Powered by

Home અનમોલ ભારતીયો 4 કરોડ ઝાડ વાવીને બ્રહ્મપુત્રનાં તટને બનાવ્યુ જંગલ, મેક્સિકો સુધી પહોંચ્યુ જાદવનું નામ

4 કરોડ ઝાડ વાવીને બ્રહ્મપુત્રનાં તટને બનાવ્યુ જંગલ, મેક્સિકો સુધી પહોંચ્યુ જાદવનું નામ

કોઈ કામ અશક્ય નથી, તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે, જાદવ પાયેંગ. જાદવે પોતાની મહેનતથી 4 કરોડ કરતાં પણ વધારે ઝાડ વાવી, માજુલી દ્વીપ પર આખુ જંગલ ઊભુ કરી દીધું છે. જાણો કેવી રીતે કર્યો આ કમાલ.

By Mansi Patel
New Update
Forest Man Of India

Forest Man Of India

“જ્યારે હું નાનો હતો, ત્યારે કોઈએ મારી હથેળી વાંચી અને કહ્યું કે મારું જીવન પ્રકૃતિ અનુસાર ચાલશે. હસ્તરેખાશાસ્ત્રમાં સત્ય છે કે નહીં તે મને ખબર નહોતી. પરંતુ તે આગાહી સાચી પડી, મને કુદરત પ્રત્યે ઘણો પ્રેમ છે, ”ભારતના ફોરેસ્ટ મેન તરીકે જાણીતા જાદવ મોલાઈ પાયેંગનું આ કહેવુ છે.

આસામના જોરહટ જિલ્લાના રહેવાસી જાદવ પાયેંગે બ્રહ્મપુત્રા નદીના કિનારે 1,360 એકરનું જંગલ ઉભું કર્યું છે. આમ કરીને, તેઓએ હજારો વન્ય પ્રાણીઓને નિવાસસ્થાન પૂરું પાડ્યું છે એટલું જ નહીં પરંતુ પર્યાવરણીય સંરક્ષણનું અનોખું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા છે. તેમને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે આસામ કૃષિ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ (પીએચડી) ની ડિગ્રી પણ મેળવી છે.

Jadav Molai Payeng
Jadav Payeng (Source: Gaia Discovery)

પૂરનાં કારણે બદલાયો જીવનનો રસ્તો

જાદવ પાયેંગનો જન્મ 1963માં આસામના જોરહટ જિલ્લાના નાના ગામ કોકીલામુખમાં થયો હતો. તેને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે વિશેષ પ્રેમ રહ્યો છે. આસામમાં 1979 દરમિયાન ભારે પૂર આવ્યું હતું. તે સમયે, 16 વર્ષના જાદવે જોયું કે બ્રહ્મપુત્રના કિનારે ઘણા પ્રાણીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. સેંકડો મૃત સાપ રેતીમાં આવ્યા હતા અને જમીન ધોવાણને કારણે આજુબાજુની આખી હરિયાળી નદી ગળી ગઈ હતી. જેના કારણે પશુ -પક્ષીઓના રહેઠાણ છીનવાઈ ગયા હતા. આ ઘટનાએ જાદવના મન પર ઘણી અસર કરી હતી.

પછી તેણે નક્કી કર્યું કે તે ઘણાં બધાં વૃક્ષો વાવશે અને મોટું જંગલ બનાવશે. આ એટલા માટે છે કારણ કે તે શક્ય તેટલા વન્યજીવોનું રક્ષણ કરવા માંગતા હતા. જાદવે પોતાનો વિચાર ગ્રામજનો સાથે શેર કર્યો, પરંતુ ગ્રામજનો તેમના વિચાર સાથે સંમત ન થયા. કોઈ પણ સરકારી મદદ વિના આ કાર્ય કઠિન અને અશક્ય લાગતું હતું. તેમ છતાં, જાદવ પાયેંગે હાર ન માની અને જાતે જ તેની શરૂઆત કરી. શરૂઆતમાં, તેમણે 20 રોપા રોપ્યા અને ધીરે ધીરે આ સંખ્યા એટલી હદે વધી કે લગભગ 1,360 એકર જમીન વિશાળ જંગલમાં ફેરવાઈ ગઈ.

જાધવ પાયેંગને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા તેમની હિંમત અને પ્રકૃતિમાં અનુકરણીય યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને નવું નામ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા (Forest Man Of India)આપવામાં આવ્યું હતું.

