કોઈને કોઈ કારણસર જ થાય છે અને તેમણે દાડમનાં ખેતરોમાં ધોરિયા પદ્ધતિ છોડી ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ શરૂ કરી.

આ અંગે જણાવતાં ગેનાભાઈએ કહ્યું, “તે સમયે અમને ટપક સિંચાઈ પદ્ધતિ સેટ કરાવવામાં 50% સબસિડી મળી હતી, જે અત્યારે 80% મળે છે. સરકારે દાડમના ખેડૂતોને 42,000 રૂપિયાની બીજી સબસિડી પણ આપી. બસ આ જ ફાયદાનો લાભ લઈ અમે દાડમનાં ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ સેટ કરી દીધી.”

આજે ગેનાભાઈના પ્રયત્નો સફળ થયા અને તેમના જિલ્લામાં થતાં દાડમની દુબઈ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે, જેથી ખેડૂતોને પણ બહુ સારો ફાયદો મળી રહ્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસાની મુલાકાત લીધી ત્યારે તેમણે પણ ગેનાભાઈનાં વખાણ કર્યાં હતાં તેમના એક ભાષણમાં.

ખેડૂતો તેમની વર્તમાન પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકે એ અંગે વાત કરતાં ગેનાભાઈએ કહ્યું, “હું ખેડૂતોને પરંપરાગત પાક અને પરંપરાગત ખેતીથી આગળ વિચારવાની સલાહ આપું છું. દરેક ખેડૂત પાસે ઓછામાં ઓછી બે ગાય તો હોવી જ જોઈએ, જેથી તેઓ તેમનું પોતાનું છાણીયું ખાતર બનાવી શકે. રસાયણિક ખાતરના ઉપયોગથી નકામો ખર્ચ વધે છે. વધુમાં જો તેઓ માર્કેટની માંગ આધારે પાક વાવશે તો તેમની ફસલ વિદેશમાં પણ નિકાસ થશે, જેના કારણે તેમની સાથે-સાથે દેશને પણ ફાયદો થશે, ડૉલરમાં કમાણી થશે.”

વધુમાં હસતાં-હસતાં જણાવ્યું, “જો ખેડૂતો સારું કમાતા થઈ જાય તો તો પછી કહેવાનું જ શું? અમે પણ અમારો કૉલર ઊંચો રાખીને ચાલી શકીએ.”

ગેનાભાઈને 18 કરતાં પણ વધારે રાજ્ય કક્ષાના અવોર્ડ્સ અને ઘણા નેશનલ સ્તરના અવોર્ડ્સ મળી ચૂક્યા છે. જો પદ્મશ્રી અવોર્ડ મેળવવું એ એમના માટે પણ સપના સમાન જ હતું.

Man ki Bat
Photo shown in Man ki Bat

તેઓ કહે છે કે, તેમને જ્યારે 26 જાન્યુઆરી, 2017 ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે અવોર્ડ મળ્યો ત્યારે તેઓ જાણે સ્વર્ગમાં હોય તેવું જ લાગતું હતું.

ત્યારબાદ 2018 માં મહામહિમ ગવર્નર શ્રીઓ.પી. કોલહી દ્વારા ગુજરાત ગૌરવ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ગેનાભાઈને. ત્યારબાદ 2018 ના રોજ ઓરિસામાં કૃષિ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બસ આટલેથી નથી અટકતી તેમની ઉપલબ્ધિઓ. 2018 માં ઈઝરાયલી એગ્રી ટેક ફેરમાં પણ સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ ગાંધીનગરમાં સમાજ રતનથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ 2019 માં મધ્ય પ્રદેશમાં વિશેષ ઉપલબ્ધિ સન્માન આપવામાં આવ્યું.