Forest Man
Forest Man Of India (Source : Current Affairs Adda 247)

જાદવ પાયેંગને કેવી રીતે ઓળખ મળી?
જ્યારે ધ બેટર ઇન્ડિયા દ્વારા જાદવ પાયેંગને પૂછવામાં આવ્યું કે તેમના કામને કેવી રીતે માન્યતા મળી, ત્યારે તેમણે કહ્યું, “2009માં એક પત્રકાર અસમના માજુલી ટાપુ પર એક અહેવાલ તૈયાર કરવા આવ્યો હતો. કોઈએ તેમને કહ્યું કે અહીંથી લગભગ 20 કિલોમીટરના અંતરે જંગલ છે. એ જંગલ એક સામાન્ય માણસે બનાવ્યું છે. પહેલા તો તેમને આ બાબત થોડી વિચિત્ર લાગી, કારણ કે રેતી ભરેલી જમીન પર વન કેવી રીતે બનાવી શકાય. તે આ જંગલને જોવા અને તેને બનાવનાર માણસને મળવા માટે ઉત્સુક હતો. તેણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું.”

પાયેંગે કહ્યું, “પત્રકારો જંગલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને સમજાયું કે કોઈ તેમની પાછળ આવી રહ્યું છે. અચાનક તેણે પાછળ જોયું તો તે હું (જાદવ પાયેંગ) હતો. મેં વિચાર્યું કે આ માણસ પર કોઈ જંગલી પ્રાણી હુમલો ન કરી દે, તેથી હું તેમની પાછળ-પાછળ ચાલવા લાગ્યો હતો.”

જાદવ કહે છે કે તે પત્રકારને કારણે જ લોકોને તેમના અભિયાન વિશે ખબર પડી. જો કે, તેમાં કોઈ શંકા નથી કે જાદવે જે પણ પ્રાપ્ત કર્યું છે, તેણે પોતાની મહેનતથી કર્યું છે. આજે જાદવ પાયેંગને આખી દુનિયા ફોરેસ્ટ મેન તરીકે ઓળખે છે. કેનેડિયન ફિલ્મ નિર્માતા મેકમાસ્ટરે જાદવ પાયેંગના જીવન પર 'ફોરેસ્ટ મેન' નામની દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી છે. આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.

Nature Lover
Jadav Payeng Signing Agreement In Mexico (Source: Times Of India)

હવે જાદવ મેક્સિકોમાં વૃક્ષારોપણ કરશે
જાદવ પાયેંગનું કહેવું છે કે આ યુગમાં આપણે બધાએ સાથે મળીને પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે. તેમણે કહ્યું, “પ્રકૃતિનું રક્ષણ સૌથી વધારે જરૂરી છે. મને મેક્સિકોમાં આશરે આઠ લાખ હેક્ટર જમીન પર વૃક્ષો વાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મેક્સિકોના રાષ્ટ્રપતિએ છોડ રોપવા માટે આમંત્રણ મોકલ્યું હતું. જ્યારે મને આ આમંત્રણ મળ્યું, ત્યારે મને ગર્વ અનુભવાયો કે કુદરત માટે જે પણ કરી રહ્યો છું, તેની વાત દૂર સુધી પહોંચી રહી છે.”

તેમણે કહ્યું કે તેઓ મેક્સિકોમાં રોપાઓ રોપવા માટે હજારો વિદ્યાર્થીઓને આ અભિયાનનો ભાગ બનાવશે. જાદવ પાયેંગ અને મેક્સીકન સરકાર વચ્ચે થયેલા કરાર હેઠળ, પાયેંગે આગામી દસ વર્ષ સુધી વર્ષના છેલ્લા ત્રણ મહિના મેક્સિકોમાં રહેવાનું છે, જ્યાં તે આઠ મિલિયન હેક્ટર જમીન પર વૃક્ષો વાવશે. આ માટે તેને મેક્સિકન સરકાર દ્વારા દસ વર્ષના વિઝા આપવામાં આવ્યા છે.

ધ બેટર ઇન્ડિયા પ્રકૃતિ પ્રેમી જાદવ પાયેંગના જુસ્સાને સલામ કરે છે. અમે આશા રાખીએ છીએ કે આ કહાનીએ તમને બધાને પ્રેરણા આપી છે અને તમે તમારી આસપાસની હરિયાળી તરફ એક નાનું પગલું જરૂર ભરશો.

જો તમે જાદવ પાયેંગનો સંપર્ક કરવા માંગતા હો, તો તમે [email protected] પર ઇમેઇલ મોકલી શકો છો.

મૂળ લેખ: અંકિત કુંવર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.