ત્યારબાદ 2019 માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાલનપુરમાં ગુજરાત કૃતિ રતન અવોર્ડથી તેમનું સન્માન કર્યું. ત્યારબાદ મે, 2019 માં ગુજરાત પ્રોગ્રેસિવ કાઉન્સિલ કેનાડા & ગુજરાતી સમાજ અમેરિકા દ્વારા તેમને ગુજરાત રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

ત્યારબાદ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચર રિસર્ચ નવી દિલ્હી તરફથી મહાત્મા મંદિર ગાંધીનગરમાં આયોજિત વૈશ્વિક ગ્લોબલ પોટોટો કોંક્લેવ 2020 અંતર્ગત ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રોકોગ્નિશન અવોર્ડ આપવામાં આવ્યો.
ગેનાભાઈની વધુ એક સફળતાની વાત કરીએ તો, માર્ચ 2020 માં રાષ્ટ્રપતિ ભવનમાં ISRN દ્વારા ભારતના 50 પ્રગતિશીલ વ્યક્તિઓમાં ગેનાભાઈને પણ સ્થાન આપવામાં આવ્યું અને અંત્યોદય વિઝન પુસ્તકમાં તેમની ખાસ સ્ટોરી છાપી મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકૈયા નાયડૂના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં તેનું વિમોચન કરવામાં આવ્યું.

ગેનાભાઈએ FBO (ફાર્મર પ્રોડક્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન) ની રચના કરી છે. જેના અંતર્ગત બીજા 7000 ખેડૂતો તેમની સાથે જોડાયા છે. જેના અંતર્ગત તેઓ ખેડૂતોનો માલ લઈને સીધો માર્કેટ સુધી પહોંચાડે છે. જેથી વચેટિયાઓ ઘટે અને ખેડૂતોને સારા ભાવ મળે.

આ ઉપરાંત તેમણે ઈન્ડિ એગ્રો ગૃપ નામે આખા દેશના ખેડૂતોનો સંઘ બનાવ્યો છે. જેના અંતર્ગત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉજ્જૈન વગેરેના એપીઓ જોડાયા તેમની સાથે. જેથી જમ્મુના એપીઓ સફરજન ખરીદીને ગુજરાત મોકલે અને અહીંથી ગુજરાતનાં દાડમ અને અન્ય પેદાશો એ જ ટ્રકમાં જાય. ખેડૂતો ઘરે બેઠાં ભાવ કરે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે અને ખેડૂતોને ઘરે બેઠાં સારા ભાવ મળે. જેમાં અનાજ, ફળો, શાકભાજી, ઔષધિય પાકો, સૂકામેવા વગેરેની સીધી આપલે થાય છે. આ રીતે ખેડૂતોને પહેલાંની સરખામણીમાં બહુ સારા ભાવ મળે છે.

આ ઉપરાંત એક લાખ ખેડૂતોને સશક્ત કરવા માટે સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યો. જેના અંતર્ગત ખેડૂતો અને મહિલાઓને સશક્ત કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.

16 જાન્યુઆરી, 2021 ના રોજ ડીડી કિસાન પર ગેનાભાઇના જીવન પર બનેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ પ્રસારિત થશે, જેનું નામ છે ‘ઝૂલો આસમાન.’ તો 19 જાન્યુઆરીના રોજ ગેનાભાઈ લોકસભાના સાંસદસભ્યોને પણ માર્ગદર્શન આપશે. એક સામાન્ય ખેડૂત કડાકડાટ અંગ્રેજીમાં સાંસદોને સંબોધશે એ ખરેખર ગર્વની વાત છે.

ભવિષ્યના પ્લાન વિશે પૂછતાં તેમણે કહ્યું કે, તેઓ એક એવા ભારતનું સપનું સેવી રહ્યા છે, જ્યાં એક ખેડૂતની સફળતાને લોકો ચમત્કાર તરીકે નહીં જુએ.

જો તમે પદ્મશ્રી ગેનાભાઈ પટેલનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો તેમને [email protected] પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: માનબી કટોચ

આ પણ વાંચો: 1 કરોડ ઝાડ, 2500 ચેકડેમ: ગુજરાતના 3 જિલ્લાની વેરાન જમીનને આ વ્યક્તિએ ફેરવી હતી ઘાઢ જંગલમાં!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X